અણમોલ કરજ
અણમોલ કરજ
જો મંજુ, આજે માએ ભરેલા રીંગણાનું શાક મોકલ્યું છે તે ભઈલો જરૂરથી આવશે. એને આખા ભરેલા રીંગણાનું શાક ખુબજ ભાવે છે. તે હવે આવતો હશે, થોડું શાક એના માટે રાખ. એમ કહી મોટીબેન લક્ષ્મીએ નાની બહેનને એક અલગ ડબ્બો આપ્યો કે જેમાં એણે પોતે પોતાના ભાગનું પૂરું શાક ભાઈ માટે મૂકી દીધું હતું. જ્યારે જ્યારે ભરેલા રીંગણાનું ભાથું હોતું ત્યારે આ સંવાદ અચૂક થતો.
બંને બહેનો પડોશના ગામમાં, ખાટલાના વાણ, ખેતીના ઉપયોગમાં આવતી દોરી, વરતવરતડી અને મોટા રસ્સા બનાવતા ગૃહ ઉદ્યોગમાં કામ કરતી હતી. ઉત્પાદન સુતરરેસાથી થતું હતું.
ભોજનનો સમય બપોરના સાડા બારથી દોઢ વાગ્યાનો નિર્ધારિત. બપોરના સાડા બાર વાગ્યે એક આગગાડી, જોરથી સીસોટી વગાડતી પસાર થતી, એનો ઊંચો અવાજ સાંભળી જમવા રીસેસ પડતી. બીજી ગાડી દોઢ વાગ્યે પસાર થતી તો તે સમયે રીસેસ પૂરી થતી. ક્યારેક ગાડીઓ વહેલી મોડી હોય તો તે પ્રમાણે રિસેસનો સમય વધતો કે ટૂંકો થતો.
માતાપિતા, બે બહેનો, વિધવા ભાભી, નાની ભત્રીજી, નાના બે ભાઈ, મોટા ભાઈભાભી નોકરી પર. બધાં મળી દસનું કુટુંબ. નાનો પાંચમા ધોરણમાં, એનાથી મોટો આઠમા ધોરણમાં ભણે. માધ્યમિક શાળા બહેનો કામ કરે તે ગામમાં હતી.
પિતા કામધંધાર્થે બહારગામ હોય. માતા, વિધવા ભાભી ખેતમજૂરી કરે. બંને બહેનો સવારના કામ પર જાય તે સાંજે સાત વાગે આવે. બપોરના સમયે રીસેસ પડે તેમાં સૌ કામદારો ભેગા બેસી સાથે લાવેલું ભાથું જમી લે. મોટાભાગે સૌ સવારના ભાથું બનાવી સાથે લઈ આવતા. બંને બહેનોને ગરમ ભાથું મળે તેથી નાનો ભાઈ જ્યારે શાળાએ આવે ત્યારે સાથે લેતો આવતો.
આજે શાક જોઈને મોટીબહેને નાનીબહેનને સૂચના આપી. એને ખબર હતી, નાનીબહેનને પણ રીંગણાનું શાક ખુબજ ભાવે છે. નાનીબહેન પણ ભાઈ માટે ભોગ આપવા તત્પર રહેતી. એણે પણ એના ભાગનું શાક મૂકી દીધું.
જમવા ટાણે ભાઈ આવ્યો. ભાઈને ભાથામાંના શાકની ખબર રહેતી. ઘેરથી તે જમીને આવતો પણ રીંગણ હોય ત્યારે અચૂક આવતો. બંને બહેનો ભાઈ જમી ગયા બાદ ભોજન કરતી. પણ એ ભોજન ફક્ત સૂકા રોટલાનું રહેતું. કારણ, ભાઈ બધા રીંગણ ઝાપટી જતો. એને એ ખ્યાલ ન રહેતો કે બહેનો ભૂખી રહેવાની.
દર રક્ષાબંધન તહેવારે નાનો ભાઈ બહેનોના સ્નેહને અનુરૂપ થવા પ્રયત્ન કરે છે, એ અનુભવે છે કે તે ભલે ગમે તેટલો સક્ષમ થયો હોય કે હજી થશે પણ પેલાં ભાવતાં ભાથા, બહેનોની ભાવના અને ત્યાગનું ઋણ ક્યારેય, નહિ ચૂકવી શકે.
