સુખનો સૂરજ
સુખનો સૂરજ
"સંધ્યા ઓ સંધ્યા, ક્યાં છે દીકરા ?" સુમનબેન આખા ઘરમાં સંધ્યાને શોધી વળ્યા.
અરે મા, સંધ્યા મંદિર ગઈ છે, આજે તેની અને સૂરજ ભાઈની મેરેજ એનિવર્સરી છે ને. તેમની મોટી વહુ આશા પાસે આવીને બોલી.
અરે હું તો ભૂલી જ ગઈ, અને તેમની નજર દીવાલ પર ટાંગેલા ફોટા પર પડી. તેમની આંખોમાં આંસુ આવી ગયા.
સંધ્યા જેવી મંદિરેથી પાછી આવી કે આશાએ તેને ટોણો માર્યો- "પતિ તો છે નહીં, હવે મંદિર જઈને શું ફાયદો." તેની આ વાતથી સંધ્યાને ખુબજ ખોટું લાગ્યું. પણ જેનો હાથ થામીને જીવનભર સાથે રહેવાનો વાયદો કર્યો હતો, તે જ છોડીને ચાલ્યો ગયો તો પછી બીજાને શું ફરિયાદ કરવી. તેની આત્માની શાંતિ માટે તે દર વર્ષે મંદિરે જઈ પૂજા કરાવતી.
સૂરજ મલ્ટિનેશનલ કંપનીમાં સારી પોસ્ટ પર હતો, અને સારો એવો પગાર પણ મેળવતો હતો. સંધ્યા પણ ગ્રેજ્યુએટ હતી. બંને એ પહેલી જ વારમાં એક બીજાને પસંદ કરી લીધા, અને સંધ્યા સૂરજની અર્ધાંગીની બની સુમનબેનના ઘરમાં આવી. સસરા હતાં નહી, સૂરજના મોટાભાઈ-ભાભી તેમનો એક દીકરો અને સુમનબેન ગણીને છ જ સભ્યો હતાં ઘરમાં. સંધ્યા બધા સાથે ખૂબ હળીમળીને રહેતી. સૂરજના મોટાભાઈ અવિનાશની પત્ની આશા ક્યારેક તેના સ્વભાવ પ્રમાણે કંઈક બોલી જતી હતી, પણ સુમનબેન સમજદારીથી બંને ને સાચવી લેતા હતાં.
સૂરજ પણ સંધ્યા જેવી પત્ની મેળવીને ખૂબ ખુશ હતો. પણ તેમને ખુશી વધારે ટકી નહીં, લગ્નને વરસ પ
ણ થયુ ન હતું, 31 ડિસેમ્બરનો દિવસ હતો. સૂરજ વહેલો ઘરે જઈ સંધ્યાને સરપ્રાઈઝ આપીશ. ક્યાંક ફરવા જઈશુ,એમ વિચારી ઓફિસથી વહેલો ઘરે આવતાં તેનું બાઈક એક ટ્રક ની અડફેટે આવી ગયું. અને સૂરજનું મૃત્યુ થયું.વર્ષ નો આખરી દિવસ જાણે સંધ્યાની ખુશીઓનો પણ આખરી દિવસ બનીને રહી ગયો.
સંધ્યા ચૂપચાપ તેનુ કામ કરવા લાગી. પણ તેની આંખો વારંવાર ઉભરાઈ જતી હતી. જે સુમનબેનથી છાનુ ન હતું. આશા આખો દિવસ આરામ કરતી, ઘરકામની બધી જવાબદારી સંધ્યા પર હતી, તેને તો જાણે મફતમાં કામવાળી મળી ગઈ હતી. "આરવને તો કાકી સાથે જ ફાવે છે" એમ કહી કહીને તેના એકના એક દીકરાને હોમવર્ક કરાવાનું પણ સંધ્યાને જ સોપી દેતી. સંધ્યા બધુ સમજતી પણ સામુ બોલવું તેનો સ્વભાવ ન હતો. પણ આજે તેને રડતી જોઈને સુમનબહેને મનોમન એક નિર્ણય કરી લીધો.
બીજા દિવસે સવારે જ સુમનબહેન કોઈને કશુ જણાવ્યા વિના જ બહાર ચાલ્યા ગયા. બારેક વાગ્યે પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં કેટલાક કાગળિયા હતાં. તેઓ સંધ્યાને રસોડામાંથી બહાર લાવ્યા અને સોફા પર બેસાડી, તેના હાથમાં કાગળો મૂકી દીધા. સંધ્યા પોતાના એમ.એ માં એડમિશનના પેપર જોઈને સુમનબહેને વળગીને રડી પડી. સુમનબેન તેને પસવારતા બોલ્યા "દુઃખ ના દિવસો તો વિતી ગયા સંધ્યા, આખી દુનિયા આજના દિવસે વિતેલા વર્ષના દુઃખો ભૂલી નવા વર્ષની ઉજવણી કરે છે. જ્યારે તું હજુ પણ ભૂતકાળને સાચવીને બેઠી છે. તારે ખૂબ ખૂબ આગળ વધવાનું છે. સુખના સૂરજ ને આંસુથી નહી હર્ષથી વધાવી લે."
સંધ્યાએ ભૂતકાળ ભૂલાવી આગળ વધવાનો મક્કમ નિર્ધાર કર્યો.