સુખનો સૂરજ
સુખનો સૂરજ


કોરોનાને માત આપ્યા બાદ ફરી વૃદ્ધાશ્રમમાં જવાને બદલે સૂરભીબહેને હોસ્પિટલમાં જ રહી દર્દીઓની સેવા કરવાનો નિશ્ચય કર્યો. પોતે હજુ બે વર્ષ પહેલાં જ નર્સ તરીકે નિવૃત થયા હતા, એટલે રોગની ગંભીરતા સમજતા હતા. એમ પણ તેમણે શરીર ખૂબ જાળવ્યુ હતુ,એટલે પ્રેશર કે સુગર જેવી કોઈ બિમારી હજુ સુધી તેમની પાસે ફરકી ન હતી, કોરોનાને પણ તેમણે પાંચ જ દિવસમાં માત આપી દીધી હતી. તેમણે ડોક્ટર સાહેબ ને વિનંતિ કરી જોઈ. ડોક્ટર સારા હતા તેમણે નોકરી પર રાખી લીધા અને રહેવા માટે ક્વાર્ટર પણ આપ્યું !
દીકરો-વહુ તો પોતાને વરસ પહેલાં જ શહેરના મોટા વૃદ્ધશ્રમમાં છોડી દઈ જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા. પોતાને આ ગંભીર બિમારી લાગૂ પડી છે એમ જાણવા છતાંય તેમણે જોવા જાણવાની તસ્દી સુધ્ધા લીધી ન હતી.
તેઓ ખુબ જ નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા કરતા, દર્દીની દવાથી લઈને ખાવા પીવાના સમય બધી જ વાતોની કાળજી રાખતા. થોડા જ સમયમાં તો તેઓ બધાના ચહિતા બની ગયા. હોસ્પિટલમાં બધા તેમને બા કહીને જ બોલાવતા. ડૉ.મથંન તો કાયમ બા ની આગળ પણ જી લગાવી બાજી કહેતા. ડૉ.મથંન પ્રત્યે તેમને અલગ જ લગાવ હતો.
બાળપણમાં જ તેમના માતા ગુમાવી ચૂકેલા એટલે કદાચ ડૉ.મથંન પણ વાત્સલ્યમૂર્તિ સમા સૂરભીબહેન સાથે વધુ ભળી ગયા હતા.
પણ કુદરતની લીલા ક્યારેય કોઈ સમજી શકતુ નથી, કોરોના પેશન્ટ ની સારવાર કરતા કરતા અચાનક ડો.મંથનને પણ કોરોના લાગૂ પડી ગયો. ડૉ.મથંને હજુ લગ્ન નહોતા કર્યા, તેમના વૃદ્ધ પિતા મનોજભાઈ સાથે તેઓ એકલા જ રહેતા હતા. મનોજભાઈ એકના એક દીકરાની બીમારીના વાત સાંભળી ભાંગી પડ્યા, પણ સૂરભીબહેન ત્યાં હાજર હતા. તેમણે તરત ડૉ.મથંનની જવાબદારી સંભાળી લીધી, અને મનોજભાઈને આ સમયે હિંમતથી કામ લેવા સમજાવ્યા.
ડૉ.મથંનની બીમારીના પંદર દિવસ દરમિયાન મનોજભાઈએ એક માની જેમ પોતાના દીકરાની કાળજી લેતા સૂરભીબહેનને જોયા. એમના મનમાં તેમના માટે કૂણી લાગણી જન્મી, તેમના માટે માન થયું.
ડૉ.મથંન સારા થઈ ઘરે પરત ફર્યાના અઠવાડિયા બાદ હોસ્પિટલ સ્ટાફના થોડા લોકોની હાજરીમાં મનોજભાઈ અને સૂરભીબહેન લગ્નગ્રંથિથી જોડાયા. બાળપણથી માના પ્રેમથી વંચિત ડૉ.મથંન ને તો જાણે કોરોના પણ ફળ્યો સૂરભીબહેન જેવી મા મેળવી આપવા બદલ તે ઈશ્વરનો આભાર માની રહ્યા. સૂરભીબહેના જીવનમાં સુખનો સૂરજ ઊગ્યો.