Hetal Chaudhari (Krishna)

Children Stories Tragedy

4.5  

Hetal Chaudhari (Krishna)

Children Stories Tragedy

આસમાની સાડી

આસમાની સાડી

3 mins
237


એના ખોળામાં ભરાઇને તેણે માની હૂંફ અને સ્પશૅ પામવાનો પ્રયત્ન કર્યો, એ પણ એના વાળમાં હાથ ફેરવવા લાગી પણ કેમ એને કંઇક ખૂટતું હોય એમ લાગતું હતું. ફોઇએ તો કહ્યું કે આ તેની નવી મા છે, તો કેમ તેનામા પોતાની મા સાથે જે એહસાસ થતો હતો તેવો એહસાસ નહતો થતો.

આમ પણ તે દેખાવે મા કરતા ખૂબ અલગ હતી, આ નવી મા એ તો ડ્રેસ પહેર્યો છે જ્યારે મા તો સરસ મજાની સાડી પહેરતી. પોતે નાનો ત્યારે એ સાડીમાં લપાઇ જવુ તેને ખૂબ ગમતુ. મા સાડી પહેરતી હોય ત્યારે તેના પગ પકડીને તે વચ્ચે ભરાઇ જતો, આ તેની મનગમતી પ્રવૃત્તિ હતી. માની સાડી ખોળી કાઢતો મા અમસ્તી જ ખુબ ગુસ્સો કરતી અને પછી તેને ખોળામાં બેસાડીને ખૂબ વહાલ પણ કરતી.

મા પાસે કબાટ ભરીને સાડીઓ હતી, લાલ, લીલી, ગુલાબી, આસમાની, પીળી, ભૂરી લગભગ બધા જ કલર અને બઘા જ પ્રકારની સાડીઓ, તેમાય બાંધણીસાડી તો માને ખુબ ગમતી, આસમાની કલર માને ખૂબ દીપતો, આસમાની કલરની બાંધણી સાડી તેની અને માની ફેવરિટ હતી. દરેક સાડી સાથે મેંચિંગ એવો ગોળ મોટો ચાંદલો લગાવેલી મા ખૂબ સુંદર લાગતી.

તે જેવો સ્કૂલથી આવે કે મા દરવાજે તેની રાહ જોતી બેઠી હોય. તે માના ખોળામાં ભરાઇ બેસતો અને ચાંદલા સાથે રમત કરતો. કોઈકવાર તો પોતે લગાવેલો ચાદલો મા તેને લગાવી દેતી અને મારી ડાહ્યી દીકરી એમ કહીને બચ્ચી કરી લેતી.

તેને હજુય યાદ હતુ. બે વરસ પહેલાં એક દિવસ તે સ્કૂલેથી આવ્યો, તો મા દરવાજે નહોતી બેઠી પણ ઘણાં બધા લોકો સફેદ કપડામાં ઊભા હતા. દાદા, દાદી,માસી,ફોઇ,પપ્પા બધા કેમ રડતા હતા ! તેને કઇ સમજમાં જ નહોતુ આવ્યું.

મામા બહારથી જ તેને તેમના ઘરે મૂકી આવ્યા. મામી પણ તેને ખોળામાં લઇ રડતી હતી. આ બધું જોઇ તે પણ મા પાસે જવાની જીદ પકડીને રડવા લાગ્યો હતો અને મોટાભાઇ ગાર્ડનમાં ફરવા લઇ જતા રહ્યા હતા.

બે દિવસ પછી મામા અને મામી બંને તેને ઘરે મૂકવા આવ્યા હતાં. ગાડીમાંથી ઉતરી તરત તેણે મમ્મી ઓ મમ્મી બૂમો પાડતા દોટ મૂકી હતી, પણ દરરોજ તો દરવાજે તેની રાહ જોતી મા આખા ઘરમાં શોધવા છતાં મળી નહોતી. તેણે ગભરાઈને રડતા રડતા પપ્પાને "મા ક્યાં છે ?" એમ પૂછ્યું તો તેઓ પણ રડવા લાગ્યા હતા. મામીએ તેને ખોળામાં બેસાડીને સમજાવ્યું હતું કે મા ભગવાન દાદા પાસે ગઇ છે અને થોડા દિવસો પછી તે પાછી આવશે.

તે રોજ માની રાહ જોતો. સ્કૂલેથી આવીને આખા ઘરમાં માને શોધતો પછી ઓટલા પર રાહ જોતા બેસી રહેતો. અંધારૂ પડતા માને અંધારામાં આવવાની બીક લાગશે એમ વિચારીને પપ્પાને ધક્કા મારીને માને લેવા માટે મોકલતો. પપ્પા ક્યારેય રડી પડતા તો ક્યારેક તેના પર અકળાઇ ગુસ્સે થઈ જતાં.

આખરે એક દિવસ ફોઇએ તેને જણાવ્યુ કે પપ્પા આજે મમ્મીને લઇને આવવાના છે. ત્યારે તેની ખૂશીનો તો પાર ન રહ્યો. તેણે સ્કૂલમાં રજા પાડી દીધી અને આખો દિવસ મા આવશે તો તેની સાથે કેટલી બધી વાતો કરવાની છે, તે યાદ કરતો રહ્યો.

ફોઇએ સરસ રીતે ફૂલોથી પપ્પા - મમ્મીનો રૂમ શણગારીને તૈયાર કર્યો હતો. તેમાં તેમને મદદ કરવા લાગ્યો. આજે તો પોતે કેટલુ બધુ કામ કર્યું છે, એટલે માના હાથે જ ખાઇશ અને તેના ખોળામાં જ માથું મૂકીને સૂઇ જઇશ. એમ વિચારતો ધડી ધડી દરવાજે જઇ ઉભો રહેતો.

આખરે દૂરથી પપ્પાની ગાડી આવતા જ તે એક રૂમમાં જઈ ને સંતાઇ ગયો. સંતાકૂકડી તેની અને માની રોજની રમત હતી. મા આવશે તો તેને શોધશે અને તેને જોશે કે તરત પોતે પણ તેને વળગી પડશે. એમ વિચારતો ઘરનો દરવાજો દેખાયએ રીતે પલંગ નીચે ભરાઇ ગયો.

પપ્પા -મમ્મી ધરમાં આવ્યા ખાસ્સી વાર થઇ, પણ પોતાને કોઇ શોધવા ન આવ્યું, એટલે ધીરે રહીને બહાર આવી જોયું. પપ્પા સાથે કોઇ અજાણી સ્ત્રી બેઠી હતી. આમતેમ જોયું તો મા નજરે ના પડી, રસોડામાં હશે એમ વિચારીને ત્યાં ગયો, તો ફોઇ કંઇક કામ કરતા હતા. તેને જોઇને ચાલ તને નવી માને મળવા લઇ જાવ એમ કહીને પપ્પા બેઠા હતા ત્યાં લઇ આવ્યા.

આ તારી નવી મમ્મી એમ કહીને ફોઇએ તેને ઉંચકીને તેમના ખોળામાં બેસાડી દીધો, તે સ્ત્રી તેના માથે હાથ ફેરવતી હતી, પણ કોણ જાણે કેમ તેને આ સ્પશૅમા કંઇક ખૂટતું હોવાનો અહેસાસ થયો. તે તેના ખોળામાંથી ઉતરી પડયો, દોડીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો,અને રોજની જેમ માની હૂંફ શોધતો માની આસમાની સાડીને વળગીને સુઇ ગયો.


Rate this content
Log in