Hetal Chaudhari (Krishna)

Tragedy

3  

Hetal Chaudhari (Krishna)

Tragedy

પાપાની પરીના કપાયેલા પંખ

પાપાની પરીના કપાયેલા પંખ

5 mins
245


શિવાની કેટલું રડી પપ્પા આગળ પણ તેના પપ્પા એકના બે ના થયા, મમ્મી તો તેમની આગળ કશું બોલી ન શકતાં એટલે તે પણ બસ તેને રડતી જોઈ આંસુ ભરી આંખે રસોડામાં ભરાઈ ગયા.

શિવાની અભ્યાસમાં ખુબ તેજસ્વી હતી, સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ તે અવ્વલ રહેતી, સુંદર પણ એટલી કે અપ્સરા પણ તેની આગળ પાણી ભરે, તેના લાંબા કાળા વાળ ને જ્યારે તે ખુલ્લા મુકતી ત્યારે તો તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જતાં પણ આજ સુંદરતા તેના માટે સમસ્યા બની ગઈ હતી. તેના કપડાં હંમેશા તેના પપ્પા જ પસંદ કરતાં, હંમેશાં ડ્રેસ જ પહેરવાનો તેમા પણ બધાં ડ્રેસ લાંબી બાંયના અને બંધ ગળા વાળા જ રહેતા.

 જ્યારથી સમજણી થઈ ત્યારથી તેણે જોયું હતુંં કે ગલ્સૅ સ્કૂલ હતી છતાં તેને લેવા અને મૂકવા માટે પપ્પા અથવા મોટાભાઈ હેમંત રોજ આવતા, કશે બહાર જવુંં હોય તો પણ તેમની સાથે જ જવું પડતુંં.મમ્મી પણ ક્યાંય એકલી જઈ શકતી નહીં ,કોઈ સગા સંબંધીઓ ને ત્યાં જવું હોય તો પણ તેમની સાથે જ જઈ પાછું આવતુંં રહેવું પડતુંં રાત રોકાવાની તો વાત જ દૂર, મમ્મી એ તો આ પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી પરંતું તે આ બંધન માં ગૂંગળાતી હતી.

૨૦૫૦નું વર્ષ ચાલતું હતું દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હતી પણ તેને તો ઘર માં સ્માટૅ ફોન તો દૂર ની વાત સાદો ફોન વાપરવાની પણ પરમીશન ન હતી. જ્યારે તે સ્કૂલ જતી ત્યારે ત્યાં મળતા સાત કલાક જ તે જાણે આઝાદ હોય તેમ જીવતી પણ હવે તો એટલી આઝાદી પણ તેને નહીં મળે એ વિચારીને તેની આંખમાં આંસુ ઉભરાતા હતા.

 આજે તેનું દસમાં ધોરણનું રિઝલ્ટ આવ્યું હતુંં ૭૨ ટકા સાથે તે પાસ થઈ હતી તેણે સાયન્સ લઈ ડોક્ટર બનવું હતુંં પણ પપ્પા એ તો આગળ ભણવાની જ ના પાડી દીધી તે આગળ ભણવા દેવા માટે કેટલુ કરગરી પણ પપ્પા એ કઠોર અવાજે હવે ઘરનું કામ શીખો એમ કહી દીધું હતુંં.

 તે પોતાના રૂમમાં જઈ રડતી રહી એટલામાં તેને કોઈ નો પગરવ સંભાળતા ઊભી થઈ જોયું તો દરવાજે મમ્મી ચાનો કપ લઈ ને ઉભા હતા તે અંદર આવ્યા કે તરત જ તેમને વળગી પડી અને બોલવા લાગી આવા નિર્દય માણસ સાથે તમે કઈ રીતે રહી શકો આ ગુલામીની માનસિકતામાંથી બહાર આવો દુનિયા ક્યાંથી ક્યાં વધી ગઈ છે ૨૦૫૦ ની સાલ માં પણ પપ્પા હજુ૧૯૫૦ ની સાલમાં જીવે છે જ્યાં સ્ત્રી ને બોલવાની કે પોતાની રીતે જીવવાની પણ આઝાદી નથી.

  તેની મમ્મી એ તેને પલંગ પર બેસાડી અને પહેલા શાંતિ થી ચા પીવા જણાવ્યુ પછી જાણે દૂરના ભૂતકાળમાં ઝાંખતા હોય તેમ વાત ની શરૂઆત કરી.

 તારા પપ્પા આજે છે એવા બિલકુલ ન હતા ખૂબ જ ફ્રેન્ક અને જીંદાદિલ માણસ હતા હું પોતે એમ.બી.એ થઈ છું અને લગ્ન પછી પણ હું એક સારી કંપનીમાં જોબ કરતી હતી.

 લગ્નના બે વર્ષ થયાં અને મે તારા જેવી જ એક સુંદર દીકરી ને જન્મ આપ્યો આ વાત તને નથી ખબર પણ હેમંત પહેલાં પણ એક દીકરી હતી જે તારા પપ્પા ની ખૂબ વહાલી હતી તેનું નામ પણ તેમણે જ પાડયું હતુંં પરી, જોતા જ હેત ઉભરાઈ આવે તેવી. હુ તો પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતી એટલે સાત વાગ્યા પછી જ ઘરે આવતી પણ તારા પપ્પા તો ગવર્મેન્ટ ઓફિસર એટલે છ વાગ્યા સુધીમાં ઘરે આવી જતાં ઓફિસમાંથી ઘરે આવે કે પહેલા પરીને જ ઊંચકીને વહાલ કરે. સ્કૂલથી આવી તે તારી દાદી સાથે રહેતી પણ પાપાના આવ્યા બાદ તો એક ક્ષણ પણ તેમનાથી અળગી ના થાય.પાપા ની સાથે ને સાથે જ રહે.

 પણ એક દિવસ તે ઓફિસથી આવ્યા આખા ઘરમાં પરીને શોધી પણ ન મળી,દાદી તેને ઘરે રમતી મૂકીને બાજુના ઘરે જ વાત કરતા બેઠાં હતાં તેમને પૂછ્યું તો હમણા તો રમતી હતી એમ કહ્યું, મને ફોન કરીને પૂછ્યું તો હું પણ બેબાકળી થઈ ગઈ તરત ઘરે પરત આવવા નીકળી હું આવું એટલી વારમાં ધરની આજુબાજુના ઘરોમાં અને તેની ફ્રેન્ડ બધાના ઘરે તપાસ કરી પણ પરી નો કોઈ પત્તો ન લાગ્યો.

  હજુ તો તે ચાર જ વર્ષ ની હતી, એકલી કશે બહાર જાય એમ ન હતુંં, પપ્પા એ પોલીસ ફરિયાદ કરી, જાતે પણ ખાવા પીવાનું ભૂલી ભરબજારમાં લોકોને પરીનો ફોટો બતાવી ને પૂછતા રહેતા પણ કોઈ જાણકારી ન મળી.

આખરે ત્રીજા દિવસે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે પરી મળી ગઈ છે. અમે ઝડપથી ત્યાં પહોંચ્યા પણ જઈ ને જોયું તો પોલીસ વાળા જુઠ્ઠું બોલતા હતા તેમને પરી નહીં પણ પરીની લાશ મળી હતી,આટલું બોલતાં બોલતાં મમ્મી રડી પડ્યા શિવાની એ તેમને પાણી લાવીને પિવડાવ્યુ થોડા સ્વસ્થ થઈ તેમણે આગળ વાત શરૂ કરી.

  જેને અમે જરા સરખી ચોટ પણ નોહતા આવા દેતા તેને આખા શરીરે ઉઝરડા પડ્યા હતા, ધૂળથી રગદોળાયેલી,અને જેના માટે તારા પપ્પા આખુ બજાર ફરીને સારામા સારા કપડાં લાવતા તેની ચીંથરેહાલ લાશ જોઈ અમારો આટલા દિવસથી રોકી રાખેલો સબરનો બાંધ તૂટી ગયો.

  તારા પિતાએ તે દિવસે જે આક્રંદ કર્યુ હતુંં તે જોઈને ત્યાં હાજર દરેકના આંખમાં આંસુ આવી ગયા હતા,તેમને સંભાળવા ખૂબ કઠિન હતા જાણે તેમના હ્રદયનો એક ટુકડો તેમનાથી અલગ થઈ ગયો હતો.

પોલીસે બળાત્કારીઓની ખૂબ તપાસ કરી પણ કોઈ પત્તો ન લાગ્યો. સમચાર પત્રોમાં પણ ખૂબ છપાયું પરીને ન્યાય મળે તે માટે પપ્પા એ ખૂબ પ્રયાસ કર્યો પણ આરોપીઓનો કોઈ સુરાગ ન મળ્યો સમય વહેતો ગયો અને પરીનો કેસ બંધ થઈ ગયો.

 પણ પરી ગઈ તેની સાથે તે તારા પપ્પાના હ્રદયમાંથી જાણે પ્રેમ અને વહાલની સરવાણી સૂકવતી ગઈ. પરીની હાલત માટે પોતાને કોસતા રહેતા તારા દાદીમા પણ વરસ પછી મૃત્યુ પામ્યા, મારે નોકરી છોડી દેવી પડી, છાશવારે બનતી બળાત્કારની ઘટનાઓ તેમને એટલા વિચલીત કરી દેતી કે તેઓ મને પણ કયારેય એકલી બહાર ન જવા દેતા, પાંચ વરસ પછી હેંમતનો જન્મ થયો, પછી પાંચ વરસે તારો જન્મ થયો તારો જન્મ થતા મને આશા હતી કે ફરી પરીની જેમ જ તું પણ તેમનાં વાત્સલ્યમાં ભીંજાઈ જઈશ પણ ઉલટું થયું.

પરીને સાચવી ન શકવાનો ડંખ એટલો બધો હતો કે તારો જન્મ થયો ને બીજા જ મહિને તેમણે શહેરમાંથી આ નાના એવા ગામડાંમાં બદલી કરાવી લીધી. અહીં આવીને પણ એમના મન નો ડર તેમને શાંતિથી જીવવા નથી દેતો, તારી અને મારી સુરક્ષા માટે તેઓ એટલા પઝેસિવ થઈ ગયા છે કે તેમનું ચાલે તો કદાચ આપણને ધરમાં જ બંધ કરીને પૂરી દે, કેમકે ભલે સાલ બદલાય અને વરસો વિતતા જાય પણ આપણી સ્ત્રીની ઈજ્જત હજુ પણ કાચની ઢીંગલી જેવી છે એકવાર તૂટી તો ગમે તે કરો, ફરી ક્યારેક નહીં જોડી શકાય.

તારા પપ્પા જેવા કેટલાય પપ્પા હશે જે પોતાની લાડકીઓની ચિંતામાં આખી રાત જાગતા વિતાવી કાઢતા હશે, કેટલીય મા હશે જે દીકરી જન્મતા જ નિસાસા નાખતી હશે કે સમાજમાં જ રહેતા માણસના રૂપમાં શેતાનોની બૂરી નજરથી કેમ કરી પોતાની આ નાનકી ઢીંગલી ને દૂર રાખશે. અને આજ ડર આપણને ફરીથી ઘરની દહેલીજમાં બાંધી રહ્યો છે. કેમકે વાસનામાં અંધ બનેલા હેવાનો ક્યારે કોઈ પાપાની પરીનો શિકાર કરી લે તે ડર મા- બાપ ને પોતાની લાડકી પરીના પંખ કાપવા મજબૂર કરે છે.

 અંત - આ વાર્તા વાચકો ને અધૂરી લાગશે પણ આ વાર્તા મે જાણીજોઈને અધૂરી મૂકી છે કેમ કે જ્યાં સુધી આપણા સમાજમાંથી બળાત્કાર નામનું દુષણ ખતમ નહી થાય છેડતીના બનાવો બંધ નહી થાય ત્યાં સુધી દરેક મા-બાપે આ દર્દને સહેવું જ રહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy