સુખ કે બંધન
સુખ કે બંધન
લલિતભાઈનો પરિવાર બસની રાહ જોઈને ઊભો છે. પસ્તાવાની મુસાફરી છે ને સાથે છે બદનસીબી અને બદનામીની વેદના !
નીકળી ગયાં છે આજે લલિતભાઈ, એમનાં ધર્મપત્ની લલિતાબહેન તેમજ એમના પુત્ર અને પુત્રવધૂ અવિનાશ અને આશા ને પૌત્ર આદિત્ય.
દૂરથી આવતી બસનું બોર્ડ સુરત વાંચીને અવિનાશે હાથ લાંબો કરીને બસને ઊભી રખાવી ને પરિવાર સાથે બસમાં ચડી ગયાં. કુદરત આજે કસોટી કરવાનો એક મોકો પણ છોડવા તૈયાર નહોતો એમ બસ પેસેન્જરથી ભરેલી હતી ! ને પરિવાર ઊભા રહીને બસની સવારી કરવા લાગ્યો. લલિતભાઈ રોડની બંને બાજુની હરિયાળી નિહાળતાં ભૂતકાળનાં સંસ્મરણોમાં ખોવાઈ ગયાં.
રામપુરા ગામમા મહેલ જેવું ઘર,જાગીરદાર લલિતભાઈ સુખેથી રહેતાં હતાં. એમના તેજસ્વી પુત્ર અવિનાશે પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં અભ્યાસ કરીને આગળનું શિક્ષણ લેવા શહેરમાં ગયો.
શહેરમાં અવિનાશને કેટલાક વ્યસની દોસ્તોની સંગતથી ડ્રગ્સનો નશો લાગ્યો અને ભણવાનું છોડી દીધું. ને લલિતભાઈ દ્વારા મોકલાવાતા પૈસા ઓછાં પડતાં ચોરી કરતો અને ડ્રગ્સની હેરાફેરી કરતો.
બીજી તરફ, અવિનાશ માટે સારાં ઘરની છોકરીઓના માંગા આવવા લાગ્યાં અને આશા નામની યુવતીને પસંદ કરીને અવિનાશને શહેરથી લગ્ન કરવા બોલાવ્યો.
લગ્ન પછી અવિનાશ શહેરમાં પત્ની સાથે નીકળી ગયો. હવે તો એ ડ્રગ્સનો મોટો વેપારી થઈ ગયો હતો. એક દીકરાનો બાપ થઈ ગયાં પછી પણ કોઈ પરિવર્તન આવ્યું નહીં. વળી, જુગારની લત પણ લાગી ગઈ અને દેવું વધવા લાગ્યું, ને એક દિવસ બધું વેચીને પરિવાર રસ્તા પર આવી ગયો. અવિનાશને પોતે કરેલાં વિનાશનું ભાન હવે થયું હતું પરંતુ હવે એનો કોઈ મતલબ નહોતો.
એક સંબંધીનો સુરતમાં મોટો બિઝનેસ છે, ને એમના પરિવારને રોજગારી આપવાની વાત કરી, તેથી લલિતભાઈ પરિવાર સાથે નીકળ્યા હતાં.
દુર્ઘટના યાદ કરીને લલિતભાઈ બોલી ઊઠ્યા, "સુખ ને બંધન બંને એકબીજાનાં વિરોધી છે, જે એકસાથે મેળવી શકાતાં નથી."
