એક ભૂલ
એક ભૂલ
વડોદરા શહેરની મિસ તારા મહેતાનું નામ નોબેલ પારિતોષિક વિજેતા તરીકે સાહિત્યક્ષેત્રમાં આજે સવારે સાત વાગ્યે જાહેર થતાં ટી.વી, રેડિયો, ઇન્ટરનેટ પર તારા મહેતાના સમાચાર અપડેટ્સ આવી રહયા હતાં. વડોદરાવાસીઓ તો આજે કોલર ઊંચું ચડાવીને ફરી રહ્યાં હતાં.
દેશ વિદેશમાંથી તારા મહેતાને ઇન્ટવ્યુ માટે ફોન આવી રહ્યાં હતાં. તારા મહેતા અને તેના પરિવારજનોના ઉમંગનો પાર રહ્યો નહોતો. તારા મહેતાને ઘરે મળવાં ટોળે ટોળાં આવી રહ્યાં હતા.તારા મહેતાને માથે અભિનંદનનો વરસાદ વરસી રહ્યો હતો.
રાત્રે અગિયાર વાગે પરિવારજનો, સગા સંબંધીઓ અને દોસ્તોથી છૂટાં પડીને તારા બેડરૂમમા ગઈ. પોતાના પાંચ વર્ષનાં દીકરાને ઊંઘાડીને પછી પોતે પણ પથારીમાં આડી પડી. કહેવાય છે કે માણસ બહુ ખુશ હોય અને બહુ દુઃખી હોય ત્યારે ઊંઘી શકતો નથી.
તારાને પણ ખબર પડી ગઈ હતી કે તે ઊંઘી શકવાની નથી. પરંતુ, આખા દિવસના થાકમાંથી શરીરને આરામ મળે એ માટે તે આડી પડી. પથારીમાં પડ્યા પડ્યા એ ભૂતકાળની ઘટનાને યાદ કરવા લાગી. આજની રાત અને ભૂતકાળની રાતમા કેટલું બધું અંતર છે!
એક એ રાત્રી હતી જ્યારે દુઃખના લીધે આંખોમાંથી દરિયો વહી રહ્યો હતો અને આજે ખુશીના આંસુથી પથારીમાં અશ્રુ વહેવા લાગ્યા હતા. એ રાત્રે પણ ઊંઘી શકી નહોતી અને આજે પણ આંખ મિંચોવાનું નામ લેતી નહોતી. એ રાત્રીએ પણ સ્વજનોના ફોન આવ્યાં હતા અને આજે પણ એ જ સ્વજનો મળવાં આવી રહ્યા છે, ફરક માત્ર એટલો હતો કે એ દિવસે સ્વજનો મહેણાં મારતાં હતાં અને આજે અભિનંદન પાઠવવા આવ્યાં હતાં. એ રાત્રીએ મજબૂર સ્ત્રી પતિથી વિયોગના આંસુ સારી રહી હતી અને આજની રાત્રીએ મજબૂત સ્ત્રી એના પુત્ર સાથે સ્વાભિમાનથી બેસી હતી.એ રાત્રીએ અશ્રુઓનો વરસાદ વરસી રહ્યો હતો અને આજની રાત્રીએ અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.
માત્ર એક જ વસ્તુ એમના એમ હતી. એ દિવસે પણ પરિવારનો સાથ હતો અને આજે પણ પરિવારનો સાથ હતો. તારાની એક ભૂલ એને કેટલી નુકશાન કરવાની છે એને એ સ્વપ્નામાં પણ વિચાર્યું નહિં હોય! ઘાટીલી, શ્યામ વર્ણની તારા આત્મવિશ્વાસથી ભરપુર આંખો શાળાના શિક્ષકોની ફેવરીટ વિદ્યાર્થીની હતી. કોલેજમાં ત્રીજા વર્ષમાં આવતાં સુધીમાં તો એના માતા પિતા એ એનાં માટે મુરતિયાની શોધ શરૂ કરી દીધી. પરંતુ, "દેખાવના ભૂખ્યા ગુણના ઓડકાર કરે" એમ દરેક વખતે એના શ્યામ વર્ણનાં કારણે તારા જ રીજેકટ થવા લાગી. હવે તો આત્મવિશ્વાસ પણ તારાનો ડગમગી ગયો હતો. તારાને એ જાણીને પણ દુઃખ થતું કે એના લીધે એના માતા પિતા પણ દુઃખી રહેતા અને તારાની ઉંમર વધવાની સાથે સામાજિક દબાણનો પણ સામનો કરવો પડતો હતો.
સત્તર છોકરાઓએ તારાને રીજેકટ કરી હતી અને આજે મુંબઈથી છોકરો જોવા આવવાનો હતો તેથી ફરીથી તારા ડ્રેસિંગ રૂમમાં તૈયાર થઈ રહી હતી અને ભગવાનને ફરિયાદ કરી રહી હતી , "ભગવાન મને કાળી કેમ બનાવી ?" જાણે કઠપૂતળીનો ખેલ ચાલતો હોય એમ તારાને જેવો કોઈ છોકરો જોવા આવવાનો હોય ત્યારે તૈયાર થઈને ડ્રોઇંગરૂમમાં ચા નાસ્તાની પ્લેટ લઈને આવી જવાનું અને પછી છોકરા સાથે વાત કરવા બીજા માળે રુમમા જઈને એના એ જ પ્રશ્નો રીપિટ કરવાના, નામ શું? શું અભ્યાસ? શોખ શું? વગેરે.. હવે તો તારાને પ્રશ્નો પણ ગોખાઈ ગયા હતા. છોકરો જાય એટલે એના ફોનની રાહ જોવાની. પરંતુ, દરેક વખતે ફોન પણ દગો કરતો હોય એવું લાગતું! અને છોકરાનો ફરીથી કોઈ સંદેશો ન આવતો. હવે તો આ ઘટના રોજબરોજની થઈ ગઈ હતી, જાણે નિત્ય સવારે બ્રશ કર્યા વિના ન ચાલે એમ રિજેક્સન વગર ચાલતું નહીં.
તારાને તો હવે પોતાના પર પણ શંકા થવા લાગી હતી. કોલેજની ડિગ્રીઓની અહીં કોઈ કિંમત જ નહોતી. પરંતુ પહેલીવાર એવું બન્યું હતું કે , મુંબઈથી મયુર નામનો છોકરો જોવા આવ્યો હતો અને તે તારા સાથે લગ્નગ્રંથીથી જોડાવા તૈયાર થયો હતો. તારા અને તેના પરિવારજનોના હરખનો પાર રહ્યો નહોતો. તારાને તો વિશ્વાસ જ નહોતો આવતો કે ઇન્ટરનેશનલ કંપનીમા નોકરી કરતા હેન્ડસમ છોકરો તેની સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો. તેમજ મયુરે તારાને વિદેશમા લગ્ન પછી સ્થાયી થવાની તૈયારી બતાવી હતી, એ પછી તો તારાને ધોળા દિવસે તારા દેખાવા લાગ્યાં હતાં. તારાના મનમાં ગીત ગૂંજી ઊઠયું, "દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે". પરંતુ તારાને ક્યા ખબર હતી કે આ કહેવત તો છપ્પર ફાડીને નહીં પરંતુ થપ્પડ મારકે થવાની છે.
તારાના મયુર સાથે લગ્ન થઈ ગયા અને તે અમેરિકામાં સ્થાયી થઈ ગઇ. તારાના માતા પિતાને પણ હવે તો દીકરીનો સુખી સંસાર જોઈને ખુશ હતાં. પરંતુ, કુદરત જાણે ફરીથી ઠોકર આપવાના મૂડમા હતી ! તારાને મયુરના વર્તનમા ફેરફાર લાગવા માંડ્યો. તારાને થયું કે, કદાચ નવા લોકો, નવો દેશ છે એટલે થોડો સમય લાગશે એડજસ્ટ થવામાં. પરંતુ, તારાની બધી ધારણાઓ ખોટી પડી. થોડાં સમયમાં જ તારાને ખબર પડી ગઈ કે મયુરે તો પહેલાંથી લગ્ન કરેલા હતાં! અને પારિવારિક દબાણને વશ થઇને તારા સાથે લગ્નની ક્રૂર મજાક કરી હતી! સીધી સાદી તારા પોતાના સ્વમાનને ગીરવે મૂકીને અજાણ્યાં પુરુષની સાથે માત્ર સામાજિક દબાણને વશ થઇને અને ટીકાઓથી બચવા માટે મયૂર અને તેના પરિવાર વિશે કોઈપણ તપાસ કરાવ્યા વગર લીધેલો પરણવાનો નિર્ણય કેટલો ખોટો હતો એ વાસ્તવિકતાને સ્વીકારી શકતી નહોતી એમાં પાછી તારા હવે તો એક બાળકની મા પણ બની ગઈ હતી!
ઘરમાં કંકાશ શરૂ થઈ ગયો હતો અને ઘણીવાર તો તારાને મયુરના હાથનો માર પણ સહન કરવો પડતો. પરંતુ, "ભૂલ કરી તો ભોગવી જાણી" હવે તારાને કોઈ ઉપાય જડતો નહોતો.
એક રાત્રીએ હિંમત કરીને છૂટાછેડા લઈને પોતાના દેશમાં પુત્રની સાથે પાછો ફરવાનો નિર્ણય લીધો. પરિવાર અને સગા સંબંધીને સઘળી વાત કહી તો સમાજમા જાત જાતની અફવાઓ ફેલાવવા લાગી.એ રાત્રિએ તારા આખી રાત સૂઈ શકી નહોતી. આખી રાત એ વિચારી રહી હતી કે સામાજિક ટાણાનો સામનો કરવો પડશે. સાથે એક બાળકની જવાબદારી પણ હતી.
મયુર સાથે છૂટાછેડા લઈને પોતાના વતન વડોદરામાં પુત્ર સાથે આવી ગઈ. કોઈ પણ સ્ત્રી માટે પોતાના પતિ, સોળે શણગાર મૂકીને પિયર આવવું સહેલું નથી હોતું. પરંતુ, સમય અને સંજોગો સામે તો જંગલના રાજા સિંહને પણ નમવું પડે છે. પોતાના પુત્ર માટે એક એક દિવસ રોતાં રોતાં કાઢવા લાગી.
સમય જતા આંસુઓ પણ હવે તો બંધ થઈ ગયા હતાં અને તારાએ એક ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી દીધી. પોઝિટીવ લોકો અને પોઝિટવ વાતાવરણથી તારાના વ્યવહારમા પરિવર્તન આવવા લાગ્યું હતું. પરંતુ એકલી પડે ત્યારે ફરીથી મગજ વિચારે ચડી જતું અને તારાની આંખમાંથી આંસુ આવી જતાં.
તારા એ એકલપનાથી બચવાનો ઉપાય પણ શોધી લીધો. જેવી તે એકલી પડે કે તરત પ્રેરક વાર્તા વાંચવા લાગતી. પોતાના ઘરમાં જ નાની લાયબ્રેરી બનાવી દીધી. તારાની જિંદગીમાં કલાકારોએ ખૂબ મોટો રોલ ભજવ્યો. કલાકારને કલા જન્મ સાથે મળી હોય છે, પરંતુ સંસારની ઠોકરો અને ખરાબ અનુભવ પછી એની કલા વધારે નિખરી ઉઠે છે અને તે કલા વડે કલાકાર દુનિયાને જાગૃત કરે છે. તેથી જ તો સમાજમાં કલાકારોને ઉંચો દરજ્જો પ્રાપ્ત થયો છે.
ધીમે ધીમે ખરાબ ભૂતકાળને ભૂલવા માટે મેડિટેશનનો સહારો લઈ દીધો અને પોતાને પોઝિટિવ બનાવી રાખવા પ્રેરક વાર્તાઓ અને કવિતાઓ વાંચવા લાગી. તે વાંચતા વાંચતા તારાને તે પોતે ક્યારે પ્રેરક વાર્તા અને કવિતા લખતી થઈ ગઈ એની એને પોતાને પણ ખબર ન પડી! પ્રેરક વાતો લખીને તેને સોશીયલ મીડિયા પર મૂકતાં ખૂબ સારા રિવ્યૂ મળવાં લાગ્યાં હતાં, તેથી તારાએ લખવાનું ચાલું જ રાખ્યું. ઘણીવાર તો આખી રાત નીકળી જતી લખતાં લખતાં. અને આજે તો તારાની મહેનત રંગ લાવી હતી અને નોબલ પારિતોષિક વિજેતા જાહેર થતાં તારા સિતારો બની ગઈ હતી.