Sunita Pandya

Inspirational

5.0  

Sunita Pandya

Inspirational

દુર્ઘટના કે મહેર?

દુર્ઘટના કે મહેર?

3 mins
990


       આસમાની રંગનું આકાશ આજે વરસાદ આવવાનો અણસાર આપી રહ્યું હતું. સૂસવાટા મારતો પવન આંખમાં ઠંડક આપતો હતો. ગુલાબનું છોડ વરસાદના બિંદુઓનો આસ્વાદ પીવા અધીરો થયો હતો. મહેંદી ધરતીને દુલહનની જેમ સજતી જોવા આતુરતાથી રાહ જોઈ રહી હતી. કૃષ્ણની રાહ જોઈને રાધા બેઠી હોય એવું લાગતું હતું. પતંગિયુ પાંખો ફફડાવીને મેઘરાજાની મહેર માટે પ્રાર્થના કરતું હતું.


        મનસુખલાલ અને એમના ધર્મપત્ની ગોમતીબેન ઘરના આંગણામાં બેસીને ચાની ચૂસકી લેતાં-લેતાં પ્રકૃતિની સુંદરતાને નિહાળી રહ્યાં હતાં. સુખી લગ્ન જીવનના ચાળીસ વર્ષ વિતાવી ગયેલા દંપતીના ચહેરા પરની કરચલીઓ વૃદ્ધાવસ્થાને છુપાઈ શકતી નહોતી. છતા જિંદગીના ચાર દાયકા સુખેથી વિતાવ્યાનો આત્મસંતોષ આંખો પરથી સાફ દેખાતો હતો.


        કુદરત આજે સરપ્રાઈઝ આપવાના મુડમાં હતી અને એક વધારાની ખુશી સ્વાગત કરતી હતી. ફોનની ઘંટડી વાગી અને જાણે મંદિરમાં ઘંટ વગાડયો અને પ્રાર્થના પૂરી થઈ એમ મનસુખલાલે નંબર વાંચ્યો તો એમને દશ આંકડાનું પ્રમોશન મળ્યું હોય એવો અહેસાસ થયો. કરચલીવાળો ફીકો પડી ગયેલા ચહેરા પર અચાનક ચમક આવી ગઈ. ચમકનું કારણ એમનો શ્વાસ કે જે કેનેડામાં સ્થાયી થઈ હતી એ એમની દિકરી ખુશી હતી..પેટભરીને બાપ-દીકરીએ વાત કરી અને પછી મા- દિકરીએ પણ ધરાઈને વાતો કરી. આજે તો મનસુખલાલ અને ગોમતીબેનને છપ્પન ભોગના પકવાન મળી ગયા હતાં.


    ફોન પૂરો થયો અને દંપતી ખુશીના બાળપણના સંસ્મરણો તાજાં કરવા લાગ્યા. ખુશીનો જન્મ થયો અને નર્સે વધામણાં આપતાં કહ્યું હતું કે,"તમારા ઘરે લક્ષ્મી આવી". દીકરીનાં પા-પા પગલીએ આખાં ઘરને ખુશીથી ભરી દીધું હતું. એટલે જ દીકરી નું નામ જ 'ખુશી' આપી દીધું. ખુશીનાં એક પછી એક કારનામા, તોફાન, જીદ, શાળામાં અભ્યાસ કરવામાં આવતો કંટાળો, ખુશી સાથે બાવીસ વર્ષ વિતાવેલી પળો એક સાથે રિવાઈઝ થઈ ગઈ.


      અચાનક મનસુખલાલને કંઈક યાદ આવી જતાં આંખોમાંથી આંસુ આવી ગયાં. ગોમતીબેનની સામે જોઈને કહેવા લાગ્યા, દીકરી ધારે તો શું ન કરી શકે! વાઘ જેવો મરદ માણસ પણ ઝૂકી જાય. પા પા પગલી ચાલતી ખુશીનો હાથ એકવાર લિફ્ટમાં ફસાઈ ગયો હતો અને જમણાં હાથની બે આંગળીઓ કપાઈ ગઈ, હાથ લોહીલુહાણ થઇ ગયો. ખુશીનો માહોલ અચાનક દુઃખ માં ફેરવાઈ ગયો. કપાયેલી આંગળીઓ સાથે ખુશીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ડોક્ટરે તાત્કાલિક ઓપરેશન કરીને આંગળીઓ બચાવવાની તૈયારી કરવા લાગ્યા, પરંતુ ઓપરેશન સફળ થાય એવી ગેરંટી લેવા તૈયાર થયા નહોતા. ડોક્ટરે દંપતીને ભગવાનની પ્રાર્થનામાં શ્રધ્ધા રાખવા કહ્યું. ગોમતીબેનની આંખમાંથી આંસુ બંધ થવાનું નામ નહોતા લેતા.


    અચાનક મનસુખલાલ ઉભા થયા અને મહાદેવ મંદિરે દર્શન કરીને ભગવાનની સાક્ષીએ સંકલ્પ કર્યો કે, આજથી હું જિંદગીમાં ક્યારેય વ્યસન નહિ કરું. પંદર વર્ષની ઉંમરથી તમાકુ-ગુટકા ખાતાં હતાં મનસુખલાલ જેમને આજે લાડકી દીકરી માટે હંમેશા માટે વ્યસનનો ત્યાગ કર્યો! માતા-પિતાની શિખામણ અને શિક્ષકોનો ઠપકો જે નહોતું કરી શકયું એ કામ એક દિકરીએ કરી બતાવ્યું હતું અને ભગવાને મનસુખલાલની પ્રાર્થના આખરે સાંભળી. ઓપરેશન સફળ થયું અને ખુશીને થોડાં દિવસોમાં રજા મળી ગઈ. આ ઘટનાને આજે વરસો વિતી ગયાં, આજ સુધી મનસુખલાલે તમાકુ- ગુટકાને હાથ નહોતો લગાડ્યો. દુર્ઘટનાને યાદ કરતાં ગોમતીબેનની આંખમાંથી પણ આંસુ આવી ગયાં અને મોંઢામાંથી શબ્દો સરી પડ્યા,

"દુર્ઘટના હતી કે ઉપરવાળાની મરજી હતી એ,

ખુશી બનીને આવી એ સંત હતી કે ગુરુ,

કડક નિયમો લાવી એ સરકાર હતી કે પોલીસ."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational