ચાઈનીઝ મૈત્રી
ચાઈનીઝ મૈત્રી


મકરસંક્રાંતિનો દિવસ હોવાથી વહેલી સવારથીજ આજે ડી.જેનો અવાજ સંભળાઈ રહ્યો હતો. આબાલવૃદ્ધ બધાંજ અગાશીમાં પતંગ ચગાવવા અને "લપેટ લપેટ"ની બૂમો પાડવા આવી ગયાં હતાં. આસમાની રંગનું આકાશ નવરંગી પતંગોથી શોભી રહ્યું હતું. પંખીઓ પાંખો ફફડાવીને નવાં મિત્રોનું સ્વાગત કરતાં હતાં.
લગ્ન પછીની પહેલી ઉત્તરાયણ માણવા આવેલી વહુના ઉમંગનો પાર નહોતો. અગાશીમાં બેસેલો ચીની પતંગ હવામાં હિલોળા ખાવાં તત્પર હતો. ત્યાંજ એક જુવાને આવીને કિન્યા બાંધી દીધી ચાઇનીઝ દોરાની ચીની પતંગ સાથે. એવું લાગતું હતું કે ચીની કન્યા ચાઇનીઝ દોરા નામનાં વર સાથે બંધાઈ ગઈ. પતંગિયાની જેમ પાંખો ફૂટી ગઈ ચીની પતંગને અને પવનનાં જોરે આકાશમાં વિહરવા લાગ્યો. ચીની પતંગનો ગુલાબી રંગના વાન અને મોટી મોટી આંખોથી ચાઇનીઝ દોરી આકર્ષાઈ ! ચાઈનીઝ દોરાની ચાલાક નજરથી ચીની પતંગ પણ તેની તરફ આકર્ષાયો. ચારે બાજુ સંભળાતા ડી.જેના સૂરમાં તેમને ઢોલ અને શરણાઈના સૂર સંભળાઈ રહ્યાં હતાં. સૂરજ એમની મૈત્રીનો સાક્ષી બન્યો.
બંન્ને એકબીજાને સ્મિત આપતાં ઉંચે ને ઉંચે આકાશમાં ઉડવા લાગ્યા. અગાશીમાં બેસેલા રેશમના દોરાને ઈર્ષ્યા આવતી ચાઈનીઝ દોરાની. વાયર પર લટકેલો કાળો પતંગ પણ એમને જોઈને બળીને રાખ થઈ ગયો. ચાઇનીઝ દોરો ચીની પતંગને સમુદ્રનાં મોજાંની જેમ હિલોળા ખવડાવતો. હવાનાં ભરેલાં ફુગ્ગાઓ દૂરબીનથી એમને નિહાળતા.
ચીની પતંગ સાથે પેચ લડવા બીજો પીળો પતંગ દૂરથી આવતો દેખાયો. પીળો પતંગ જેવો ચીની પતંગની નજીક આવ્યો કે ચાઇનીઝ દોરાએ ચીની પતંગ સાથે મોટો ઝઘડો કર્યો. પીળો પતંગ તો ગભરાઈને દૂર જતો રહ્યો, પરંતુ શંકા નામનું તત્ત્વ મૂકીને ગયો. બંન્ને વચ્ચે સમાધાન થયું. ને ફરીથી બંન્ને પોતાની ધૂનમાં વિહરવા લાગ્યાં.
થોડીવાર પછી પવને દિશા બદલી. ચાઈનીઝ દોરાએ ચીની પતંગને બચાવવા ઘણી કોશિશ કરી.પરંતુ, બધાં પ્રયત્નો નિષ્ફળ ગયા. અને ચીની પતંગ એક થાંભલાના વાયર પર જઈને લટકાઈ ગયો. આ જોઈને ચાઈનીઝ દોરો ચીની પતંગથી દુર થઈને બીજાં પતંગ સાથે જોડાઈને આકાશમાં છલાંગ મારી. આખરે ચાઈનીઝ મૈત્રી હતી ને !