Kalpesh Patel

Drama Romance

4.9  

Kalpesh Patel

Drama Romance

સુહાગ

સુહાગ

8 mins
3.9K


સવારથી બીરજુ મહારાજ પ્લેબેક ટ્રેક સાથે સહારાને તેના પગ અને ઘૂંઘરુના લય એક કરવા મહેનત કરાવતા હતા. તા ધીન તી તા થા..થા..ધીન તા, ધીન... તા ના ચાલતા તાલે....મોતીલાલના સ્ટુડિયોમાં ઘણી છોકરીઓ અભિનેત્રી બનવા માટે લાઇન લગાવી બેઠેલ હતી, પણ મોતીલાલની અનુભવી આંખે તારવેલ સહારાની વાત અલગ હતી, તેઓ સહારામાં ભાવિ સ્ટાર-ડમ જોતાં હતા અને સહારા તેમની આગામી ફિલ્મ “પ્રોજેકટ 203” ની સફળતાની ચાવી છે તેવું દ્રઢપણે માનતા હતા. આમ એક્સ્ટ્રા કલાકાર સ્ટુડિયોમાં અટવાતા હતા અને ફિલ્મ જગતમાં પણ ઘણી નર્તકી હતી પણ સહારાની નઝાકત જ કઈ નિરાળી હતી.

સહારા તેના અણીયારા નાક અને ખંજન ઉપજાવતા ગાલ અને કોઈ ફિલ્મ જગતની પ્રવર્તમાન લીડ એક્ટ્રેસોને શરમાવે તેવી નાજુક દેહલતા આગામી સમયમાં દરેકને પાછળ પાડીને ફિલ્મ જગતમાં સિક્કા પાડવાની હતી, હવે મોતીલાલની શોધ પૂરી થઈ એટલે તેમનો ડ્રીમ-પ્રોજેકટ નંબર ૨૦૩નું મુર્હુત શૉટ માટેની છૂપી પણ તડામાર તૈયારીના ભાગ રૂપે તેમના જૂના વિશ્વાસુ ડાન્સ ડિરેક્ટર બીરજુ મહારાજ સહારાને તનતોડ મહેનત કરાવતા હતા.

હજુ છ-એક વરસ પહેલા સહારાને તેના મામા જયપુરથી મુંબઈ લાવ્યા હતા. તેના માબાપ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. અને ત્યારથી આ માસૂમને ફિલ્મ લાઇનમાં ચમકાવીશ તેવા નિર્ધારથી મામા મોહને સહારાનો સહારો બની નાનપણથી મોટી કરી હતી. મોહન વર્ષોથી મોતીલાલના સ્ટુડિયોમાં દરજી (ડ્રેસ –મેન) તરીકે કામ કરતો હતો અને બીજા સ્ટુડિયોમાં પણ નાના મોટા કામ કરીને બે પૈસા કમાઈ લેતો. અને મોહન-માસ્ટર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પંકાયેલ.

મોહન બધાજ કલાકારોના જરૂર મુજબના કપડાં ડિઝાઇન કરી સીવતો. એટલે તે ફિલ્મ જગતમાં ઘણા મોટા કલાકારથી પરિચિત હતો. મામા ભાણીનું ગાડું આમ ચાલ્યું જતું હતું. મુંબઈમાં રહેવાના ઓટલાંના અભાવે મોહન મોતીલાલના સ્ટુડિયોમાં તેઓની રહેમ નજરથી રહેતો.

મોતીલાલના સ્ટુડિયોમાં મહિનામાં એક બે વાર ફંક્શન રહેતા, મોહન સહારાને ત્યાં લઈ જતો, બાળસાહજ સહારાને તે અજાયબ લાગતું, અહી અલક મલકનો મેળાવડો ઉમટતો મોતીલાલની પ્રેમિકા લક્ષ્મીદેવી જીવતા હતા ત્યારે અહીની રોનક કઈ ઓર હતી.પરંતુ લક્ષ્મી દેવીના અવસાન પછી મોતીલાલના દિવસો કામમાં અને રાત્રિ દારૂના નશામાં વિતતી. ક્યારેક તેઓના પુત્ર સ્મિતને પાર્ટીમાં લાવતા અને લક્ષ્મીદેવીને યાદ કરીને છુપું રડી લેતા. કામને સમયે કામની નીતિને વળગેલા મોતીલાલ વ્યવસાય પરત્વે વફાદાર હતા. અને હવે તેમના આગામી પ્રોજેકટ માટેની અભિનેત્રી પસંદગી માટેની દોટ મોહન માસ્ટરની ભાણીથી અટકી હતી. એટલે મોડીરાત સુધી હવે પ્રોજેક્ટને આખી ઓપ આપવા માટે વ્યસ્ત રહેતા હતા. બીજીબાજુ સહારા અને સ્મિત સ્ટુડિયોમાં યોજાતી પાર્ટીના શોર બકોર વચ્ચે મળતા રહેતા. અને દુનિયાદારી થી બેખબર બંને સહજ લાગણીના તંતુથી બંનેની એકલતા દૂર કરતાં.

સમય જતા સ્મિતની બદલાયેલી વાતોથી, સ્મિતનો તેના માટેનો પ્રેમ સહારાને પણ સમજાવા લાગ્યો. બંને એકબીજાની આંખોમાં પ્રેમ વાંચી લેતા. સ્પર્શ અને શબ્દોની તેમને જરૂર નહોતી. બસ માત્રને માત્ર અહેસાસ જ બંને માટે પૂરતો હતો.

બીરજુ મહારાજ આ સહજ પાંગરતા પ્રેમના સાક્ષી હતા. પણ સાથે સાથે તેઓ સહારાને પિતાતુલ્ય સલાહ આપી સમજાવતા કે નવી અભિનેત્રીઓને પ્રેમ કરવાની પરવાનગી જ નથી હોતી તેને લાંબી મજલ કાપવાની હોય છે, ડાઇરેક્ટર – પ્રોડ્યુસરના લાખ લૂટ ખર્ચાને પણ નજરમાં રાખવાનો હોય છે. ફિલ્મ જગતમાં લોકોના દિલ ઉપર રાજ કરવા માટે પારણેલી અભિનેત્રી હમેશા આડખીલી બનતી હોય છે, અંહી પોતાના રૂપથી જ લોકોને લલચાવવાના હોય છે. આ તારી મૂડી સમાન દિલજ તું કોઈને સમર્પિત કરી દઇશ તો આગળ કેવી રીતે વધાશે ? દીકરી સહારા, તારે અત્યારેતો આ કામથી દૂર રહેવું ઘટે.

સહારા પણ આ વાતને માનતી હતી, પરંતુ તે પ્રેમના ઉમટી રહેલા આવેગ પાસે લાચાર થતી રહેતી. બાળપણની આવી મુલાકાતો ઉમર વધતાં હવે નાજુક સ્તરે પહોચી ચૂકી હતી. સહારા મનથી સ્મિતની થતી જતી હતી. ચોરી છુપીથી વિતાવેલી સ્મિત સાથેની શુલ્ક ક્ષણોને આખો દિવસ વાગોળતી પણ ફિલ્મજગતના પંકમાં કમળની જેમ અન્યથી પોતાને દૂર રાખતી.

પરંતુ આ બધા ક્રમમા સહારાને હવે એવું થતું, કોઈએ તેને આંખે પાટા બાંધી, એક ગોળ પૈડા સાથે કોઈએ જકડી દીધી છે. તે સતત ગોળ ગોળ એકધારું ફરતી હતી. એ દરરોજ ખૂબ ચાલતી, થાકી જાય ત્યાં સુધી, છતાં એ ત્યાં જ હતી. એક તસું પણ ખસી નહોતી !

શરૂઆતમાં આ સ્ટુડિયોમાં સારું ખાવા પીવા અને પહેરવાના કપડાં મળતા ત્યારે તો તેને ખૂબ ગમતું, અને બીરજુ મહારાજની નિગરણીમાં રોજના પોષ્ટીક ખોરાક, રેગ્યુલર ડાએટીશીયનની મુલાકાત તેમજ અવાર નવાર બદામના તેલથી મર્દન અને કેશને જડીબુટ્ટીનો ધૂપ જેવા મળતા લાલન પાલનનો ખરો અર્થ હવે સહરાને સમજાતો જતો હતો.

સમય વિતતા સહારાનું સૌંદર્ય ખુબ નીખર્યું હતું. આયનામાં પોતેજ પોતાનું સૌંદર્ય જોઈને લજવાઇ જતી. પણ એ વિચારતી, "આ રૂપનો માલિક કોણ ? પોતે આજે પોતાની જાતને એક સૂક્ષ્મ તારથી સંચાલિત થતી કઠપૂતળી હોય તેમ અનુભતી હતી. પોતે તેના મનના માણીગર સ્મિત તરફની પ્રીતને કેવી રીતે અવગણશે ? આવા વિચારે રોજ ની એકધારી દિન ચર્યામાં મૂંઝાતી રહેતી.

સ્મિત જ્યારે પણ સ્ટુડિયો આવે ત્યારે તે હમેશા સહારાની નજીક આવીને તેના દિલની વાત જણાવા ઈચ્છતો પણ સહારા શરમાઈને તેનાથી દૂર ચાલી જતી. આવીજ રીતે સહારા પણ ભારોભાર લાગણી ધારવતી, બંને વચ્ચેના શૂન્યમાં ભારોભાર લાગણી ધરબાતી જતી હતી.....

..બંને પ્રીતની રાહ પર હતાં પરંતુ આ પ્રેમી પંખીડા, પોતાના પ્રેમનો આશીયાનો બનાવી શકશે કે કેમ ? તેની મથામણમાં હતા. વળી અહીંની દુનિયાથી દૂર જઈને ક્યાં જવું, અને એકલા સંસાર કેવી રીતે માડશે, હજુ સહારા નાબાલિક હતી. તેથી સ્મિત પણ પહેલ કરતાં અચકતો હતો.

.....આજે સવારે જ સહારાએ મોહન મામાને દીપક કુમાર સાથે વાત કરતા સાંભળ્યા હતા કે મુર્હુતની તૈયારી પૂરી થઈ છે, ત્યારથી તે ખુબ ચિંતામાં હતી. દીપક કુમાર ફિલ્મ જગતનો મોટો કલાકાર અવારનવાર સહારાના ડાન્સ ટ્યુશન દરમ્યાન સ્ટુડિયોમાં મહેમાન બનતો. સહારાનું નૃત્ય અને તેના રૂપનો રસિયો હતો. સહારાના નિર્દોષ હાવભાવ અને તેના મૃગનયનોમાં હંમેશા ડૂબી જવાની તમન્ના સેવતો.

દીપક કુમારના આ લગાવની બીરજુ મહારાજને ખબર હતી તેથી,તેઓ સલામત અંતરની કાળજી લેતા હતા જ પણ પ્રોજેકટ નંબર ૨૦૩ માં સફળ અભિનેતા દીપકકુમાર હશે તે લગભગ નક્કી હતું. અને સહારા તેની પહેલી ફિલ્મથીજ આગળ જ હશે એવું અનુમાન લગાવી મનમાં પોરસાતા.

હવે તેઓની પાસે ફક્ત મહિનાનો સમય જ હતો. અને પ્રિ લોન્ચની જાહેરાતોનો દોર ચાલુ થઈ ગયો હતો, હવે આવતે શનિવારે ફિલ્મનું મુર્હુત હતું, અને તેમાં “ ડાન્સ સિકવલ” ફિલ્માવવાની હતી, બિરજુ મહારાજ અને સહારા બંનેનો આત્મવિશ્વાસ ચરમસીમાએ હતો, દીપક્કુમાર તો નીવડેલાં કલાકાર હતા પણ તેઓએ પણ તનતોડ મહેનત કરેલી હવે તેઓના અને નૃત્યના સાથી કલાકારો માટે મોહનમાસ્ટરે તૈયાર કરેલા ડ્રેસ પણ આવી ગયા હતા, ગીતની અંતમાં દીપકકુમારની રોમાંચક એન્ટ્રી થવાની હતી.

"યાર "મોતી", આ તારા " સુહાગ" પ્રોજેકટ, આઈ મીન આપણા "પ્રોજેક્ટ નંબર ૨૦૩" ની અફલાતૂન સફળતા માટે હું એક જકાસ નુસખો શોધી આવ્યો છું. બધુજ રોકાણ મારૂ, સ્ટોરી ભલે તમારી પણ બીજુબધું મારી મરજી મુજબ બોલ, હા કે ના ? તારે કોઈ મુશ્કેલી નહીં આ એક માત્ર હા થી બધુજ બરાબર થશે, અને ખાત્રિ રાખો આ ફિલ્મ જગતમાં તને લોકો સદાકાળ યાદ કરશે.”.

કાર્યક્રમ શરૂ થવાની થોડીક વાર હતી. સ્ટુડિયોનો ફ્લોર આખો આમંત્રિતોથી ખીચોખીચ ભરેલો હતો. બધાજ પોતાની બેઠકો પર ગોઠવાઇ. દીપ પ્રાગટ્ય પછી કાર્યક્રમ શરૂ થયો. શરૂઆતમાં પ્રાર્થના રજૂ થયા બાદ મોતીલાલે એનાઉન્સમેન્ટ કરતા જણાવ્યું,

“દોસ્તો, હવે આપની સમક્ષ એક નવા ચહેરાને જાણીતા સદાબહાર અભિનેના દીપકકુમાર સાથે રજૂ કરવા જઇ રહ્યો છું, જેના વખાણ હું કરીશ તો મજા નહીં આવે. આજે મારો નવો પ્રોજેકટ નંબર ૨૦૩ ફ્લોર પર ”સુહાગ” ના નામે જઇ રહ્યો છે ત્યારે તમારા આશીર્વાદ તેને સફળતા અપાવશે તેવો મને વિશ્વાસ છે,વધુ સમય બોલવામાં નથી લેતો, તો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું મિસ સહારાને મુર્હુત ટેક માટે, આપ સૌ કોઈને વિનંતિ કે આપની તાળીઓના ગડગડાટ રૂપે તમે મિસ સહારાનો ઉત્સાહ વધારશો.

રાજ્યસ્થાનના કોઈ એક ગામના પાદર ને અભિકૃત કરતાં સેટ ઉપર લાઇટસનો ફોકસ વધુ થયો. આસમાની અર્ધપારદર્શક સરરા શુટમાં ધીમા પણ મક્કમ પગે સહરાએ સેટ ઉપર પગ મૂક્યો ત્યારે હજર રહેલાઓના હ્રદય થડકવી ગયા.

આંખમાંઆ ગોરંભાયેલ શૂન્યમાં તું ડોકાય છે

 તો મહેફિલ બિન સાજિંદાની આ રુદિયામા સર્જાય છે.

યાદની તે મહેફિલમાં મૌન તારું પડઘાય છે,

 અવકાશે વિસ્તર્તા વ્યાપે ચોતરફ હવે તું દિસે છે.

શું,આ મૌન “હેત” કેરા પગલાં “રેત” ઉપરના જ છે ?

નથી ભૂંસી શકતી પ્રીત-પગલી,

શૂન્યમાંતું એક મનમાં ડોકાય છે,

“ગુલાલ” ફાગણ કેરા રૂડિયામાં રેલાય છે,

રંગ રસિયા કેશુડો તારો રુદિયે વસે છે.

આબેહૂબ ગામના પાદરમાં સહારા અને દીપક કુમાર, રાસ મંડળથી હોળીના ફાગ ખેલતા જોઈ લોકો રોમાંચિત થઈ ને ઉમળકાભેર દીપક કુમાર – સહારાની જોડી વધાઈ આપવા લાગ્યા.

આ તરફ સ્મિત સ્ટુડિયોની ઝક્મ્જોળમાં પણ ખૂણામાં દૂર શાંતિથી ઉભેલો સ્મિત, સહરા એકલી પડે તેની રાહ જોતો વિચારતો હતો કે બાળપણથી જ સુખ એની જિંદગીથી બે કદમ આગળ જ ચાલતું. શું અંહી પણ,,? હજુ બે વરસનો લાંબો સમય રાહ જોવાની હતી અને પોતાની કેરિયર બનવીને સેટ થવા વિચારતો હતો શું...

.....તે અને,સહારા કદી શરીરનો, સ્વભાવનો અને સ્વાસ્થ્યનો ભેદ પાર કરી બંને ક્યારેય એક થઈ શકશે ? સહારા માટે પોતાના પિતા મોતીલાલના સ્વપ્નોનું સતત થઈ રહેતું સમર્પણ તેને પાગલ કરી મૂકતું. અણ-સમજમાં સ્મિત હવે પોતાના પિતાને ધિક્કારવા લાગ્યો હતો.

એટલામાં તેના કાને અવાજ પડ્યો...અરે જુનિયર મોતીલાલ અહી સ્પોટ લાઇટમાં આવો પાછળ ખૂણે અંધારે તમે રહો તેમ કેમ ચાલે ?. તેની નજર સામે દીપકકુમારને જોઈને તેનું રક્ત જાણે વહેતું અટકી ગયું હોય તેમ તેને લાગ્યું, પણ ક્ષણમાં સ્વસ્થ થઈ ગયો દીપકકુમારને ક્યાં ખબર છે કે તે સહારાને દિલો-જાનથી મહોબ્બત કરે છે. વળી ત્યાંજ તેને બિરજુ મહારાજને પણ પાછળ આવતા જોઈને દરિયામાં ડૂબતી વ્યક્તિને સહારો મળે તેમ લાગ્યું.

દીપકકુમાર લગભગ તેની બાજુમાં આવી તેનો હાથ બિરજુ મહારાજના હાથમાં આપતા કહ્યું કે મહારાજ હજી આ કાચા હીરને પણ તારવવાનો છે !, તમારું કામ પૂરું નથી થયું !.શું થઈ રહ્યું છે સમજાય તે પહેલા દીપકકુમાર બોલ્યા, ઓ મજનૂ, આ સહારા તને દિલ ફાડીને પ્રેમ કરે છે. તારી સાથેના સોનેરી સપના સાચા કરવા તડપે છે. હું તેના પ્રેમમાં પાગલ ખરો, પણ એક નેક કલાકાર છું, લાગણી અને પ્રેમના તંતુની ગૂંચ મારાંથી બહેતર કોણ ઉકેલી શકે !

પ્રોજેકટની તૈયારી દરમ્યાન મને સમયસર સચ્ચાઈની જાણ થઈ અને મારું ઝમીર મને પોકારી ઉઠયું. લાંબા સમયથી સ્ટેજ પર ઘણી કાગળ ઉપરની જોડીઓનો જન્મ થાય છે. ફિલ્મીજગત સવાર- બપોર સાંજ, સમયના સથવારે એકજ જોડીઓના સ્વરૂપ પ્રેમી- પ્રેમિકા, પતિ પત્ની, બોસ- કામદાર જેવા બેસુમાર રિશ્તોમાં અલગ અલગ રીતે ઉભળતા રહેતા હોય છે. આજે પહેલીવાર કોઈ કોઢ ભરેલી નાદાન, જમાનાના દૂષણોથી બેખબર છોકરીનો સંસાર મંડાતા રોકવાનું હું નિમિત્ત શું કામ બનું ?

તું પણ સહારાને સાચા દિલથી પ્રેમ કરે છે, તારા સુખને રોળીને મારો આશયાનો કેમ બનાવી શકાય ? તારો સહારા પર હક્ક પહેલો છે, સ્મિત તું સહારા સાથે સુખી રહે, પણ હા, પહેલા આ ફિલ્મમાં તારે અને સહારાએ તનતોડ મહેનત કરી યોગ્યતા પુરવાર કરવાની રહેશે.

ઓ મહારાજ ચાલો જલ્દી હમણાંજ કરો રી ટેક તૈયારી, બિરજુ મહારાજ દીપકકુમારની નિખાલસતા ઉપર પર વારી ગયા અને સ્મિતનો હાથ પકડીને સ્ટેજ તરફ જઈ રહ્યા હતા ત્યાંરે સ્ટેજ ઉપર પણ પ્રેમ અને સ્વત્રંતાની પ્રભાતનું અજવાળું ફેલાવાવનું શરૂ થઈ ગયું હતું.

મોતીલાલ સમજી ગયા કે હવે લાઇટ, કેમેરા,એક્શન, સાઉન્ડ, રેડી વગેરેના આવજો અને ફ્લોર પરના શોરબકોર વચ્ચેની શૂન્યતામાં "સ્મિતની" જિંદગીનું સ્ટેજ હવે સહારાના સથવારે ગોઠવાવવાનું હતું.....!, તો દૂર મોહન માસ્ટર સત્વરે સ્મિત માટે ડ્રેસ અલ્ટર કરતાં, સ્ટુડિયોના ફ્લોર ઉપરના નભને જોતાં બોલી ઊઠે છે “ભગવાન તું કમાલ કરે છે. " એક દરવાજો બંધ કરી ને અંધારું કરે કરે તો બીજા દરવાજે ભરપૂર ઉજાસ આપે છે".માસ્ટર આજે અભિકૃતિત હતા, સહારા ને યોગ્ય "સુહાગ" અપાવવાથી.


Rate this content
Log in

Similar gujarati story from Drama