STORYMIRROR

Kalpesh Patel

Drama Tragedy Classics

4  

Kalpesh Patel

Drama Tragedy Classics

નીલોત્પલ

નીલોત્પલ

3 mins
4

નીલોત્પલ ~ એક સુગંધિત સ્મૃતિ

પાલનપુરની પાદરે રામુ નામનો એક વૃદ્ધ માળી તેની નાની વાડીમાં રહેતો હતો. તેની ફૂલવાડીમાં ઘણા ફૂલના છોડ ઉછરેલા હતા, પણ એક કાળા ગુલાબનો છોડ તેને સૌથી પ્રિય હતો.
તે ગુલાબ સામાન્ય નહોતું.
રામુ કહેતો, “આ ફૂલ મારી પત્ની સવીતાની યાદ છે.”

સવીતાનો વર્ણ કાળો હતો, પરંતુ દિલ ખૂબ ઉજળું. જુવાનીના દિવસોમાં તેણે આ કાળા ગુલાબનો છોડ વાવેલો.

જીવનભર એકબીજાનો સાથ નિભાવવાનો કોલ સવીતા પાળી ન શકી. પહેલી જ સુવાવડમાં તે બાળક સાથે રામુને હાથતાળી આપી પરલોક સીધાવી ચૂકી હતી.ત્યારથી રામુએ પોતાની ફૂલવાડીને જ પોતાના એકાંકી જીવનનો સાથી બનાવી લીઘી હતી. તેણે જીવન ભર કુંવારો  રહી દિવસો પસાર કરેલા હતા.

દરેક સવાર રામુ તે ગુલાબના છોડ સાથે વાત કરતો. તેની આસપાસ ખુરપીથી માટી ઢીલી કરતો અને પાણી આપતો.
બપોરે શીરામણ વેરા પછી તે તેની પાંખડીઓ પર હાથ ફેરવતો અને સવીતાને યાદ કરતો.આં કાળું ગુલાબ ખીલે ત્યારે આખી વાડી સુગંધથી ભરાઈ જતી.
બાજુની વાડીમાં રહેતા શ્યામુની દીકરી પુષ્પા રોજ શાળાએ જતી વખતે રામુની વાડી પાસે રોકાઈ, રામુકાકા પાસે બેસતી.

પુષ્પા પોતે પણ તેના ગાઢ શ્યામ વર્ણ અને અસમ ચહેરાને કારણે સંકોચ અનુભવતી. રોજ શાળામાં બીજા બાળકો તેની મજાક ઉડાવતા. આંખોમાં આંસુ લઈને જ્યારે તે રામુકાકા પાસે આવતી, ત્યારે રામુ તેના માથે હાથ ફેરવી ધીમે કહેતો—

“બેટા, દુનિયા જાલીમ છે. લોકો ઘણી વાર ફૂલની ઉજળી પાંખડીઓ જ જુએ છે, તેની સુગંધ નહીં. આ કાળા ગુલાબને જો, તે પણ બધાને અજીબ લાગે, પણ તેની સુગંધ આપણી આખી વાડી ભરી દે છે."

"માણસનું સાચું સૌંદર્ય, તેના ચહેરામાં નથી હોતું, દિલમાં હોય છે.”

એ દિવસથી પુષ્પા જ્યારે પણ આ કાળું ગુલાબ ખીલેલું જોતી, ત્યારે પોતાની કુરૂપતા ભૂલી, પોતાની અંદરની સુગંધ યાદ આવતી.

એક દિવસ તેણે પૂછ્યું—

“કાકા, આ ગુલાબ હંમેશા એટલું હસતું કેમ લાગે?”
રામુ હસ્યો અને બોલ્યો—

“કારણ કે જેણે  આ વાવેલું છે તે પણ હંમેશા હસતી રહેતી હતી, બધાને પ્રેમ વહેંચતી હતી.”

એક દિવસ માવઠું આવ્યું. કમોસમી વરસાદ અને આંધીએ વાડીના ઘણા છોડોને વાળી નાખ્યા.

સવારે રામુ બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે તેના પ્રાણપ્રિય ગુલાબના છોડની મુખ્ય ડાળી તૂટી ગઈ હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા.

એવામાં પુષ્પા દોડી આવી અને પૂછ્યું—

“કાકા, હવે શું થશે?”

રામુ રડમસ અવાજે બોલ્યો—

“દરેકના જીવનમાં ક્યારેક પાંખડીઓ પડી જાય છે. પણ હાડ મજબૂત હોય તો ત્યાં ફરી ફૂલ ખીલે.”

તેણે તૂટી ગયેલી ડાળ કાપી અને છોડને ટેકો આપ્યો.

દિવસો પસાર થયા. થોડા અઠવાડિયામાં નાની લીલી કૂંપળ દેખાઈ.

પુષ્પા ખુશ થઈ બોલી—

“કાકા! તમે સાચું કહ્યું—ગુલાબ ફરી જન્મ્યું!”

તે દોડી રામુકાકાની ઓરડીમાં ગઈ. રામુ ખાટલી પર બેસી રામનામ લખતો હતો. પુષ્પાને જોઈ તેની આંખોમાં ચમક આવી.
પુષ્પાએ તેને નવી કૂંપળ વિશે કહ્યું.

રામુ બોલ્યો—

“આ કાળું ગુલાબ આપણને શીખવે છે કે સૌંદર્ય ફક્ત બાહ્ય દેખાવમાં જ નથી હોતું”

બીજા મહિને તે છોડ પર મુઠ્ઠી જેટલી ગુલાબની કળી બેસેલી જોઈ પુષ્પા ભાવવિભોર થઈ ગઈ.

બીજી સવારે ફૂલ ખીલ્યું…પુષા તે જોઈ રામુ ની ઓરડી એ ગઈ..

પણ રામુ ઊઠ્યો નહીં.
વાડીમાં શાંતિ છવાઈ ગયેલી હતી..
હવે 
પુષ્પાએ રામુની વાડીની જવાબદારી સંભાળી લીધી હતી .

અને તે કાળું ગુલાબ?

દર વર્ષે એ જ દિવસે વધુ તેજસ્વી બની હજુય ખીલે છે … 
જાણે કહે—
સાચો પ્રેમ ક્યારેય મુરઝાતો નથી,
તે ફક્ત ક્યારેક સમયની ગોદમાં પોરો ખાય છે. 🌹

વાંચન વિશેષ
‘નીલોત્પલ’ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તેમાં ‘નીલ’ એટલે ગાઢ કાળો કે ગાઢ વાદળી રંગ અને ‘ઉત્પલ’ એટલે કમળ કે ફૂલ. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં ‘નીલોત્પલ’ એવો દુર્લભ ફૂલ માનવામાં આવે છે, જેનો રંગ અંધકાર જેવી ઊંડાઈ ધરાવે છે, પરંતુ તેની અંદર અદભૂત સૌંદર્ય અને સુગંધ છુપાયેલી હોય છે.
આ શબ્દ  ઘણી વાર એવા સૌંદર્ય કે Black Beauty,માટે પ્રતીકરૂપે વપરાય છે, જે બહારથી સાદું કે કાળું લાગે, પણ અંદરથી પ્રેમ, કરુણા અને ઊંડાણથી ભરેલું હોય.
પ્રસ્તુત વાર્તામાં ‘નીલોત્પલ’ કાળા ગુલાબનું પ્રતીક બનીને એક સરળ પરંતુ ગહન સંદેશ આપે છે—
સાચું સૌંદર્ય રંગમાં નથી, પરંતુ હૃદયની સુગંધમાં વસે  છે.



Rate this content
Log in

Similar gujarati story from Drama