STORYMIRROR

Kalpesh Patel

Abstract Classics Inspirational

4  

Kalpesh Patel

Abstract Classics Inspirational

અધૂરી આશા.

અધૂરી આશા.

3 mins
2




અધૂરી આશા.

“જો મરેલા બોલી શકે તો?”

અંબાલા શહેરની મેડિકલ કોલેજમાં રાતના બાર વાગ્યા પછી મોર્ગની અંદર એક અજીબ શાંતિ છવાઈ જાય છે।
બહાર સાયરનનો અવાજ બંધ થઈ જાય છે।

ડોક્ટરોના પગલાં થંભી જાય છે।
માત્ર કોલ્ડ સ્ટોરેજના કોમ્પ્રેશરની ધડબડાટ

કોઈને તેમાં યાંત્રિક સંગીત સંભળાય,
કોઈ નબળા હૃદયને તેમાં ભુવાના ડાકલાનો ભયંકર પડઘો લાગે.

પણ અંદર… મોર્ગમાં?

અંદર હજી ઘણું જીવતું રહે છે।

સ્ટેનલેસ સ્ટીલના ઠંડા પાટિયાં પર પડેલા મૃતદેહો, એલઈડીની ડીમ લાઈટની ચાંદનીમાં, લાઇનબદ્ધ ચમકતા અધૂરા સ્વપ્નો જેવા લાગે. જાણે દરેક શરીર એક અધૂરું વાક્ય હોય, જે પૂર્ણવિરામ પહેલાં જ અટકી ગયું હોય।

જો એ બોલી શકે તો?
સૌથી ખૂણે રાખેલો એક યુવાન।
તેની આંખો હવે બંધ છે,
પણ કાલ સુધી તે પોતાની વિધવા મા માટે ઘર બનાવવાનું સ્વપ્ન જોતો હતો।
તેના મૌનમાં પણ એક દબાયેલો સ્વર ગુંજે છે.

“મારે હજી મારા બાપુનું ઋણ ચૂકવવું હતું…
મારી નાની બહેનના લગ્નમાં ડાન્સ કરવો હતો…”

તેની અધૂરી આશા હજી ઠંડી હવામાં લટકતી રહે છે।
બીજા રેક સામે ડિસેક્શન ટેબલ પર એક વૃદ્ધા।

તેના હાથમાં હજી ઘીની સુગંધ છે।
દિવાળી માટે લાડુ બનાવતી હતી, ત્યાંજ  તેના ખુદ ના જીવનદીપનું ઘી ખૂટી ગયું।

જો એ બોલી શકે તો રડતી આંખે કહે
“મારા પૌત્રને કહેજો, હું રિસાઈ નથી …
મારે હજુ  એક વાર એનું ‘બા’ બોલવું સાંભળવું હતું…”

એક ખૂણામાં અકસ્માતનો શિકાર બનેલી યુવતી।
તેના મોબાઇલમાં વોટ્સએપના ‘ડ્રાફ્ટ’માં એક મેસેજ છે.
“હું તને પ્રેમ કરું છું…”
પણ એ મોકલાઈ શક્યો નહીં।
તેની નિષ્પ્રાણ આંખો જાણે પૂછે—
“શું શબ્દો પણ અમર નથી?
શું કુદરત જ્યારે જીવાદોરી ટૂંકાવે છે, ત્યારે લાગણીઓ પણ સાથે લઈ જાય છે?”
અને પછી,
આં બધામાં સાંજેજ આવેલ 
એક નાનકડું બાળક।
તેના હાથમાં રમકડાંની કાર।
તે ક્યારેય મોટું થઈ શક્યું નહીં।

જો તેની અધૂરી આશાને વાચા મળે,
તો તે કદાચ નિર્દોષ ભાષામાં એટલું જ કહે.

“મમ્મી… થોડી વાર ઘરે રહે ને…
હું  તને મારી કારમાં ઓફિસ મૂકી આવીશ…”

કોલેજના ટાવરની ઘડિયાળ એક વાગ્યાનો ટકોરો કરે છે।

મોર્ગમાં પવનનો નવો ઝોક આવે છે।
સ્ટોરેજની અંદરનો ઠંડો અવાજ જાણે થીજીને બરફ બની જાય છે।
પણ ખૂણેખાચરે એક જ જપ સતત સંભળાય છે.

“અમે મરી ગયા છીએ,
પણ અમારી આશાઓ નહીં…”

મોર્ગનો વોચમેન ઘણીવાર મેટ્રન ને ફરિયાદ કરે છે..

“સાહેબ, અંદર રોજ કોઈ બોલે છે…
મારું પોસ્ટિંગ બદલી દો…”

પણ,

મોર્ગની હવા ફક્ત ઠંડી નથી।
એ તો અગણિત અધૂરા સ્વપ્નોનો શ્વાસ છે।

જો મરેલા બોલી શકે તો?

કદાચ એ દોષારોપણ તો હરગીજ નહીં કરે।

કદાચ એ રડશે પણ નહીં।

એ ફક્ત એટલું કહેશે,

“જીવતા લોકો…
તમે લોકો સાથે પ્રેમથી વાત કરજો।
કારણ કે કાલે કદાચ શબ્દો માટે પણ સમય નહીં હોય।”

મોર્ગ ફરી શાંત થઈ જાય છે।

પણ નિર્જીવ દિવાલો  બધું યાદ રાખતી હોય છે।

કારણ કે.

કોઈની બધી આશાઓ ક્યારેય પૂર્ણ થતી નથી…અધૂરી રહેતી હોય છે.

અને
માનવીની આશા ક્યારેય મરતી  કે પુરી થતી નથી।
અંતમાં એટલું જ—
મોર્ગની ઠંડી દિવાલો વચ્ચે પડેલા દેહો ભલે નિષ્પ્રાણ હોય, પણ તેમની અધૂરી આશાઓ હજી શ્વાસ લેતી રહે છે. મૃત્યુ શરીરને લઈ જાય છે, સ્વપ્નોને નહીં. કદાચ તેથી જ દરેક વિદાય આપણને શીખવે છે કે પ્રેમ, શબ્દ અને સમય — આ ત્રણેયને ક્યારેય કાલ પર મુકો નહીં. કારણ કે જ્યારે શ્વાસ અટકે છે, ત્યારે પસ્તાવો જ એકમાત્ર જીવતો રહી જાય છે… અને આશા?
આશા ક્યારેય મરતી નથી.

વાંચન વિશેષ /આખરી ચિંતન 
વેર-ઝેરમાં સળગતા રહીએ તો જીવન રાખ બની જાય છે।
મૃત્યુ તો નિશ્ચિત સત્ય છે — કોઈનો દ્વાર ટાળતું નથી।
અંતે હાથ ખાલી જ રહેવાના છે, તો દિલ કેમ ખાલી રાખીએ?
જેને માફ કરી શકાય તેને આજે જ કરી દઈએ।
કારણ કે કાલે કદાચ સમય નહીં હોય — અને મૃત્યુ રાહ નથી જોતું।
~~~~~
મોર્ગ – ટૂંકો પરિચય
મોર્ગ (Mortuary) એ એવી વિશેષ વ્યવસ્થા ધરાવતું સ્થળ છે જ્યાં મૃત્યુ પામેલા વ્યક્તિના દેહને અંતિમ સંસ્કાર અથવા પોસ્ટમોર્ટમ સુધી સુરક્ષિત રીતે રાખવામાં આવે છે। સામાન્ય રીતે તે હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ સાથે સંકળાયેલું હોય છે। અહીં કોલ્ડ સ્ટોરેજની સુવિધા હોય છે જેથી દેહને નિશ્ચિત તાપમાન પર સાચવી શકાય। કાનૂની તપાસ, પોસ્ટમોર્ટમ અને ઓળખ પ્રક્રિયા માટે મોર્ગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।
મોર્ગ માત્ર એક ભૌતિક જગ્યા નથી, પરંતુ જીવન અને મૃત્યુ વચ્ચેની અંતિમ ઔપચારિક સીમા પણ છે।



Rate this content
Log in

Similar gujarati story from Abstract