JHANVI KANABAR

Tragedy Others

4.5  

JHANVI KANABAR

Tragedy Others

સત્યવતી

સત્યવતી

6 mins
629


પ્રિય વાચકમિત્રો,

હું જ્હાનવી કાનાબાર. સ્ટોરિમિરરના માધ્યમથી મને જે વાચકવર્ગ મળ્યો છે તેને હું આભારી છું. કોરોનાકાળમાં આવેલ લોકડાઉન દરમ્યાન મેં મારી લેખનકળાને જાગૃત કરી. મારી નાની-નાની કૃતિઓને આપ દ્વારા ખૂબ સહકાર મળ્યો. આપના આ સહકારને ધ્યાનમાં રાખી આજે હું એક નવલકથા લખવા જઈ રહી છું. એક એવી કથા જેમાં ધર્મ અને અધર્મનું પાત્રો દ્વારા ઊંડાણથી આલેખન કરવામાં આવ્યું છે. મહાભારત જેવા ધર્મગ્રંથને હું અહીં નવલકથા સ્વરૂપે લખવા જઈ રહી છું, જેનું એક કારણ એ છે કે, આપણા આ મહાન ગ્રંથને આજની પેઢીએ સમજવું જરૂરી છે. મેં ઘણા બધાને મોઢે સાંભળ્યું છે કે, રામાયણ હજુ સમજાય છે પરંતુ મહાભારતમાં તો કંઈ જ સમજ પડતી નથી. આ જ માટે મેં અહીં સરળ ભાષામાં દરેક ઉંમરની વ્યક્તિને સમજાય એ રીતે કથાની રજૂઆત કરી છે. માનનીય ગૌતમ શર્મા કૃત `મહાભારત નવલકથાવલિ’ ના સૌજન્યથી અત્રે હું મારી કથા ધર્મક્ષેત્ર – કુરૂક્ષેત્ર પ્રસ્તુત કરું છું. આશા છે કે તમે તેને જરૂરથી બિરદાવશો અને આપનો અભિપ્રાય આપશો.

***

યમુના નદીના એક નાનકડા દ્વીપ પર આજે એક ભયંકર દ્રશ્ય સર્જાઈ ગયું. માછીમારો પોતપોતાની નૌકાઓમાં સવાર થઈ માછલીઓ પકડતા હતા. એવામાં એક મોટુ મચ્છ જાળમાં ફસાયુ. સૌ માછીમાર તે મચ્છને દ્વીપ પર લઈ આવ્યા. માછીમારના મુખી દાશરાજે એ મચ્છનું પેટ ચીર્યુ... અને અને આ શું ? એમાંથી એક સગર્ભા સ્ત્રી હજુ શ્વાસ લેતી હતી ! દેખાવ અને પહેરવેશથી તે રાજકન્યા હોય તેવું લાગ્યું. દાશરાજે અન્ય મત્સ્યકન્યાઓની મદદથી તે સ્ત્રીને દ્વીપ પર જ પ્રસુતિ કરાવી. સ્ત્રીએ પુત્રીને જન્મ આપ્યો. સ્ત્રીએ છેલ્લા શ્વાસ લેતા પોતાનો પરિચય આપ્યો કે, તે એક અપ્સરા હતી. તેનુ નામ અદ્રિકા અને તે ઉપરિચર વસુરાજા વેરે પરણી હતી. આ ઉપરાંત તેણે દાશરાજ પાસેથી વચન લીધું કે, આ નવજાત પુત્રી રાજકન્યા હોવાથી તેને કોઈ મહાન નૃપતિ વેરે જ પરણાવવી. સ્ત્રીના મૃત્યુ બાદ નવજાત પુત્રીરત્નનો ઉછેર દાશરાજ પિતા બનીને જ કરવા લાગ્યા. ખૂબ જ પ્રેમ અને લાડથી તેને ઉછેરી. બાળકી રાજવંશી હોવાથી તેને માટે ખાસ અધ્યયન પઠનની કાળજી પોતે રાખી હતી. તેનું નામ દાશરાજે સત્વતી’ રાખ્યું હતું પરંતુ મરતી માતા મત્સ્યમાંથી નીકળી હતી તેથી તેને 'મત્સ્યા’ પણ કહેતા.

પ્રકૃતિના ખોળે ખેલતી સત્યવતી હવે રૂપયૌવન અને સંસ્કારરૂપી એક સંપૂર્ણ પુષ્પ બની ગઈ હતી. મોટી, કાળી અણીયાળી આંખો, લાંબો કાળો કેશકલાપ, ગૌર લલાટ, સપ્રમાણ નાસિકા, ગોળ મુખારવિંદ, સ્મિત કરતા ગાલમાં પડતાં ખંજન, ભર્યાભર્યા સુંદર અધરો, સુડોળ હટપચી, લાંબી ગરદન, જેમાં સહેજ મરોડ આપતા સળ, ઉન્નત સ્તનો, અત્યંત પાતળી કમર, પાતળા નર્તન કરતાં પગ... આવા દેહસૌષ્ઠવને કલાત્મક રીતે ઢાંકતું એક વસ્ત્ર. અલંકારને સ્થાને માત્ર એક મોતીની માળા. સત્યવતી રોજની જેમ આજે પણ ભોજન તૈયાર કરી, પિતા દાશરાજની પ્રતિક્ષા કરી રહી હતી પણ આજે તેનું મન કોણ જાણે કેમ ખૂબ જ વ્યાકુળ બની રહ્યું હતું ! સમગ્ર સૃષ્ટિ અનરાધાર વર્ષા અને વીજળીને કારણે ડરામણી લાગતી હતી. પિતા માટેની ચિંતા તેને વ્યાકુળ કરતી હતી. મનમાં ને મનમાં તેમની રક્ષા માટે ઈશ્વરને પ્રાર્થના કરતી હતી. એવામાં એક પડછાયો દેખાયો, જે થોડો આગળ આવી જમીન પર ફસડાયો. સત્યવતી ફાનસ લઈ થોડી આગળ જઈ જોયું તો કોઈ ઋષિ હતા. લાંબુ, પાતળું છતાં સુગઠિત શરીર, આખા શરીર પર માત્ર કમર ફરતું મૃગચર્મ વીંટાળેલું હતું. વિશિષ્ટ રીતે બાંધેલી જટા... મત્સ્યા આ મુનિને ઓળખી ગઈ.... `અરે ! આ તો પરાશર મુનિ...’

ઋષિ પરાશરની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. મનમાં પિતાની ખૂબ જ ચિંતા હતી પણ હવે તેણે તે મા દુર્ગા પર છોડી દીધી અને ઋષિ પરાશરની સુશ્રુષામાં લાગી ગઈ. ઠંડીથી ધ્રુજતા ઋષિને ગરમી આપવા તેણે અગ્નિ પેટાવવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. આ મુશળધાર વર્ષા અને પવનથી તે શક્ય નહોતું. ઝૂંપડીના એક ખૂણામાં પડેલ વસ્ત્ર લઈ તેણે મુનિને ઠંડીથી બચાવવા યત્ન કરવા લાગ્યા. આખરે એક જ ઉપાય બચ્યો હતો. તેણે કંઈ જ પરવાહ કર્યા વગર માત્ર સેવાભાવથી ઋષિને પોતાના શરીરની ગરમી આપવા લાગી અને પ્રાર્થના કરવા લાગી.. `હે મુનિ ! મારું આ શરીર એ યજ્ઞની વેદી છે. મારું મન, આત્મા મારો પ્રેમ હું તમને હવિષ તરીકે અર્પણ કરું છું. મારા દેવ મારો આ અર્ધ્ય ગ્રહણ કરો અને મૃત્યુદ્વારેથી પાછા ફરો. મુનિવર હજુ તમારે જગતનું કેટલુંયે કલ્યાણ કરવાનું છે.’

નિશ્ચેત બની ગયેલા મુનિના કાનમાં મત્સ્યાના શબ્દો સંભળાયા. હવે એમણે આંખો ખોલી. સમગ્ર પરિસ્થિતિ આંકતા તેમને જણાયું કે, આ યૌવનાએ પોતાના ચારિત્ર્ય કે સમાજની ચિંતા કર્યા વગર માત્ર સેવાભાવથી પોતાના પ્રાણની રક્ષા કરી છે.

`હું દાશરાજ કન્યા સત્યવતી... મત્સ્યા. માફ કરશો મુનિરાજ ! મારા દુર્ગંધયુક્ત શરીરે તમારા પાવન શરીરને અભડાવ્યું, પરંતુ અન્ય કોઈ ઉપાય ન હોવાથી આ પગલુ ભરવું પડ્યું.’ સત્યવતીએ અત્યંત વિનમ્રતાથી હાથ જોડી કહ્યું.

`જેનું મન આટલા ઉચ્ચ સેવાભાવથી મહેકતું હોય તેના શરીરમાંથી આવતી દુર્ગંધનું શું અસ્તિત્વ? આ દુર્ગંધ આ જ ક્ષણથી સુગંધમાં પરિવર્તિત થઈ જશે, જે યોજન સુધી ફેલાતી રહેશે. સૃષ્ટિ તને “યોજનગંધા”થી ઓળખશે.. એટલું જ નહિ, આપણા આ દેહસંબંધથી તને એક પુત્ર થશે, જે મહાજ્ઞાની હશે. તેનો જન્મ લોકકલ્યાણર્થે જ થશે.’

આ શબ્દો કાને પડતાં જ સત્યવતી ચોંકી ગઈ. થથરી ગઈ. `લોક શું કહેશે ? મારું ચારિત્ર્ય ? મારું સમગ્ર જીવન ?’ મોટી, કાળી, અણિયાળી આંખોમાંથી ટપ ટપ આંસુ પડી ગયા.

મુનિ સત્યવતીની દ્વિધા સમજી ગયા અને વરદાન આપતા કહ્યું, `ચિંતા ન કર.. તારુ કૌમાર્ય અકબંધ રહેશે. તને જે પુત્ર થશે તેનું નામ “વ્યાસ” રાખજે. આપણા પુત્રને શાસ્ત્રાર્થ કરીશ. પોતાની વિદ્યા અને તપથી તે સમાજનો ઉદ્ધારક બનશે. હું આઠમી વૈશાખી પૂર્ણિમાએ તેને મારી સાથે લઈ જઈશ.’ મુનિએ આશિષ આપતા કહ્યું.

એટલામાં માછીમારોનો અવાજ સંભળાયો. સૌ કોઈ હેમખેમ પાછા ફર્યા. દાશરાજને જોઈ સત્યવતી તેમને ભેટી પડી. સત્યવતીએ પિતાને સંપૂર્ણ ઘટના કહી સંભળાવી. દાશરાજે મુનિ પરાશરને હાથ જોડ્યા. એક પિતાની મનોવ્યથા સમજતા મુનિ પરાશરે ઝૂંપડીમાં જ રાતવાસો કર્યો. વહેલી સવારે સૂર્યને અર્ધ્ય આપી પરાશર મુનિએ માછીમારોને દર્શન આપ્યા અને સત્યવતીની સેવાભાવનાથી અવગત કર્યા. તેમના આમ કરવાનું કારણ એ હતું કે, સત્યવતીની ગર્ભાવસ્થા દરમિયાન તેના પર કોઈ ટીકા ન કરે. આ બનાવ પછી સમગ્ર માછીમારોના સમૂહમાં સત્યવતી અને દાશરાજનું માન વધ્યું.

સત્યવતીએ ગર્ભ ધારણ કર્યો અને સમય જતાં તેણે રૂપરૂપના અંબાર એવા પુત્રને જન્મ આપ્યો. મુનિના આદેશ પ્રમાણે તેને “વ્યાસ” નામ આપ્યું. એક-એક કરતાં એમ સાત-સાત વૈશાખી પૂર્ણિમા ગઈ. આજ આઠમી વૈશાખી પૂર્ણિમા આવી ગઈ. આઠ વર્ષના વ્યાસને લેવા પરાશર મુનિ આવી પહોંચ્યા. અત્યંત દુઃખી હ્રદયે પણ સમાજના કલ્યાણર્થે કાળજુ કઠણ કરી એક માએ પુત્રને વિદાય આપી. વ્યાસનો યમુના દ્વીપ પર જન્મ થયો હોવાને કારણે તથા તેમનો રંગ કૃષ્ણ હોવાને લીધે તેમને લોકો કૃષ્ણ દ્વૈપાયન પણ કહે છે.

સત્યવતી પુત્ર વ્યાસના ગયા પછી જીવન પ્રત્યે ઉદાસીન રહેવા લાગી હતી. દાશરાજથી પુત્રીની આ દયનીય સ્થિતિ જોવાતી નહોતી. આખરે દાશરાજે પુત્રી સત્યવતીને પોતાની પાસે બેસાડી અને તેના જન્મની તમામ હકીકત જણાવી. તેની માએ દાશરાજ પાસેથી લીધેલા વચન વિશે સત્યવતીને જણાવ્યું. સત્યવતીએ પોતાના જીવનનું સત્ય જાણીને ખૂબ જ મનોમંથન કર્યું. સમય વીતતા તેણે એક નિર્ણય લઈ લીધો.

દાશરાજ પાસે જઈ સત્યવતીએ કહ્યું, `પિતાજી ! મારે તમારી પાસે કંઈક માંગવુ છે. આપશો ?’

`હા હા પુત્રી ! મારુ સર્વસ્વ તારુ છે. મારા જીવનનો આધાર જ તું છે. જે ઈચ્છા હોય તે બોલ પુત્રી !’ દાશરાજે ઉદાસ પુત્રીના મુખ તરફ જોઈ કહ્યું.

નીચુ જોતા સત્યવતીએ કહ્યું, `પિતાજી ! મારો જન્મ થતા જ હું જન્મદાત્રીને ખોઈ બેઠી. તમે મારી માતા પણ બન્યા અને પિતા પણ. એ ઋણ હું કદી નહીં ચૂકવી શકું. આ જ દ્વીપ પર મારા જીવનમાં ઋષિ પરાશરનું આગમન થયું. તેમના સંસર્ગ પછી અહીં જ મને માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પરંતુ આજે હું નથી ઋષિપત્ની કે નથી માતા ! મારુ મન અન્ય કોઈને જીવનસાથી તરીકે અપનાવી શકવાને અસમર્થ છે. મારા મનની શાંતિ અર્થે હું અહીંથી દૂર જવા માંગુ છું.’

દાશરાજે પુત્રીના માથે પ્રેમથી હાથ મુકતા કહ્યું, `બેટા ! સમજુ છું તારી વ્યથા... તારા મનને શાંતિ મળે એ માટે તું કહીશ એમ કહીશું. બોલ, તે શું વિચાર્યું છે ?’

`પિતાજી ! આપણે ગંગા સરોવરને કિનારે આવેલા વસંતોદ્યાન જઈએ. ત્યાં મારી સખીના કાકા વસંતોદ્યાનની દેખરેખ કરે છે. આપણને માછલા પકડવાનું કામ મળી રહેશે. જો તમને મારી વાત યોગ્ય લાગે તો...’ સત્યવતીએ પ્રશ્નાર્થ દ્રષ્ટિએ પિતા સમક્ષ જોયું.

`ઠીક છે પુત્રી ! તારી વાત યોગ્ય છે. આપણે થોડા જ સમયમાં ગંગાસરોવર તરફ પ્રસ્થાન કરીશું.’ કહી દાશરાજ ઝૂંપડીની બહાર નીકળી ગયા !

(પરાશર મુનિનું તેના જીવનમાં અલ્પ સમયનું આગમન તથા પુત્ર વ્યાસનો જન્મ સત્યવતીના ભવિષ્યમાં શું ભાગ ભજવશે ? એ પહેલા સત્યવતીના અશાંત જીવનમાં શાંત અને સ્થિર કિનારો આવશે ? આવો જોઈએ આવતા અંકમાં)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy