Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Sapana Vijapura

Classics Inspirational Tragedy

4.8  

Sapana Vijapura

Classics Inspirational Tragedy

સ્ત્રી

સ્ત્રી

6 mins
1.4K


નેહાનો કોમળ હાથ પકડી આકાશ બોલ્યો," તું મારી સાથે લગ્ન કરીશ?" નેહાની આંખો શરમથી ઢળી ગઈ અને ગાલ ઉપર ગુલાબી રંગની પીંછી ફરી ગઈ. આંખોથી જ જવાબ આપ્યો. અને આકાશ કૉલેજના મેદાનમાં એક વૃક્ષ નીચે નાચવા લાગ્યો.નેહા શરમથી જમીનમાં ઘૂસી જતી હતી. કૉલેજનું  છેલ્લું વરસ હતું. આમ તો પંખીની જેમ બધાં વિખેરાઈ જવાના હતાં. પણ આકાશ એ નેહાને શી રીતે જવા દે? નેહા પ્રાણ હતી તો પોતે દેહ હતો.. શ્વાસોશ્વાસમાં નેહા વસી ગઈ હતી. નેહા વગરની જિંદગીની કલ્પના પણ એ કરી શકતો નહોતો. બન્ને સાયન્સ ના સ્ટુડન્ટ્સ હતાં. બન્ને ચારે વરસ સાથે સાથે રહ્યા અને હવે નેહાની અનુમતિ થી જિંદગીભર ના બંધનથી બંધાઈ જશે.


નેહાની ફેમેલીમાં ફકત એક મા હતી.. નેહાને ખાત્રી હતી કે મા આકાશને જરૂર પસંદ કરી લેશે. ને આકાશને કહ્યું કે એના મા બાપને મોક્લે અને વાત પાકી કરી જાય!! બન્ને ખૂબ ખુશ હતાં.આકાશના માબાપ નેહાને ત્યાં જઈ વાત પાકી કરીને આવ્યાં. નેહાની મમ્મીને આકાશ નું ખાનદાન થોડું વિચિત્ર લાગ્યું. પણ આકાશને જોઈ નેહાની મમ્મીએ ખાસ વાંધો ઊઠાવ્યો નહીં.


ધામધૂમથી નેહા આકાશ લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. આકાશનો એક મોટો ભાઈ પણ હતો. સુનિલ! સુનિલની પત્ની નિલા અને ઘરમાં એના સાસુ સસરા અને દાદી સાસુ!! ઘરમાં દાદીનું જ ચાલે.બધાં દાદીને પૂછીને પાણી પીવે..નેહા ધીરે ધીરે આકાશના ઘરમાં ગોઠવાઈ ગઈ. પણ નિલા પર થતા જુલમ જોઈ ક્યારેક એની અંદરની સ્ત્રી પડકાર કરતી પણ ઘરમાં શાંતિ જાળવી રાખવા કશું બોલતી નહીં.


તે દિવસે નિલા સવારમાં ઊલટી કરી રહી હતી. સાસુ ખુશ હતાં. પણ નિલા ભયભીત દેખાતી હતી. નેહાને નવાઈ લાગી આટલા સરસ સમાચાર મળ્યા છતાં નિલા કેમ ખુશ ના હતી. નિલા મા બનવાની હતી. પણ જ્યારે નેહાએ એકાંતમાં પૂછ્યું તો જાણવા મળ્યું કે નિલા પહેલા પણ ત્રણ વાર પ્રેગનેંટ થઈ ચૂકી હતી. પણ ગર્ભનો ટેસ્ટ કરાવ્યો તો દીકરી હતી. તેથી દાદીએ જબરદસ્તીથી ગર્ભપાત કરાવી નાખ્યો. અને ત્રીજીવાર તો નિલાની તબિયતને હિસાબે ડોક્ટરે ગર્ભપાત કરવાની ના પાડી. પણ દીકરી સમયથી પહેલા જન્મી અને પ્રિમેચ્યોર હોવાથી ઈન્ક્યુબીલેટરમાં રાખી પણ નિલાએ પોતાના હાથથી ઓક્સીજન પાઈપ ખેંચી લીધી હતી કારણકે સુનિલે ધમકી આપી હતી કે જો દીકરી ઘરે લાવી તો ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે!! તો ત્રીજી દીકરીનો ખૂનનો ભાર લઈને ફરી રહી હતી. અને હવે ચોથી વાર મા બનવાની છે પણ જો દીકરી હશે તો? નિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. નેહા આ સાંભળી હેબતાઈ ગઈ!! એકવીસમી સદીમા આવા જુલ્મ ચાલે છે!! હું નિલાભાભીને બચાવી લઈશ!! હું એમને કશું નહીં થવા દઉં વિચાર્યું.


દિવસો પસાર થવા લાગ્યા. નિલાની તબિયત સારી નહોતી રહેતી. ત્રણ ત્રણ ગર્ભપાતે એના શરીર નબળું પડ્યું હતું.એને ખૂબ નબળાઈ રહેતી હતી. નેહા પણ પ્રેગનેટ હતી. એ પણ ખૂબ ડરી ગઈ હતી કે જો એના પેટમાં દીકરી હશે તો? અને આ લોકો એને કંઈ નુકસાન ના પહોંચાડે!

એ રાતે નિલાના પેટમાં દુખાવો શરૂ થયો. નિલાને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ તૈયાર ના હતું. નેહા ઊઠીને નિલાને હોસ્પિટલ લઈ ગઈ. નિલાને બ્લીડીંગ ચાલુ થઈ ગયું. ડોક્ટરે જલ્દી ઓપરેશન કરવા કહ્યું. પણ નિલાએ ઓપરેશન થીએટરમાં જ દમ તોડી નાખ્યો. એ પણ પોતાની ચારે દીકરીઓ પાસે પહોંચી ગઈ. દીકરીની મા હોવાની આ સજા મળી!! દીકરીઓને તો આ દુનિયામાં લાવી ના શકી પણ જ્યાં આ લોકોએ દીકરીઓને પહોચાડી દીધી હતી ત્યાં એ પહોંચી ગઈ! નેહા નિલાભાભીની મોત પર ખૂબ રડી. એને અફસોસ રહ્યો કે એ નિલાભાભી માટે કશું ના કરી શકી.


નેહા ને ચોથો મહિનો ચાલતો હતો દાદી ડોકટર પાસે લઈ ગઈ જાણવા માટે કે દીકરી છે કે દીકરો! અને ડોકટર આમ તો દીકરી છે કે દીકરો એ બતાવતા નથી.પણ દાદી ડોકટર ને જાણતી હતી. ડોક્ટરે કહ્યું નેહા ના ગર્ભમાં દીકરી છે. અને દાદીએ ડોકટર ને કહ્યું ગર્ભપાત કરવા માટે...પણ નેહા સાંભળી ગઈ. એ ભાગીને ઘરે આવી ગઈ! આવીને આકાશને બધી વાત કરી. આકાશે એને ધીરજ આપી અને કહ્યું, ચિંતા ના કરતી હું તારી સાથે છું.જ્યારે દાદી ઘરે આવી તો નેહાએ હિંમત થી કહ્યું "હું ગર્ભપાત નહીં કરાવું. દીકરો કે દીકરી મા માટે બન્ને બરાબર છે અને ભગવાનની જે ઈચ્છા હશે એને માથે ચડાવીશ." દાદીની વિરુધ કોઈ બોલી શકતું નહીં પણ નેહાએ માથું ઊચક્યું. દાદીએ મનમાં નક્કી કરી લીધું કે હું નેહાને બતાવી દઈશ.


દાદી નેહાની પાછળ દોરા ધાગા કરતી રહેતી.બાવાઓ અને સાધુઓ પાસે જતી રાખ ભભૂત લઈને નેહાની ઉપર પ્રયોગો કર્યા કરતી. એને દવા પીવડાવી ગર્ભપાત કરવાની કોશિશ કરતી. પણ રામ રાખે એને કોણ ચાખે? નેહાએ એક સુંદર દીકરીને જનમ આપ્યો. હોસ્પિટલમાં જ દાદીએ એને મરાવાની કોશિશ કરી, કચરામાં દીકરીને નાખી દીધી. પણ સંજોગવશાત્ નર્સ નું ધ્યાન ગયું અને પીંકુને બચાવી લીધી. ઢીંગલી જેવી પીંકુ નેહાની જિંદગીમાં ખુશીઓ લઈ આવી!! પણ દાદી હજું પણ પીંકુની પાછળ પડેલી રહેતી એને દીકરો કુળનો વારસ જોઈતો હતો. અને પીંકુને મનહૂસ સમજતી હતી.


આકાશના ખાનદાન માં પુરુષ ને મહત્વ આપવામાં આવતું. સ્ત્રીને પગની જુતી સમજવામા આવતી. એટલે તો ઘરમાં દીકરીના જન્મને અટકાવવામાં આવતો હતો. પુરુષ પ્રધાન આ સમાજમાં પુરુષ સ્ત્રીને હાથનું રમકડું સમજે છે એ ભૂલી જાય છે કે એને જન્મ આપવા વાળી પણ એક સ્ત્રી જ છે.આ સમાજમાં ભૃણ હત્યાને લીધે સમાજમાં દીકરીઓની કમી પેદા થઈ છે. મને ચોક્કસ ખાતરી છે કે જે દીકરીઓને ગર્ભમાં મારવામાં આવી રહી છે એ કયામત માં તમને પૂછશે કે મને ક્યાં ગુનાસર મારવામાં આવી હતી? ત્યારે તમારી પાસે શું જવાબ હશે?


આકાશ પણ દાદીની વાતને સાચી માનતો. જ્યારે નેહાએ કહ્યું કે," દાદી એ પીંકુને કચરામાં નાખવાની કોશિશ કરી!" એ નેહા ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયો અને નેહાને એના પિયરમાં મૂકી આવ્યો. નેહાની મમ્મી ખૂબ ભોળી હતી. એમને નેહાની ખૂબ ચિંતા થતી હતી. નેહા પિયર આવી ગઈ તેથી એને એવું લાગ્યું કે મારી દીકરીનું ઘર તૂટી જશે! એ એના સાસરે આવી હાથ જોડી માફી માંગી અને નેહાને ફરી બોલાવી લેવા કહેતી રહી. લાલચી દાદીએ કહ્યું કે તમારું મકાન અમને આપી દો તો તમારી દીકરીને બોલાવી લઈશું. નેહાની મા એ મકાન એ લાલચી દાદીને નામે કરી દીધું.પણ નેહાને જાણ ના કરી.નેહાને ઘરવાળા આવીને તેડી ગયાં.પણ નેહાની મા દુઃખથી જ મરી ગઈ.નેહાને ખબર પણ ના પડી કે એની મા મકાનના સદમાથી મરી ગઈ છે. નેહા મા ના મૃત્યુ પછી મા ના મકાનમાં ગઈ તો અજાણ્યા માણસો ઘરમાં હતાં.

દાદીએ એ મકાન રીઅલ એસ્ટેટ થકી વેચી નાખ્યું. નેહાએ એજન્ટને પૂછ્યું તો એજન્ટે કહ્યું કે આ ઘર દાદીએ વેચ્યું છે. નેહાને ધક્કો લાગ્યો. એને ફરી આકાશને કહ્યું કે દાદીએ આવું કર્યું છે. પણ ફરી આકાશે એ વાત માની નહીં અને નેહાને ઘરમાંથી કાઢી મૂકી.અને પીંકુને પણ ના આપી. નેહા રડતી રહી, કકળતી રહી પણ પીંકુ એને ના આપવામાં આવી. નેહા એની માસીને ઘરે આવી ગઈ.


નેહાએ કોર્ટમાં જવાનું નક્કી કર્યુ. પણ પૈસાની તંગીને હિસાબે એને પહેલા જોબ કરવી પડી. ખૂબ દિલથી કામ કરવા લાગી એને પ્રમોશન પર પ્રમોશન મળ્યું. અને નેહા ખૂબ મોટી કંપનીમાં ખૂબ મોટા હોદ્દા પર બેસી ગઈ. આકાશ ને પણ એની ભૂલનો એહસાસ થયો. એને પીંકુને નેહાને કોર્ટ કચેરી વગર આપી દીધી. આકાશે માફી માગી અને નેહાને પાછા આવવા કહ્યું. નેહા એ કહ્યું," જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી, જે ઘરમાં દીકરીને મનહૂસ માનવામાં આવે છે, જે ઘરમાં બાળકીઓની હત્યા કરવામાં આવે છે, જે ઘરમા પુરુષરાજ ચાલે છે, એ ઘરમાં પાછી જઈને શું કરું? સ્ત્રીને પુરુષના સહારાની જરૂર નથી પણ પુરુષના પ્રેમ અને વિશ્વાસની જરૂર છે.જ્યારે તમે મને ઘરમાંથી કાઢી મૂકી મને એક સ્ત્રીએ સહારો આપ્યો. તમે તો મારી અને મારી દીકરીની જરાપણ ચિંતા ના કરી.આકાશ, સ્ત્રીને કમજોર ના સમજો! સ્ત્રીમાં નવ મહિના બાળકને ગર્ભમાં રાખવાની તાકાત છે એ પણ જાણ્યા વગર કે દીકરો છે કે દીકરી. સ્ત્રીમાં પ્રસુતિનું દુઃખ સહન કરવાની તાકત છે. વિચારો કે ભગવાને શું કામ આ કામ સ્ત્રીને સોપ્યું હશે! તમે મારી સાથે રથના પૈડાની ચાલી શકો પણ મારા વજૂદ ઉપર સવારી ના કરી શકો. તમારા નામનું સિંદૂર માથા પર લગાવું છું,પણ એ સિંદૂર મારી નબળાઈ નહીં મારી તાકત છે. આકાશ તમને વિનંતી કરું છું કે જો બીજી સ્ત્રી સાથે લગ્ન કરો તો એને દાદી કે તમારા હાથનું રમકડું ના બનાવશો,પણ એને ખૂબ પ્રેમ અને સન્માન આપશો એક સ્ત્રી તરીકે! આપણા રસ્તા અલગ છે. હું તમારી નિશાની મારી સાથે લઈ જાઉં છું,જે મારી તાકત અને અભિમાન બનશે!" આટલું કહી ગર્વથી માથું ઊંચું કરી નેહા ચાલી નીકળી, પોતાની દીકરીને એક મજબૂત ને તાકતવાન સ્ત્રી બનાવવા માટે!


Rate this content
Log in

More gujarati story from Sapana Vijapura

Similar gujarati story from Classics