પ્રેમ પરમ તત્વ : 5
પ્રેમ પરમ તત્વ : 5


પ્રેમ સત્ય છે. પ્રેમની પારદર્શકતા પાણી જેવી છે. એ આરપાર જુએ છે. હૃદયની પણ પેલે પાર. પણ પ્રેમ જ્યારે એકપક્ષીય બની જાય છે ત્યારે પીડા આપે છે. કોઈને તૂટી ને ચાહવું સહેલું છે જો એ બંને તરફથી હોય. પણ જો એકપક્ષીય પ્રેમ હોય અને સામેનું પાત્ર તમારી અવગણના કરે તો આ ચાહત પીડાનું કારણ બને છે. લાગણી, પ્રેમ સંવેદના ગમે તેટલી ધારદાર કેમ ના હોય પણ જો સામે પક્ષે પ્રેમની અપેક્ષા ના હોય તો આ લાગણી આ પ્રેમ આ સંવેદના બુઠી થઈ જાય છે.
રાધા કૃષ્ન નો પ્રેમ જગપ્રખ્યાત છે. રાધા પ્રેમદિવાની બની અને કૃષ્ણ રાધા દિવાના. આજ મંદિર મંદિરમાં રાધા કૃષ્ણની મૂરત જોવા મળે છે.પણ ક્યાંય મીરા સાથે કૃષ્ણની મુરત જોવા મળતી નથી. કારણ કે આ એકપક્ષીય પ્રેમ હતો જેણે ભક્તિનું સ્વરૂપ લીધુ. આ પ્રેમ ભક્તિમાં થી ઉત્પન્ન થયો. મીરા એક અણ દેખેલા ભગવાનને પોતાના પતિ માનતી હતી. પ્રેમ જ્યારે એક પગથિયું ઉપર ચડે તો એ ભક્તિ બની જાય છે. "એક રાધા એક મીરા દોનોને શ્યામકો ચાહા, અંતર ક્યા દોનોકી ચાહમે બોલો, એક પ્રેમ દિવાની એક દર્દ દિવાની."બંને એ કૃષ્ણને પ્રેમ કર્યો પણ બંનેના પ્રેમમાં અંતર હતું.
મીરાએ રાજપાઠ, લોકમર્યાદા અને સંસાર બધું કૃષ્ણના પ્રેમ ખાતર ઠુકરાવી દીધું હતું. પ્રેમ જ્યારે ભક્તિનું સ્વરૂપ લે છે ત્યારે એમાંથી શારીરિક આકર્ષણ દૂર થઈ જાય છે. શરીર અદ્ર્શ્ય થઈ જાય છે અને ફકત આત્મા રહી જાય છે. આત્મા સાથે આત્માનું મિલન અલૌકિક છે. પછી ભલે રાણા ઝેરનો પ્યાલો મોક્લે તે મીરા ગટગટાવી જાય છે અને મીરા પ્રભુમાં વિલય પામે. આ અવસર કે આ ઘટના ચોક્કસ અલૌકિક હોવી જોઈએ. આ એકપક્ષીય પ્રેમ મીરાને ગીરધરમાં વિલીન કરે એ પણ આ ભક્તિ સાથે નો પ્રેમ હતો.
મીરાનો એકપક્ષીય પ્રેમ હતો પણ આ પ્રેમ રાધા કરતા ઓછો ના હતો. કારણકે રાધા તો કૃષ્ણને શારીરિક રીતે જોઈ શકી હતી સ્પર્શી શકતી હતી પણ મીરા તો બસ જોયા વગર માધવને ચાહતી હતી. કહેવાય છે કે મીરા કૃષ્ણની ગોપીઓમાંથી એક ગોપી હતી. અને રાધાથી એમને ઈર્ષા હતી. તેથી એમને ૨૫૦૦ વર્ષ કૃષ્ણની પ્રતીક્ષા કરવી પડી. અને કેવી બાળપણમાં મીરાએ કૃષ્ણની મુરત જોઈ એ પોતાના પ્રિયતમને ઓળખી ગઈ. મીરાંની ભક્તિમાં માધુર્ય-ભાવ ઘણી હદ સુધી જોઈ શકાય છે. તે પોતાના ઇષ્ટદેવ કૃષ્ણની ધારણા પ્રિયતમ કે પતિના રૂપમાં કરતી હતી. તેમનું માનવું હતું કે આ સંસારમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે જ નહી. તે કૃષ્ણના રૂપની દીવાની હતી.
શું કરવું છે મારે, શું રે કરવું છે ?
હીરા માણેકને મારે, શું રે કરવું ?
મોતી ની માળા રાણા, શું રે કરવી છે?
તુલસી ની માળા લઈને પ્રભુ ને ભજવું છે રે.
એની યાદમાં ઘરબાર છોડી શકી હતી. આનું નામ સાચો પ્રેમ. એમાં ના તો પામી લેવાનો હેતુ છે કે ના શારિરીક આકર્ષણ છે. ફક્ત પ્રેમ જ છે. રાધાકૃષ્ણ પ્રેમ દ્વિપક્ષીય હતો.કૃષ્ણ પણ રાધાને ચાહતા હતા. મીરાની પ્રેમભક્તિ એવી હતી કે "પરસ્તીશ કિયા યહાં તક કે નજરમે સભુકી ખુદા કર ચલે.' કોઇની એટલી ભક્તિ કરો કે દુનિયાની નજરમાં એને ખુદા બનાવી દો." પ્રેમ ભક્તિનું સ્વરૂપ લે એટલે પરમ તત્વ બની જાય છે. અહીં કવયિત્રી હર્ષિદા દીપકની એક પંક્તિ યાદ આવી ગઈ.
એક ઈશારો એનો થાશે દોડી જાશું મળવા
લોક લાજને પડતાં મેલી પ્રેમ રંગમાં ઢળવા
મીરાની મટુકીમાં મોહન તું માખણ,
તું તથ્ય, પ્રેમ શબ્દ છે સત્ય.