પ્રેમ પરમ તત્વ : 6
પ્રેમ પરમ તત્વ : 6




ભારતીય સંસ્કારમાં દરેક સંબંધને લગતો કોઈ તહેવાર જરૂર છે. પતિ માટે કડવા ચોથ, કે ગુરુ માટે ગુરુ પૂર્ણિમા કે પછી ભાઈ માટે રક્ષાબંધન. ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમને રક્ષાનો સુતરનો ધાગો ચડે છે તો એ સંબંધ વધારે મજબૂત થઈ જાય છે. ભાઈ બહેનની રક્ષા તથા સલામતી માટે બંધાઈ જાય છે. અને સલામતી અને રક્ષા ત્યાં જ હોય જ્યાં પ્રેમ હોય છે. આ રક્ષાની દોરી નથી પણ આ તો બહેનનો ભાઈને અને ભાઈને બહેનને હૃદયથી અપાતો લાગણીનો દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં સૂતરના ધાગા પર પ્રેમની બાંહેધરી છે.
પ્રેમ હોય ત્યાં રીસાવાનું અને મનાવાનું પણ હોય. જે ઘરમાં ભાઈ બહેન સાથે સમય વીતાવે છે એ ઘર બહેનને હંમેશ માટે યાદ રહી જાય છે મા બાપની છત્રછાયા નીચે ભાઈ બહેનનો પ્રેમ પરવાન ચડે છે. બહેનને ઘરમાં ધમકાવતો ભાઈ બહાર જાય અને બહેનને કોઈ કાંઇ પણ કહે તો એનાં માટે લડી મરવા તૈયાર થઈ જાય છે. એક એક મધુર ક્ષણ નું ભાથું એ સાથે બાંધીને પિયા ઘરે જાય છે. પણ એ ભાઈ ને વચન આપીને જાય છે કે રક્ષાબંધન ના દિવસે હું દુનિયાનાં કોઈ પણ ખૂણામાં હોઈશ મારી રક્ષા તને પહોંચી જશે. બહેનનાં હ્રદયમાં થી એનાં માટે હમેશા આશીર્વાદ જ નીકળે છે. નાજુક બહેનનું હ્ર્દય સ્નેહથી ભરેલું હોય છે.
ભાઈના નામથી જેની આંખમાં પાણી આવી જાય એ બેનડી દૂર રહીને પણ ભાઈના ભલા માટે પ્રાર્થના કરે છે.આમ તો દુનિયામાં બધાં ભાઈ બહેન એક બીજાને પ્રેમ કરતા હોય છે, પણ ભારતના સંસ્કાર એવા છે કે ભાઈનું એક આગવું સ્થાન ગળથૂથી થી બહેનનાં હ્રદયમાં આરોપવામાં આવે છે. અને એ સ્થાન મૃત્યુ સુધી બહેનનાં દિલમાં કાયમ રહે છે.
આ પવિત્ર ધાગા સાથે પ્રેમ, વિશ્વાસ અને આદર બંધાયેલા છે. ઇતિહાસમાં જોઈએ તો ચિતોડની રાણી, રાણી કર્ણાવતી એ હુમાયુને આ રક્ષા મોક્લેલી. અમદાવાદના બાદશાહ બહાદૂર શાહ સામે સલામતી માટે.અને એ મુસલમાન બાદશાહે પોતાની માનેલી બહેનને સલામતી આપવાની બાંહેધરી આપી હતી.
જ્યારે બંગાળના બે ભાગલા પાડવાનું અને હિન્દુ મુસલમાનને અલગ કરવાનું બ્રિટિશર એ વિચાર્યુ ત્યારે નોબેલ પ્રાઈઝ વિનર શ્રી રવીન્દ્રનાથ ટાગોરે જાહેરમાં રક્ષાબંધનનો કાર્યક્રમ રાખેલો જેમાં હિન્દુ મુસલમાન બન્ને પક્ષ શામિલ થયાં ભાઈચારા અને એકબીજા પ્રત્યે માન અને પ્રેમની ભાવના વ્યક્ત કરી હતી.અને બંગાળના ભાગલા પડતા અટકાવેલા. આટલો મજબુત આ રક્ષાનો ધાગો છે. ભાઈ બહેનના સ્નેહને લગતા ઘણાં પ્રસગોથી ઈતિહાસ ભરેલો છે. કુંતી અને અભિમન્યુનો કિસ્સો પણ મશહૂર છે.
દુનિયામાં ઘણી જાતના પ્રેમ છે પણ ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમમાં ઈશ્વરનો વાસ છે. અને જ્યાં ઈશ્વરનો વાસ તે પ્રેમ પરમ બની જાય છે. જેમાં વિકાર અને સ્વાર્થ નથી હોતા. અહીં રવીન્દ્રનાથ ટાગોરની બે પંકતિનો અનુવાદ મૂકું છું."મારા હૃદયમાં અને મારા શરીરમાં જે પ્રેમ છે તે પૃથ્વીના અંધકાર અને ઉજાસની જેમ વરસોથી મારામાં રહે છે. તેની દરકાર અને આશાથી એને ભૂરા આકાશમાં પોતાની એક ભાષા બનાવી છે. એ મારી ખુશીમાં અને મારા દર્દમાં મારી સાથે રહે છે. વસંતની રાતમાં એ કળી અને ફૂલોની જેમ અને રક્ષા ના ધાગાની જેમ જાણે કોઈ ભાઈના હાથમાં. આજ પ્રેમ પરમ તત્વ છે.