પ્રેમ પરમ તત્વ - 4
પ્રેમ પરમ તત્વ - 4


દોસ્તી મિત્રતા, યારાના આ બધાં શબ્દો યાદ આવતા કોઈ પુરાના મિત્રની યાદ આવી જાય. દોસ્તની યાદ આવતા આંખમાં ભીની થઈ જાય એવો છે સાચા દોસ્તનો પ્રેમ. પ્રેમીના પ્રેમમાં પામી લેવાની વૃતિ હોય છે પણ દોસ્તી મતલબથી હોય તો એ દોસ્તી નથી કહેવાતી. દોસ્તની આંખોમાં સ્વાર્થ વગરનો પ્રેમ હોય છે. તે તમારી આંખો વાંચી તમારા દર્દ ને સમજી જાય છે. જ્યાં તમારો વાંક હોય ડર્યા વગર ધમકાવી જાય છે. અને ખરાબ લગાવી હવે કદી નહીં મળું અને બીજા દિવસે મળવા આવી ગળે લગાવી જાય છે. તમારા સુખ અને દુઃખમાં હાજર થઈ જાય છે. દોસ્તી સજાતીય હોય કે વિજાતીય હોય શકે છે. કૃષ્ણ અને દ્રોપદીની દોસ્તી એક વિશુદ્ધ વિજાતીય દોસ્તી નું ઉદાહરણ છે. મિત્રતામાં જાતિ નથી જોવાતી, રંગ નથી જોવાતો કે ધર્મ નથી જોવાતો દોસ્તીમાં તો દિલથી દિલને રાહ હોય છે. હર એક સંકટના સમયે દ્રોપદી માટે કૃષ્ણ હાજર હોય જ એમ સાચો દોસ્ત હોય તે દરેક પરિસ્થિતિમાં હાજર થઈ જાય છે. દુ:ખ મા જે વગર બોલાવે આવી જાય અને જેના ખભા પર માથું રાખી દુનિયાભર ના દુ:ખ ભૂલી જવાય એ દોસ્ત હોય છે. દોસ્તીમાં સ્વાર્થ અને અવિશ્વાસ ચાલે નહીં. નિષ્ઠા અને વિશ્વાસ એ દોસ્તીની પહેલી શરત છે. જે વાત આપણે જીવનસાથીને કહેતા અચકાઈ એ છીએ એ વાત આપણે બેધડક મિત્રને કહી દઈ એ છીએ. પણ એના માટે વિશ્વાસપાત્ર મિત્ર જોઈએ અને વિશુદ્ધ પ્રેમ જોઈએ.
કૃષ્ણ અને સુદામાની દોસ્તીથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. સુદામા જ્યારે પોટલીમાં પૌઆ લઈને નીકળ્યા ત્યારે એમને ગળા સુધી વિશ્વાસ હતો કે મારો મિત્ર મારા માટે સંકટ સમયે હાજર જ હશે. મારાં બાળકો હવે ભૂખ્યા નહી રહે. સુદામા જ્યારે દ્વારકા પહોચ્યાં ત્યારે દ્વારપાળ જ્યારે એને મહેલમાં જતા રોકે છે તો એ દ્વારપાળ ને કહે છે કે કૃષ્ણને કહો કે સુદામા આવ્યા છે. અને સુદામાનું નામ સાંભળી દ્વારકાધીશ ખુલ્લે પગે સિંહાસન છોડી દ્વાર સુધી સ્વાગત કરવા દોડી જાય છે અને સુદામાને ભેટી પડે છે. અહા મિત્ર હોય તો આવા.
દ્વારકાવાળો પણ ઘાયલ થાય સાહેબ,
જ્યારે એને સુદામા જેવો દોસ્ત યાદ આવે.
અજ્ઞાત
કૃષ્ણની જાહોજલાલી જોઈ જે પોટલીમાં પૌઆ લાવ્યા હતા તે પોટલી છૂપાવતા હતા પણ કૃષ્ણ એ હસતાં હસતાં પોટલી આંચકી લીધી અને પૌઆને પ્રેમથી આરોગ્યા. કૃષ્ણએ સુદામાના પગ પણ પખાળ્યાં. આવી હોય દોસ્તી અને આવો હોય પ્રેમ. મિત્રતાથી ઊંચો કોઈ સ્વાર્થ રહીત સંબંધ નથી. સુદામા જે કામ માટે આવ્યા હતાં એ કામ એમણે કૃષ્ણને કહ્યું પણ નહીં પણ કૃષ્ણ દોસ્તની વિટંબણા સમજી ગયાં. દિલોની વાત જાણી લે એ દોસ્ત.સુદામાનું ગૌરવ જરા પણ નીચું પડવા દીધું નહી અને જ્યારે સુદામા પાછાં ફર્યા તો પોતાની ઝૂંપડી ગાયબ થઈ ગઈ અને બાળકો અને સ્ત્રી નવાં નવાં કપડાં પહેરીને ફરતા હતા. આનું નામ દોસ્તી. આનું નામ પ્રેમ.
આજ કાલ સોશ્યલ મિડીયા પર હજારો મિત્રો બની જાય છે. પણ આ મિત્રતામાં શુષ્કતા છે. તમે કોઈને મિત્ર માનતા હો પણ તમારા દુ:ખ તમે બીજા સાથે શેર કરી શકતા નથી કારણકે તમારી વાત ક્યારે લીક થઈ જાય તમને ખબર નથી. એટલે કે વિશ્વાસનો અભાવ છે. ભલે તમારી પાસે વધારે દોસ્ત ના હોય પણ એકાદ સાચો દોસ્ત હોય તો તમે ખૂબ નસીબદાર છો. વિશુદ્ધ પ્રેમ, સ્વાર્થરહિત પ્રેમ, પરમ પ્રેમ મેળવવા માટે તમારું હૃદયથી પવિત્ર હોવું અને કાચ જેવું પાર્દરશક હોવું જરૂરી છે. મિત્રતા કેળવો તો કૃષ્ણ અને દ્રોપદી જેવી કે કૃષ્ણ અને સુદામા જેવી. જુઓ પછી પરમ પ્રેમની પ્રાપ્તિ થશે. અહીં કવિ શ્રી રિષભ મહેતાની એક પંક્તિ યાદ આવી ગઈ. પ્રેમને શ્યામ જેવો કહ્યો અને દોસ્તીને રાધા જેવી રૂપાળી.
એ પ્રેમ છે ને એનું રૂપ શ્યામ હોય પણ
બેશક પરંતુ રાધા-શી ગોરી છે દોસ્તી.