પ્રેમ પરમ તત્વ : 1
પ્રેમ પરમ તત્વ : 1
“આંખ જ્યારે ખોલી મેં, તો ખુદને તેના ખોળામા પામ્યો. .
રડ્તો હતો હું જ્યારે જ્યારે, ત્યારે છાતીએ મને દાબીને તેણે અમ્રુતનો ઘુટડો પાયો. ”
-સેજપાલ શ્રીરામ પી.
માનવી પંચતત્વથી બનેલો છે. પણ ઈશ્વરે એમાં એક છટ્ટુ તત્વ ઉમેર્યુ છે, જે પ્રેમ છે. કોઈ પણ વ્યક્તિનો સૌ પ્રથમ પ્રેમ એની મા હોય છે. મા વગર કોઈનો જન્મ શક્ય નથી. મા પાસે ખામોશીની ભાષા છે પ્રેમ. ભગવાને માને એવો પ્રેમ આપ્યો છે એ બાળકની દરેક જરૂરિયાત પૂરી કરે છે ! અને અંતે એજ પ્રેમ જરૂરિયાત બની જાય છે. મા પાસે આ તત્વ ના હોત તો સ્ત્રીઓ બાળકોને જન્મ આપી રખડતા મૂકી દેત! હર પ્રેમ કરતાં માનો પ્રેમ ઊંચો દરજ્જો પામ્યો છે કારણકે માનો પ્રેમ અપેક્ષા અને સ્વાર્થ રહિત હોય છે. બાળકની દુનિયા માં નીઆસપાસ ફરતી હોય છે. મા ના પાલવમાં એને સુરક્ષા લાગે છે. મા શબ્દ મુખમાં થી નીકળતા મમતા, સ્નેહ, લાગણી, અને પ્રેમ સાગરના મોજાની જેમ ઉછળે છે.
માનવી જેમ શ્વાસ વગર રહી શકતો નથી એમ પ્રેમ વગર રહી શકતો નથી. આ પ્રેમનો પાયો મા ચણે છે! ગર્ભમાંથી મા બાળકને પ્રેમની ઉર્જા આપવાનું ચાલું કરે છે! પ્રસવની વેદના પણ એ ખમી જાય છે એ બાળકની પ્રતીક્ષામાં! તેથી મા ના પગ નીચે જન્નત છે એવું કહેવામાં આવે છે. ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ, ઘણી વેદના અને સંવેદના પછી એને બાળકની ભેટ મળે છે. અહીં મા ઈશ્વરના પ્રેમને યાદ કર્યા વગર રહી શકતી નથી. અને આ વેદના સાથે ઈશ્વર માના ગર્ભમાં પ્રવેશી જાય છે અને માટે જ બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે માને ખબર નથી કે આ બાળક કેવું છે દીકરી છે કે દીકરો ! તંદુરસ્ત છે કે નહીં! છતાં માના દિલમાં ઇશ્વર એ બાળક પ્રત્યે એટલો પ્રેમ મૂકી દે છે કે માની દુનિયા એ બાળક બની જાય છે. માં ને પુત્ર કે પુત્રીન
ો પહેલો સ્પર્શ પણ યાદ રહી જાય છે!! અને પ્રેમ વાત્સલ્ય બની જાય છે.
મા વિશે લગભગ બધા સાક્ષરોએ કલમ ચલાવી હશે. માનો પ્રેમ જેને મળે તે જ જાણે. . નવ મહિના દરમિયાન મા ગર્ભમાં નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમના ફૂલોની સુગંધ આપણે માટે મૂકતી જાય છે. તાજા જન્મેલા બાળકને ધવડાવતી માની કલ્પના કરો. એ દૃશ્યમાં માની મમતા ઊભરાય છે. “મેં પહેલી વાર જ મારી બેબીને ગોદમાં લીધી, એ પળ હું કદી ભૂલીશ નહિ. એક નવી જિંદગી મારા હાથમાં ધબકતી હતી.
બંધ કમરામાં,
It’s a boy!!. . કહી . નર્સે તને મારા હાથમાં મૂક્યો. મેં તને છાતી સરસો ચાંપ્યો, છાતીમાંથી ક્ષીર ફૂટ્યાં
તારા નાનાં નાનાં હાથનો સ્પર્શ સ્નેહનાં પારણાં ઝૂલાવે, અને હું થઈ પ્રેમવિભોર!!
સપના વિજાપુરાઆ તો મારા દીકરાની વાત થઇ હવે વાત કરું મારી 'બા'ની બાને નવ સંતાન થયા પણ બધાને સમાન પ્રેમ કરનાર એ જનેતા દરેક જાતના દુ:ખ વેઠીને પોતાના બાળકોને દરેક પ્રકારના સુખ આપ્યા હતા. બા આ દુનિયામાં નથી પણ બા તમારી દુઆ અમારી સાથે છે. આજ મધર્સ ડેના દિવસે બસ આટલું જ કહીશ કે રોજ મધર્સ ડે ઉજવીએ, રોજ તારા પગ પખાળી પાણી પીએ તપ પણ તારા ઋણ અમારાથી નહિ ચૂકવાઈ માં ના હાથમાં જ્યારે શીશુને મૂકવામાં આવે તો માં કેટલી પ્રેમવિભોર થઈ જાય છે. પ્રેમ નાં ક્ષીર છાતીમાં ઊભરાઈ આવે છે!!આવો અદભૂત પ્રેમ તો મા અને બાળકનો જ હોય શકે ! માના પ્રેમમાં ઈશ્વરનો પ્રેમ છે ! માના દ્વારા જ ઈશ્વરનો અનાયાસ પ્રવેશ આપણા જીવનમાં થાય છે.
જીવનમાં બધું સ્પષ્ટ નથી હોતું કેટલાક પ્રેમ સદાય રહસ્ય હોય છે તો કેટલાક અકળ… જે તમે, કે આપણે સૌએ જન્મતાની સાથે અનુભવ્યો છે. આવો માત્રુ પ્રેમ દેવો પણ તરસે છે. માનો પ્રેમ એટલે આનંદ, એક સનાતન અવસ્થા, અંગ અંગમાં આનંદ છલકે મલકે -ઝળકે કોઈ શાશ્વતીનો સ્પર્શ જાણે કોઈ પરમ તત્વ …
ક્રમશ: