Sapana Vijapura

Inspirational Others

3  

Sapana Vijapura

Inspirational Others

પ્રેમ પરમ તત્વ !

પ્રેમ પરમ તત્વ !

5 mins
326


બેઠક દ્વારા આયોજિત વ્યક્તિ અને અભિવ્યક્તિ શ્રેણી 6 માં પ્રજ્ઞાબેન દાદભાવાળા એ પ્રેમ એક પરમ તત્વ ઉપર એક કાર્યક્રમ ઝૂમ દ્વારા તારીખ 26 ડિસેમ્બર 2020 ના રોજ સાંજે છ વાગે કેલિફોર્નિયાના સમયે રાખેલો. અતિથિ વિશેષ તરીકે શ્રીમતી નંદિતા ઠાકોરને આમંત્રિત કરવામાં આવેલા. જે સાહિત્ય અને સૂર ના સંગમ સમા છે. એ ગઝલકાર, સ્વરકાર અને ગાયિકા પણ છે.પ્રોગ્રામની શરૂઆત પ્રાર્થનાથી થઈ વસુબેન શેઠે પોતાના ભક્તિરસથી ભરપૂર પ્રાર્થના સંભળાવી. ત્યારબાદ પ્રવીણભાઈ તુરખીયાએ એક ભાવગીત સંભળાવ્યું. લોકોને ભાવ વિભોર કર્યા. પ્રજ્ઞાબેને સપના વિજાપુરાનો પરિચય આપ્યો. સપના વિજાપુરાએ પ્રેમ પરમ તત્વ વિષે શબ્દના સર્જનમાં એકાવન એપિસોડ લખ્યા છે. એ આ શ્રેણી દરમ્યાન પ્રેમ વિષે જે ચિંતન કરેલું હતું એનો સારાંશ એમણે રજુ કર્યો.

પ્રેમ શું છે? હ્દયમાં ઉદભવતી એક સંવેદના એક લાગણી જે પ્રેમના રૂપે બીજી વ્યકિત પર ઢળે છે. પ્રેમ આપવા માટે પ્રેમી હોવું જરૂરી છે. કારણકે જો તમારી પાસે પ્રેમ જ ના હોય તો તમે બીજાને પ્રેમ શી રીતે આપી શકવાના? પ્રેમ એટલે પવિત્રતા, વિશ્વાસ, શ્રદ્ધા-સમર્પણ, શુદ્ધ ભાવ થી કોઈને ચાહવું. પ્રેમમાં સ્વીકાર્યની ભાવના હોય છે. દરેક ખામી દરેક ભૂલને સ્વીકારવી છતાં એજ વ્યક્તિને ચાહવું !

માનવી સંવેદનાથી ભરપૂર છે . એ પોતાનો પ્રેમ માતાની ઉદરમાંથી દર્શાવતો થઇ જાય છે. મા અને બાળકનો પ્રેમ ઉત્તમ પ્રેમનું ઉદાહરણ છે. મા નો બાળક પ્રત્યેનો પ્રેમ અપેક્ષા રહિત હોય છે. અપેક્ષારહિત પ્રેમ એજ ઉત્તમ પ્રેમ ! પણ બાળક જેમ જેમ મોટું થતું જાય એમ એનો પ્રેમ વિસ્તરતો જાય છે. પિતા સાથે, બહેન ભાઈ સાથે અને પતિ પત્નીનો પ્રેમ જે જવાનીથી લઈને ઘડપણ સુધી નિભાવી જાય છે. આ. પ્રેમમાં સમર્પણની ભાવના છે. રાધાને મન પ્રેમ એટલે સમર્પણ. મીરાને મન પ્રેમ એટલે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવું. નરસૈયાને મન પ્રેમ એટલે વિશ્વાસ. ઈશ્વરે આપણને પ્રેમથી છલોછલ હૃદય આપ્યું છે. દરેક સંબંધ પ્રેમના એક તાંતણાથી બંધાયેલા છે.. ઈશ્વરે પોતાનો પ્રેમ આપણા હૃદયમાં ભરી આપણને પ્રેમમય બનાવી દીધા છે.

મુગ્ધા અવસ્થામાં પહોંચતા એ પ્રબળ પ્રેમની અનુભૂતિ કરે છે. પ્રથમ પ્રેમનો પ્રથમ એહસાસ ! કેવો આહ્લાદક હોય છે ! !હ્રદયમાં કોઈનું પ્રથમ પ્રથમ આગમન થવું ! ખૂલી આંખે સપનામાં સરી જવું. ચાંદ, સૂરજ, ધરા, ફૂલ, અને પાન સર્વ પર જાણે પ્રેમની એક ચાદર છવાઈ જાય ! પહેલો વરસાદ ધરાને ભીંજવે એમ એના મનને પ્રિતમનો પ્રથમ પ્રેમ ભીંજવી જાય ! સવાર સાંજ નશીલા બની જાય શરાબ વગર પણ શરાબ જેવો નશો થાય ! દર્પણ માં એક નવો ચહેરો દેખાય ! અરે આ કોણ? સવાલ કરતા શરમાઈ જવાય ! અડ્યા વગર સ્પર્શી લેવાય, અને પાનખરમાં વસંતની યાદ અપાવે તે પ્રેમ છે. પ્રેમને સબંધ ની આળપંપાળ નથી ગુલઝાર કહે છે એમ "હમને દેખી હૈ ઉન આંખોંકી મહેકતી ખુશ્બુ, હાથસે છુકે ઉસે રીશ્તોકા ઇલજામ ના દો, પ્યાર કો પ્યાર હી રેહને દો કોઈ નામ ના દો, પ્યાર કોઈ બોલ નહિ , પ્યાર આવાઝ નહિ એક ખામોશી હૈ સુનતી હૈ કહા કરતી હૈ " શબ્દ વગર સમજી જવાય એ પ્રેમ છે. પ્રિતમને એક નજર જોવા માટે દિલ તરસતું રહે ! અને વળી જો પ્રિતમ નજર થી દૂર હોય તો હરીન્દ્ર દવે ની પંક્તિ યાદ આવી જાય"

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા

જાણે મોસમનો પહેલો વરસાદ જીલ્યો રામ

કોઈએ પૂછ્યું કે માણસ અને ફરિશ્તા (દેવદૂત) (Angels)માં શું ફરક છે? અને એનો સરસ જવાબ આ હતો કે માણસ પ્રેમ કરી શકે છે, પ્રેમ અનુભવી શકે છે. પ્રેમ દર્શાવી શકે છે જ્યારે ફરિશ્તા તો રોબોટ જેવા છે એમને આ આ બધી લાગણીઓ નથી ! એ ફકત ખુદાની બંદગી માટે સર્જાયા છે ! તો આપણે વિચારી એ કે કુદરતે આપણને કેટલી મોટી ભેટ આપી છે ? પ્રેમની ભેટ આદ્ર હૃદયની ભેટ, સંવેદનશીલ મનની ભેટ !

શાયરોએ જનુની પ્રેમને ઈશ્ક કહ્યો છે. આ ઈશ્કના પણ બે પ્રકાર છે. ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી. ઈશ્કે હકીકી એ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને ઈશ્કે મિજાજી માનવ પ્રત્યેનો પ્રેમ ! પહેલા ઈશ્કે મિજાજી વિષે વાત કરીએ તો લયલા મજનુ શીરી ફરહાદ કે જીગર અને અમી યાદ આવી જાય જેમના ઈશ્કમાં જનુન હતું. અને શારીરિક રીતે ના મળી શકવાને લીધે મૃત્યુને વહાલું કર્યું પણ ના મળવા છતાં એક્બીજામાં સમાઈ ગયા. પણ ઈશ્કે હકીકી એ ઈશ્વર પ્રત્યેનો અનહદ પ્રેમ બતાવે છે. એ લોકોને દુનિયાની પડી નથી હોતી. એ ઈશ્વરના ઈશ્કથી રંગાયેલા હોય છે. જેમાં સૂફી અને સંત આવે છે જેમકે નરસૈંયો અને કબીર !

ઈશ્વરે પોતાનો પ્રેમ દર્શાવવા પ્રકૃતિનું નિર્માણ કર્યું. ખળખળ વહેતું ઝરણું હોય, મઘમઘતાં ફૂલો હોય, બાહો પ્રસારી બોલાવતાં દરિયા હોય, આસમાન સાથે વાતો કરતા પહાડો હોય, જટાયુ જેવા વૃક્ષ, શાંત વહેતી નદી, ઊડતા રંગ બેરંગી પંખી, જેને સ્પર્શતા હાથમાં રંગ લાગી જાય એવા પતંગિયા, જળમાં સરકી જતી માછલી, સમીસાંજનો સૂરજ કે શરદપૂર્ણિમાનો ચંદ્રમા ! આંખ બંધ કરી હું જો હું આ બધાં કુદરતના નજારાનું મનન કરું તો મને એ પરમકૃપાળુ પરમાત્માની સામે શીશ ઝુકાવ્યા વગર રહેવાતું નથી ! ઈશ્વર અને પ્રકૃતિ બંને એકબીજાના પર્યાય છે. કેટલી અસીમ કૃપા કરી છે એ ઈશ્વરે આપણા ઉપર આવી સુંદર ધરા બનાવીને !

પણ જેણે આટલી સુંદર ધરા બનાવી એ કેટલો સુંદર હશે ! જો ફૂલો જોઈને વહાલ આવે અને પૂનમ નો ચાંદ જોઈને રોમાંચિત થઈ જવાય ! તો એને બનાવવાવાળો તો કેટલો સુંદર હશે ! જો ઈશ્વરે બનાવેલી પ્રકૃતિને ને આટલો પ્રેમ તો એ ઈશ્વરને કેટલો પ્રેમ ! પ્રકૃતિના કણકણ માં પ્રેમ ઉભરાય છે ! ધરા અને ઈશ્વરને જોડતી એક કડી છે જે પ્રેમ છે ! ઈશ્વર એક મા કરતા સિતેર ગણો વધારે દયાળુ છે તો વિચારો કે ઈશ્વર કેટલો પ્રેમમય હશે.

એટલે તો કબીર કહે છે

"પોથી પઢ પઢ જગ મૂઆ પંડિત ભયા ના કોઈ

ઢાઈ આખર પ્રેમકા પઢે સો પંડિત હોય "

દુનિયાભરનું જ્ઞાન આપણે મેળવી લઈએ તેમ છતાં પંડિત થવાતું નથી પણ અઢી અક્ષરનો પ્રેમ સમજમાં આવી જાય તો પંડિત થઇ જવાય છે.

સપનાબેન પછી નંદિતા ઠાકોરે પ્રેમના ગીતોની રમઝટ બોલાવી જેમાં રુમીથી માંડીને સુરેશ દલાલ અને બીજા કવિઓની પ્રણયરંગી કવિતાઓ એમના મુખેથી સાંભળવાની મજા આવી. એમણે સૌ પ્રથમ'પ્રેમ એટલે સાવ ખૂલી આંખે થતો મળવાનો વાયદો' મુકુલ ચોક્સી રચિત અને સોલી કાપડિયા દ્વારા થયેલું કમ્પોઝીશન ગીતને સ્વર આપેલો. ત્યારબાદ એમની એક ગઝલ ' સૂર્યમુખીના ફૂલ સમાણું આમ ખીલવાનું એજ પ્રેમ છે. કમ્પોઝીશન પણ એમનું હતું અને ગાયિકા પણ નંદિતા ઠાકોર હતા. છેવટે એમણે કવિયત્રી નેહા પુરોહિત રચિત એક હરિગીતને ગાયેલું.

અંતમાં પ્રોગ્રામમાં પધારેલા સાહિત્યકારો જેમકે રામભાઈ ગઢવી, ગુજરાત વિદ્યાપીઠના ડીન ઉષાબેન ઉપાધ્યાય, સુરેશ પટેલ ( મામા) જયશ્રી મર્ચન્ટ, દેવિકા ધ્રુવ, દર્શના વારિયા નાડકરની, જિગીષા પટેલ, વસુબેન શેઠ, રીટા જાની , કલ્પનાબેન રઘુ, ગીતાબેન ભટ્ટ તથા અન્ય સાહિત્યકરોએ પ્રેમ વિષે બે બે વાક્ય બોલી પ્રેમ એટલે શું એ પોતાના શબ્દોમાં દર્શાવ્યું હતું. આ વર્ષના અંતમાં એક સુંદર પ્રોગ્રામ થયો એનો ખૂબ ખૂબ આનંદ ! !. આમ પ્રેમની વાતો કરતા કરતા કાર્યક્રમનું સમાપન થયું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational