પ્રેમ પરમ તત્વ : 2
પ્રેમ પરમ તત્વ : 2
પ્રથમ પ્રેમનો પ્રથમ અહેસાસ. કેવો આહ્લાદક હોય છે. હૃદયમાં કોઈનું પ્રથમ પ્રથમ આગમન થવું. અને વગર ઈજાજતે હૃદય પર રાજ કરવું ! દુનિયા નવી નવી લાગે. એજ માણસો હોય પણ વધારે વહાલા લાગે. ચાંદ,સૂરજ, ધરા, ફૂલ, અને પાન સર્વ પર જાણે પ્રેમની એક ચાદર છવાઈ જાય. પહેલો વરસાદ ધરાને ભીંજવે એમ મનને પ્રિતમનો પ્રથમ પ્રેમ ભીંજવી જાય ! સૂર્યનું પ્રથમ કિરણ ફૂલોને ચૂમી જાય અને ઝાકળ રૂપે ફૂલોની આંખો આંસું છલકાવી જાય. આ અદબૂત દ્ર્શ્ય જોઈ પ્રિયતમાના ગાલ પર શરમના શેરડા પડી જાય. સવાર સાંજ નશીલા બની જાય શરાબ વગર પણ શરાબ જેવો નશો થાય. પોતાની જાતને શણગારવાનું મન થાય. દર્પણ માં એક નવો ચહેરો દેખાય. આ કોણ ? સવાલ કરતા શરમાઈ જવાય. આ શણગાર પ્રિતમ ક્યારે જુએ એની ઉત્કંઠા થઈ આવે. પ્રિતમને એક નજર જોવા માટે દિલ તરસતું રહે.
રાતભર પ્રિયતમના વિચાર અને રાતભર પડખા બદલતા રહેવું. પ્રેમનું કોઈ નામ નહીં બસ અહેસાસ. જીવન જાણે મીઠું મધ બને. પ્રિયતમ પણ આ પ્રથમ પ્રેમનો અહેસાસ અનુભવે છે. પ્રિયતમાની ગલીઓ ના ચક્કર લગાવવાનું ચાલું કરે છે. બસ એક ઝલક પ્રિયતમાની જોવા મળી જાય. કોલેજના દરવાજા પાસે પ્રિયતમાની પ્રતીક્ષામાં સતત એના રસ્તાને તાકી ને ઊભા રહેવું એને ગમે છે. કે પછી કોઈ પણ પીરિયડમાં વારંવાર પ્રિયતમાની સામે જોયા કરવું. આ પ્રેમ પ્રોફેસરની નજરથી પણ છાનો રહેતો નથી. કોલેજની લેબોરેટરીમાં મહેબુબાના ધ્યાનમાં પ્રયોગ કરતા કરતા કેટલાય બીકર અને ટેસ્ટટ્યુબને તોડી નાખે છે. વરસાદમાં એક છત્રી નીચે વરસાદમાં થોડું થોડું ભીંજાવું અને હાથમાં હાથ લઈ ચાંદની રાતમાં દરિયા કિનારે ચાલવું એક અવર્ણીય આનંદ આપે છે. પ્રિયતમાની એક મીઠી મુસ્કુરાહટ હૃદયને જીતવા માટે પૂરતી છે.
બંને પ્રેમીઓને લાગે છે છે કે જાણે આ દુનિયામાં કોઈ નથી ફકત એ બે જણા જ છે. આસપાસની દુનિયા ધીમે ધીમે અદ્ર્શ્ય થઈ જાય છે અને હ્દયમાંથી સૂર ફૂટી નીકળે છે.
સૂરજ હુઆ મધ્ધમ. ચાંદ જલને લગા.
મૈં ઠહેરા રહા, જમીં ચલને લગી
ક્યાં યહ મેરા પહેલા પહેલા પ્યાર હૈ?
બંને ને લાગે એક બીજા વગર રહી નહી શકે. જો જુદાં થશે તો મરી જશે. અને આવા કિસ્સા બને પણ છે કે આ મહોબતની કેફિયત એટલી વધી જાય છે કે જો સમાજ વિરોધ કરે તો બંને અણગમતા પગલા પણ લે છે. પણ એને ખીલવા દો. એને એમના નશામાંથી ના જગાડો કારણ કે ઈશ્વર એટકે પ્રેમ અને પ્રેમ એટલે ઈશ્વર ! કવિ શ્રી રિષભ મહેતાની એક પંક્તિ યાદ આવી ગઈ !
એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં
પ્રથમ પ્રણયાનુભુતિ. એટલે કે પ્રથવાર પ્રેમનો અહેસાસ ! એટલે તારા વગર રહેવાય ના. અને વળી સમાજ સામે એને પ્રેમ કહેવાય ના.