પ્રેમ પરમ તત્વ : 7
પ્રેમ પરમ તત્વ : 7


ખળખળ વહેતું ઝરણું હોય, મઘમઘતાં ફૂલો હોય, બાહો પ્રસારી બોલાવતાં દરિયા હોય, આસમાન સાથે વાતો કરતા પહાડો હોય, જટાયુ જેવા વૃક્ષ, શાંત વહેતી નદી, ઊડતા રંગ બે રંગી પંખી, જેને સ્પર્શતા હાથમાં રંગ લાગી જાય એવા પતંગિયા, જળમાં સરકી જતી માછલી, સમીસાંજનો સૂરજ કે શરદપૂર્ણિમાનો ચંદ્રમા ! આંખ બંધ કરી હું જો હું આ બધાં કુદરતના નજારાનું મનન કરું તો મને એ પરમકૃપાળુ પરમાત્માની સામે શીશ ઝૂકાવ્યા વગર રહેવાતું નથી ! કેટલી અસીમ કૃપા કરી છે એ ઈશ્વરે આપણા ઉપર આવી સુંદર ધરા બનાવીને !
પણ જેને આટલી સુંદર ધરા બનાવી એ કેટલો સુંદર હશે ! જો ફૂલો જોઈને વહાલ આવે અને પુનમ નો ચાંદ જોઈને રોમાંચિત થઈ જવાય ! તો એને બનાવવાવાળો તો કેટલો સુંદર હશે ! આસમાની ચૂંદડી ઓઢી ધરા સોળે સજી ચાંદની પણ પાથરી તે કેટલો સુંદર હશે ! એ ઈશ્વરની ધરાને આટલો પ્રેમ તો એ ઈશ્વરને કેટલો પ્રેમ ! પ્રકૃતિના કણકણમાં પ્રેમ ઉભરાય છે ! ધરા અને ઈશ્વરને જોડતી એક કડી છે જે પ્રેમ છે !
હું મારા ઈશ્વરને શી રીતે ઓળખું? હા, આ વિશાળ સાગર જોઉં અને મને એનો અપાર પ્રેમ યાદ આવે ! હું એનાં સુવાસિત ફૂલોને જોઉં અને મને એની પ્રેમની મહેકની અનુભતી થાય ! હું આકાશમાંથી વરસતા જળને જોઉં અને હું એનાં પ્રેમમાં તરબોળ થાઉં ! એ વરસતાં વરસાદથી ધરાને હરીભરી થતાં જોઉં અન લીલો ટહૂકો હૃદયમાંથી ઉદભવે અને ઉષાની લાલિમા જોઉં અને મને એનાં હોવાપણાનો અહેસાસ થાય ! કુદરત કે પ્રકૃતિ એટલે ઈશ્વર અને ઈશ્વર એટલે કુદરત ! એટલે તો વિદ્વાનોએ કહ્યું છે કે કણકણ મે તું હૈ !
સ્ત્રી પુરુષનો પ્રેમ, મા બાળક નો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ કે મિત્ર મિત્ર વચ્ચેનો પ્રેમ આ ઈશ્વરનું વરદાન છે ! પણ કુદરત અને પ્રકૃતિનો સાથે નો પ્રેમ એ ઈશ્વરને ઓળખવાની ચાવી છે ! જો ખળખળ વહેતા ઝરણાથી તમારા હૃદયમાં ખળખળ થાય છે ? તો તમારામાં ઈશ્વર છે ! ઊછળતા દરિયાને જોઈ તમારું હૃદય ઊછળી બહાર આવે છે ? તો તમારામાં ઈશ્વર છે ! મહેકતા ફૂલોને જોઈ એનાં બનાવવાવાળાની કલ્પના આવે છે છે તો ઈશ્વર તમારામાં છે !
જો કુદરતના કોઈ પણ નજારા જોઈને હૃદય મુગ્ધ થતું હોય તો તમારું હૃદય પ્રેમથી ભરપૂર છે ! અને આ પ્રેમ તમને ઈશ્વર સુધી લઈ જશે ! ઈશ્વરને પામવું એટલે પરમને પામવું ! પરમ પ્રેમને પામવા માટે તપ તપસ્યાની જરૂર નથી બસ આંખ ખૂલી રાખવાની જરૂર છે ! પ્રકૃતિને જોઈ એના બનાવ વાળાની ભક્તિની જરૂર છે ! પ્રકૃતિને જોઈ થવું જોઈએ કે ," યહ કૌન ચિત્રકાર હૈ?"
હે ઈશ્વર તારું સ્વર્ગ અમે જોયું નથી ! શું એ તારી ધરાથી પણ સુંદર હશે? આ ધરા સાથે મને ખૂબ પ્રેમ છે ! તો તારા સ્વર્ગમાં તું જરૂર મારી ધરાને મૂકજે ! કારણકે આ ધરાએ મને તારી ઓળખાણ આપી છે ! પ્રેમની ઓળખાણ ! પરમ પ્રેમની ઓળખાણ !