JHANVI KANABAR

Drama Inspirational

4.0  

JHANVI KANABAR

Drama Inspirational

સથવારો

સથવારો

3 mins
125


ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ હતી, હજુ તો ઘઉંની, મસાલાની, અથાણાની સીઝન ચાલુ થવાની હતી. અમદાવાદની ગરમી જોર વધી રહ્યું હતું. બપોરે ગરમ સુસવાટા મારતો પવન વાતો, સાંજ થતા થોડી ઠંડક થતી. પરસેવે નીતરતા જયશ્રીબેન ભાખરી બનાવી હજુ નવરા જ પડ્યા હતાં. સાડીના પાલવથી ગળા પરથી પરસેવો લૂછતા ડ્રોઈંગરૂમમાં સોફા પર બેઠા. રીમોટ હાથમાં લીધું અને પોતાની પસંદગીની સિરિયલ જોવા લાગ્યા. એટલામાં ભરતભાઈ ધંધા પરથી આવ્યા. ફ્લેટના પગથિયા ચડીને તેઓ પણ લોથ થઈ ગયા હતા. ભરતભાઈ આવ્યા એટલે તરત જ જયશ્રીબેને ઊભા થઈ પાણી ધર્યું. ભરતભાઈના મોઢા પર આજે થાકની સાથે આછો આનંદ પણ છલકાતો હતો. એ જોઈ જયશ્રીબેનને આ?શ્ચર્ય થયું.

તેમણે પૂછ્યું : `શું વાત છે ? આજે જનાબ બહુ ખુશ દેખાય છે !'

`હા, બેસ અહીં મારી પાસે. તને પણ આજે ખુશ કરી દઉ.' કહી ભરતભાઈએ પત્ની જયશ્રીબેનનો હાથ પકડી તેમને પોતાની બાજુમાં બેસાડી દીધા.

`અરે પણ શું તમે પણ કંઈ નાના છો ?' જયશ્રીબેને પ્રેમથી ઠપકો આપતા કહ્યું.

`વાત જ એવી છે.. તું પણ ખુશ થઈ જઈશ.. જો હું આપણા બેય માટે સ્વીટ્ઝર્લેન્ડની ટિકિટ લાવ્યો છું. પેકેજ છે.' ભરતભાઈએ વાતનો ફોડ પાડતા કહ્યું.

`હે....? સ્વીટ્ઝર્લેન્ડ ? આપણે ?' જયશ્રીબેનનો અવાજ તરડાઈ ગયો.

`હાસ્તો... આપણે જવાનું છે. તૈયારી શરુ કરી દે.. આવતા મહિનાની 5 તારીખે.' ભરતભાઈએ પત્નીને આનંદ સાથે આદેશ કરતા કહ્યું.

`પણ બધી સગવડ... અને ખર્ચા...?' ખચકાટ સાથે જયશ્રીબેને પૂછ્યું.

`મેં બધું જ સેટિંગ કરી લીધું છે. જરાપણ ચિંતા ન કરીશ. હવે આપણે આપણી ઈચ્છા પૂરી કરીશું, મજા કરીશું.' ભરતભાઈએ પત્નીની આંખમાં આંખ પરોવી કહ્યું.

`હા, પણ બાળકોને પૂછી લઈએ..' જયશ્રીબેને કહ્યું.

`કેમ ? એમાં એમને શું પૂછવાનું હોય?' ભરતભાઈએ આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો.

`મારો કહેવાનો મતલબ એ કે એમને કોઈ પ્લાનિંગ હોય.. આપણી મદદ જોઈતી હોય... તો...' જયશ્રીબેને નીચું જોઈ કહ્યું.

`ના, બહુ થયું. બધી જ જવાબદારી પૂરી કરી આપડે. મંથનને ભણાવી ગણાવી એમ.બી.એ કર્યો. મધુને એલ.એલ.બીની ડિગ્રી મળી ગઈ. મંથન અને મધુ પોતપોતાના સંસારમાં વ્યસ્ત છે. એમને હવે એમની રીતે એડજેસ્ટ કરવું જોઈએ. બધી બાબતમાં આપણો ટેકો લે એ ઠીક નથી.' ભરતભાઈએ પત્નીને સમજાવતા કહ્યું.

થોડીવાર રૂમમાં શાંતિ છવાઈ ગઈ. જાણે કંઈક યાદ આવી ગયું હોય. બંને પતિપત્નીની આંખો ભરાઈ આવી. આખરે ભરતભાઈએ પત્નીનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું. `યાદ છે જયશ્રી.. મારી માતાની બિમારી ? મંથન હજુ ચાર વર્ષનો હતો અને મધુ તારા પેટમાં હતી.. મારી નોકરી છૂટી ગઈ હતી. માતાની બિમારીનો ખર્ચ. એ સમયે તે તારા દાગીના કાઢી નાખ્યા હતા ઘરખર્ચ અને બિમારીને પહોંચી વળવા માટે ! હું હજુ સુધી ભૂલ્યો નથી એ કપરો કાળ... તે ખૂબ જ આપ્યું છે આ ઘરને...' ભરતભાઈનો અવાજ ગળગળો થઈ ગયો.

`મેં એકલીએ ? ના.. તમારો પણ એટલો જ ભોગ હતો. આ ઘરમાં આપણે બેય એ ઘણું દુઃખ પણ જોયું અને ઘણાં સુખ પણ.' કહેતા જયશ્રીબેનની નજર આખા ઘર તરફ ફરી વળી.

`મંથન અને મધુને મોટા કરવામાં ઘણી ઈચ્છાઓ પણ મારી... પણ આખરે... જોયુ ને ? હું એ દિવસ યાદ કરું છું તો મનમાં ને મનમાં સહેમી જાઉ છું.' ભરતભાઈએ યાદ કરતા કહ્યું.

`હા, યાદ છે. મંથનએ માયા સાથે સ્વેચ્છાએ લગ્ન કર્યા. આપણે ક્યાં વાંધો ઉઠાવ્યો હતો એમાં.. આપણે તેને દીકરીનું સ્થાન આપ્યું, પણ હશે. આજના યુવાનો માટે સ્વતંત્રતાની વ્યાખ્યા અલગ જ હોય છે. મંથન અને માયા પ્રત્યે પ્રેમ અને હૂંફની કોઈ કમી નહોતી રાખી આપણે પણ તેમને વડીલોની છાયા અંધારા જેવી લાગી, માટે અલગ થવાની માંગણી મૂકી અને આપણે તે માંગણી પણ કમને સંતોષી.' દુઃખી થતા જયશ્રીબેને કહ્યું.

`હું તને એ જ તો કહેવા માંગુ છું, હવે બહુ થયું. આપણે આપણી બધી જ ફરજો પૂરી કરી. જીવનમાં ઘણા બલિદાન આપ્યા. ઈચ્છાઓને મારી.. હવે આ હક અને ફરજની પેટીમાંથી બહાર નીકળીએ. જીવનને માણીએ. એ સમયે સ્વીટ્ઝર્લેન્ડ જવાની ઈચ્છા આજે પૂરી કરીએ. ઉંમરનું બંધન પ્રેમને નથી હોતું, મારા માટે તારો સથવારો જ જીવન જીવવાનો એકમાત્ર આધાર છે. ચાલ... ચાલ જીવી લઈએ.' ભરતભાઈએ પત્નીને ખભેથી પકડી કહ્યું.

આજે પાંચમી તારીખ... ફ્લાઈટમાં બેસી એકબીજાની આંખમાં આંખો નાખી આ દંપતી એવી રીતે જોઈ રહ્યું છે જાણે પ્રથમ હનીમૂન....!


Rate this content
Log in

Similar gujarati story from Drama