સ્થિર રસ્તો
સ્થિર રસ્તો




હમણાં જ એક સુંદર પુસ્તક વાંચતા શ્રી અંકિત ત્રિવેદી એ કહેલાં આ સુંદર શબ્દો સ્પર્શી ગયાં, ખાસ તો અત્યારની પરિસ્થિતિ સંદર્ભે. એ કહે છે"વોક લેતા હોઇએ છીએ એ રસ્તા ઉપર કોઈ હરીફાઈ નથી. સાથે ચાલનારો આપણને ઓળખતો નથી. તેથી તે આપણી આગળ થઈ જાય તેમાં આપણને કશો વાંધો પણ નથી.' કેટલી સાચી વાત! માણસને પોતે પાછળ રહી જાય એનો વાંધો નથી. એને દુ:ખ તો જ થાય છે જો એની આસપાસની દુનિયામાં વસતું કોઇ જો એનાથી આગળ થઈ જાય. આને આપણે હરિફાઇ, દેખાદેખી, વિઘ્ન સંતોષ જે પણ નામ આપીએ પણ માણસ માત્રને લાગુ પડતી હકીકત છે. આ સ્પર્ધાત્મક ભાવનાના જોરે જો એ નવા પડકારો જીલી સંતુલિત રીતે આગળ વધતો હોત તો કંઇ જ ખોટું નહોતું. પણ આજે આપણે તો જીવનમાં હર ક્ષેત્રે, બીજા ને પાછળ છોડી નંબર વન પર આવવાની રેસમાં જોડાયા છીએ ને આંખ મીંચી બસ દોડ્યા જ કરીએ છીએ. આ રેસની ચાબૂક ભલે બધા માટે જુદી છે. કોરપોરેટ ક્ષેત્રે કામ કરનારા ને ટારગેટ રુપે, મહિલાઓમાં સુંદર દેખાવ, ધન પ્રદર્શન રુપે, પુરુષ માત્રમાં ધન કમાવવાની લાલચ રુપે અરે! બચ્ચાઓમાં પણ પરીક્ષાની ટકાવારી રુપે--આ ચાબૂક દોડાવે છે ને માણસ હાંફે છે....
આજે લોકડાઉનમાં સાથે ચાલનારા તો જાણીતા છે,પણ રસ્તો અજાણ્યો છે. ને આ રસ્તો સમયનાં એક બિંદુ પર સ્થિર થઇ ગયો છે. મૃત્યુના ભયે ઘરમાં પૂરાયેલા આપણે સૌ એક ડગલું પણ નથી માંડી શકવાના એટલે કોઈ સ્પર્ધા જ નથી. સૌના જીવનમાં એક તનાવરહિત શાંતિ છે. સંતોષ છે. બીજાને પાછળ છોડવાની લાલસામાંથી જન્મતો અજંપો નથી. ખુદને સાબિત કરવાની હાયવોય નથી કારણ આ કટોકટી પર આપણો કંન્ટ્રોલ નથી. આ સમય તો નહીં પણ નિતાંત નિરાંતની આ ક્ષણો કાયમ આપણામાં લોક થઈ જાય તો કેવું સારું?