Kalpesh Patel

Drama Romance

5.0  

Kalpesh Patel

Drama Romance

સરનામું

સરનામું

6 mins
3.3K


આજથી લગભગ વીસ વર્ષ પહેલાં. લગભગ શું કામ ? તારીખ પણ લખેલી જ છે, રજતની નોટના ફાડેલા પાને.૧-૭-2000. હા, તો વીસ વર્ષ પહેલાં એક નાજુક-નમણી છોકરીના હાથનો મને થયેલો સ્પર્શ. હજુ પણ એ યાદ છે. એમ તો પહેલાં કોઈ વાર આવી આપ-લે થઈ નહતી.

એ સ્કૂલના દિવસોએ કેટલીય વાર મને સ્મિતાએ જબરદસ્તીથી સૌરભને પધરાઈ દેવાનો પ્રયત્ન કર્યો હતો. પણ સૌરભ એટલે ભારોભાર અભિમાનનું પૂતળું. મારી સામે એકવાર પણ જોવાની એણે તસ્દી જ ના લીધી. જોકે તે દિવસોમાં હું પણ એકદમ શરમાળ અને શાંત હતો. સૌરભે એટલે તે દિવસોમા જોયું પણ હોત તો કાંઈ ફેર પડવાનો નહોતો. કેમકે આ તો ફક્ત શરૂઆત થઈ હતી.

આપણાં સૌરભકુમાર લટ્ટુ થઈ ગયેલા હતાંં એ સ્મિતાકુમારી ઉપર, પણ શરમાળ અને પહેલ કરતાં ડરે. આખી સ્કૂલના બધા જ છોકરાઓ સ્મિતાની અદાઓ પાછળ પાગલ હતાં. એને એક વાર જોવા માટે કે નજીકથી નીહાળવા માટે પણ લાઈનો લાગતી. પણ એ મિસ સ્કૂલ ફક્ત સૌરભને જ થોડો ઘણો ભાવ આપતી. અને આપે પણ કેમ નહીં ? બારમાં ધોરણનો સ્કોલર, સૌથી દેખાવડો અને પાછો સ્કૂલ ટ્રસ્ટીનો એકનો એક છોકરો એટલે આપણો હીરો, સૌરભ ! હું આ બંનેની નજરોની નજાકતની સાક્ષી, આપણા હીરો, સૌરભને સ્મિતા માટે હૈયે પ્રીત ભારોભાર રહેતી પણ શ્રીમાનજી એકરાર કરતા ખચકાય, ડરે, આમ હસવું અને ખાવું બંને વાત સાથે થોડી થાય.

હવે “હું” એટલે એક નોટનું સામાન્ય પાનું, અલબત તે પણ રજતની નોટનું. મારી કિંમત તમે નહીં વિચારી કે આંકી શકો, હું એ સમયે “સૌરભ-સ્મિતા” માટે તેની જિંદગી કરતાંય વધારે મહત્વ ધરાવતું હતું. ખરેખર સાચું કહું છું. ઠીક છે વિશ્વાસ તો નહીં જ આવે પણ હું સમજાવાનો પ્રમાણિકતાથી પ્રયત્ન કરીશ.

રોઝ મેરી સ્કૂલનો એન્યુઅલ ડે, મે મહિનામાં ઉજવાય છે. નવા રૂપ રંગ અને વાર્ષિક મેંટેનન્સ પછી તાજી માટી પાથરેલ મેદાનમાં, શાળાના જૂના વિદ્યાર્થીઓ, ઉમળકાભેર રમતિયાળ નવા જોડાયેલા છોકરા- છોકરીઓને જુએ છે.અને પરીક્ષાઓના પરિણામને આધારે મેરીટ સેર્ટિફિકેટ વિતરણ થતાં . ………આજના એન્યુઅલ ડે ઈવેંટની છેલ્લી પાંચ મિનિટ બાકી હોવાથી લગભગ બધાજ પોતપોતાની જગ્યાએ મેદાનમાં ગોઠવાઈ ગયા હતાં. અવર-જવર પણ ઓછી થઈ ગઈ હતી. આજે પણ સૌરભની આંખ સમક્ષ સ્મિતાની નોટનું પાનું તરવરતું હતું.

તે દિવસે સ્કૂલનો વિદાય દિવસ હતો બારમાં ઘોરણના સ્ટુડન્ટ્સ માટે શાળા જીવનનો છેલ્લો દિવસ હતો. હવે પછીના દિવસો દરમ્યામ બોર્ડ એક્ઝામની વૈતરણિ પાર કરીને કોલેજ જીવન, અને તે પછી વ્યાવસાયિક ક્ષેત્રે કે ગૃહસ્થી ક્ષેત્રે સૌ કોઈ પોત પોતાની ક્ષમતાના જોરે સંસારચક્રમાં ઠરી ઠામ થવાના હતાં. બધા એકબીજાને છેલ્લીવાર મળતા હતાં.

સવારથી જ સ્મિતા રઘવાઈ હતી આખરે તેને જોઈતી તક સાંપડતા તે, સૌરભ પાછળ ઘેલી થઈ દોડી. તેણે "મને" ગ્લિટરની પેનના રંગથી સુશોભિત કરેલા વાદળી રંગના કવરમાં મૂકી, તેના સ્કર્ટના ખીસામાં સાચવેલ હતો. સૌરભ લાઈબ્રેરીમાં એન્ટર થાય એ પહેલાં જ દોડતાં-દોડતાં,એની નજીક પહોંચીને કાઈ જ બોલ્યા વગર સ્મિતાએ "મને" સૌરભના હાથમાં આપેલો અને સૌરભે "મને" એની સ્કૂલબેગમાં કવર સાથેજ મૂકી દીધો. થોડો હાશકારો થયો. ચાલો આખરે સ્મિતાની “અભિલાષા” આજે પુરી થતી હતી. મારી જિંદગીમાં અને મને પણ શાંતિ થઈ કે હજુ મારી જિંદગીના દિવસો છે. નહીં તો સૌરભે અત્યારેજ ગુસ્સો કરીને "મને" ત્યાંજ ફાડી નિકાલ કરી નાખ્યો હોત. સૌરભે મને કવર સાથે જ સ્કૂલબેગમાં મૂક્યો. કરોડોનો સમાન લઈને ચાલતો હોય અને પાછળ પોલીસ પડી હોય એમ તે ગ્રંથપાળ પાસે પહોંચી ચોપડીઓ જમા કરાવી બહાર આવીને જુવે છે તો સ્મિતા તેની બહેનપનીઓના ટોળામાં બેઠી હતી.

સૌરભે મને બેગ માંથી કવર સાથે બહાર કાઢી શર્ટના ખિસ્સામાં મુક્યો. સૌરભ સ્મિતા બેઠી હતી એ ટોળા સુધી બે ડગલાં ચાલ્યો પણ ખરો, પરંતુ એકદમ એના પગને બ્રેક વાગી અને તે ક્લાસમાં પરત ફર્યો. હંમેશા પહેલી બેન્ચ પર બેસનારો સૌરભ,આજે છેલ્લી બેન્ચ પર જઈ બેઠો. એના કરતાં તો મને હવે વધારે મૂંઝારો થતો હતો, "આજે જો આ મહાશય હિંમત નહીં કરે તો આ કરોડોનો માલ રદ્દી થઈ જવાનો હતો, "વાંચ ને ભાઈ, હિંમત કર ને બાપા" મારી પાસે તો માથું કુટવા સિવાય બીજો કોઈ રસ્તો જ ક્યાં હતો !

એટલુ તો મને સમજાયું હતું કે,એ મને વાંચશે તો ખરો. છેક બપોર વીતી ગઈ, પણ સૌરભ મને અડ્યો પણ નહીં, ધીરજ ગુમાવતાં બેગમાંથી હું બોલ્યો "પ્રેમપત્ર છું યાર સૌરભ, થોડી તો ઈજ્જત કર મારી નહીં તો લખીને તને આપનાર સ્મિતાની"

રીસેસ પડી, પણ સૌરભ ક્લાસમથી બહાર આવે તો ને ? અડધી કલાકની રીસેસ આમ જ વીતી ગઈ પાંચ મિનિટ બાકી હતી. તેણે આજે નાસ્તાનો ડબ્બો પણ ના ખોલ્યો. ઘરે મમ્મીની કચ-કચને સામી છાતીએ વહોરી લેવાની હિંમત આવી ગઈ હતી. પણ એક કાગળ ખોલી ને વાંચવાની હિંમત નહોતી. "અરે ભગવાન હવે તું હિંમત આપ આ છોકરાને ."

સૌરભ તે દિવસે, શાળા છૂટી ત્યારે પણ તે ક્લાસની છેલ્લી પાટલી બેસી રહ્યો, શ્યામું પટાવાળો આવ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સ્કૂલ તો છૂટી ગઈ છે, બેગ લઈ સૌરભે ઘર તરફ પ્રયાણ કર્યું. ઘેર પહોચી સીધો તેમાં રૂમમાં ગયો અને બારણે કડી ભરાવી, હળવેથી મને બેગમાં રહેલા પેલા આસમાની કવરમાંથી કાઢ્યો, આહા આખરે "મને" ખૂલ્લી હવાનો અહેસાસ થયો.

મને બરાબર ખબર છે કે ભલે અત્યારે સૌરભના હાથમાં “હું” રમી રહ્યો છું, પણ .. તેના હ્રદયના તાર ઝાણઝણવામાં હવે દેરી નથી..

ઑ "સુરુ" .., "સૌરભ,, જ્યારે આ કાગળ તું વાંચતો હોઈશ ત્યારે હું તારી પાસે નહીં હોઉં. પણ તારા દિલમાં વસેલી છું, અને હંમેશા રહીશ. હવે તું તારા દીલને પૂછતો નહીં કે સ્મિતા ક્યાં ગઈ, સંસારના અફાટ પથ પર કોઈ મોડ ઉપર તને મળવાનો મારો કોલ છે. આ કાગળ મળ્યા પછી ખુશ રહેજે અને ઢીલાં પડ્યા વગર ખંતથી ભણી આગળ આવજે. મને ખબર છે કે સૌરભ તું મને ભૂલી નહીં શકે, મારી યાદ તારો કેડો નહીં મૂકે, અમે નારી જાતને સામા માણસની ભાવના વાંચવાની આવડતનું જ્ન્મથી જ વરદાન હોય છે. મે આપણાં શાળા-જીવનની, યાદો અને વાતો, બન્ને ખુબજ માણી છે. તારા હ્રદયે ધરબેલા ભાવને હરરોજ પરખ્યા છે એટ્લે હિમ્મત કરીને તારા તરફનો વિશુધ્ધ પ્રેમનો એકરાર કરું છું અને સેવી રહી છું તારા માટે સારી કામના.

સ્મિતા....

બંધ કમરે સૌરભની નિર્દોષ આંખોમાં ઝળઝળિયાં વહી રહ્યા હતાં. એની જિંદગીમાં આજે એક નવો પડાવ હતો,પરંતુ સાથે સાથે એક અમુલ્ય સંબંધ ઓઝલ થતો હતો તેનું દુખ હતું, તેને રંજ હતો કે સ્મિતાને, તેની પ્રીતનો એકરાર કરી શકવાની હિમ્મત તે જૂટાવી ન શક્યો. તેણે કવર જોયું, આમતેમ ફેરવ્યું, સરનામું તો હતું નહીં, અને તે સમયે ફોન હજુ લોકાભિમુખ નહતાં.

,.....મારી..... ખૂલ્લી હવાની આઝાદી ... ક્ષણિક નીવડી હતી અને હું સૌરભની ડાયરીના કોઈ પાનાં વચ્ચે પુરાઈ ગયો.

આજે વીસ વર્ષે .. રોઝ મેરી સ્કૂલના એનુયલ ડેના દિવસે શાળાના જૂના વિદ્યાર્થીઓ ઉમળકાભેર રમતિયાળ નવા જોડાયેલા છોકરા- છોકરીઓને જુએ છે અને શાળામાં ભણીને નામાંકિત બનેલા વિદ્યાર્થી દ્વારા બોર્ડના છોકરાઓ પ્રેરણાદાયક પ્રવચનો નું આયોજન હતું. આજના વક્તા હતાં ડોક્ટર સૌરભ ટલાટી જે દેશના પ્રખ્યાત ન્યુરોલોજિસ્ટ હતાં॰.

ગત વરસે સૌરભના પિતાના અવસાન થયું હોવાથી, તેઓની જગ્યાએ સૌરભ સ્કૂલના ટ્રસ્ટી મંડળમાં સેક્રેટરી નિમાયેલ હતો અને રોઝ મેરી સ્કૂલમાં એનુયલ ડે માં જવાનું હોઈ, પોતે રોમાંચિત હતો, કબાટના ખાનામાથી જૂની ડાયરી કાઢી હતી. અને આજે સવારે સ્કૂલે જતાં પહેલા વીસ વરસ પહેલાનું આસમાની કવર તેને ફરીથી હાથમાં લીધું ત્યારે, મને "કુદરતને ત્યાં હજુ ન્યાય જીવે છે" તે પ્રતીતિ થઈ, અને તાજી હવા નસીબ થઈ. વધારામાં મને પાછું રોજ મેરી સ્કૂલે જવાનું નસીબ થયું.... ખુલ્લી હવામાં આવતા અનુભવ્યું કે દુનિયામાં ઘણું બદલાઈ ગયું છે.

હું તો સૌરભના મહેકતા કોટના ખિસ્સામાં રહી મુક્તિનો આનંદ માણતો હતો. શાળાના પ્રસંગ સુયોજીત ક્રમ અનુસાર ચાલતા હતાં ..ડોક્ટર સૌરભનું ઉત્સાહ પ્રેરક પ્રવચન પત્યા પછી મેરીટ સેર્ટિફિકેસ વિતરણ ચાલુ થયા, હવે આગિયારમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનો ક્રમ આવ્યો.પણ આ...શુ?, બધા વિષયો.. અને ખેલકૂદના મેરીટની દાવેદાર એક વિદ્યાર્થિની હતી, કુમારી "અભિલાષા" ..

સૌરભને શાળાના પ્રિન્સિપાલે ઈશારો કરતા કહ્યું કે તેઓ વિદ્યાર્થિનીનું બહુમાન કરે, સૌરભ સહજતાથી ડાયસ ઉપર આવ્યો અને, તેને આગિયારમાં ધોરણની તે હોનહાર વિદ્યાર્થિનીને ઉમળકાભેર એનાઉન્સ્મેંટ કરી બોલાવી, સામે બેઠેલા છોકરાઓના વૃંદમાંથી “અભિલાષા “ આવી .. અને તાળીઓના ગડગડાટ વચ્ચે પુરસ્કાર લઈ ને ઉતરી પરત ગઈ ત્યારે, સૌરભના દિલના દરિયામાં વમળો ઉઠાવીને આશાઓ જગાડતી ગઈ.

પ્રસંગ પત્યા પછી પ્રિન્સિપાલની ઓફિસમાં સૌરભ, "અભિલાષા" અંગે પૂછ્યા વગર રહી ન શક્યો, અને પ્રિન્સિપાલે જણાવ્યુ કે "અભિલાષા " શહેરના ગિરધરભાઈ અનાથ આશ્રમમાં ઉછરેલી છોકરી છે, તેના માં અને બાપાનું અકાળે અવસાન થવાથી તે અનાથ આશ્રમમાં રહે છે. અને રોઝ મેરી સ્કૂલની વેલ્ફેર પ્રવુત્તિના ભાગ રૂપે આપણી સ્કૂલમાં ફ્રી ભણે છે.

સૌરભને આ બધી વિગતમાં જરા પણ રસ નહતો. તે “અભિલાષા”ની એસેસમેન્ટ શીટ જોઈ તેના કોટના ખિસ્સામાં રહેલ સરનામા વગરના વાદળી કવરનું સરનામું શોધતો હતો, તે તેને હવે મળી ગયું, હા તે સ્મિતાની જ છોકરી હતી. “અભિલાષા”, સ્મિતાની હૂબ-હું પ્રતિકૃતિ હતી .. સૌરભ મનોમન બોલ્યો સ્મિતા, જો હવે છે ને? મારામાં હિંમત !, હું તારી નિશાનીને વટભેર આપનાવું છું.

બીજા દિવસે જ્યારે.. ગિરધરભાઈ અનાથ આશ્રમને અભિલાષાના એડોપ્શનની પિટિશન મળી, તે સાથે .. “અભિલાષા”ને નવું સરનામું પણ મળી ગયું. બધા ડોક્ટર સૌરભની વાહ વાહ કરતાં હતાં ..પરંતુ, ..સ્મિતાને ઓળખવાવાળામાં ..હું, સૌરભના સ્વર્ગવાસી પિતા અને ખુદ સૌરભ, જાણતા હતાં કે આજે સરનામા વગરનાં કવર ને સરનામુ મળતું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Drama