સરનામાં વગરનો કાગળ
સરનામાં વગરનો કાગળ
વિહાનનું ડ્રોઈંગ ખૂબ જ સરસ હતું, આબેહૂબ ચિત્ર એ દોરી શકતો હતો. આવું જ એક ચિત્ર એક તસ્વીર પરથી એણે દોર્યું હતું. એક હાથીનું અને એના નાના બાળ હાથી સાથે ચાલતું ચિત્ર. બંનેની સૂંઢ એકમેકમાં હતી અને ટહેલતા હતા. ઉપર વિહાને લખ્યું, મમ્મી/પપ્પા અને વિહાન. આ જોતા જ તરલની આંખે ઝળઝળિયાં આવ્યા અને એ ટેબલ પર બેસી ગયો....
આંખમાંથી આંસુની ધાર સતત વહી રહી હતી અને કલમ શબ્દોને ગૂંથી રહી હતી. ટેબલ પર કોરો કાગળ ચિતરાઇ રહ્યો હતો અને ખુરશી પર બેઠેલા તરલના હાથે લખાઇ રહ્યો હતો. ટેબલની ઉપર દીવાલે બે તસ્વીરો સુખડના હાર સાથે લટકી રહી હતી જેને જોતા જ લાગતું હતું કે અંત, નજીકના ભૂતકાળમાં જ થયો હશે સ્વર્ગસ્થોનો.
પત્ની નીતિકા અને છ વર્ષનો વિહાન ઘરમાં ન હતા, ઘરવખરીની શોપિંગ માટે બહાર ગયા હતા, એટલે એકાંત તરલને એના માતા પિત
ા તરફ દોરી જતો હતો. એ જ્યારે જ્યારે પોતાના સ્વર્ગસ્થ માતા-પિતાને યાદ કરતો તયારે ત્યારે એક કાગળ સરનામાં વગરનો લખી કાઢતો. આખા પત્રમાં તરલ પોતાના માતા-પિતા સાથેની ભૂતકાળની વાતો યાદ કરતો અને અંતે એને કવરમાં મુકી દેતો. તરલ હોસ્ટેલમાં રહીને જ ભણ્યો, કોલેજ પણ ત્યાં જ અને ત્યાંથી જ નોકરી પણ. એટલે બાળપણની મહત્તમ યાદો એના પત્રમાં આવે. હોસ્ટેલથી ઘરે આવે, બસ એટલો જ સમય પોતાના માતા પિતાને મળી શકે એટલી જ લિમિટેડ સ્ટોકની યાદો એ પછી તો મળતી. આજે પણ આવું જ કંઈક થયું, આંસુ સાથે સ્મરણોનું ઘોડાપુર આવ્યું અને એની સાથે જ કાગળ લખાયો. એને યાદ આવ્યું કે આવું જ એક ચિત્ર એણે દોર્યું હતું, ત્યારે લખ્યું હતું બા-બાપુજી અને તરલ... કાગળ કવરમાં મુક્યો અને પોસ્ટ કરવા બાજુએ મૂકી દીધો.
બાજુ પર પડેલું વિહાનનું ડ્રો કરેલું પિક્ચર ફરી એના હાથમાં આવ્યું અને એ ફરી થોડો ગમગીન થઈ ગયો.