સરકતા સમયની સાથે
સરકતા સમયની સાથે
કદાચ મોટા બધું સમજી શકતા હતા. પણ, મને કહી નહોતા શકતા. જોકે, ડોક્ટરે તો કહી જ દીધું હતું કે મોટાની સ્થિતિમાં ખાસ્સું ઇમપ્રુવમેન્ટ છે. કદાચ મોટાને પણ એમ જ લાગતું હતું. દોઢ મહિનો થઈ ગયો હતો. અને હવે તો એ ઘરે હતા કારણકે ડોક્ટરે કીધું હતું કે એ બધું સાંભળે છે, સમજે છે. બસ, રીએક્ટ નથી કરી શકતા, એ પણ જલદીથી થઈ જશે.
બીજી બાજુ સુલોચનાભાભીની ચિંતા વધતી હતી. કારણકે પપ્પાની તબિયત સુધારા પર છે જાણીને દીકરો અનિકેત અને દીકરી સ્નેહા પોતાના ઘર સંસારમાં પરત જવા ઉતાવળ કરતા હતા. ચોવીસ કલાકની નર્સ રાખી હતી, પૈસાની અગવડ ન હતી, એટલે હવે પાછા જવાની હઠ પકડી બેઠા હતા બંને. સમય સરકતો ગયો અને અઠવાડિયામાં ઘરમાં ત્રણ જ વ્યક્તિ બચ્યા, ખાટલા પર સમજી અને સાંભળી શકતા મોટા, ભાભી અને પેલી નર્સ. ખાટલા ઉપરની એ ઘડિયાળ જે ટકટક કરી સમય ઉડાડી રહી હતી. સહુને એમ હતું કે પરિસ્થિતિ સુધારી રહી છે. પણ, મોટા જાણતા હતા કે એમના દરેક શ્વાસે સમય ઉચ્છવાસ બની ભૂંસાય રહ્યો છે.
મને શનિવારે સવારે પાંચ વાગ્યે ફોન આવ્યો કે મોટા ગયા. હું સીધો પહોંચ્યો, હાર્ટબીટ મશીન અવાજ નહોતું કરતું, ધબકારા ઝીરો હતા. નર્સને પૂછ્યું તો એણે કીધું કે એને ખબર જ નથી પડી, કદાચ બઝર બગડી ગયું હતું એટલે બીપ બીપનો અવાજ આવ્યો નહીં અને ધબકારા બંધ થઈ ગયા. મેં ગ્રાફ ચેક કર્યો તો સમજાયું કે શનિવારની રાતે બે વાગ્યે ગ્રાફ બદલાવાનું શરૂ થયું હતું. હૃદય બંધ થવું ધીરે ધીરે મોટા અનુભવી શકતા હતા પણ રીએક્ટ કંઈ જ નહીં કરી શક્યા હોય. આખું આયખું એની સામે હશે સ્મરણ માટે, એનું બાળપણ, એનું ભણતર, હું, સુલોચનાભાભી સાથે સગપણ, અનિકેત અને સ્નેહાનો જન્મ, સ્નેહના લગ્ન, એની વિદાય, અનિકેતનું બેંગ્લોર જવું, ત્યાં જ સ્થાયી થવું, પરણવું, એમને એટેક આવવો, અને પછી દોઢ મહિનો... બે ત્રણ કલાકમાં એમણે સમયને કેટલો ભગાવ્યો હશે કે અંતે સમય ટુકડે ટુકડે વિખેરાય ગયો હશે.
ધીરે ધીરે ઘડિયાળની ટકટક સાથે ભૂસતા જીવનો રોમાંચ કે દુઃખ કેમ કરી જીરવ્યો હશે એ મારે માટે આજે પણ પ્રશ્ન છે.