સરહદ
સરહદ
હું વ્યગ્રતાથી હાથમાં મોબાઇલ ફેરવતો માત્ર થોડા મીટરની દૂરી પર આવેલી સરહદ પર આતુર નજરે મીટ માંડી રહ્યો. રેતીના ઢગલાઓની પેલે પાર એક ધૂંધળો આકાર દેખાયો. તારની વાડની આ પાર હું અને પેલે પાર ફઝીલા.
મેં નંબર જોડ્યો.
“હલ્લો ફઝીલા, સંભળાય છે ?”
“પરવેઝ, એક મુદ્દત બાદ સંભળાય છે અને દેખાય પણ છે.”
“ઓહ ! એક જમાનામાં હાથમાં હાથ મિલાવીને બેસતાં આપણે સરહદના બે કિનારા થઈ ગયા.”
“પરવેઝ, બે વર્ષ પહેલાં તું અચાનક ખસકી ગયો ત્યારે દગાનો આઘાત બહુ લાગ્યો.”
“પણ મારો ઇરાદો પાક હતો ફઝીલા.”
બે વર્ષ પહેલાં સરહદ પર વસતું અમારું ગામ, સામાન્ય ખેતી કરતો અમારો અને ફઝીલાનો પરિવાર, સાથે ઉછરેલાં અમે અને કયામત તક સાથ આપવાની અમારી કસમ, તકદીરનું રુઠવું અને અબ્બુનો અચાનક ત્યાં વસવાનો કયામત જેવા ફેંસલાનો દિવસ નજર સામે પસાર થયો. વસ્યા પછી માંડ મન સાથે સમાધાન કર્યા બાદ થોડા સમય પહેલાં ફઝીલાને ફોન જોડ્યો. હું માંડ માંડ ફઝીલા સામે મને બેકસૂર સાબિત કરી શક્યો. આજ કેટલીય મિન્નતો પછી લાંબી મુદત બાદ એ નો મેન્સ લેન્ડ સુધી આવવા રજામંદ થઈ હતી.
“હલ્લો પરવેઝ, હલ્લો!”
“હા ફઝીલા, પહેલાં નજરથી મળતાં. હવે અવાજથી મળીશું.”
“મગર.. આવું ક્યા સુધી ?”
“બસ, હવે કોઈ અગર મગર નહીં . ખુદાએ જ આ રાહ બતાવી છે.”
“આમીન..”
બે સરહદ દુઆ માંગી રહી.