સ્પર્શ
સ્પર્શ
'મહેક' એક શાળામાં શિક્ષિકા છે પણ તેનું વ્યક્તિત્વ અન્ય શિક્ષકો કરતાં તદ્દન જુદુ જ છે. તે સ્વભાવે મસ્તીખોર છે. ચહેરો હસમુખો, લાલ ચટાક ગાલ, ગોરો વાન, સુડોળ શરીર, નિખાલસ બાંધો, મધ્યમ કદ, ભુરી આંખો, સ્હેજ સોનેરી લાંબા વાળ અને પ્રેમભરી આંખોમાં લખાયેલી વાર્તાની નાયિકા જેવી સુંદર. નામ જેવા જ ગુણ જ્યાં હોય ત્યાં એની સુગંધ પ્રસરી જ જાય, એ સૌને ગમી જ જાય. સ્વાભાવે એકદમ મળતાવડી છતાં કોઈકવાર એકદમ શાંત બની જાય અને ખુબ સમજદાર હોવા છતાં ક્યારેક ગુસ્સે પણ થઈ જાય. પરંતુ એના જીવન જીવવાની ઢબ નિરાળી હતી એ દરેક પરિસ્થિતિને અનોખા ઢંગથી જ જોતી. એને ખુબ ઓછા મિત્રો હતાં પણ એ એનું વર્તન બધાની સાથે પ્રેમ અને આદરભર્યુ હતુ.
એકદમ સરળ નોકરી, પરિવારનો સાથ, મિત્રો અને આસપાસ મનગમતાં લોકોના કારણે જીવન ખુબ સરસ રીતે વ્યતીત થઇ રહ્યું હતું અને અચાનક એક અકસ્માતે બધું વેરવિખેર કરી નાખ્યું.
એ સાંજે મહેક રોજની માફક ગીતો ગણગણતી શાળાએથી ઘર તરફ જઈ રહી હતી અને અચાનક જ બેકાબુ થયેલી એક ટ્રકથી અથડાઈ એ દુર ફંગોળાઈ. એ ત્યાં જ બેભાન થઇ ગઇ. ત્યાં લોકોનું મોટું ટોળું થઈ ગયું અને એમાંથી જ કોઈકે એને એમ્બ્યુલન્સ બોલાવી દવાખાને પહોંચાડી. એકબાજુ એની સારવાર શરૂ થઇ બીજી બાજુ એના પરિવારજનોને જાણ કરતાં એ લોકો તરત ત્યાં પહોંચી ગયા.
તેના માતા પિતા અને બીજા લોકો પણ ત્યાં હાજર છે. ડોકટર એને બચાવવાના બધાજ બનતા પ્રયત્નો કરી રહ્યાં છે. ઘણા કલાકોની દોડાદોડી અને અસમંજસ અને ગંભીરતા બાદ ડોક્ટરની વાત સાંભળી બધા જ હેબતાઈ ગયા. ડોકટરે કહ્યું, " મહેક જીવિત છે એને અમે બચાવી લીધી છે પણ... પણ એ કોઈ સ્પર્શ અનુભવી શકતી નથી.
આ વાત સાંભળીને બધા તો સ્તબ્ધ થઇ ગયા. આ ખુબ જ મોટી વાત હતી કેમકે મહેકનુ જીવન હવે જીવન માત્ર હતું એમા જીવવાનુ તો હતુ જ નહિ. ખુબ નાની ઉમંરે આ બિમારીએ એક હસતી રમતી છોકરીને પથારીવશ કરી દિધી. ઉપરથી એના સાજા થવાના પણ કોઇ અણસાર દેખાતા ન્હોતા. ઘણા દિવસો રાહ જોયા બાદ છેવટે મહેકને એ જ સ્થિતિમાં ઘેર લઇ આવ્યા. ડોક્ટરે કહ્યુ હતુ કે હવે મહેક ક્યારે હરતા ફરતા થશે અને ઠીક થશે કે નહિ તેની પણ કોઇ સ્પષ્ટતા કરી શકાય તેમ નથી. પણ પરીવારના લોકોએ હિંમત હારી નહી અને તેની સાથે રોજ અવનવી વાતો કરે, જુની વાતો યાદ કરે, હસી મજાક કરે,
અમુક ખાસ દિવસો યાદ કરે, હસે અને જોક્સ કહે, વાર્તા કહે, મહેકના મનગમતા પુસ્તકો વાંચી સંભળાવે, નવા નવા લોકોને મળવા બોલાવે, હસ્તમિલાપ કરાવે, જેટલું થઈ શકે એ બધું જ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મહેકની તબિયતમાં જરાય સુધાર ના આવ્યો હજુ ય એની સ્થિતિ તો એવી ને એવી જ. આમ ને આમ ચાર વર્ષ વીતી ગયા. ઘરના બધા જ સભ્યો દ્વારા દરેક પ્રકારના પગલા લેવામાં આવ્યા અને છેવટે બધાએ હાર માની લીધી. ચાર વર્ષ વીતી ગયા પણ મહેક ના કંઈ અનુભવે ના એના રીપોર્ટમાં કંઈ વ્યાજબી સુધાર દેખાય.
પણ પેલું કહેવાત છે ને કે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે ભગવાન એક નાની બારી તો ખોલી જ દે! એવુ જ કંઈક થયું. ઘણા વર્ષોથી બંધ પડેલો મહેકનો ફોન એના પપ્પાએ ચાલુ કર્યો અને બીજા જ દિવસે સવારે નવ વાગ્યે એ ફોનની રીંગ વાગી. બધાને નવાઈ લાગી કેમકે કેટલાય સમયથી તો એના બાજુમાં જ રહેતા મિત્રો પણ મહેકને મળવા આવતા નથી અને આ કોણ છે જે ફોન કરે છે. મહેકની નાની બહેને ફોન રીસિવ કર્યો. "હેલો, કોણ બોલો છો ? "
સામેથી એક અપરિચિત શાંત અવાજમાં એક છોકરીએ જવાબ આપ્યો, "હું રેવા બોલું છું, આ મહેકનો નંબર નથી ? શું હું એની સાથે વાત કરી શકુ ? "
"હા આ મહેકનો નંબર છે પણ એ વાત કરી શકે તેમ નથી." મહેકની બહેને કહ્યું.
રેવા : "અરે પણ ! કેમ ? હું ખબર નહીં કેટલાય મહિનાથી એનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી હતી અને રોજ સવારે અને સાંજે એક વાર આ નંબર પર ફોન કરું જ પણ કંઈ જ જવાબ ના મળે એટલે મુકી દઉં પણ આજે રીંગ વાગી તો મને થયું આટલા વર્ષો પછી આજે કદાચ મને વાત કરવા મળશે, માફી માંગવાનો એક મોકો તો મહેક મને આપી જ શકે! તમે મહેકને કહો કે એ મારી સાથે વાત કરે તો જ બધું બરાબર થશે ને! હા, એ દિવસે મારી જ ભૂલ હતી, મે જઅહંકારમાં આવી ના બોલવાનું બોલીને બફાટ કરેલો પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે મહેક મારી સાથે નિસ્વાર્થ રીતે રહેતી હતી, મારી ભૂલ બતાવતી હતી અને મારો સાથ પણ આપતી હતી. એની બધી વાતો જ્યારે આજે બધા વાયદા કરીને જતાં રહે છે ત્યારે સમજાય છે, મારે બસ મારી એ જુની મિત્ર પાછી જોઈએ છે. તમે પ્લીઝ, એને કહો મારી સાથે ફક્ત એકવાર વાત કરી લે! "
મહેકની બહેને કહ્યું, "અરે રેવા તમે મારી વાત સમજ્યા નથી, મહેક તમારાથી નારાજ નથી કે વાત ના કરે પણ એ વાત કરી શકે એવી હાલતમાં જ નથી."
એમ કહી એણે બધી વાત રેવાને કરી, આ સાંભળીને રેવાના પગ નીચેથી ધરતી ખસી ગઇ. એનાથી રહેવાયું નહી એટલે રેવા અમેરિકામાં રહેતી હતી પણ તરતજ પહેલી ફ્લાઈટ પકડીને એ ભારત આવવા નિકળી પડી. એ છ વર્ષ પછી ભારત પાછી આવી પણ એ એના ઘરે ના ગઈ અને સીધી જ એ મહેકના ઘરે ગઈ. એના મનમાં વિચારતી હતી કે હું ગુસ્સામાં અને અહંકારમાં એક સારી મિત્ર ગુમાવી અમેરીકા ગઈ અને ત્યાં જ્યારે સ્વાર્થી લોકોનો સામનો થયો એટલે સાચી મિત્રતા સમજાઈ ગઈ. કુદરત પણ કેવું કરે, પહેલાં હું અહંકારમાં ફોન નહતી કરતી અને હવે હું વાત કરવા, માફી માંગવા માટે તૈયાર થઇ એટલે મહેક સાથે આવો અણબનાવ બન્યો.
રેવા મહેકના ઘેર પહોંચી. મહેકની મમ્મી રેવાને જોતાં જ ભેટી પડી અને તરતજ એને મહેકના રૂમમાં લઈ ગયા. રેવા અંદર દાખલ થતાં પહેલાં જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. માંડ સ્વસ્થ થઈ અંદર પ્રવેશી ત્યાં ફરી મહેકને જોઈને એની આંખના આંસું રોકાયા જ નહી. રેવા રડતાં રડતાં મહેકની બાજુમાં બેઠી અને મહેકનો હાથ પકડી માફી માંગવા લાગી અને જાણે ચમત્કાર થયો જેવો રેવાના હાથનો સ્પર્શ થયો બાજુમાં મુકેલા મશીનમાં હલચલ દેખાઈ. અઢળક લોકોના સ્પર્શ ના અનુભવાયા પણ રેવાનો એ માફી માંગવા પકડાયેલો હાથ એના શરીરમાં કંપન કરાવી ગયો. જાણે આખા શરીરે વાચા ફૂટી હોય એમ એનું રોમ રોમ સળવળ્યું. છેલ્લાં ૧૨ વર્ષથી જે મિત્ર છોડીને ગઈ એનું દુઃખ વ્યક્ત કર્યા વગર મનનાં કોઇક ખૂણામાં છુપાવી રાખ્યું હતું એ આજે સ્પષ્ટ રીતે એના ચહેરા પર વંચાયું. રેવાના સ્પર્શ થકી મહેકને જીવનદાન મળ્યું. બધા તો ખુશખુશાલ થઈ ગયા પણ આ ખુશી ક્ષણિક જ હતી. માત્ર આંખો ખુલી, જરીક હલનચલન થયું અને મહેકનું પ્રાણ પખેરું બધાને હસતાં મૂકી ઉડી ગયું. આ અંતિમ સમયે મહેકે એના પરિવારના લોકોની આંખોમાં ખુશીના આંસુ લાવી દીધા...
"આપણે જીવનમાં ઘણા બધા અનુભવ કરીએ છીએ, ઘણા બધા લોકોને મળીએ છીએ. એમાથી અમુક અવાજ દિલમાં ઘર કરી જાય છે, તો અમુક સુગંધ મનમાં વસી જાય છે, અમુક ચહેરા આંખોમાં છપાઈ જાય છે. કદાચ, એમજ મહેકને રેવાનો એ પવિત્ર સ્પર્શ યાદ રહી ગયો હશે! જેણે એને જીવનદાન પ્રદાન કર્યું કે કદાચ એ રેવાના સ્પર્શની રાહમાં જ જીવંત હતી. એ સ્પર્શ જ મહેકનો અંતિમ અનુભવ બન્યો અને રેવાના જીવનને બદલવાની પહેલ બન્યો. મહેકની સાથે રેવાના મનનો દ્વેષ, એનો અહંકાર પણ ચાલ્યા ગયા. પણ હવે મહેક રેવાના હ્દયમાં સાચી મિત્રતા બની જીંવત થઈ ગઈ. છેલ્લે રેવા માત્ર એટલું જ બોલી, "મહેક જેવી મિત્ર ના કોઈને મળી હશે ના મળશે! મહેક મને છોડીને જઈ શકશે જ નહી એ હંમેશાં મારા હ્દયમાં ધબકતી જ રહેશે."
સાચે જ અદભુત મિત્રતા, પવિત્ર બંધન અને એક કોમલ સ્પર્શ...
