puneet sarkhedi

Fantasy

4  

puneet sarkhedi

Fantasy

સપનું

સપનું

4 mins
254


હું 'જિંદગી એક સફર હે સુહાના, યહા કલ ક્યાં હો કીસને જાના', કિશોરદાના આ ગીતને બિલ્કુલ કાકાજીની સ્ટાઈલમાં ગાતો ગાતો ફૂલ સ્પીડમાં બુલેટ ચલાવી રહ્યો હતો. 

ઝીંઝુવાડા પાસેના નાના રણમાં હમણા થોડા વખતથી કંઈક અજીબ હરકત જોવા મળી હતી, રણની રેતીમાં અચાનક અડધા અડધા કિલોમિટરના વ્યાસમાં અવનવી આકૃતિ બની જતી, પશુ ચરાવતા માલધારીઓની નજર સામે બકરી કે ઊંટ હવામાં ઉચકાઈને અદ્રશ્ય થઈ જતા, રણમાં રાત્રે પ્રકાશનાં ઝબકારા થવાં, આવી બધી લોકવાયકાથી સ્થાનીક લોકોમાં ડર પેદા થયો હતો અને પહેલા પોલીસ અને પછી કલેક્ટર ઓફીસને જાણ કરવામાં આવેલી.

આની ફળશ્રૂતીમાં સ્પેસ રીસર્ચ સેન્ટરનાં થોડા વૈજ્ઞાનીકોની એક ટીમ ઝીંઝુવાડા મોકલવામાં આવી હતી. હું ખેંગાર, રણનો ભોમિયો જમીન જાગીરદાર પણ ખરો. ઝીંઝુવાડા ગઢની આજુબાજુની જમીનમાં ચણા, ઘંઉ જેવી થોડી ઘણી ખેતી થાય એ પણ વરસમાં એક જ વાર.

ઝીંઝુવાડાનો ગઢ આજે પણ હેમખેમ ઊભો છે, સોંલંકી રાજાઓએ મુસ્લીમ આક્રમણખોરોથી સોમનાથને બચાવવા આ ગઢ ઊભો કરેલો. કેટલા લોહીયાળ યુધ્ધો થયા હશે એની સાક્ષી ગઢની દિવાલોના નિશાન બતાવે છે. ૧૮૦૦ સ્ક્વેર યાર્ડમાં એકદમ સમચોરસ બનેલો ગુજરાતનો એક જ ગઢ ગણી શકાય, ગઢ બહાર નીકળતા જ પીવા ખારુ ધુધવા જેવું પાણી મળે પણ ગઢની અંદર સમરવાવમાં ટોપરા જેવું મિઠ્ઠુ પાણી મળે, એ પણ કુદરતની કમાલ છે.

ખેર, ગઢ વિષે વધુ ક્યારેક, પણ આ રીસર્ચ ટીમને ગાઈડ કરવા ખાસ કલેક્ટરશ્રીના આદેશથી મને એપોઈન્ટ કરેલો.

આજે પણ ટીમને મધ્ય રણમાં પહોચાડીને મારી માણકીને (બુલેટને મે માણકી નામ આપ્યું છે.) ઉપરોક્ત ગીત લલકારતો અફાટ રણના કાચા રસ્તે બિન્ધાસ્ત દોડાવી રહ્યો હતો.

અચાનક માણકીની સ્પીડ ઘટવા માંડી અને આચકા ખાવા માંડી, લીવરને વારંવાર ઘુમાવવાથી પણ ફેર ન પડ્યો, હેડ લાઈટ બંધ થઈ, ને સામે સો એક મીટરના વ્યાસમાં એક પ્રકાશ પુંજ પડ્યો, મારાથી સ્વાભાવીક બ્રેક લાગી ગઈ. ધીમે ધીમે એ પ્રકાશ મારા પર આવી ગયો અને કંઈ સમજુ એ પહેલા હું બુલેટ સાથે હવામાં અધ્ધર થયા. ઉપર જોતા માત્ર પ્રકાશ દેખાયો.

 ચક્કર ચક્કર ફરતા લગભગ અડધો કિલોમિટર અધ્ધર હું અને બુલેટ હવામાં રહ્યાં હશું, એકદમ હીમ જેવો ઠંડો પવન આખા શરીરે ફરી વળ્યો, કોઈ અજ્ઞાત ભયથી દિલ જોરજોરથી ધડકવા માંડ્યુ.

બુલેટ સ્થિર થયું અને મારા પગ કોઈ મસમોટી પ્લેટ પર મુકાયા, ધીમેધીમે એ પ્લેટ સરકવાની શરૂ થઈ જાણે મોલની ઓટોમેટીક સીડી ન હોય, નળાકાર પાઈપમાં સરકતા કોઈ બોગદાનો અનુભવ થતો હતો.

એક અજીબ પ્રકારના હોલ જેવા મોટા રૂમમાં લાવીને પ્લેટ સરકતી બંધ થઈ. આજુબાજુ વિચિત્ર પ્રકારના મશીનો લાગેલા હતા.

'વેલકમ ખેંગાર', હું હબક ખાઈ ગયો બોલનાર મારુ નામ જાણતો હતો અને મારી ભાષામાં વાત કરતો હતો કોઈ સામે દેખાતું ન્હોતું, મારી સમજણમાં એક વાતતો આવી ગઈ હતી કે હું કોઈ પરગ્રહવાસીના યાનમાં એમના કબજામાં હતો.

'શું જોઈએ છે ? મને શા માટે અહીં લાવ્યા છો ?' મે ડરને ખંખેરીને પૂછ્યું.

'તુંં ખેંગાર', એ જ ઘેઘુર અવાજ આવ્યો.

 'શા માટે ? અને છુપાઈને શું વાત કરો છો ? સામે આવો'

'તારી સામેજ છીએ ખેંગાર, તને અને તારી જેવા સીલેક્ટેડ માત્ર પુરૂષોને પૃથ્વી પરથી અમારા ગ્રહ પર લઈ જવા આવીએ છીએ, પહેલા અમારા કોમ્યુટરો માણસ અને પશુનો ભેદ ન્હોતા ઓળખી શકતા એટલે ઘણી નકામી વસ્તુઓ આવી ગઈ હતી પણ હવે અમે સિલેક્ટેટ પુરૂષોને જ ઉઠાવશું'.

'કંઈ કારણ તો હશે ને ?'

'છેને બંને ગ્રહો પર મિક્સ જાતિ પેદા કરવાનું, અહીંના મેલ અને અમારા ગ્રહની ફીમેલના સંબંધોથી એક અલગ બળવાન જાતિ પેદા થશે. એવી રીતે અમારા ગ્રહના મેલ અને અહીં પૃથ્વીની ફીમેલના સંબંધોથી એ બળવાન જાતિ અહીં પેદા થશે, એ દિવસ બહુ દૂર નહીં હોય જ્યારે અમે પૃથ્વી પર આક્રમણ કરશું.

'પૃથ્વી પર તમે ક્યારે મેલ એલીયન મોકલ્યા ? અહીં ક્યારેય દેખાયા નથી'

'નહી દેખાય, એને માણસના રૂપ આપી તમારી પૃથ્વીના બધા ખૂણે મોકલી દીધા છે હું પણ તારી સામે એક ખુબસુરત સ્ત્રીનું રૂપ લઈને આવી શકુ છું, પણ નહી અમે એલીયન કેવા દેખાઈએ છીએ એ જોઈ લે'

પ્રકાશના વર્તૃળમાં એક આકૃતિ નજીક આવતી દેખાઈ, એ બરાબર મારી સામે આવીને ઊભી રહી, મે જોયેલુ અંગ્રેજી 'ઈ.ટી. પિક્ચર યાદ આવી ગયું, બિલ્કુલ એ પિક્ચરમાં દેખાડેલા એલીયન જેવો દેખાવ હતો.

'ચલો ખેંગાર, આપણા જવાનો સમય આવી ગયો' એ આકૃતિએ મારો હાથ પકડીને ખેંચી જવાની કોશીશ કરી.

'ના હું નહીં આવું, નહી આવું'

'આવવુ પડશે, તારુ કંઈ નહીં ચાલે'

 'નહીં આવું, નહીં આવું'

ખેંગાર, ખેંગાર જાણે મને કોઈ ઢંઢોળતું હતું. હું ભાન ગુમાવતો ચાલ્યો, મને કોઈ જોરજોરથી ઢંઢોળી રહ્યું હતુંં.

સટ્ટાક, એક ગાલ પર થપ્પડ પડી, અને પછી પાણીની ભરેલી ડોલ કોઈએ માથા પર ઊંધી વાળી અને હું સફાળો બેઠો થઈ ગયો.

 'નહીં આવું, નહીં આવું છેલ્લા આઠ દિ'થી કે છો, નખત્રાણા તારે કન્યા જોવા તો આવવું જ પડશે, લાખ ધમપછાડા કરી લે પણ અમે તને સંબંધ બાંધવા લઈ જ જવાના' બા અને બાપુ ધમકી આપીને જતા રહ્યાં !

હવે, એલિયનવાળું સપનુ હતું કે હકીકત એ ન સમજાયું પણ રાત વરતના રણમાં રખડવાનું બંધ અને રીસર્ચ ટીમ સાથે જવાનું પણ બંધ એ મનમાં મે ગાંઠ વાળી લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy