Priti Shah

Fantasy Others

4  

Priti Shah

Fantasy Others

સપનાંની ઉડાન

સપનાંની ઉડાન

3 mins
23.9K


રાધિકાનાં ઘરની બાજુમાંજ એક પાર્ટી પ્લોટ આવેલો હતો. આજે કોઈક પ્રસંગ હતો ને આ ગીત વાગી રહ્યું હતું.

"ફૂલોં કા તારો કા સબકા કહના હૈ,

એક હજારોમેં મેરી બહના હૈ.."

રાધિકાને આ ગીત બહુ ગમતું. એ સાંભળતા-સાંભળતા એને ક્યારે મીઠી નીંદર આવી ગઈ, તેની ખબર જ ના રહી.  નીંદરરાનીની સાથે-સાથે સ્વપ્નદેવી પણ પધાર્યા ને તેને સીધા જ બાળપણમાં ઢસડી ગયાં. તે એનાં ભાઈ સાથે પતંગ ઉડાડતી. શેરીમાં રમતી, ભમરડાં ફેરવતી. ક્યારેક તેનો ભાઈ કાગળની હોડી બનાવતો તો ક્યારેક કાગળનું વિમાન બનાવીને દૂર સુધી ઉડાડતો.પછી તેને કહેતો, 

"જો, બેના આ કાગળનાં વિમાનની જેમ એક દિવસ હું સાચું વિમાન ઉડાવીશ." 

રાધિકા કહેતી, "ભાઈ, તું મને એમાં બેસાડીને દૂર સુધી લઈ જજે. આસમાની સફર કરાવજે. આપણને કદાચ, મમ્મી-પપ્પા મળી જાય." 

તેનો ભાઈ કહેતો, "ના, હું તો દેશની સેવા કરવાનો છું. એટલે હું તો પેલા લડાકુ વિમાનનો પાયલોટ બનવાનો છું. એમાં તારાથી ના બેસાય."

પછી મનમાં જ બબડતો, "મમ્મી-પપ્પા તો ભગવાન પાસે ગયા છે ને એટલે એમની પાસે ના જવાય." તેની સમજમાં નહોતું આવતું કે, "ભાઈ આ શું બોલે છે ?" છત્તાં તે કોઈ સવાલ કર્યા વગર ચૂપચાપ ભાઈની વાત સાંભળતી. 

***

તેનાં ભાઈની રાહ જોઈને આજે એ એજ મેદાનમાં ઊભી છે. વાદળ ઘેરાવા માંડ્યા. સૂસવાટા મારતો પવન સાથે ઝરમર વરસાદ વરસવા માંડ્યો. વરસાદનાં છાંટાને એને હથેળીમાં ઝીલ્યાં. ભાઈનાં આવવાનાં કોઈ એંધાણ ના જણાંતા ચિંતાતુર ચહેરે આકાશ સામે મીટ માંડી. દૂરથી એક પ્લેન આવતું જોઈને તેના ચહેરા પર હાસ્યની લહેર ફરી વળી.

વિમાને તેના માથા પરથી બે-ત્રણ આંટા માર્યા. તે તાળીઓનાં ગડગડાટ સાથે નાચવા-કૂદવા લાગી. થોડેક દૂર જઈને એ વિમાન આંખના પલકારામાં તો જમીન દોસ્ત થઈ ગયું.

જોરથી બરાડી ઊઠી, "ભા...ઈ"  પથારીમાંથી સફાળી બેઠી થઈ ગઈ. પરસેવે રેબઝેબ થઈ ગઈ. મોબાઈલની રીંગ વાગીને શાંત થઈ ગયો. કદાચ, તેને છેલ્લી રીંગ સાંભળી હશે. તે મોબાઈલ તરફ ધસી. "પંદર મીસ્ડ કોલ ? બાપ રે ! ભાઈ ક્યારનો ફોન કરતો હશે ?" તેને છેલ્લો નંબર જોડ્યો. ફોન સ્વીચ ઓફ આવતાં બેચેન બની. "હવે, ભાઈ સાથે કેવી રીતે વાત થશે ?" તેનું મન ચગડોળે ચડ્યું.

થોડીકવાર પહેલાં જોયેલું સપનું તાદ્રશ્ય થયું. તેને બન્ને કાન પર હાથ મૂકી દીધા. મોઢામાંથી તીણી ચીસ નીકળી, "નહિઈઈઈઈઈ..."

એટલામાં જ ડોરબેલ રણક્યો. "કોઈક ખરાબ સમાચાર ?" વિચારતાં જ તેનું હ્રદય ભરાઈ આવ્યું. આંખોમાંથી અશ્રુધારા વહી રહી. બેડથી બારણાં સુધીનું દસેક ડગલાંનું અંતર તેને જાણે દસ કિલોમીટર જેટલું લાગ્યું. બારણા તરફ લપકી. બારણું ખોલતાં જ, સામે ભાઈને જોતાં બાઘી બનીને જોઈ રહી.

"હે..ય રાધિકા, આપણું નાનપણનું સપનું "સપનાંની ઉડાન" પૂરી થઈ. ફાઈનલી આજે હું પાયલોટ બની જ ગયો. તારું સપનું હતું ને હું તને આસમાની સફર કરાવું. તો..હવે તને દેશ-વિદેશની સફર કરાવીશ."

"પ..ણ, ભાઈ તમારું સપનું તો પેલા લડાકુ વિમાનનાં પાયલોટ બનવાનું હતું ને ?"

"એ પાયલોટ બન્યો હોત તો મારી બહેનનું સપનું અધૂરું ના રહી જાત." ભાઈએ રાધિકાની દાઢી પર વહાલથી ચીમટો ભરતાં કહ્યું.

"તો પછી ભા..ઈ.."

"વિમાન ગમે તે હોય, મહત્વનું શું છે, પાયલોટ બનવાનું ને ?" રાધિકાને અધ:વચ્ચેથી જ અટકાવીને તેનો ભાઈ બોલ્યો.

નાનપણની જેમ આજે પણ કોઈ સવાલ કર્યા વગર બોલી, "હા..શ" ને તેનાં મનમાં જાણે શીત લહેર ફરી વળી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy