Abid Khanusia

Romance

4  

Abid Khanusia

Romance

સપનાં લીલાંછમ - ૬

સપનાં લીલાંછમ - ૬

7 mins
75


નીલિમા અને ઉદય કોસ્મોસ પબ્લિકેશન્સ ની ભવ્ય ઓફિસમાં બેઠાં હતાં. તેમની સામે ચૂંચી આંખો અને મોટા નાકવાળો કોસ્મોસ પબ્લિકેશન્સનો માલિક નારાયણ રહાણે પ્રગટ થયો. તેના ચહેરા પર ખૂંધું વ્યાપારિક હાસ્ય ઊભરી આવ્યું. 

ઔપચારિક ઓળખાણ પછી શિષ્ટાચારને બાજુએ મૂકી સીધી ધંધાની વાત પર આવતા તેણે કહ્યું : "નીલિમાજી, આપની નવલકથા આમ તો સારી છે પરંતુ તેમાં ઘણી ટાઈપિંગની ભૂલો છે. મારે તેનું પ્રૂફ રીડિંગ કરાવવું પડશે. આજકાલ કાગળના ભાવો આસમાનને આંબવા આવ્યા છે. તેના કમ્પોજિંગ વગેરેના ખર્ચ સાથે બજેટ ખૂબ વધી જાય છે. વળી ટાઈટલ ચિત્ર તૈયાર કરાવવાનો ખર્ચ અલગથી લાગે છે. અમારી ટીમે આર્ટિસ્ટને આખી નવલકથા સમજાવવી પડે છે. તેના પાત્રોનું કેરેક્ટેરાઈઝેશન કરી મુખ્ય પાત્રોનો રોલ અને પ્રસંગો સમજાવવા પડે છે. તેને અનુરૂપ ટાઈટલ ચિત્ર અને મુખ્ય પાત્રોના ફોટા તેમજ વાર્તાની થીમ મુજબનું બેકગ્રાઉન્ડ તૈયાર કરવું પડે છે. બે-ત્રણ ટાઈટલ ચિત્રો ડિઝાઈન કરાવવા પડે છે. ત્યારબાદ શીર્ષક ચિત્ર તૈયાર થાય છે. આપણે ટાઈટલ ચિત્ર એક ફાઈનલ કરીએ છીએ પણ જેટલા ચિત્રો ડિઝાઈન કરાવ્યા હોય તે તમામના પૈસા પ્રકાશકે આર્ટિસ્ટને ચૂકવવા પડે છે. જો શીર્ષક આકર્ષક, જેનરને અનુરૂપ અને અર્થસભર ન હોય તો લોકો નવલકથા હાથમાં પકડતા નથી માટે તેને ફોર કલરમાં પ્રિન્ટીંગ કરાવવું પડે છે . જેનો ખર્ચ પાછો અલગ ચૂકવવો પડે છે. ભાઈસા’બ તોબા આ આર્ટિસ્ટોથી તો ! તેમના કેટલા બધાં નખરાં સહન કરવા પડે છે. કોઈ જાણીતા લેખક પાસે પ્રસ્તાવના લખાવવી પડે તેનું મહેનતાણું અલગ. બિચારો પ્રકાશક નવલકથા બજારમાં મૂકતાં પહેલાં પિસાઈને આર્થિક રીતે નિચોવાઈ જાય છે."

નારાયણે ઉમેર્યું : "આ નવલકથા લગભગ ૨૭૫ થી ૨૮૦ પાનાની થશે. પ્રથમ આવૃત્તિમાં ૫૦૦૦ કોપી છાપવાનું નક્કી કર્યું છે. તે પેપર બેક નહીં પરંતુ હાર્ડ કવર હશે. આપણે તેની વધુ એમ.આર.પી. રાખી શકીશું નહીં. તે જોતાં પ્રથમ આવૃત્તિમાં પ્રકાશકને ઝાઝો નફો મળવાની શક્યતા નથી. વળી આપની હજુ સુધી બે જ લઘુનવલ પ્રસિધ્ધ થયેલી છે......!! એટલે કે ... મારો કહેવાનો મતલબ એ છે કે આપનું નામ હજુ સાહિત્ય જગતમાં એટલું ગાજ્યું નથી એટલે આ પાંચ હજાર કોપીઓ વેચતાં મારે આંખે પાણી આવી જશે. જ્યાં સુધી બધી નકલો વેચાય નહીં ત્યાં સુધી મારી મૂડી તો રોકાયેલી જ રહેશે. વળી મારે આપને દસ નકલ મફત પણ આપવાની રહેશે તે છોગાનું!; બુકસ્ટોર માલિકોને ચૂકવવાનું કમિશન અને માર્કેટિંગ માટે થતો ખર્ચો પણ ધ્યાનમાં લેવો પડે છે. ભાઈ...હું રહ્યો વેપારી માણસ એટલે બધા પાસાનો વિચાર કરું તે સ્વાભાવિક છે. જાણીતા અને પ્રસિધ્ધ લેખકો હોય જેમની ૫૦,૦૦૦ કોપી જોતજોતાંમાં વેચાઈ જાય છે તેમને અમારું પબ્લિશર હાઉસ ૧૫% થી વધારે રોયલ્ટી આપતું નથી." 

બહુ લાંબી પૂર્વભૂમિકા રજૂ કર્યા બાદ તેમણે કહ્યું, "નીલિમાજી...બોલો, હવે આપની શું અપેક્ષા છે ? આપ કેટલી રોયલ્ટીની અપેક્ષા રાખો છો ?" 

નીલિમા એક લેખિકા હતી, કોઈ વ્યાપારી નહીં. તેને પ્રકાશક સાથે બાર્ગેઈનિંગ કરતાં ફાવ્યું નહીં એટલે તેણે ઉદય સામે જોયું.  નારાયણ સામે જોઈને ઉદય બોલ્યો,

"નારાયણ ભાઉ ! બધી વાત સાચી પણ લેખક પોતાની મહેનત અને સ્ટાન્ડર્ડ મુજબ રોયલ્ટીની અપેક્ષા રાખે તે ખોટું તો નથી ને ?"  

“ભાઉ, સાચી વાત છે. માણસ બધું પેટ માટે જ તો કરે છે ને !"

 “શેઠ, તમે જે નફો કમાવવાના છો તેની પાછળ લેખકની મહેનત ખરી કે નહીં?"

 "ખરું ભાઉ ખરું ! ખોટું કેમ બોલાય."

"નારાયણ ભાઉ, એવો કયો ધંધો છે જેમાં મહેનત નથી કરવી પડતી ! જુઓ, નીલિમાજીની લેખનીમાં જાદુ છે. તેમનું લખાણ અને વાર્તા કહેવાની રીત વાચકોને શરૂથી અંત સુધી જકડી રાખે છે. તેમની બંને લઘુ નવલકથાઓની બીજી આવૃત્તિ છપાઈ રહી છે. તેમના વાર્તાસંગ્રહની ત્રીજી આવૃત્તિ બજારમાં આવી ગઈ છે. હવે તે કોઈ અજાણ્યા લેખિકા રહ્યા નથી. તેઓ પણ ૧૫% રોયલ્ટીના હક્કદાર છે. તેમને આપે ૧૫% રોયલ્ટી આપવી જ જોઈએ, તેવું મારુ મંતવ્ય છે."

"ભાઉ ! આપની ઓફર ખૂબ ઊંચી છે જે મને નહીં પોસાય. તમે એમ કરો એકવાર માર્કેટ સર્વે કરી લો. બીજા પબ્લિશર હાઉસ લેખકોને કેટલી રોયલ્ટી ચૂકવે છે તેની જાણકારી મેળવો. અત્યારે તો બધી વિગતો ઓનલાઈન પણ મળી રહેશે. તે વિગતો જોયા પછી આપની ઓફર રજૂ કરો ત્યાં સુધી આપણે કોફી પી લઈએ."

કોફી પીતાં પીતાં ઉદયે રોયલ્ટી બાબતે નેટ પરથી વિગતો મેળવી. તેને સમજાયું કે નારાયણ ભાઉ સાચો હતો. સામાન્ય રીતે લેખકોને ૫ થી ૭.૫% ની રકમ રોયલ્ટી પેટે મળતી હોય છે.   

ઉદયે નારાયણ રહાણેને કહ્યું, "ભલે ભાઉ, આ નીલિમાજીની પ્રથમ આવૃત્તિ છે એટલે આપ નીલિમાજીને ૭.૫ % રોયલ્ટી આપજો, પણ બીજી આવૃત્તિમાં રોયલ્ટીની રકમ વધારીને આપવી પડશે."

નારાયણ જમાનાનો ખાધેલ વેપારી હતો. ખૂબ રકઝક પછી ૬ % રોયલ્ટી આપવા તે સંમત થયો. એગ્રીમેન્ટ તૈયાર થઈ ગયો. ઉદયે એગ્રીમેન્ટની બધી શરતો કાળજીપૂર્વક વાંચી લીધી. તેને સંતોષ થયો એટલે કરારમાં નીલિમાની સહી કરાવીને ફોર્માલિટી પૂરી કરવામાં આવી. સાઈનિંગ એમાઉન્ટ તરીકે નારાયણ રહાણેએ નીલિમાને રૂપિયા પચીસ હજારનો ચેક આપ્યો. 

ચેક મેળવ્યા પછી નીલિમાએ નારાયણ રહાણેને કહ્યું,"નારાયણ ભાઉ, મેં આપને ઉદયનો પરિચય બુકસ્ટોરના માલિક તરીકે આપ્યો હતો પરંતુ તે એક ઉમદા શાયર પણ છે. 'ઉમ્મીદ' ઉપનામથી સાહિત્યનું સર્જન કરે છે. તેમનો હજુ સુધી કોઈ ગઝલસંગ્રહ પ્રસિધ્ધ થયો નથી. હું આપને વિનંતી કરું છું કે આપ એકવાર તેમની ગઝલો વાંચો. આપને તે પસંદ આવે તો તેમનો ગઝલસંગ્રહ પ્રસિધ્ધ કરી બજારમાં મૂકો." 

સૂરજપુરથી મુંબઈ પરત આવતી વખતે ટ્રેનમાં સમય પસાર કરવા માટે નીલિમાએ ઉદયની ગઝલો લખેલી ડાયરી વાંચવા માંગી હતી, જે તેની પાસે રહી ગઈ હતી. નીલિમાએ તે આખી ડાયરીની ત્રણ ફોટોકોપી કરાવી તેનું સ્પાઈરલ બાઈડિંગ કરાવ્યું હતું. જે ઉદયને આપવા માટે નીલિમા તેની સાથે લઈને આવી હતી તે પૈકીની એક હસ્તપ્રત (Manuscript)ની નકલ નારાયણ રહાણે સમક્ષ મૂકીને કહ્યું, "ભાઉ, તમે એકવાર આ ગઝલો પર નજર ફેરવી જોજો. હૃદયને સ્પર્શી જતી ગઝલો છે." 

ઉદયે નીલિમા સામું જોયું. તેણે ઉદયનો હાથ દબાવી ચૂપ રહેવા ઈશારો કર્યો.

ખંધા નારાયણે ઉદયની ગઝલોની હસ્તપ્રત જોવામાં કોઈ રસ દર્શાવ્યો નહીં. ઉદયને અપમાન જેવું લાગ્યું. તેણે ટેબલ પર પડેલી હસ્તપ્રત પોતાના તરફ ખેંચી એટલે નારાયણ બોલ્યો,

"ભાઉ લાવો, હું જરાક જોઈ લઉં. નીલિમાજીની ભલામણ છે એટલે મારે વાંચવી તો પડશે જ. તેણે વચ્ચેથી એક ગઝલ વાંચવાની શરૂઆત કરી. બે શે'ર વાંચ્યા કે તરત તેના ચહેરા પર ગઝલ ગમી હોવાના ભાવો ઉપસી આવ્યા. તેણે બીજી બે-ત્રણ ગઝલો પણ વાંચી. ગઝલો વાંચ્યા પછી તેણે નીલિમાને કહ્યું, "નીલિમાજી, આપના મિત્ર તો અચ્છા શાયર છે. હું આખો ગઝલસંગ્રહ એકવાર 

જોઈ લઉં. અમારા હિન્દી-ઉર્દુ કાવ્ય સેક્શનના એડિટરને વંચાવી લઉં. અમારી માર્કેટિંગ ટીમ આ ગઝલો અંગે સર્વે કરશે. જો તેઓ સંમત થશે તો આપણે પસંદ કરેલી પચ્ચીસ જેવી કૃતિઓનું એક પુસ્તક પ્રકાશિત કરી બજારમાં મૂકીશું."

નારાયણ રહાણેએ ઉદયને કહ્યું, "ભાઉ, આપને જો ખોટું લાગ્યું હોય તો માફ કરજો. આજકાલ કેટલાય શાયરો બિલાડીના ટોપની જેમ ઊગી નીકળ્યા છે. તેમની ગઝલો વાંચવા આપી જાય છે. તે ગઝલો ઢંગઢાળા વગરની અને ચોરેલી હોય છે. ઘણીવાર અમારી સામે કોપી રાઈટ ભંગની ફરિયાદ થતી હોય છે. હું રહ્યો વેપારી માણસ એટલે એ ઝમેલામાં કોણ પડે તેમ માની મેં આપની ગઝલો વાંચવાનો રસ લીધો નહોતો. કબૂલવું પડશે કે આપની ગઝલો પ્રભાવશાળી તો છે જ!"

ઉદયે નારાયણ સામે જોઈને સ્મિત આપ્યું. 

 નારાયણ રહાણે સાથેની મુલાકાત પૂરી કરીને નીલિમા અને ઉદય ત્યાંથી વિદાય થયાં.   

કોસ્મોસ પબ્લિકેશન્સની ઓફીસમાંથી બહાર નીકળીને ઉદયે કહ્યું,

"નીલિમા... નારાયણ ભાઉ લુચ્ચો, ખંધો અને પાક્કો વેપારી છે. સા...સાથે કામ પાર પાડવું મુશ્કેલ...."

"બધા પ્રકાશકો તેવા જ હોય છે. મારા અગાઉના પ્રકાશકે તો મને ઉચ્ચક રકમ જ આપવાનો કરાર કર્યો હતો. જે મેં સ્વીકારી લીધો હતો. તારા કારણે મને આ નવલકથાની રકમ થોડી વધારે મળી છે.  બચ્ચા...! તુમ ઈક કામિયાબ બિઝનેસમેન બનોગેં ઐસા તેરે ગુરુકા આશીર્વાદ હૈ.... તથાસ્તુ!" કહી તે ખુલ્લા મને હસી પડી. 

નીલિમાએ તેની સુંદર અને સ્લિમ ગોલ્ડન કાંડાઘડિયાળમાં જોઈને કહ્યું, "સાંજે ચાર વાગ્યે શાઈન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ ના ડિરેક્ટરને મળવાની ઍપૉઇન્ટમેન્ટ છે. તેની ઑફિસ ' અરેના ઍપાર્ટમેન્ટ', લોખંડવાલામાં છે. અહીંથી ત્યાં પહોંચવામાં લગભગ એક કલાક જેટલો સમય થશે. આપણી પાસે હજુ બે કલાકનો સમય છે એટલે પહેલાં લંચ લઈ લઈએ." 

અરેના ઍપાર્ટમેન્ટ ના સાતમા માળે આવેલી શાઈન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ ની શાનદાર ઑફિસમાં ચહલપહલ ઘણી હતી. હજુ ચાર વાગવામાં દસ મિનિટની વાર હતી. રિસેપ્શન કાઉન્ટર પર નીલિમાનું વિઝિટિંગ કાર્ડ આપીને ઉદય નીલિમાની પાસે આવીને સોફા પર બેઠો. તેણે ટીપાઈ પર પડેલા મૅગેઝિન જોયાં. બધા ફિલ્મોને લગતા મૅગેઝિન હતા. તે બૉલીવુડ અને હોલીવુડની ફિલ્મોની નટીઓના લગભગ અર્ધનગ્ન આકર્ષક ફોટોગ્રાફસથી ભરેલા પડેલા હતા. ઉદયે વિચાર્યું, 'ગ્લેમરની દુનિયામાં સ્ત્રીઓ અંગપ્રદર્શન ન કરે તો ફેંકાઈ જાય છે. સ્ત્રી સન્માનની વાતો કરતા ઢોંગી રાજકારણીઓ આવી નટીઓને મોં માંગ્યા દામ આપીને પોતાના બિસ્તર ગરમ કરતાં હોય છે.

તેણે નેટ પરથી મૂવી હાઉસ સ્ટોરી રાઈટર્સને શું રકમ ચૂકવે છે તેની વિગતો મેળવવાનો પ્રયત્ન કર્યો. તે હજુ પૂરી વિગતો સમજે તે પહેલાં મુલાકાતનો સમય થતાં એક ચપરાસી ખૂબ અદબથી નીલિમા પાસે આવીને ઊભો રહ્યો અને નમ્ર અવાજમાં શુધ્ધ અંગ્રેજીમાં બોલ્યો "મિસ નીલિમા, મેડમ ઈજ વેઈટિંગ ફોર યુ." નીલિમા અને ઉદય ઊભા થયા એટલે તે "ધીસ સાઈડ પ્લીઝ." કહીને બંનેને મેડમની ચેમ્બર તરફ દોરી ગયો.    

ચેમ્બરના દરવાજે એક વર્દીધારી ચપરાસી ઊભો હતો. તેણે દરવાજો નોક કરી મેડમને આગંતુકોને અંદર મોકલવા માટે પરવાનગી માંગી. 

"પ્લીઝ સેન્ડ ...." 

નીલિમા અને ઉદય અંદર દાખલ થયાં ત્યારે મેડમ પોતાની પીઠ દરવાજા તરફ રાખી તેના પી.સી. પર કોઈ ડેટા નાખવાનું કામ કરી રહી હતી. પગરવ સાંભળી તેમની તરફ જોયા વિના કામ કરતાં કરતાં તે બોલી, "વેલકમ એન્ડ પ્લીઝ બી સીટેડ."

તેમણે બેઠક લીધી એટલે એક માણસ સુંદર અને કલાત્મક ટ્રેમાં ખૂબ મોંઘા કાચના ગ્લાસમાં સ્ફટિક જેવું શુધ્ધ પાણી લઈ આવી પહોંચ્યો. તેમણે પાણી પીધું ત્યાં સુધી મેડમ તેના પી.સી. પર ડેટા નાખતી રહી. કામથી ફ્રી થયાં પછી તેણે આગંતુકો તરફ તેનો હસતો ચહેરો ફેરવ્યો. આગંતુકોને જોઈને તેના ચહેરા પર આશ્ચર્ય ફરી વળ્યું ! ઉદય પણ તેને જોઈને હક્કોબકકો રહી ગયો. આટલા ઠંડા વાતાવરણમાં પણ ઉદયને પરસેવો વળી ગયો.   

[ ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Romance