Abid Khanusia

Drama Romance

4  

Abid Khanusia

Drama Romance

સપનાં લીલાંછમ - 5

સપનાં લીલાંછમ - 5

7 mins
66


નીલિમા,ઉદય અને ઠાકુર બલદેવસિંહ હવેલીના કમ્પાઉન્ડની લોનમાં બેસીને ચાની ચૂસકીઓ લઈ રહ્યાં હતાં ત્યારે દરવાજામાં શિક્ષિકા જેવી દેખાતી ત્રણ યુવતીઓ દાખલ થઈ. ઠાકુરસાહેબે તેમને આવકાર આપીને કહ્યું,"બોલો બેનો... શા માટે આવવાનું થયું?"

ત્રણ પૈકી જેનું નામ સુમિત્રાબહેન હતું એ શાળાની મુખ્ય શિક્ષિકા હતી. તેણે કહ્યું, "ઠાકુરસાહેબ, ચાર દિવસ પછી સ્વતંત્રતા દિવસની ઉજવણી છે એટલે...."

ઠાકુરસાહેબે તેમની વાત વચ્ચેથી જ કાપતાં કહ્યું,"દર વર્ષની જેમ બાળકોને વહેંચવા માટે મીઠાઈ મારા તરફથી પહોંચી જશે, તમે નિશ્ચિંત રહેજો. મેં ગઈકાલે શહેરમાં જઈને તાજી મીઠાઈનો ઓર્ડર આપી દીધો છે."

સુમિત્રાબહેન : "ઠાકુરસાહેબ, મીઠાઈ તો આપના તરફથી દર વર્ષે મળે જ છે પણ આ વખતે નીલિમાકુંવરી ગામમાં હાજર છે એટલે તેમના હાથે ધ્વજવંદન કરાવવાનું નક્કી કર્યું છે. હું તેમને આમંત્રણ આપવા અને તેમની અનુમતિ લેવા આવી છું."

નીલિમા : "અરે ના બહેન ! ધ્વજવંદન તો આપણાં વડીલો અને રાજકારણીઓને વરદહસ્તે જ શોભે. તમે નાનાજી અથવા ગામના સરપંચના વરદહસ્તે ધ્વજવંદન રાખો. હું તે કાર્યક્રમમાં હાજર જરૂર રહીશ."

સુમિત્રાબહેન : "નીલિમાજી! આ વર્ષે સરકારશ્રીએ ગામની કોઈ ગ્રેજ્યુએટ યુવતીના હાથે જ ધ્વજવંદન કરાવવાનો નિયમ કર્યો છે. આપ અનુસ્નાતક છો સાથે લેખિકા પણ છો...એટલે ગામના બાળકોને આપના જ્ઞાનનો લાભ થાય. બાળકોને પ્રોત્સાહન મળે તે માટે આપને ખાસ હાજર રહેવા અને આપના વરદહસ્તે ધ્વજવંદનની અનુમતિ આપો તેવી શાળા તરફથી હું તમને નમ્ર વિનંતી કરું છું."

નીલિમાએ આમંત્રણ સ્વીકારી લીધું. સુમિત્રાબહેને ઉદય સામે જોઈને ઠાકુરસાહેબને તેનો પરિચય પૂછ્યો. ઠાકુરસાહેબના બદલે નીલિમાએ પરિચય આપતાં કહ્યું, "આ મિ.ઉદય રાણે છે. તે ઉભરતા શાયર છે. ખૂબ સરસ શાયરી લખે છે."

નીલિમાની વાત સાંભળી સુમિત્રાબહેન અને બંને યુવાન શિક્ષિકાઓની આંખો પહોળી થઈ ગઈ. તેમની ધારણા મુજબ શાયર એટલે લાંબા વાળ અને વધી ગયેલી દાઢીવાળો, મેલો ઘેલો, કરચલીવાળો ઝભ્ભો પહેરેલો, આંખો પર જાડા કાચના,જાડી ફ્રેમના ચશ્મા પહેરેલો કોઈ આધેડ ઉંમરનો વ્યક્તિ. તેના બદલે એક ક્લીનડ શેવ, સુઘડ કપડાં પહેરેલો દેખાવડો અને ફાંકડો યુવાન શાયર તેમની સામે બેઠેલો જોઈ એક દેખાવડી યુવાન શિક્ષિકા ઉદય સામે ઓહોભાવ ભરેલા નયનોથી તાકતી બોલી, "ઓહ માય ગોડ ! ખૂબ સરસ અવસર છે. ઉદયજી, આપને પણ અમારા કાર્યક્રમમાં હાજર રહેવા ભાવભીનું આમંત્રણ છે. આપ જરૂર હાજર રહેજો. અમારે આપની શાયરી સાંભળવી છે. હું શાયરીની બહુ શોખીન છું. મારી પાસે જૂના શાયરોમાં ગાલિબ, મિર તકી મિર, જફર, ફૈઝ એહમદ ફૈઝ, મોમીનખાન મોમીન, અકબર ઇલાહાબાદી, અને આધુનિક શાયરોમાં ગુલઝાર, કૈફી આઝમી, ઇમરાન પ્રતાપગઢી, લતા હયાત, રામપ્રસાદ બિસ્મિલ વગેરેની સિલેકટેડ શાયરીનું કલેક્શન છે. આપને મળીને મને બેહદ ખુશી થઈ." કહી તેણે તેના પર્સમાંથી ઓટોગ્રાફ બુક કાઢી ઉદયની ખૂબ નજીક આવીને કહ્યું, "સર..પ્લીઝ." તેમાં ઉદયના ઓટોગ્રાફ લીધા અને પોતાની જગ્યાએ જઈને બેસી ગઈ. થોડીક ક્ષણમાં તેને તેની ભૂલ સમજાતાં તે ફરીથી ઊભી થઈને નીલિમા પાસે આવી. તેના પણ ઓટોગ્રાફ માંગ્યા. જે નીલિમાએ મોઢું બગાડીને આપ્યાં.  

શિક્ષિકાઓના ગયા પછી ઠાકુરસાહેબ ઘરમાં ગયા એટલે નીલિમાએ ઉદય સામે જોઈ કહ્યું,"પેલી ચિબાવલીએ લટુડાપટુડા કર્યા એટલે જનાબે કેવા ઊભા થઈને ફટાફટ ઓટોગ્રાફ આપી દીધા! પેલી પણ 'સર... સર...' કહીને કેવી અડકીને ઊભી રહી હતી. પેલીએ ‘થેંક્યું’ કહ્યું એટલે પાછા આ મહાશયે 'માય પ્લેઝર' કહી કેવું મીઠું સ્મિત વેર્યું હતું! બહુ પ્રેમ ઉભરતો'તો ને.....!"

ઉદય નીલિમાની જલન જોઈ હસતાં હસતાં બોલ્યો,"નીલિમાજી, આપના પણ ઓટોગ્રાફ તેણે એટલા પ્રેમથી જ માંગ્યા'તા ને...!"

"પ્રેમથી... માય ફૂટ ! તેણે તમારા પછી મારા ઓટોગ્રાફ માંગીને મારું અપમાન કર્યું'તું."

નીલિમા મોઢું ફુલાવીને હવેલીમાં ચાલી ગઈ. ઉદય પણ સ્મિત કરતો કરતો તેની પાછળ પાછળ હવેલીમાં ગયો. નીલિમા તેના રૂમની બાલ્કનીમાં અદબ વાળીને ઊભી હતી. ઉદય કમરમાંથી થોડું ઝૂકી કુરનીશ બજાવવાની મુદ્રામાં એક હાથ હલાવીને બોલ્યો, "મેડમનો ગુસ્સો ઉતર્યો હોય તો આ નાચીજ એક પ્રશ્ન પૂછવાની ગુસ્તાખી કરી શકે છે?"

નીલિમા ગુસ્સામાં હોવા છતાં ઉદયની કુરનીશ બજાવવાની રીત જોઈને હસી પડી.

"આપનો આ અંદાજ મા’બદોલતને ખૂબ ગમ્યો છે. બોલો, નાચીજની શું ફરમાઇશ છે...? મા’બદોલત તે જરૂર પૂરી કરશે."

ઉદય ફરીથી કુરનીશ બજાવીને બોલ્યો,

"નાચીજ મા’બદોલતને આદાબ ફરમાવી પૂછે છે કે મા’બદોલતનો આજનો શું કાર્યક્રમ છે...?"

નીલિમા ગંભીરતાથી બોલી,"ઉદયજી, વાત જાણે એમ છે કે મને આજે બે સારા મેસેજ મળ્યાં છે. હું આપને જણાવવાની જ હતી ત્યાં પેલી શિક્ષિકાઓ આવી ગઈ એટલે તે સમાચાર આપવાના રહી ગયા. હું મુંબઈથી નીકળી તે દિવસે એક પ્રકાશકને મારી તાજી નવલકથાની હસ્તપ્રત (Manuscript) વાંચવા માટે આપીને આવી હતી. પ્રકાશકને મારી નવલકથા ગમી છે. તેમણે તેમના પ્રકાશન હાઉસ મારફતે મારી નવલકથા પ્રકાશિત કરવા માટે મારી મંજૂરી માંગી છે. મારે એગ્રીમેન્ટમાં સહી કરવા અને તેની સાથે રોયલ્ટીની ચર્ચા કરવા માટે જવું પડશે. બીજો મેસેજ.... કોઈ શાઇન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ તરફથી છે. તેઓ મારી એક લઘુ નવલકથા પરથી ફિલ્મ બનાવવા ઈચ્છે છે તેથી તેના રાઇટ્સ ખરીદવા માટે ચર્ચા વિચારણા કરવા મને બોલાવી છે. હું થોડા દિવસોમાં મુંબઈ પરત ફરી રહી છું. તે માટે ટિકિટ બુક કરાવવા માટે મારે આજે શહેરમાં જવું પડશે. આપને અહીં રોકાવું છે કે મુંબઈ આવવું છે?"

નીલિમાનો પ્રશ્ન સાંભળીને ઉદયે કહ્યું,

"નીલિમાજી, હજુ મારું આત્મમંથન પૂરું નથી થયું. મારે નાનાજી પાસેથી લોકો સાથે સુમધુર વહેવાર કેવી રીતે કરી શકાય....તેને લગતા કેટલાક ગુરૂ મંત્ર હજુ શીખવાના બાકી છે. વધુમાં સ્વાતંત્ર્ય દિવસે પેલી ખૂબસૂરત અધ્યાપિકાને થોડીક રોમેન્ટીક શાયરી સંભળાવવાની છે."

"હું હજુ બે અઠવાડિયા નાનાજીની સાથે રહેવાનુ પસંદ કરીશ. આપને તે બાબતે કોઈ વાંધો તો નથી ને? હા, આપને શહેર સુધી આવવા જવાની કંપની આપવાનું હું જરૂર પસંદ કરીશ."   

નીલિમા : "ઉદયજી, પેલી ચિબાવલીનું નામ લઈ મને ચીડવવાનો મોકો આપ છોડતા નથી પણ આપના મનમાં શું છે તે હું પામી ગઈ છું. તમે ગમે તેમ કરશો તોય હું ચિડાઈશ નહીં તે વાતની ગાંઠે બાંધી લેજો. ચાલો શહેર સુધીની કંપની આપવાની પેશકશ માટે આપનો આભાર. તો તૈયાર થઈ જાઓ. આપણે જમીને નીકળી જઈશું. ટ્રેનની ટિકિટ બુકિંગ પછી મલ્ટિપ્લેક્સમાં કોઈ જૂની રોમેન્ટીક મૂવી જોઈને તાજામાજા થઈ મોડી રાત્રે પાછા આવીશું, ઓકે !"

ઉદય ગંભીર થઈ ગયો. ફોર્માલિટી છોડીને બોલ્યો, "નીલિમા, હવે આપણે બંને એકબીજાના મનની ભાવનાઓ અને લાગણીઓ સમજીએ છીએ તો પછી નામ પાછળ ‘જી’ લગાડવાની અને આપ... આપ.....કહેવાની ઔપચારિકતાની શી જરૂર છે? હવેથી આપણે એકબીજાને નામથી અને તું કહીને બોલાવીએ તે વધારે સારું રહેશે. બંને વચ્ચે આત્મીયતા બની રહેશે. આ બાબતમાં તારું શું માનવું છે?"

"હવેથી હું સદંતર અનઔપચારિક થઈને તને ‘ઉદય’ અને ‘તું’ થી જ સંબોધન કરીશ. તને તેનો કોઈ વાંધો નથી ને....?"

“ના મારી રાણી! ઊલટાનું મને તો ગમશે." ઉદયનો જવાબ સાંભળીને નીલિમા રાજીની રેડ થઈ ગઈ. હર્ષાવેશમાં ઉદયની છાતી પર માથું મૂકી દીધું. ઉદયે પણ પોતાના હાથ વડે તેની ફરતે પ્રેમભર્યો મજબૂત ભરડો લઈ નીલિમાના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધાં. નીલિમા ઉદયના આલિંગનમાં પ્રેમની લાગણીને માણતી રહી. તેનાથી અળગી થઈ લાડભર્યા અવાજમાં મોઢા પર બનાવટી ગુસ્સો લાવીને બોલી, "ઉદય...તું જરા વધારે પડતો ફાસ્ટ છે. થોડીક ધીરજ રાખવામાં બંનેનું હિત રહેશે."

"નીલિમા, મારે મારી જાત પર કાબૂ રાખવાનું તો શીખવું છે. તું મારી ગુરુ બનીશને...!"

"ઓકે બાબા ! હું આ મારા નાદાન બાલમાની પ્રેમગુરુ બનીશ બસ..!!" કહી તેને અંગૂઠો બતાવીને દોડી ગઈ. ઉદયના હૃદયમાં સુકાઈ ગયેલા પ્રેમની સરવાણી વહેવા લાગી હતી. તે પણ ખુશ થતો થતો ફટાફટ તેના ઓરડા તરફ ગયો. 

નાનાજીની ઓલ્ડ મોડલની વીંટેજ કાર લઈ નીલિમા અને ઉદય શહેર પહોંચ્યા. ગાડી ઉદયે ડ્રાઈવ કરી લીધી હતી. તેને વીંટેજ ગાડી ચલાવવાની ખૂબ મજા પડી. ઉદયે ટ્રાવેલ એજન્ટ પાસેથી 15મી ઓગસ્ટની રાત્રિની ટિકિટનું બુકિંગ મેળવી ટિકિટ નીલિમાને આપી. નીલિમાએ ટિકિટમાં સહપ્રવાસી તરીકે ઉદયનું પણ નામ જોતાં તેની સામે પ્રશ્નાર્થ નજર નાખી.

"નીલિમા, આ જ મારી કમજોરી છે. હું નિર્ણય લેવામાં હમેશાં અસ્પષ્ટ હોઉં છું. આજે તેં મારા ગુરુ બનવાનું સ્વીકાર્યું એટલે જ્ઞાન મેળવવા માટે નાનાજીની નીરસ કંપનીના બદલે ખૂબસૂરત હસીનાની કંપનીમાં જ્ઞાનવર્ધન કરવું વધુ સારું તેમ વિચારી મેં તારી સાથે મુંબઈ પરત ફરવાનું નક્કી કર્યું છે. મારો આજનો નિર્ણય ખૂબ સમજદારીભર્યો છે. તે તું માનીશ અને બિરદાવીશ તેવી મને આશા છે."

"હા, ચેલાના નિર્ણયથી ગુરુ ખૂબ ખુશ છે. ચેલાને ગુરુદક્ષિણા પેટે એક રોમેન્ટીક ફિલ્મ દેખાડવાની આજ્ઞા કરે છે." કહીને હસી પડી.

"જેવી ગુરુજીની આજ્ઞા !" કહી હસતાં હસતાં ઉદયે ગૂગલના સહારાથી નજીકના મલ્ટિપ્લેક્સનું લોકેશન મેળવી કાર તે તરફ હંકારી મૂકી. બંને જણા થીએટરમાં એકબીજામાં ગૂંથાઈને રોમેન્ટીક મુવીની મજા માણી મોડી રાત્રે હવેલીમાં પરત ફર્યાં. બંને જણા આખી રાત પોત પોતાની પથારીમાં સુખદ અને લીલાંછમ સ્વપ્નોની મજા માણતાં રહ્યાં.

સ્વાતંત્ર્ય દિને ધ્વજવંદન પછી દેશભક્તિ પર નીલિમાનું પ્રવચન સાંભળીને ગામના લોકો અભિભૂત થઈ ગયાં. ઉદય પણ નીલિમાના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસની જાણકારીથી પ્રભાવિત થયો હતો. ઠાકુર બલદેવસિંહે પ્રવચન પછી નીલિમાને પોતાની છાતીએ વળગાડીને અભિનંદન પાઠવ્યાં અને ગર્વભેર તેની પીઠ થાબડી. પેલી ખૂબસૂરત શિક્ષિકાની ફરમાઇશ પર ઉદયે પણ દેશભક્તિ પર પોતાની રચનાઓનું પઠન કરી સૌનું હૃદય જીતી લીધું. 

કાર્યકર્મની પૂર્ણાહુતિ પછી તે ખૂબસૂરત શિક્ષિકા ઉદય પાસે આવી તેના કાનમાં "શાયરસાહેબ, મારી ફરમાઇશ પર આપે મજેદાર શાયરીનો રસાસ્વાદ કરાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર." કહી ચાલી ગઈ.

નીલિમા પૂછે તે પહેલાં ઉદયે તેના કાનમાં કહ્યું," તે મને કાનમાં આઈ લવ યુ કહી ગઈ છે. તો ગુરુજીની આ બાબતે શું આજ્ઞા છે ?" નીલિમા હળવા હાસ્ય સાથે બોલી," તેને કહી દે...જનાબ બડી દેર કર દી આતે આતે." ઉદય નીલિમાનો જવાબ સાંભળી હસી પડ્યો.

ઠાકુર બલદેવસિંહ જાતે કાર ડ્રાઈવ કરીને નીલિમા અને ઉદયને રેલવેસ્ટેશન સુધી વળાવવા આવ્યા હતા. ટ્રેન ઊપડતાં પહેલાં તેમણે બંનેને ઉદ્દેશીને કહ્યું, "તમે બંને પુખ્ત છો. સ્વતંત્ર નિર્ણય લેવા સક્ષમ છો. અત્યારે તમે જિંદગીના અતિ મહત્ત્વના અને નાજુક મોડ પર છો. આગળ વધતાં પહેલાં જે નિર્ણય લો તે સમજી વિચારીને લેજો...જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે. ઉદય, તું હજુ અલગારી છે માટે ખૂબ ધીરજથી અને સમજી વિચારીને વર્તજે... તેવી મારી એક વડીલ તરીકે તને સલાહ છે અને આ સલાહને આખી જિંદગી યાદ રાખવા ભલામણ છે."

નાનાજી તરફથી ઉદય સાથે આગળ વધવાની લીલી ઝંડી મળી હોવાનું જાણી નીલિમાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તે "નાનાજી...." કહી નાની બાળકીની જેમ ઠાકુર બલદેવસિંહને વળગી પડી. ઉદયએ પણ નીચા નમીને નાનાજીના ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા.

ઠાકુર બલદેવસિંહને આ બંનેના ભાવિ વિશે ચિંતા થતી હોવાથી ગાડીએ પ્લેટફોર્મ છોડી દીધા બાદ પણ તે બંનેના સુખી ભાવિ જીવનની કામના કરતા ગાડી ગઈ હતી તે દિશામાં જોતાં ઊભા રહ્યા.

ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તેની કોઈને જાણકારી હોતી નથી. નિયતિ જેમ નચાવે તેમ મનુષયને નાચવું પડતું હોય છે તે સનાતન સત્ય છે.      


Rate this content
Log in

Similar gujarati story from Drama