Abid Khanusia

Romance

3.0  

Abid Khanusia

Romance

સપનાં લીલાંછમ 4

સપનાં લીલાંછમ 4

9 mins
60


ઉદયને થયું કે ઠાકુર બલદેવસિંહને તેમના અંગત જીવનના કરુણ પ્રસંગો બાબતે પૂછીને કરેલી મૂર્ખામી પછી કદાચ તે દિવસ તેનો હવેલીમાં રહેવાનો છેલ્લો દિવસ હશે... ! 

ઠાકુર સાહેબનું વ્યક્તિત્વ ખૂબ ઉમદા સ્વભાવનું હોવાથી તેમણે ઉદયને માફ કરી દીધો હતો...તેમ છતાંય બે દિવસ સુધી હવેલીનું વાતાવરણ થોડુંક ભારેખમ રહ્યું હતું.

  ઉદયે બે દિવસ પહેલાં ઠાકુર બલદેવસિંહને નીલિમાના માતાપિતા અને તેમની પત્ની લક્ષ્મી વિશે પૂછેલા પ્રશ્નોથી તેમને થયેલા દુ:ખનો આજે તે અફસોસ કરી રહ્યો હતો. તે બે દિવસથી ઠાકુર બલદેવસિંહને મળવાની હિંમત કરી શક્યો નહીં. નીલિમા પણ ઉદાસ થઈ ગઈ'તી. તેની સાથે પણ મુલાકાત થઈ નહોતી. 

 આ બે દિવસ સુધી તે આત્મમંથન કરતો રહ્યો હતો. તેને જ્ઞાન થયું'તું કે હવેથી કોઈ પણ શબ્દો બોલતાં પહેલાં સામી વ્યક્તિની શી પ્રતિક્રિયા હશે તે વિચારી લેવું પડશે ! આ ઘટના તેના માટે બોધપાઠ બની ગઈ....અનાયાસે થતી ભૂલ સામી વ્યક્તિના મર્મસ્થાને કેમ વાગે છે... ! આ ઘટનાએ તેને ભીતરથી હલબલાવી ગઈ. આત્મમંથન કરવા માટે તે એકલો તેની ડાયરી લઈ ચાલતો ચાલતો ચંબલ નદીના કિનારે આવી પહોંચ્યો હતો. 

ચંબલની ખૂબસૂરત ઘાટીઓ અને તેમાં વહેતું નિર્મળ જળ ઉદય જેવા કવિ હૃદયના માનવી માટે ખૂબ અનુકૂળ હતું. ચંબલના ચોખ્ખા કિનારા પાસે બેસીને નદીના નાનાં નાનાં ખડકો સાથે અથડાઈને કલકલ વહેતા પાણીમાંથી ઊઠતાં મધુર સંગીતને માણતાં માણતાં તેણે કલમ હાથમાં પકડી. પોતાની ડાયરીમાં કેટલાક શબ્દો ગોઠવવાની શરૂઆત કરી. થોડી જ વારમાં કુદરતના સાંનિધ્યમાં તેના મનમાં ઊઠતી ઊર્મિઓએ કાગળ પર એક રોમેન્ટિક ગઝલનું રૂપ લઈ લીધું હતું. તે ગઝલને મઠારી રહ્યો હતો ત્યારે તેના કાને ઘોડાનો પગરવ પડ્યો. શાંત વાતાવરણમાં દૂરથી આવતો અવાજ પણ ખૂબ નજીકથી સંભળાઈ રહ્યો હતો. તેણે અવાજ તરફ મીટ માંડી. આટલે દૂરથી પણ તે નીલિમાને ઓળખી ગયો. નીલિમા નજીક આવીને કૂદકો મારી ઘોડા પરથી નીચે ઉતરી. 

નીલિમા : "ઉદયજી ! કેમ એકલા એકલા નદી તરફ ચાલ્યા આવ્યા. મને કહ્યું હોત તો હું તમને કંપની આપવા તમારી સાથે આવતને ! મન બેચેન હતું. તમને હવેલીમાં ન જોયા એટલે મેં રામુકાકાને પૂછ્યું. તેમણે કહ્યું, તમે એકલા નદી બાજુ ગયા છો એટલે હું આ બાજુ આવી. નાનાજી આજે વહેલી સવારે કોઈક કામ માટે શહેર ગયા છે. જમવા ટાણે તેઓ આવી પહોંચશે." એમ કહીને તે ઉદયની બાજુમાં બેસી ગઈ. 

ઉદયની ડાયરી હાથમાં લઈ તેણે આજની તાજી ગઝલ વાંચી. શબ્દોની ગોઠવણી ખૂબ સુંદર હતી. ગઝલના કાફિયા અને રદીફ મનમોહક અને અર્થસભર હતા. નીલિમા ગઝલ વાંચીને એટલી ખુશ થઈ કે તેના મુખેથી "આફરીન...આફરીન..." શબ્દો સરી પડ્યા. લાગણીના ભાવાવેશમાં ભાન ભૂલીને વધુ પાસે આવીને તેણે ઉદયનો હાથ ચૂમી લીધો.

  ઉદયની રગોમાં લોહી જોરથી વહેવા લાગ્યું. હૃદયની ધડકન જોરથી ધડકવા લાગી. તેનો ચહેરો લાલ લાલ થઈ ગયો.

ભાવાવેશમાં પોતાનાથી કોઈ મૂર્ખામી ન થઈ જાય તેની તકેદારી સાથે તેણે પોતાની નજર ઝૂકાવી દીધી.

  નીલિમાએ ઊભા થઈ ઉદયના ખભા પર પોતાના બંને હાથ મૂકી ઉદયની ઢળેલી આંખોમાં જોયું. નીલિમાએ ઉદયની હડપચી પકડીને તેનું માથું ઊંચું કર્યું. શરારતભર્યું હસીને તે બોલી," જનાબ શાયરસા’બ ! ક્યારેક કોઈની આંખોને પણ વાંચવાનો પ્રયત્ન કરજો... શાયદ તેમાંથી રોમેન્ટીક ગઝલ જડી જાય !"

નીલિમા રોમેન્ટીક મૂડમાં હતી પણ ઉદયને સંકોચ થતો હતો. સંકોચ કરતાં પણ વધારે તેને ભીતર ડર હતો કે જો તેનાથી કોઈ મૂર્ખામી થઈ જશે તો નીલિમા સાથેના સંબંધો તૂટી જશે. તે હળવેકથી નીલિમાના હાથ પોતાના ખભા પરથી લઈને બોલ્યો,"નીલિમાજી ! સૂર્યનારાયણ હવે આકરા થવા માંડ્યા છે. જો આપની ઇજાજત હોય તો ઘર તરફ પ્રયાણ કરીએ !" 

નીલિમા હજુ પણ ઉદયના ચહેરાને ખૂબસૂરત આંખોથી નજર માંડીને તેને તાકી રહી હતી. જાણે તે ઉઘાડી આંખે કોઈ મનગમતું સપનું નિહાળી રહી હોય તેમ લાગ્યું ! નીલિમાએ કોઈ જવાબ ન આપ્યો એટલે ઉદયે તેને વર્તમાનમાં લાવવા તેની આંખો સામે પોતાના હાથની ચપટી વગાડીને નીલિમાની તંદ્રાને ખલેલ પહોંચાડી. 

નીલિમા રોમેન્ટીક લહેકામાં બોલી,"ઉદય ! હું કેવું સુંદર અને લીલુંછમ સ્વપ્નું જોઈ રહી હતી ! તમે ચપટી વગાડીને મારું સ્વપ્નું વેરવિખેર કરી નાખ્યું. યુ આર વેરી અનરોમેન્ટીક મેન !" 

ઉદયને જવાબ શું આપવો તે ન સુઝ્યું એટલે ચૂપ રહેવામાં જ શાણપણ સમજ્યું.

ઉદય :"દેવીજી ! જો આપની ઇજાજત હોય તો હું આપનો પગ મારા પગ પરથી હટાવવાની હિમાકત કરું?" 

નીલિમાને ત્યારે ભાન થયું કે કયારનો તેનો પગ ઉદયના પગના પંજા પર હતો. તેણે હસીને પોતાનો પગ ઉઠાવી લીધો. સીટી મારીને નીલિમાએ પોતાના ઘોડાને બોલાવ્યો. તેનો ઘોડો મસ્તીથી દોડતો દોડતો તેની પાસે આવીને ઊભો રહી ગયો. નીલિમાએ ઘોડાના મોઢા પર ચુંબન કરી વહાલ કર્યું. ઉદયને થયું, 'કાશ ! તે મોઢું ઘોડાના બદલે તેનું હોત.. ! !'

નીલિમા પેગડામાં પગ ભરાવી એક ઝાટકે ઘોડા પર સવાર થઈ ગઈ. તેણે ઉદયનો હાથ પકડીને તેની પાછળ ઘોડા પર સવાર થઈ જવા કહ્યું. ઉદયે કહ્યું, "દેવીજી ! હું તમારી સાથે ચાલવાનું પસંદ કરીશ. બિચારા આ બેજુબાન ઘોડાએ શા માટે નાહક બે માણસોનો બોજ વેંઢારવો જોઈએ...?" 

નીલિમા સમજી ગઈ કે ઉદય તેની સાથે સવારી કરવામાં સંકોચ અનુભવી રહ્યો છે એટલે તે ઘોડા પરથી નીચે ઊતરી ગઈ. ઉદયને ઘોડા પર સવાર થવા કહ્યું. ઉદયની ના હોવા છતાં તેણે ઉદયને ઘોડા પર સવાર કરી દીધો. ઘોડાના થાપા પર ટપલી મારી એટલે ઘોડો ચાલવા માંડ્યો. ઘોડો હજી દસ કદમ ચાલ્યો હશે ત્યાં તો નીલિમા કૂદીને ઘોડા પર ઉદયની આગળ સવાર થઈ ગઈ. ઉદયની ડોકમાં પોતાનો એક હાથ પરોવીને બેસી ગઈ. બીજા હાથે ઘોડાની લગામ પકડી ઘોડાને દોડાવી મૂક્યો. હવેલી આવતાં નીલિમાએ ઘોડાનો પ્રવેશ સ્ટડફાર્મના પાછળના દરવાજાથી કરાવ્યો જેથી તેની આ બાલિશ હરકત નાનાજીની નજરે ન ચડે ! પણ નાનાજીએ હવેલીની બાલ્કનીમાં ઊભા ઊભા બંનેને વીંટળાઇને ઘોડા પર બેઠેલાં જોઈ લીધાં હતાં, જે તે બંનેની જાણમાં નહોતું.  

રામુકાકાએ જમવા માટે ઉદયને બૂમ પાડી એટલે તે હાજર થયો. થાળીઓ પીરસાઈ ગઈ હતી. આજે જમવામાં પંજાબી ડિશ હતી. જમવાનું શરૂ કરતાં પહેલાં ઉદયે નીચી નજરે ઠાકુર બલદેવસિંહને કહ્યું, "નાનાજી ! પેલા દિવસે આપને બે વાર દુ:ખી કર્યા'તા તે માટે હું માફી માગું છું. ભવિષ્યમાં આવી હરકત નહીં કરું...તેનું વચન આપું છું."

  ઠાકુર બાલદેવસિંહ : "બરખુરદાર....રાત ગઈ સો બાત ગઈ ! તે માટે હવે માફી માંગવાની જરૂર નથી. મારું હૃદય પણ તે ઘડીથી ખૂબ હલકું થઈ ગયું છે. સુખપૂર્વક જીવન જીવવા માટે મનુષ્યએ ઘણી વાતો ભૂલી જવી પડે છે. સ્ટાર્ટ ઇટિંગ... !"

ઉદયના દિલ પરથી બે દિવસથી અકળાવી રહેલો બોજ હળવો થઈ ગયો હતો. ઠાકુર બલદેવસિંહની દિલદારી જોઈ ઉદયના મનમાં ઠાકુરસાહેબ પ્રત્યે માન ઔર વધી ગયું.  

બધાએ ખાવાનું શરૂ કર્યું. જમ્યા પછી મુખવાસ ચાવતાં ચાવતાં ઠાકુર બલદેવસિંહ બોલ્યા : "ઉદય ! તારું આત્મમંથન કેમ ચાલે છે ? તને અહીં ફાવે તો છે ને?"

ઉદય : “હા, ઠાકુરસાહેબ ! મને અહીં બહુ ગમે છે. આપનો પ્રેમ, નીલિમાનો સહવાસ અને રામુકાકાની સરભરા...કોને ન ફાવે ! આજે હું આત્મમંથન માટે ચંબલના કિનારે ગયો હતો. હવે મને થોડી થોડી સમજ આવતી હોય તેવું લાગી રહ્યું છે...પણ હજુ ઘણા બધા આત્મમંથનની જરૂરિયાત છે. કદાચ તે બાબતમાં મારે આપની સહાયની જરૂર પડશે !"

ઠાકુર : "ઓકે ! નો પ્રોબ્લેમ.અરે ! હા, ભૂતકાળમાં ક્યાં અને ક્યારે તારે વ્યવહારથી શર્મિંદા થવું પડ્યું'તું...તે મને જણાવ. જેથી મને તારી મૂર્ખામીઓની સમજ પડે અને તને કેવી સહાયની જરૂરિયાત છે તે સમજી શકાય."  

ઉદય : "ઠાકુરસાબ ! ક્યાંથી શરૂ કરું તે મને સમજાતું નથી કારણ કે મારી મૂર્ખામીઓની સંખ્યા કંઈ ઓછી નથી."

નીલિમા : "ઉદયજી ! તમે મને ટ્રેનમાં કહ્યું'તું ને કે તમે યુવાનીના ઉંબરે પગ મૂક્યો ત્યારે એક ખૂબસૂરત હમસફરે તમારા જીવન ડગર પર પ્રેમાળ પગલાં પાડ્યાં'તા પણ તમારી કોઈ ગરબડને કારણે તે તમારાથી દૂર થઈ ગઈ હતી તે પ્રસંગ કહોને....."

ઉદયે વિચાર્યું, 'મારા પ્રથમ પ્રેમની વાત સાંભળીને નીલિમાને ખોટું તો નહીં લાગે ને? કદાચ તે પ્રસંગને લઈને તે મારાથી દૂર તો નહીં થઈ જાય ને?' તે ફૂંકી ફૂંકીને ડગ ભરવા માંગતો હતો. તેણે પ્રથમ ઠાકુરસાહેબ તરફ જોયું, પછી નીલિમા તરફ નજર નાખી. 

  નીલિમા તોફાની સ્મિત વેરતી બોલી, "જનાબ ! ભૂતકાળની ઘટના પર આત્મમંથન કરવાને બદલે ઘૂંટાતા દર્દને બહાર કાઢી નાખો એટલે દુઃખ હળવું થઈ જશે ! બક અપ, બી અ બ્રેવ મેન. કમ ઑન સ્પીક ધ ટ્રુથ. અમને પણ ખબર પડે ને...તમે ત્યારે એવું તો કયું ગુલ ખિલાવ્યું'તું? પ્રથમ પ્રેમમાં કેવી રીતે ઠોકર ખાઈ ગયા હતા?"

નીલિમાએ પાનો ચઢાવ્યો એટલે ઉદયએ તેનું પ્રથમ પ્રેમપુરાણ શરૂ કર્યું. 

"તેનું નામ યોગીતા છે. કોલેજના છેલ્લા વર્ષમાં તેણે અમારી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. માખણમાં ચપટી ગુલાલ નાખ્યો હોય તેવું તેનું ગુલાબી બદન,થોડી ભૂરી મોટી મોટી આંખોની માલિકણ. તેના લાંબા ચહેરાવાળા ગાલમાં પડતાં ખંજન ગમે તેવા યુવાનને પાણી પાણી કરી નાખવાં અને તેમાં ડૂબાડી દેવા માટે પૂરતા હતા. કોલેજના ઘણા યુવાનો તેને પોતાની કરી લેવા પાસા ફેંકતા હતા. તે કોઈને ભાવ આપતી નહોતી. કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મારી ગઝલ સાંભળીને તે મારા તરફ આકર્ષાઈ હતી. કાર્યક્રમ પછી તે મને અભિનંદન આપવા આવી ત્યારે મારી સાથે હાથ મિલાવતી વખતે મારા હાથ પર વિશિષ્ટ દબાણ આપીને તેણે મારી તરફની તેની લાગણી વ્યક્ત કરી હતી. હું તેને અહોભાવથી નીરખી રહ્યો હતો." આટલું બોલી ઉદયે પોતાની નજર નીલિમા પર નાખી. અન્ય યુવતીની ખૂબસૂરતીના વખાણ સાંભળી નીલિમાના ચહેરા પરનો અણગમો ઉદય પારખી ગયો હતો. તેણે યોગીતાની સુંદરતાના વખાણ કરવાને બદલે મુખ્ય વાત પર આવવાનું વધારે યોગ્ય માન્યું.

પાણીનો નાનકડો ઘૂંટડો ભરી ઉદય આગળ બોલ્યો,"અમારા રોજબરોજના મિલનની વાત બાજુ પર મૂકી મુખ્ય વાત પર આવું છું. ત્રણ મહિનાના ટૂંકાગાળામાં અમે પ્રેમમાં ખૂબ આગળ વધી ગયા હતા. અમે એકબીજાને લગ્નગ્રંથિથી જોડાવાના કૉલ આપ્યા હતા. તે એક ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરની લાડલી અને એકની એક પુત્રી હતી. પ્રિલિમનરી પરીક્ષા પૂરી થઈ એટલે તેણે મને કહ્યું, "ઉદય ! મારા લગ્ન માટે મારા માબાપે છોકરા જોવાનું શરૂ કર્યું છે. ખૂબ સારા ઘરના અને દેખાવડા યુવાનાઓના માંગા આવે છે. હું બધાને રિજેક્ટ કરું છું. હવે તે બહુ લાંબુ નહીં ચાલે. તું એકવાર મારા ઘરે આવી મારા પિતાજી સમક્ષ મારા હાથની માંગણી કર. બાકીનું હું ફોડી લઇશ. મારા પિતાજી એકવાર તને જોઈ લે પછી મારે તેમને સમજાવતાં વાર નહીં લાગે. તું શું કહે છે?" 

"હું તે વખતે નિર્ધન યુવક હતો. મારું કોઈ ભવિષ્ય નહોતું. યોગીતાના પિતા પાસે તેના હાથની માંગણી કરવી એટલે અપમાનિત થઈ પાછા ફરવાનું હતું તે હું જાણતો હતો. તે વખતે મારી પાસે રહેવા માટે વ્યવસ્થિત ઘર પણ નહોતું. હું ક્યા મોઢે યોગીતાના પિતાજી પાસે જઈને તેનો હાથ માંગુ? જો તેઓ હા પાડે તો પણ હું યોગીતાને સુખી કરી શકું તેવી મારી આર્થિક સધ્ધરતા નહોતી. મેં યોગીતા પાસે વિચારવાનો થોડો સમય માંગ્યો તો તે મારા પર ગુસ્સે થઈને બોલી, "ઉદય, આપણી પાસે સમયની કટોકટી છે. તું કાલે જ મારા ઘરે આવીને મારા હાથની માંગણી કરજે." એમ કહીને તે રડતી રડતી ચાલી ગઈ."

"હું તેનાથી છૂટો પડી મારા ઘરે પહોંચ્યો. મારા માતાજી અચાનક બીમાર થઈ ગયા હતા. મારે તેમને હૉસ્પિટલમાં ભરતી કરાવવા પડ્યા. ત્યારે મોબાઈલનું આટલું ચલણ ન હતું. મારી પાસે મોબાઈલ ખરીદવાના પૈસા પણ નહોતા. મેં બીજા દિવસે સવારે હૉસ્પિટલના ટેલિફોન દ્રારા યોગીતાને કહ્યું કે હું બે-ત્રણ દિવસ પછી તારા ઘરે આવીશ તો યોગીતાએ તે દિવસે જ આવવાની જીદ કરી. મારા માતા બીમાર છે તે વાતની જાણ કરતાં પહેલાં જ મારો અવાજ ઊંચો થઈ ગયો. ઊંચા સ્વરે જ મેં એને કીધું કે આજે મારાથી નહીં જ અવાય. મારી...યોગીતાએ મારી પૂરી વાત સાંભળ્યા વગર ગુસ્સાથી ટેલિફોન પટકી દીધો હતો. મારા કમનસીબ...કે ત્રણ દિવસની માંદગીમાં મારા માતાનું અવસાન થઈ ગયું. તેમના ક્રિયાકર્મમાં બીજા પંદર દિવસ નીકળી ગયા."

"હું પંદર દિવસ પછી કોલેજ પહોંચ્યો. યોગીતા મને કોલેજ કેમ્પસમાં સામે તો મળી પણ તેણે તેનું મોઢું મારાથી ફેરવી લીધું. મેં તેને બે-ત્રણ વાર મળવાની કોશિશ કરી પરંતુ તેણે તેની ખાસ સખી સાથે કહેવડાવ્યું કે માટીપગા અને કાયર માણસો સાથે મારે કોઈ વાત કરવી નથી. મેં તેની સખીને મારા સંજોગો જણાવ્યાં. આવા સંજોગોના કારણે હું તેના ઘરે નો’તો જઈ શક્યો તેમ જણાવી મેં તેને આ વાત તેના સુધી પહોંચાડવાની વિનંતી કરી. તેની સખી બીજા દિવસે સમાચાર લાવી કે જે બન્યા તે સંજોગોની વાત મેં તેને તે દિવસે ફોન પર કરી દીધી હોત તો તે મારી રાહ જોવત અને બીજા દિવસે તેને જોવા આવેલ મુરતીયાને હા ન પાડત. હવે મોડું થઈ ગયું છે. હું તેને ભૂલી જાઉં તેવું તેણે કહેડાવ્યું હતું."

"ઠાકુરસાહેબ ! શું મારી માતાજીની માંદગીની વાત યોગીતાને પ્રથમ ન જણાવવી તે મારી મૂર્ખામી હતી કે મારી પૂરી વાત ન સાંભળવી તે યોગીતાની ઉતાવળ હતી?"

ઠાકુરસાહેબ વિચારીને બોલ્યા, "ખરેખર તારે યોગીતાને તારી માતાની માંદગીની વાત પહેલાં કહી દેવાની જરૂર હતી. તેણે ફોન મૂકી દીધો ત્યારબાદ ફરીથી તારે ફોન કરી તેને તે વાત જણાવવાની જરૂર હતી તેવું હું માનું છું. યોગીતાએ પણ તને પૂછવાની જરૂર હતી કે તું તે દિવસે તેના ઘરે જવાની કેમ ના પાડતો હતો. યુવતીઓ પ્રેમની બાબતમાં ખૂબ સંવેદનશીલ હોય છે જો તેમ થયું હોત તો અત્યારે યોગીતા તારી પત્ની હોત !"

ઉદયે તેના ઓરડા તરફ જતાં પહેલાં નીલિમા સામે જોયું. નીલિમાની આંખો બંધ કરીને બેઠી હતી. ઉદય નીલિમાના ચહેરાના ભાવો વાંચી ન શક્યો.  

[ ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Romance