સપનાં લીલાંછમ - 3
સપનાં લીલાંછમ - 3
ઠાકુર બલદેવસિંહે ઉદયને કહ્યું, "લાગણીઓનાં ઘા દૂઝવા લાગે ત્યારે તેમાંથી વહેતા રુધિરને બંધ કરવા માટે હૃદયમાં સંગ્રથિત થીજી ગયેલી વેદનાઓને કોઈની સાથે વહેંચીએ તો તે દઝાડતી વ્યથાથી હળવા થવામાં શાણપણ છે." ગળું ખંખેરીને ઠાકુર બલદેવસિંહે ઉદય સમક્ષ પોતાના હૃદયમાં વર્ષોથી થીજી ગયેલી વ્યથાને વાચા આપી.
"નીલિમાની માતા લતિકાકુમારી ખૂબ સુંદર હતી. તે બહુ ભણી નહોતી પણ ખૂબ દેખાવડી અને તેજ તર્રાર યુવતી હતી. લતિકાને ચિત્રકારીનો ગાંડો શોખ હતો.તેણે કોઇની પાસેથી ચિત્રકારીનું જ્ઞાન મેળવ્યું નહોતું છતાંય તેની ચિત્રકળા 'ગોડ ગિફ્ટેડ' હતી. તે ખૂબ સુંદર ચિત્રો દોરતી હતી. કુદરતી દ્રશ્યો અને મનુષ્યના પોટ્રેટ દોરવામાં માહીર હતી. તેના દોરેલા પોટ્રેટ એકદમ જીવંત લાગતાં...જાણે તે માણસ આબેહૂબ આપણી સમક્ષ હોય અને તે હમણાં બોલી ઉઠશે! તેવું પ્રતીત થતું હતું."
"લતિકા ઉંમરલાયક થઈ એટલે મેં અને મારી પત્ની લક્ષ્મીએ તેના માટે મુરતિયા જોવાનું શરૂ કર્યું હતું. લતિકા માટે ઘણા માંગા આવતા હતા પણ અમે ફૂંકી ફૂંકીને પગલાં મૂકતાં હતા. અમારા સમાજમાં યુવાનો વ્યસની અને બેકાર હોય છે. મારે મારી દીકરી માટે તેના રૂપને ઠારે, તેની સાથે શોભે અને તેના ચિત્રકારીના શોખને પોષે તેવો નિર્વ્યસની યુવાન જોઈતો હતો.
અમે ઘણા યુવકોના ડેટા એકઠા કર્યા હતા. જેના ડેટા સારા લાગ્યાં...તેમના જીવનની અંગત માહિતી અમોએ અમારા સબંધીઓ મારફતે ખાનગી રીતે તપાસ કરાવી હતી. તે પૈકી અમારી પરીક્ષામાં પાસ થયેલા ત્રણ યુવાનો પસંદ કરી અમે તેમના ફોટા મંગાવ્યા હતા. તે સમયે અમારી જ્ઞાતિમાં લગ્નોત્સુક છોકરા-છોકરીને એકબીજાને જોવાની છૂટ ન હતી. તે એવો સમય હતો કે માબાપ પોતાની દીકરી માટે જે મુરતિયો નક્કી કરે તેની સાથે દીકરી વિના વિરોધે સંસાર માંડી દેતી'તી અને આ લગ્નો સફળ પણ થતા હતા."
"સમાજની રૂઢિથી થોડુંક હટીને લતિકાને અમે નક્કી કરેલા ત્રણ મુરતિયાઓના ફોટા બતાવીને તેમાંથી કોઈ એકની પસંદગી કરવાની છૂટ આપી હતી. લતિકાએ સૂરજકુમાર નામના યુવાન પર તેની પસંદગી ઢોળી હતી. અમે તે માન્ય રાખી હતી. બંને પક્ષે 'હા' ની મહોર લાગી ગઈ એટલે સગાઈનો પ્રસંગ રંગેચંગે ઉજવાઇ ગયો. ગોળધાણા પણ ખવાઈ ગયાં. અમારા માથેથી જાણે ખૂબ મોટો બોજ હળવો થઈ ગયો હતો ! અમોએ લગ્નની તૈયારી રૂપે વિવિધ ખરીદી પણ શરૂ કરી દીધી હતી... તેવામાં એક દિવસે ચંબલ નદીના તટ પર ચિત્રકામ કરી રહેલી લતિકા ઉપર એક મગરે નદીમાંથી તરાપ મારી હુમલો કર્યો. તે સમયે નદીના તટ પર લતિકા એકલી જ હતી. તે 'બચાવો...બચાવો....' ની બૂમો પડતી રહી અને મગર સાથે લડતી પણ રહી."
"નજીકના ગામમાંથી લૂંટ કરીને બીજા સાથીઓની આવવાની રાહ જોતી ડાકુઓની એક ટોળી પાસેના કોતરોમાં છુપાઈ હતી. ડાકુઓની ગીરોહનો વડો ગુમાનસિંહ નામનો એક યુવાન હતો. તેણે લતિકાની 'બચાવો.. બચાવો...'ની બૂમો સાંભળી એટલે કોતરોમાંથી નદી તટ તરફ દોડી આવ્યો. કરડી મૂછો અને શ્યામ વાનવાળા બળૂકા યુવાન ડાકુ ગુમાનસિંહે પોતાની ભેટેથી તલવાર કાઢી એક ઘામાં મગરનાં બે કટકા કરી નાખ્યા. તે ઘાયલ લતિકાને પોતાના ઘોડા પર બેસાડી અમારી હવેલી પાસે ઉતારી ગયો. અમને મળ્યા વગર જ તે બારોબાર ચાલી નીકળ્યો હતો."
"લતિકાના ડાબા પગે ખૂબ ઊંડો જખમ થયો હતો. પગનું હાડકું તૂટી ગયું હતું. તેના પગની સર્જરી કરાવી પડી'તી. લગભગ બે મહિનાની સારવાર પછી તે સાજી થઈ પણ હાડકું બેસાડવામાં થયેલી ભૂલના કારણે તેના પગે થોડી ખોડ રહી ગઈ. આ ખોડના કારણે સૂરજકુમારના કુટુંબે લતિકા સાથેની સગાઈ ફોક કરી દીધી. સૂરજ પણ માટીપગો નીકળ્યો. અમને આ હળહળતું અપમાન જેવું લાગ્યું પણ અમે તે અપમાનનો ઘૂંટડો પી ગયા. અમે જે ત્રણ મુરતિયા નક્કી કર્યા હતા તે પૈકીનાં એક મુરતિયાના કુટુંબે લતિકા સાથે વેવિશાળ કરવાનું સામેથી કહેણ મોકલ્યું પરંતુ તાજેતરમાં વેવિશાળ તૂટતાં થયેલા અપમાનથી લતિકા ગમગીન રહેવા લાગી હતી. લતિકા માનસિક રીતે જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી અમારે રાહ જોવી હતી. અમે લતિકાને આવેલા માગાંની વાત જણાવી પણ નિર્ણય લેવાનું તેની મનસૂફી પર છોડી દીધું હતું."
"લતિકા ધીરેધીરે સામાન્ય થતી જતી હતી. હવે તે ફરીથી ચિત્રકારી કરવા લાગી હતી. લતિકા જે જગ્યાએ ચિત્રકારી કરતી હતી...તે બાજુ ચંબલ નદીમાં અગાઉ કદી મગર દેખાયો નહોતો. લતિકા પર થયેલા હુમલા બાદ પણ મગર ક્યારેય કોઇની નજરે ચઢ્યો નહોતો તોપણ અમે હવે નીલિમાને મોટા ભાગે એકલી નદી કિનારે જવા દેતા નહોતા. લગભગ બે મહિના પછી એકવાર લતિકા જ્યાં ચિત્રકારી કરતી હતી ત્યાં ડાકુ ગુમાનસિંહ આવી ચઢ્યો. લતિકાએ તેનો આભાર માન્યો અને ઘરે આવવા આમંત્રણ આપ્યું. ઘરે આવવાની તે હિંમત ન કરી શક્યો. લતિકાએ તે દિવસે ઘરે આવીને ગુમાનસિંહની મુલાકાતની વાત અમને કરી હતી. મેં લતિકાને તેની સાથે સંબંધ ન વધારવા ચેતવી હતી."
"હૃદયની લાગણીઓ પર કોઈનું રાજ નથી ચાલતું તેવું જ લતિકા સાથે થયું.
અમારાથી છાનાછપના લતિકા અને ગુમાનસિંહ ચંબલના કોતરોમાં મળતાં રહ્યાં. લતિકા બહુ ભોળી નીકળી. અમારો અને અમારો સામાજિક મોભાનો વિચાર પણ તેણે ન કર્યોં. યુવાનીના જોશમાં તે તેની હૃદયની બેકાબૂ લાગણીઓને માન આપીને ગુમાનસિંહને દિલ દઈ બેઠી. કહેવાય છે ને 'જવાની દિવાની' હોય છે તેમ લતિકા પણ ગુમાનસિંહની દિવાની થઈ ગઈ. તે ગુમાનસિંહ પાછળ પાગલ થઈ ગઈ હતી. લતિકાએ એક દિવસે નીલિમાની નાનીમા લક્ષ્મીને તેના લગ્ન ડાકુ ગુમાનસિંહ સાથે કરી આપવા કહ્યું. લતિકાની વાત સાંભળી અમારા પગ તળેથી જમીન નીકળી ગઈ. અમે તેને ખૂબ સમજાવી. તેના મામા ઠાકુર અજયસિંહે પણ અહીં આવી તેની પર ખૂબ દબાણ કર્યું પરંતુ તે એક ની બે ના થઈ. જે યુવકનું માગું આવ્યું હતું...તેની સાથે તેનું વેવિશાળ કરી દેવાની તૈયારી અમે ગુપ્ત રાખી તોપણ લતિકાને તેની જાણકારી થઈ ગઈ. તેણે તે માટે પોતાનો નનૈયો ભણી ગુમાનસિંહ સાથે તાત્કાલિક તેના લગ્ન કરી આપવા જીદ પકડી."
"અમે લતિકા પર પહેરો ગોઠવી દીધો'તો. ત્યારે તમારો આ રામુકાકો યુવાન હતો. અમે તેને લતિકાની સલામતીની અને દેખરેખ રાખવાની જવાબદારી સોંપી. ઘણા દિવસ સુધી લતિકા ચંબલના કોતરો તરફ ન ગઈ એટલે ડાકુ ગુમાનસિંહ એક રાત્રે અમારા ઘરે આવ્યો અને અમને તેના લગ્ન લતિકા સાથે કરાવી આપવાની વિનંતી કરી. દેખતી આંખે પોતાની વહાલસોઈ દીકરીને કૂવામાં નાખવા કોઈ માબાપ તૈયાર થાય ખરું...? અમે તેને અમારી દીકરીને તેના જેવા ડાકુ સાથે પરણાવવાની સ્પષ્ટ ના પાડી દીધી. ગુમાનસિંહને અમારા 'ડાકુ' કહેવા પર ખૂબ ગુસ્સો ચઢ્યો. તે બોલ્યો,"અમે બાગી છીએ ડાકુ નહીં. હવે પછી અમારા માટે ડાકુ શબ્દ ન વાપરતા નહીં... નહીંતર તમારી હવેલીમાં ડાકો નાખીને તમને તહસનહસ કરી નાખીશું." તે જતાં જતાં ધમકી ઉચ્ચારીને ગયો. જાણે એમ કહેતો ગયો કે રાજીખુશીથી લતિકાનો હાથ તેના હાથમાં આપવામાં જ અમારી ભલાઈ હતી!"
"લતિકા સાથે લગ્ન કરવા ગુમાનસિંહ અધીરો થયો હતો. બીજા જ દિવસે તે તેની લૂંટારાઓની આખી ટોળી અને એક ગોર મહારાજને લઈને આવી પહોંચ્યો. અમને બંદૂકની અણીએ બંધક બનાવી લતિકાને ચોરીમાં બેસાડી સપ્તપદીના સાત ફેરા ફેરવી લતિકાને પોતાની પત્ની બનાવીને લઈ ગયો. લતિકાની તેમાં સંમતિ હતી એટલે અમે મજબૂર હતા. અહીંની પોલીસ પણ આ બાગીઓ સાથે ઉલઝવાનું પસંદ નથી કરતી. અમે ફરિયાદ કરી પણ કોઈ પરીણામ મળ્યું નહીં."
"આ પ્રસંગ પછી અમે લતિકાને અમારા જીવનમાંથી કાયમ માટે દૂર કરી દીધી હતી. તેના ફોટા અને તેણે દોરેલા ચિત્રો અમે ચંબલના વહેણમાં વહાવી દઈને અમારો ગુસ્સો ઠાલવી દીધો હતો."
"લતિકાના બળજબરી લગ્નને બે વર્ષનો સમયગાળો વીતી ગયો હતો. અમે લગભગ લતિકાને ભૂલી ગયા હતા... તેવામાં એક રાત્રે લતિકા અને ગુમાનસિંહ અમારી હવેલી પર આવ્યાં. તેઓ ખૂબ ગભરાયેલા હતા. પોલીસે તેમના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. તેના ઘણા સાથીઓ પકડાઈ ગયા હતા. લતિકાની ગોદમાં છ માસની નીલિમા હતી. તેને પુષ્કળ તાવ હતો. તેના શરીર પર મગના દાણા જેવડી ઝીણીઝીણી ફોડકીઓ ઉભરાય ગઈ'તી.લતિકા બાળકી નીલિમાને લક્ષ્મીના ખોળામાં મૂકી બોલી,"બાઇસા, આ નાનકીને શીતળામા પધાર્યા છે. મેં શીતળામાની બાધા રાખી છે. પોલીસ અમારી પાછળ પડી છે. અમે પકડાઈ જઈએ તો આ નાનકીનું કોણ...એટલે તારા હવાલે મૂકીને જાઉં છું. હવે તો જીવ્યા મૂઆના જુહાર છે." લતિકા અમારો જવાબ સાંભળ્યા સિવાય નીલિમાને લક્ષ્મીના ચરણોમાં મૂકીને ગુમાનસિંહના ઘોડા પર સવાર થઈને ચાલી ગઈ. હવેલીની બહાર પહોંચી તેણે ઠૂંઠવો મૂક્યો હતો...જે અમે સાંભળ્યો હતો. તે જેવી આવી હતી તેવી જ અંધકારમાં વિલીન થઈ ગઈ હતી."
"અમે બીજા દિવસે નીલિમાને દવાખાને લઈ ગયાં. તેના આખા શરીર પર શીતળા નીકળી આવ્યા હતા. આઠ-દસ દિવસની સારવાર પછી તે સાજી તો થઈ ગઈ પરંતુ તેના શરીર અને ચહેરા પર શીતળાના ડાઘ રહી ગયા. નીલિમાને લતિકાનું દેહલાલિત્ય અને ચહેરાની સુંદરતા વારસામાં મળી છે પણ શરીરનો વાન તેના પિતાનો મળ્યો છે. ચહેરા પરના શીતળાના ડાઘે મારી દોહિત્રીની ખૂબસૂરતીને ઝાંખપ લગાડી...તેનું મને ખૂબ દુ:ખ છે." ઠાકુર બલદેવસિંહનો અવાજ ભારે થઈ ગયો હતો.
પોતાની દીકરીની યાદથી ઠાકુર બલદેવસિંહની આંખોના ભીના થયેલા ખૂણા સાફ કરવા તે રોકાયા એટલે ઉદય બોલ્યો, "નાનાજી! પછી તમને નીલિમાના માતાપિતાની કોઈ ભાળ મળી હતી ખરી ?"
નાનાજીએ સ્વસ્થ થઈ ખોંખારો ખાઈને કહ્યું, "સીધી સીધી તો તેમની કોઈ ભાળ અમને મળી નહોતી પણ ડાકુ ગુમાનસિંહ અને ડાકુરાણી લતાદેવી ( કદાચ ડાકુઓના સમાજમાં લતિકા 'ડાકુરાણી લતાદેવી' તરીકે ઓળખાતી હશે!) એ મધ્યપ્રદેશ સરકાર સમક્ષ સરેન્ડર કર્યું હોવાના સમાચાર મેં ઘણા વર્ષો પહેલાં સમાચારપત્રોમાં વાંચ્યા હતા. અમે તેમને અમારા જીવનથી દૂર કરી દીધા છે એટલે તેમની ભાળ મેળવવાનો અમે કોઈ પ્રયત્ન કર્યો નથી. હા...કદાચ નીલિમાના હૃદયનાં કોઈ ખૂણે તેના માબાપની યાદ સંગ્રહાઈ હોય તેવું મને લાગે છે ! એટલે જ તેણે તેનું લેખિકા તરીકેનું ઉપનામ તેમના નામ સાથે જોડી ‘ગુલ’ રાખ્યું છે. તે ઉપનામથી સાહિત્ય રચના કરે છે."
ઉદય બોલ્યો,"નાનાજી! આપે અમારી લક્ષ્મી નાનીમા વિશે તમે કઈ ન જણાવ્યું?"
ઠાકુર બલદેવસિંહ થોડીવાર ઉદય સામે તાકી રહીને બોલ્યા,"ઉદય...તું ખરેખર મૂરખ જ છે એ વાત તે આજે સાબિત કરી દીધી...! તેં આ પ્રશ્ન પૂછીને ફરીથી મારી દુ:ખતી બીજી રગ પર હાથ મૂકી દીધો છે પણ હવે તને તે વાત પણ જણાવી જ દઉં."
"જયારે નીલિમા લગભગ ચાર વર્ષની હતી ત્યારે એક સાંજે બાલમંદિર છૂટવાના સમયે લક્ષ્મી તેને સ્કૂલે લેવા ગઈ હતી. નીલિમા સામેથી આવતી કારને જોયા વગર જ તેની નાનીમા પાસે આવવા દોડી. નીલિમાને કારના અકસ્માતથી બચાવવા માટે તેની નાની લક્ષ્મી સામે દોડી ગઈ. નીલિમા તો બચી ગઈ પણ તે અકસ્માતમાં લક્ષ્મી ભગવાનને પ્યારી થઈ ગઈ."
એક વૃક્ષ પાછળ સંતાઈને નાનાજીની વાત સાંભળી રહેલી નીલિમાની આંખોમાં અશ્રુઓની ધારા વહેવા લાગી. સજળ નયને જ તેણે બલદેવસિંહને કહ્યું,
"નાનાજી! મારી નાનીમાના અપમૃત્યુ માટે હું જવાબદાર છું! મારા માતાપિતા જીવતા છે...તે વાત તમે શા માટે અત્યાર સુધી છુપાવી રાખી હતી...? મને તો તેઓ બંને અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું...?" કહીને તે ઠાકુર બલદેવસિંહને વળગીને રડવા લાગી.
"બેટા! કેટલીક વાર જીવનમાં એવા સંજોગો ઊભા થાય છે ત્યારે માણસને ન ચાહવા છતાં ખોટું બોલવું પડતું હોય છે... અને કેટલાક પ્રસંગોને મને-કમને પેટમાં દફનાવી દેવા પડતાં હોય છે ! તે વાત તું અનુભવે સમજી શકીશ." કહી નીલિમાના બીજા પ્રશ્નોનો સામનો ન કરવો પડે તે માટે ઠાકુર બલદેવસિંહ નીલિમાને પોતાનાથી અળગી કરીને પોતાના ઘોડા પર સવાર થઈ હવેલી તરફ રવાના થઈ ગયાં.
ઉદયે નીલિમાના ગાલ પર વહી રહેલા આંસુઓ લૂછ્યા. તેની પીઠ પર હાથ મૂકી તેને મૂક આશ્વાસન પાઠવ્યું. ખિન્ન વદને નીલિમા તેના ઘોડા પર સવાર થઈ એટલે ઉદય પણ પોતાના ઘોડા પર સવાર થઈ નીલિમા સાથે જોડાઈ ગયો. હવેલી સુધી પહોંચ્યા ત્યાં સુધી બંને વચ્ચે કોઈ વાત ન થઈ. નીલિમાના મનમાં તેના માતાપિતાની હયાતી વિશે ભિન્ન ભિન્ન વિચારો ઉભરતાં અને શમતા હતા.
જયારે ઉદયને લાગ્યું કે તેણે ઠાકુર બલદેવસિંહને તેમના અંગત જીવનના કરુણ પ્રસંગો બાબતે પૂછીને ખરેખર મૂર્ખામી કરી! તેમને વિના કારણે દુ:ખી કર્યા હતા! જો ઠાકુરસાહેબ...આ વાત ગંભીરતાથી લેશે તો કદાચ આજનો દિવસ તેનો હવેલીમાં રહેવાનો છેલ્લો દિવસ હશે...!