Abid Khanusia

Romance

4  

Abid Khanusia

Romance

સપનાં લીલાંછમ - ૨

સપનાં લીલાંછમ - ૨

7 mins
68


પ્રકરણ-૨


નીલિમા ખિન્ન હૃદયે રેલવેસ્ટેશનના પાર્કિંગમાં પહોંચી. રામુકાકા ઠાકુર બલદેવસિંહની બે ઘોડા જોડેલી ખૂબસૂરત બગી સાથે હાજર હતા. તેઓ માલસામાન બગીમાં ગોઠવી નીલિમાની રાહ જોઈ રહ્યાં હતા. નીલિમાને જોઈ ઘોડાઓએ જાણે તેને ઓળખી હોય તેમ તેને આવકાર આપવા હણહણાટી કરી...! નીલિમાએ બંને ઘોડાઓની પીઠ પર હાથ ફેરવી પોતાનો પ્રેમ જતાવ્યો. જેવી નીલિમા બગીમાં બેઠી રામુકાકાએ ઘોડાઓની લગામ હાથમાં લઈ હળવો ઈશારો કર્યો એટલે ઘોડા ચાલવા લાગ્યા. રામુકાકાને આજે નવાઈ લાગી. જ્યારે પણ નીલિમા ઘરે આવતી ત્યારે હમેશાં તે કોચવાન બની બગીને હંકારતી હોય અને આજે તેમ કરવાને બદલે તે ઉદાસ મને રામુકાકાની પાછળ ગોઠવાઈ ગઈ...! 

બગી હજી સ્ટેશનની બહાર નીકળે તે પહેલાં તો નીલિમાના નામની બૂમ સંભળાઈ. તેણે સ્ટેશન તરફ નજર કરી. ઉદય પોતાનો હાથ હલાવી બગી ઊભી રાખવાનો ઈશારો કરતો દોડતો આવી રહ્યો હતો. નીલિમાના ચહેરા પર પ્રસન્નતા ફેલાઈ ગઈ. તેના હૃદયની ધડકનો તેજ થઈ ગઈ... અને તેના શરીરમાં એક અજાણી આનંદભરી ઝણઝણાટી પ્રસરી ગઈ...! ઉદય બગી પાસે આવી ધીરેધીરે ચાલતી બગીમાં હળવો કૂદકો મારી નીલિમાની પાસે આવી બેસી ગયો. દોડવાથી તેને હાંફ ચઢ્યો'તો. તેણે પોતાનું માથું નીલિમાના ખભા પર ઢાળી દીધું. અનાયાસે નીલિમાનો હાથ તેના લાંબા વાળમાં ફરવા લાગ્યો. 

ઉદય :"નીલિમાજી! ટ્રેનમાં દાખલ થયા પછી આપનાથી છૂટા પડતી વખતે મેં આપની સાથે રૂક્ષ વ્યવહાર કર્યો હોવાનું મને ભાન થયું. હું હમેશાં આવી જ ભૂલો કરું છું. ટ્રેન ઉપડી ત્યારે મને થયું કે એકવાર આપની અને આપના નાનાજી ઠાકુર બલદેવસિંહની મહેમાનગતિ માણી લેવી જોઈએ એટલે ચાલતી ગાડીએ હું ઊતરી ગયો અને આવી પહોંચ્યો. મેં કઈં ખોટું તો નથી કર્યું ને ?" 

નીલિમાનો જવાબ સાંભળ્યાં પહેલાં તેણે ઉમેર્યું,"મેં આપને કહ્યું'તું ને હું કન્ફ્યુઝ્ડ માણસ છું. ઘણીવાર ઉતાવળીયા નિર્ણયો લઉં છું, તો ઘણીવાર સમયસર સાચા નિર્ણયો લઈ શકતો નથી તેથી મારે જીવનમાં ઘણું સહન કરવું પડ્યું છે. જો આજે પણ હું અડધી મિનિટ મોડો પડ્યો હોત તો કદાચ આપ મારા વિશે ખૂબ ખરાબ વિચારત અને જીવનમાં ફરીથી ક્યારેય મળવાનું થયું હોત તો આપ મારાથી મોઢું ફેરવી લેત. હું મૂરખની જેમ આખી જિંદગી ઢોળાયેલા દૂધ પર અફસોસ કરતો રહ્યો હોત...!" 

નીલિમા ચૂપચાપ ઉદયની નિખાલસ વાત સાંભળતી રહી.

 * * *

સૂરજપુર પર્વતોથી ઘેરાયેલું નાનું પણ ખૂબ સુંદર અને રમણીય ગામ છે. લગભગ અડધા-પોણા ચોરસ કિલો મીટરમાં હારબંધ ઘરો આવેલા છે. ગામના બીજા છેડે ઠાકુર બલદેવસિંહની હવેલી આવેલી છે. ગામની સ્ત્રીઓના અભિવાદન ઝીલતાં નીલિમા અને ઉદય હવેલી તરફ આગળ વધી રહ્યાં હતાં. હવેલીના પ્રવેશદ્વારમાં ઠાકુર બલદેવસિંહ ખૂબ આતુરતાથી નીલિમાની રાહ જોઈ રહ્યાં હતાં. છ ફૂટ ઊંચી, ખડતલ અને ગોરી કાયાના માલિક ઠાકુર બલદેવસિંહના ચહેરા પર નીલિમાને જોઈને પ્રસન્નતા ફેલાઈ. બગી પોર્ચમાં આવીને ઊભી રહી એટલે નીલિમા, "નાનાજી..." કહીને નાની બાળકીની જેમ ઠાકુર બલદેવસિંહને વળગી પડી. થોડીવાર પછી નાનાજીથી છૂટી પડી નીલિમાએ ઉદયની તેના મિત્ર અને ઉભરતા ગઝલકાર તરીકે ઓળખાણ કરાવી અને કહ્યું કે 'તેની મુલાકાત ટ્રેનમાં જ થઈ છે માટે ઉદય વિશે તે બહુ જાણતી નથી તો તે બાબતે વધારે કંઈ પૂછવું નહીં.' ઠાકુર બલદેવસિંહ નીલિમાની નાદાની પર હસી પડ્યા અને બોલ્યા, "વેલકમ યંગમેન,.. ફીલ કમ્ફોર્ટેબલ લાઈક હોમ !" રામુકાકા સામાન ઉતારીને ઘરમાં મૂકી આવ્યા. ત્યાં સુધી ત્રણેય જણા વાતો કરતાં રહ્યાં. 

રામુકાકા ઉદયનો સામાન ગેસ્ટરૂમમાં મૂકી આવ્યા હતા. ઠાકુર બલદેવસિંહ ઉદયના ખભા પર હાથ મૂકી તેને ગેસ્ટરૂમ સુધી દોરી ગયા. ગેસ્ટરૂમમાં પહોંચી ઉદય સૂઈ ગયો. એક કલાક જેવી ઊંઘ ખેંચી નિત્યક્રમથી પરવારી જ્યારે ઉદય હવેલીના દીવાનખંડમાં આવ્યો ત્યારે ત્યાં કોઈ હાજર ન હતું. ટિપાઈ પર પડેલું તાજું સમાચારપત્ર ઉઠાવી તેણે ઊડતી નજરે હેડલાઈન્સ વાંચી અખબાર બાજુ પર મૂક્યું ત્યારે ઠાકુરસાહેબ ફ્રેશ થઈ આવી પહોંચ્યાં. તેમણે નોકર રામુને બે જણનો નાસ્તો સર્વ કરવા કહ્યું. તે સાંભળીને નીલિમાએ ઉપરથી હળભળાટમાં મોટા આવાજે કહ્યું, "રામુકાકા, મારા માટે પણ નાસ્તો સર્વ કરજો. હું બે મિનિટમાં જ નીચે આવું છું.” નાનાજી અને ઉદય નીલિમાની ઉતાવળ જોઈ હસી પડ્યાં.  

ઉદય બે દિવસમાં સૂરજપુરની ભૂગોળ અને ઠાકુર બલદેવસિંહની મિલકત, જમીન, સ્ટડફાર્મ અને તેમાંના ઘોડાઓથી વાકેફ થઈ ગયો હતો. ઠાકુર બલદેવસિંહ સારી એવી ખેતીલાયક જમીન ધરાવતા હતા. તેમને ઘોડા ઉછેરવાનો શોખ હોવાથી તેમણે એક નાનકડું સ્ટડફાર્મ ઊભું કર્યું હતું. સારી ઓલાદના ઘોડાઓનો ઉછેર કરી તેના વેચાણમાંથી સારી એવી કમાણી કરી લેતા હતા. પાસે વહેતી ચંબલ નદીમાંથી ખેતી માટે સિંચાઈ થતી હતી. ઠાકુર બલદેવસિંહનો એક બંગલો મુંબઈમાં હતો. જેનો કેટલોક હિસ્સો લીઝ પર આપ્યો હતો. નીલિમા તે બંગલામાં આવેલ બે સ્વતંત્ર રૂમમાં રહી ભણી હતી અને હવે ત્યાં રહીને તેનું લેખનકાર્ય કરતી હતી. 

આજે વહેલી સવારે નીલિમાએ ઉદયને ઉઠાડી દીધો હતો. તેને ખેતરો અને નદીના કિનારા તરફ જવા માટે તૈયાર થઈ જવા કહ્યું હતું. ઉદય તૈયાર થઈ આવ્યો ત્યારે નીલિમા અને ઠાકુરસાહેબે નાસ્તો પતાવી દીધો હતો. બંને જણા સ્ટડફાર્મમાં તેની રાહ જોઈ રહ્યા હતા. તે નાસ્તો પતાવી સ્ટડફાર્મમાં પહોંચ્યો ત્યારે ત્રણ ઘોડા પલાણીને તૈયાર રાખ્યાં હતાં. 

નીલિમા ઘોડેસવારી માટે અનુકૂળ ચુસ્ત પોષક પહેરીને તૈયાર હતી. અશ્વસવારી  માટે પોતાના કથ્થાઈ રંગના ઘોડા પાસે ઘોડાના રંગને મેચ કરતા ઘોડેસવારી માટેના ચુસ્ત પોશાકમાં માથે હેટ અને ઢીંચણ સુધી પહોંચતા ગમબુટ પહેરીને ઊભેલી તે ખૂબ જ સુંદર લાગી રહી હતી !. તેણે આજે થોડોક ભપકાદાર મેકઅપ કર્યો હતો. તેના ચહેરા પરના શીતળાના ડાઘ બિલકુલ નજરે ચઢતા ન હતા. ઘોડાના રંગને મેચ કરતી કથ્થાઈ રંગની લિપસ્ટિકથી રંગાયેલા તેના પરવાળા જેવા હોઠ તેની ખૂબસૂરતીમાં વધારો કરતા હતા. ઉદય નીલિમાને અનિમેષ નયને તાકીને તેની ખૂબસૂરતીને પોતાની આંખોથી પીતો ઊભો રહ્યો. નીલિમા થોડુંક મસ્તીભર્યું સ્મિત કરી બોલી, "ઉદય! મને જાણે પહેલીવાર જોઈ હોય એમ અચંબિત થઈ ગયા છો ને કાંઈ ...!!


ઉદય : "આજે આ બીજલી કોના પર ત્રાટકવાની છે,મેડમ ! શું રૂપ સજાવ્યું છે આપે...! હાય મૈં મરજાવાં મેરી જાન!" બોલાઈ ગયા પછી ઉદયને લાગ્યું કે કદાચ તેનાથી વધારે બોલાઈ ગયું છે. તેણે નીલિમા માટે 'મેરી જાન' શબ્દ વાપરવામાં કદાચ ઉતાવળ કરી દીધી છે. આ જ તો તેની કમજોરી હતી, જેને દૂર કરવા તે આત્મમંથન અને પોતાની જાત સાથે સંવાદ કરવા ઈચ્છતો હતો. તેણે પોતાના શબ્દોની નીલિમા પર શું અસર થઈ છે તે જોવા તેના ચહેરા પર નજર નાખી. બરાબર તે સમયે ઠાકુર બલદેવસિંહ બે ઘોડા લઈને આવી પહોંચ્યાં. જે જોઈ નીલિમા ઉદયને ઉદ્દેશીને બોલી,"કમ ઓન ઉદય, રાઈડ ઓન ધ વ્હાઈટ હોર્સ."

ઉદયને ઘોડેસવારીનો ઝાઝો અનુભવ નહોતો એટલે તે થોડોક ખચકાયો.  ઠાકુરસાહેબે તેને ઘોડા પર સવાર થવામાં મદદ કરી. તે ઘોડા પર સવાર થયો એટલે તેને ઘોડાની લગામ પકડાવી દીધી. ઠાકુરસાહેબ પણ એક કાળા ઘોડા પર સવાર થઈ ગયા. તે જોઈ નીલિમા પણ પોતાની પાસે ઊભેલા ઘોડાના પેઘડામાં પોતાનો ડાબો પગ ભરાવી સ્ફૂર્તિથી ઘોડા પર સવાર થઈ ગઈ. તેણે તેના ઘોડાને બધાથી આગળ પૂરપાટ દોડાવી મૂક્યો.  ઠાકુરસાહેબ ઉદયને સલામત ઘોડેસવારી માટેના કેટલાક પ્રાથમિક અને જરૂરી નિયમો શીખવતા શીખવતા ધીમેધીમે આગળ વધતા રહ્યા. 

નીલિમા ઘોડેસવારીમાં પારંગત જણાતી હતી. તે ઘણી દૂર નીકળી ગઈ હતી. થોડાંક આગળ વધી ઠાકુરસાહેબે પણ તેમના ઘોડાને એડી મારી એટલે તે પણ રવાલ ચાલે ભાગવા લાગ્યો. તે જોઈ ઉદયના ઘોડાએ પણ ઠાકુરસાહેબના ઘોડાને પહોંચવા તેની ઝડપમાં વધારો કર્યો પરંતું ઉદયે તેની લગામ ખેંચી ધીમે ચાલવા ઈશારો કર્યો. કેળવાયેલો ઘોડો તેના સવારની અકુશળતાને પારખી ધીમી ચાલે ચાલતો રહ્યો. થોડાંક સમય પછી ઉદયને ફાવટ આવી અને તેનો ડર દૂર થયો એટલે તેણે ઘોડાની લગામ ઢીલી કરી તેના પેટ પર તેની એડીથી ઈશારો કર્યો એટલે તેના ઘોડાએ પણ ઝડપ વધારી દીધી. ઉદયે ઘોડાની વધેલી ઝડપ જોઈ પોતાના બંને પગ ઘોડાના પેટ સાથે કસીને ચોંટાડી દીધા. ઘોડો એક સરખી ઝડપથી ચાલતો રહ્યો એટલે થોડા સમયમાં ઉદય પણ ચંબલ નદીના કિનારે ઠાકુરસાહેબ અને નીલિમા પાસે પહોંચી ગયો. 

ઠાકુરસાહેબ અને નીલિમા તેની રાહ જોઈ રહ્યાં હતાં. નીલિમાએ ટીખળ કરવા અને ઉદયને ડરાવવા માટે ઉદયના ઘોડાને 'અપ' કહ્યું એટલે તે આગળના બે પગે ઊંચો થયો. ઉદય ગભરાઈ ગયો. તેના હૃદયની ધડકનો તેજ થઈ ગઈ. પોતાની સલામતી માટે તે ઘોડાની ગરદન પકડીને ઘોડાની પીઠ પર વાંકો વળી ગયો. નાનાજી અને નીલિમા હસી પડ્યાં. ઉદયનો ડર જોઈ નીલિમા ઉછળીને તાળીઓ પાડવા લાગી. નાનાજીએ 'ડાઉન' કહેતાં ઘોડાએ પોતાના આગળના પગ જમીન પર મૂકી એક હણહણાટી કરી. જાણે તે ઉદયની ગભરાહટની હાંસી ઉડાવી રહ્યો હતો !. નીલિમા નાનાજી ઠાકુર બલદેવસિંહની પરવાનગી લઈ પોતાના ઘોડાને ચંબલના કોતરો તરફ પૂરપાટ ઝડપે દોડાવી મૂક્યો. નાનાજી અને ઉદય નીલિમા દેખાઈ ત્યાં સુધી તે તરફ તાકી જોઈ રહ્યાં. 

ઉદય બોલ્યો,"ઠાકુરસાહેબ ! હું આપને નીલિમાની જેમ નાનાજી કહી શકું?"

ઠાકુરસાહેબે સંમતિમાં પોતાનું માથું હલાવ્યું. 

ઉદય : "નાનાજી! નીલિમા અશ્વસવારીમાં ખૂબ પારંગત જણાય છે. આપે તેને ઘોડેસવારી શીખવી છે?"

નાનાજી એક નિસાસો નાખી બોલ્યા,"ના બેટા, તેને ઘોડેસવારી તેના પિતા તરફથી વારસામાં મળી છે. મેં તો ફક્ત એક દિવસ માટે જ મારી સાથે બેસાડીને તને આજે શીખવ્યા તેટલા નિયમો જ નીલિમાને શીખવાડયા હતા. તે બીજા દિવસે પોતાની જાતે ઘોડો લઈ નીકળી પડી હતી. એક કલાક બાદ સહી સલામત પાછી આવી હતી. બસ ત્યારથી તે પોતાની જાતે જ તેના પિતાજીની જેમ એક બાહોશ ઘોડેસવાર પૂરવાર થઈ છે."

ઉદય : "નીલિમાના પિતાજી જૉકી હતા કે પછી પ્રોફેશનલ ઘોડેસવાર હતા ? તેના પેરેન્ટ્સ હાલ ક્યાં છે ?"

ઠાકુરસાહેબ : "બેટા, તેં આજે મારી દુઃખતી રગ ઉપર હાથ મૂકી દીધો છે. જે વાત હું ભૂલી ગયો હતો તે વાત તેં યાદ દેવડાવી મારા હૃદયને આળું કરી દીધું છે. તેં મારા રુઝાયેલા ઘાવોને ફરી દૂઝતા કરી દીધા, બેટા...!" 

ઉદય :"નાનાજી! આઈ એમ વેરી સોરી... આપે મને બેટો કહ્યો છે એટલે મારાથી અજાણતાંમાં થયેલી ભૂલ માટે મને માફ કરી દેજો. મારે આપના અંગત જીવનની ઘટનાઓ વિશે પૂછવાની જરૂર ન હતી...! નાનાજી, બસ આજ તો મારી કમજોરી છે. હું ઘણીવાર એવી બેવકૂફી કરી બેસું છું. જેથી લોકોની ભાવનાઓ હર્ટ થાય છે. મારી સાથેના સંબંધો તોડી નાખી મારાથી દૂર થઈ જાય છે. હું એકાંકી થઈ જાઉં છું. હું મારી આ કમજોરી દૂર કરવા માટે જ આત્મમંથન કરવા નીકળ્યો છું. ન જાણે કયારે હું મારી આ કમજોરી દૂર કરી શકીશ?" કહી ઉદય ચૂપ થઈ ગયો. તેના ચહેરા પર ઉદાસી ફેલાઈ ગઈ હતી. 

ઠાકુરસાહેબ : "બેટા,અનુભવી લોકોનું કહેવું છે કે જયારે લાગણીઓના ઘા દૂઝવા લાગે ત્યારે તેમાંથી વહેતા રુધિરને બંધ કરવા માટે હૃદયમાં સંગ્રહાઈને થીજી ગયેલી વેદનાઓને કોઈની સાથે વહેંચીને તે દઝાડતી વ્યથાથી હળવા થવામાં શાણપણ છે....તો...ચાલ ....આજે હું પણ વર્ષોથી મારા હૃદયમાં થીજી ગયેલી વ્યથાને તારી સમક્ષ વહેતી કરી હળવો થઈ જાઉં...!"   

[ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Romance