Abid Khanusia

Romance

4  

Abid Khanusia

Romance

સપનાં લીલાંછમ - 1

સપનાં લીલાંછમ - 1

8 mins
92


પ્રસ્તાવના

ખૂબ જ સંવેદનશીલ રચનાઓ લખવા માટે જાણીતા આબીદભાઈની વાક્યરચનાઓમાં મેં ક્યારેય ભારેખમ શબ્દોનો દબદબો કે આડંબર નથી જોયો. એમનું સરળ પણ રસાળ પ્રવાહીશૈલીનું લખાણ હમેશાં મને ઘેલું લગાડતું રહ્યું છે. 

આખરે આબિદભાઈ લાવ્યા છે. 

વાસંતી વાયરાનું વાવાઝોડું...!

અષાઢના પ્રથમ દિવસનો મેઘનાદ...!

ભીની વરસાદી સોડમમાં ભીંજાતા સંબંઘનો એક અનુપમ ક્રશ….!

આ કથા છે એક મશહૂર હિન્દી લેખિકા નીલિમા ઠાકુરની...

આ કથા છે પોતાના પહેલા ગઝલસંગ્રહના પ્રકાશનની રાહ જોતા મનમોજી ગઝલકારની...

શબ્દોની સોબતના રાહીને સફરનો થાક કેવો ? સર્જનશીલતા એની રગેરગમાં વહે છે.

રાજસ્થાનના કોટા નજીક ચંબલ નદીની ગોદમાં વસેલું નાનકડું પણ સુંદર સૂરજપુર ગામે જવા નીકળે છે ઉપન્યાસકારા નીલિમા ઠાકુર...

સફરમાં મુલાકાત થાય છે ઉદય રાણેની... 

ઉદય રાણે સાવ અલ્લડ, અલગારી, બેપરવાહ શાયર...કે જેને ક્ષણ પછી પોતે શું કરવાનો છે એની ખબર નથી...સફર કરે છે પણ મંજિલની ખબર નથી...અવિરત ભટકતા જીવનમાં કંઈક પામવાની લલક એને કંઈક મેળવી આપશે કે કેમ એની પરવા કર્યા વિના... 

જિજ્ઞાસાવશ નીલિમા ગઝલકારની ડાયરીનાં પાનાં ઉથલાવે છે... ગઝલકારની કલમ પારખી જતી નીલિમા ઉદયને પોતાની સાથે સૂરજપુર આવવાનું ઇજન આપે છે. સંબંધો લગાતાર છેતરતા રહ્યા તેમ છતાં ફરી એક વાર જિંદગીને અજમાવવા તૈયાર થઇ જાય છે.....

આ તરફ લાગણીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. જેનો એકધારો પ્રવાહ ફરીવાર તો પોતાની જિંદગીને વેરણછેરણ નહીં કરે ને? ગઝલકાર અવઢવમાં છે. 

પરિચયનાં સંધાણ... પછી લાગણીનાં પડળ ઉઘડે છે...

શરૂ થાય છે એક પ્રણયભીની સફર... 

ગઝલકાર હચમચી તો ત્યારે ગયો જ્યારે નીલિમાના પિતા એક ખૂંખાર ડાકુ હોવાની ખબર પડે છે. 

એક પ્રેમિકાએ તરછોડી માનસિક રીતે એને તોડી નાખ્યો ત્યારે....

અને ફરીવાર આવેલું લાગણીનું વાવાઝોડું એને ક્યાં લઈ જશે?

ગઝલકાર પોતાની માનસિક સ્વસ્થતા ફરી મેળવી શકશે...

પ્રણયની મૌસમ ખીલી ગયા પછી બેઉ એકમેકના હૃદયમાં લાગણીનું વાવેતર કરી શકશે?

કેટલાંક અતીતનાં કિરદાર આવી મળ્યાં. 

નીલિમાની નવલકથાને ફિલ્મમાં બ્રેક મળ્યો. 

બંને મોરિશિયસ જવા ઉતાવળાં થયાં... 

જોકે બંનેનો ઈંતજાર કરી રહી હતી એક એવી હસ્તી...

જે નવપલ્લવિત રિશ્તાને હચમચાવી નાખવા તત્પર હતી... 

બસ મિત્રો, આથી વધુ નવલકથા વિશે ખુદ તમને નીલિમા અને ઉદય રાણે કહેશે…!

વાંચવાનું ચૂકશો નહીં.....! 

એક જબરદસ્ત પ્રણયકથાને...!

***

મુંબઈ-દિલ્હી રાજધાની એક્સ્પ્રેસના એ.સી. કૂપેના વાતાનુકૂલિત વાતાવરણમાં તે હજુયે ઊંઘી રહ્યો'તો. સવારના ચાર વાગ્યા હતાં. નીલિમા સહપ્રવાસી તરીકે છેલ્લા દસ કલાકથી પણ વધારે સમયથી તેની સાથે હતી પરંતુ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. ટ્રેન ઉપડી તે વખતે છેક છેલ્લી ઘડીએ જ તે કૂપેમાં દાખલ થયો'તો અને તરત જ પોતાની બર્થ પર આડો પડી પોતાની ડાયરી વાંચતાં વાંચતાં નિશ્ચિંતતાથી ઊંઘી ગયો હતો. સાડા પાંચ ફૂટ કરતાં વધારે ઊંચાઈ, ગોરો વાન, સુદ્રઢ બાંધો, તેના ચહેરા પર ફરકતી નફિકરાઈ અને તેના કપાળ પર લહેરાતી થોડાક લાંબા વાળની લટો, નીલિમાને આકર્ષી ગઈ હતી. 

નીલિમા મોડી રાત સુધી એક રોમેન્ટિક નવલકથા વાંચી રહી હતી. ત્યાર બાદ તેને ક્યારે ઊંઘ આવી ગઈ તે તેને યાદ નહોતું. તેના મોબાઇલમાં એલાર્મ વાગતાની સાથે જ તે જાગી ગઈ હતી. હવે એકાદ કલાકમાં નીલિમાનું સ્ટેશન આવવાનું હતું. તે ફ્રેશ થવા ટોઇલેટ તરફ ગઈ. પાછી આવી ત્યારે તેનો સહપ્રવાસી જાગી ગયો હતો. નીલિમાએ તેના સહપ્રવાસીને હાસ્ય સાથે "ગુડ મોર્નિંગ" કહી અભિવાદન કર્યું. તેણે બગાસું ખાતાં ખાતાં જવાબમાં "નાઇસ મોર્નિંગ"  કહી ફ્રેશ થવા ચાલ્યો ગયો. 

તે પાછો આવ્યો ત્યારે નીલિમા કૂપેની બારી પાસેની ડેસ્ક પર બે મગ ગોઠવી થરમૉસમાંથી ગરમાગરમ કોફી રેડી રહી હતી. મગની બાજુમાં બિસ્કીટનું મોટું પેકેટ મૂકી તેણે કહ્યું, “ મિ. ઉદય રાણે, કમ ઓન હેવ અ લાઇટ બ્રેક ફાસ્ટ....!“ અજાણી યુવતીના મોઢે પોતાનું નામ સાંભળી તેને થોડું આશ્ચર્ય થયું. 

ઉદય તે બાબતે તે અજાણી યુવતીની પૃચ્છા કરે તે પહેલાં તે બોલી,"આઈ એમ નીલિમા ઠાકુર ! તમે ફ્રેશ થવા ગયા ત્યારે બર્થ નીચે પડેલી તમારી ડાયરી પર લખેલું તમારું નામ મેં વાંચી લીધું'તું. તમારી પરવાનગી વિના મેં તેના પ્રથમ પૃષ્ઠ પર લખાયેલી તમારી દર્દીલી ગઝલ પણ વાંચી લીધી છે. તે માટે મને માફ કરજો. તમારું તખલ્લુસ 'ઉમ્મીદ' મને ખૂબ ગમ્યું છે. માણસે જીવનમાં હમેશાં સારું થવાની આશા અને આકાંક્ષા રાખવી જોઈએ તેવો તમારા તખલ્લુસનો સંદેશ ખૂબ અર્થસભર છે."  

ઉદય જવાબ આપવાના બદલે વિચારવા લાગ્યો.... 'નીલિમા ઠાકુર નામ જાણીતું છે' તે તેની યાદદાસ્ત ઢંઢોળતો'તો ત્યારે બિસ્કીટ મોઢામાં મૂકી તેને ચાવતાં ચાવતાં નીલિમા બોલી,"જનાબ ! ક્યાં ખોવાઈ ગયા ? કોફી ઠંડી થઈ રહી છે." ઉદય તંદ્રામાંથી બહાર આવી કોફીનો મગ હાથમાં લઈ કોફીનો એક નાનો ઘૂંટડો ભરી બોલ્યો,"મિસ. નીલિમા, તમે હિન્દી ભાષાની લેખિકા નીલિમા ઠાકુર ‘ગુલ’ તો નહીં ....?" ઉદયના પ્રશ્નનો નીલિમાએ માથું હલાવી હકારમાં જવાબ આપ્યો. નીલિમાનો હકાર જોઈ ઉદય એકદમ ઊભો થઈ ગયો અને બોલ્યો, "ઓહ....! માય ગોડ, મારું સદભાગ્ય છે કે મને અનાયાસે એક પ્રખ્યાત લેખિકા સાથે કોફી પીવાનો મોકો મળ્યો છે. આઈ એમ ડેમ પ્લીઝડ મે’મ ! મારું અહોભાગ્ય છે પરંતુ અફસોસ એ છે કે એક પ્રખ્યાત ખૂબસૂરત લેખિકા આખી રાત મારી સહપ્રવાસી હતી. મેં તેમના જ્ઞાનનો લાભ લેવાના બદલે આખી રાત નઘરોળની જેમ ઘોર્યાં કર્યું. મને મારી જાત પર નફરત છે !! અફસોસ ! મારા જેવો મૂરખ મેં મારી આખી જિંદગીમાં નહીં જોયો હોય." કહી ઉદયે પોતાના બંને હાથ વડે પોતાના ગાલ પર પ્રહાર કરવા માંડ્યા તે જોઈ નીલિમા ઊભી થઈ ગઈ અને બોલી,"મિસ્ટર. ઉદય....! કંટ્રોલ યોર સેલ્ફ....પ્લીઝ કંટ્રોલ....!" તેણે ઉદયના હાથ પકડી લઈ તેને પોતાના ચહેરા પર પ્રહાર કરતાં અટકાવીને બોલી,"મિસ્ટર. ઉદય, તમે થોડુંક ઓવર બોલી નાખ્યું છે ....!" 

ઉદયને નીલિમાની વાત ન સમજાઈ તેથી તે દિગ્મૂઢ થઈ નીલિમાને તાકી રહ્યો ! નીલિમા તેની મૂંઝવણ જોઈને બોલી, "રિલેક્સ ! મિસ્ટર.ઉદય.... રિલેક્સ....! મારા કહેવાનો મતલબ એ હતો કે મને ઇમ્પ્રેસ કરવા માટે તમે મને 'પ્રખ્યાત અને ખૂબસૂરત લેખિકા' કહી પણ તમારી જાણકારી માટે કહું છું કે હું કોઈ પ્રખ્યાત લેખિકા નથી. હજુ મારી ફક્ત બે લઘુનવલ અને એક વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો છે. હું હજુ એટલી પ્રખ્યાત પણ નથી કે મારા પ્રકાશનો ચપોચપ વેચાઈ જાય. હા, મારા ત્રણેય પુસ્તકો માટે મને કેટલાક ચાહક વાચકોના ઉત્સાહિત કરતા પ્રતિભાવો જરૂર મળ્યા છે....અને રહી વાત ખૂબસૂરત હોવાની તો તે વાત તદ્દન સત્યથી વેગળી છે કેમ કે મારો વર્ણ ડાર્ક છે. તમે મારા ચહેરા પરના શીતળાના ડાઘ હજુ જોયા લાગતા નથી...!" નીલિમાના ચહેરા પર પોતે ખૂબસૂરત ન હોવા અંગેનો વિષાદ ઉપસી આવ્યો હતો.  

ઉદય : "મિસ. નીલિમા, મેં તમારો વાર્તાસંગ્રહ વાંચ્યો છે. તેમાંની તમારી બધી કથાઓ ખૂબ દિલચશ્પ છે પરંતુ તે પૈકીની 'એક અધૂરી કહાની....' વાર્તા મને ખૂબ ગમી છે. તે વાર્તા વાંચતો'તો ત્યારે મને એવું લાગ્યું'તું.... જાણે તે વાર્તા મારા જીવન પરથી લખાઈ ન હોય....! મારું જીવન પણ એ અધૂરી કહાની જેવું જ છે...... પણ અત્યારે જવા દો તે વાત....અને હા, મારી ભીતર મનુષ્યની ખૂબસૂરતી તનની નહીં.... મનની છે. મેં આપની વાર્તાઓમાં નિરૂપણ થયેલી કચડાયેલા મનુષ્યોની વિક્ષિત લાગણીઓના પડઘા પડતા અને તેમાંથી ટપકતા દર્દને માણ્યું છે, અનુભવ્યું છે. જે માણસ અદના આદમીના હૃદયની લાગણીઓ સમજી શકે છે તે જ ખૂબસૂરત છે.... પણ કદાચ, એ વાત આપને નહીં સમજાય." કહી ઉદયે તેની વાત અધૂરી છોડી દીધી.  

નીલિમાનું ઊતરવાનું સ્ટેશન નજીક આવી રહ્યું હતું. તેણે ઉદયને પૂછ્યું,"ક્યાં સુધીનો પ્રવાસ છે?"

ઉદય : "આમ તો ટિકિટ મસૂરી સુધીની છે. દિલ્હીથી ટ્રેન બદલવાની છે પણ હજી મારું કંઇ નક્કી નહીં, હું તો ગમે ત્યાં રોકાઈ જાઉં."

નીલિમા : "પ્રવાસનો કોઈ ઉદ્દેશ્ય તો હશે ને....?"

ઉદય :"આમ જોઈએ તો પ્રવાસ નિરૂદેશ્ય જ છે. મનની અકળામણ અને મૂંઝવણ દૂર કરવા કોઈ શાંત જગ્યાએ થોડો સમય રહી આત્મમંથન કરવું છે. હજુ સુધી હું મારી જાતને ઓળખી શક્યો નથી. થોડોક કન્ફ્યઝડ છું એટલે લોકો સાથેના મારા સંબંધો લાંબા ટકતા નથી. મારે મારી જાત સાથે સંવાદ કરી મને ખુદને ઓળખવો છે. જીવનની કેટલીક ગૂંચો ઉકેલવી છે. મારામાં, કઈ અને ક્યાં ઉણપ છે તેનું આંકલન કરી તેને દૂર કરવી છે."

નીલિમા : "માફ કરજો, થોડોક અંગત પ્રશ્ન છે પણ પૂછ્યા વિના નથી રહી શકતી. તમારી ગૂંચવણોને ઉકેલી શકે તેવું તમારું અંગત કોઈ નથી?" 

ઉદય : "કમનસીબે હું આ જીવનની ડગરનો એકલો પ્રવાસી છું. પિતાને કદી જોયા નથી. માતા પાંચ વર્ષ પહેલાં ભગવાનને પ્યારી થઈ ગઈ છે. યુવાનીના ઉંબરે પગ મૂક્યો ત્યારે એક ખૂબસૂરત હમસફરે મારા જીવનપંથ પર પ્રેમાળ પગલાં પાડ્યા'તાં, પણ હું તેને સમજી ન શક્યો અને ગરબડ કરી બેઠો. તે મારાથી દૂર થઈ ગઈ. ત્યારથી 'ગામમાં ઘર નથી અને સીમમાં ખેતર નથી' જેવો ઘાટ છે. મુંબઈના પરા વિસ્તારમાં એક નાનકડો બુકસ્ટોર ધરાવું છું. જે નોકરોના હવાલે કરી હાલ તો આત્મમંથન માટે ભ્રમણ કરવા નીકળી પડ્યો છું. જોઈએ, હવે આ રાહ ક્યાં લઈ જાય છે."

ઉદયના ચહેરા પર ઉદાસીનતાના બદલે બેફિકારાઈ રમતી હતી. 

     નીલિમાએ વિષય બદલવા ઉદયને પૂછ્યું,"તમારો કોઈ ગઝલ સંગ્રહ પ્રસિધ્ધ થયો છે?"

ઉદય : "મારા પર વિશ્વાસ મૂકી મારા જેવા અજાણ્યા ગઝલકારની ગઝલોની છપાઈ પાછળ કરેલો ખર્ચ ડૂબાડી દેવાની હિંમત કરે એવો કોઈ વિરલો પ્રકાશક કદાચ હજુ સુધી આ દુનિયામાં પેદા થયો નથી. દેખતે હૈ આગે આગે હોતા હૈ ક્યા....!" 

નીલિમાને ઉદયનો એ જ બેફિકરાઈભર્યો અંદાજ ગમ્યો અને ઉદય પર વારી ગઈ.

નીલિમા થોડીવાર વિચારોમાં ખોવાઈ ગઈ. તેને ઉદયની નિખાલસતા ખૂબ ગમી હતી. થોડું વિચારીને તે બોલી," હવે મારું સ્ટેશન આવવામાં છે. હું કોટા શહેરથી થોડે દૂર ચંબલ નદીના કિનારે આવેલ સૂરજપુર નામના એક નાનકડા ગામની વતની છું. ત્યાં મારા નાનાજી, ઠાકુર બલદેવસિંહ રહે છે. તેમની વડીલોપાર્જિત થોડીક જમીન છે. સુંદર મજાની હવેલી છે. તેઓ ત્યાં એકલા જ રહે છે. તેમને ઘોડા પાળવાનો અને ઉછેરવાનો શોખ છે. તેમણે ત્યાં એક નાનકડું સ્ટડ ફાર્મ (Stud Farm) ઊભું કર્યું છે. મને ગામડું ખૂબ ગમે એટલે હું અવારનવાર ત્યાં જાઉં છું. નાનાજી સાથે થોડાક દિવસો પસાર કરી તાજીમાજી થઈ પાછી મુંબઈ આવી જાઉં છું. મારી કલ્પનાઓની દુનિયામાં ખોવાઈ જાઉં છું. જો તેઓ ઈચ્છશે તો હું તેમને હવે મારી સાથે રહેવા મુંબઈ લાવીશ.... નહીંતર કદાચ, હું કાયમ માટે મુંબઈ છોડી સૂરજપુર આવી જઈશ. જો તમે ઈચ્છો તો તમે મારા મહેમાન થઈ શકો છો. નાનાજીની હવેલી ખૂબ મોટી છે....એટલે રહેવા માટે કોઈ અગવડ પડશે નહીં. તેમની હવેલી કરતાં તેમનું દિલ મોટું છે. ખૂબ ફની અને જિંદાદિલ માણસ છે. તમને તેમની કંપની જરૂર ગમશે. તમે ઈચ્છો તો તમારા આત્મમંથન માટે તમે ત્યાં ચાહો તેટલો સમય રોકાઈ શકો છો. આપને કોઈ અગવડ પડશે નહીં. બાકી આપની ઈચ્છા. બોલો ! આવવું છે મારી સાથે....?"

ઉદય, નીલિમાને અનિમેષ નયને તાકી રહ્યો. તેની આંખોમાં શૂન્યતા હતી. તે કોઈ ઊંડા વિચારમાં હતો. નીલિમાની ઓફર અણધારી અને વિચાર માંગી લે તેવી હતી. 

તેણે થોડુંક વિચારી કહ્યું,

"નીલિમાજી! આપના આમંત્રણ માટે ખૂબ ખૂબ આભાર.... કદાચ, હું મસૂરી જવાનું વધુ પસંદ કરીશ."

નીલિમા : “ ઓકે! એઝ યુ વિશ. બાકી સૂરજપુર તમને નિરાશ નહીં કરે તેવો મારો વિશ્વાસ છે.” 

ટ્રેનની ગતિ ધીમી થવા લાગી હતી. નીલિમાને પોતાની બેગો દરવાજા તરફ ખસેડવાની શરૂઆત કરતી જોઈ ઉદય ઊભો થયો. નીલિમાની બંને બેગો પોતાના હાથમાં ઉપાડી સ્ફૂર્તિથી દરવાજા પાસે પહોંચી ગયો. નીલિમાએ પોતાના માથામાં કાંસકો ફેરવી વાળ સરખા કર્યાં. હેન્ડબેગમાંથી નાનો અરીસો કાઢી ચહેરો જોઈ લીધો. તે પણ દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ. આ સ્ટેશન પર આ ટ્રેન ફક્ત ત્રણ મિનિટ જ રોકાતી હતી એટલે ઉતરનાર પ્રવાસીઓ દરવાજા પાસે આવી ગોઠવાઈ ગયા હતા. ટ્રેન પ્લેટફોર્મ પર આવી પહોંચી ત્યાં સુધી નીલિમા અને ઉદય વચ્ચે કોઈ વાતચીત ન થઈ. બંને મૌન હતાં પણ તેમના મનમાં વિચારોનું ઘમસાણ ચાલતું હતું. 

ટ્રેન ઊભી રહી એટલે ઉદય નીલિમાની બંને બેગ લઈ નીચે ઊતરી ગયો. તેણે તે બેગો પ્લેટફોર્મ પર ગોઠવી કુલીને બૂમ પાડી. ત્યાં સુધીમાં નીલિમા પણ ટ્રેનમાંથી નીચે ઊતરી ચૂકી હતી. નીલિમાને લેવા ઠાકુર બલદેવસિંહનો નોકર રામુ કાકા આવી આવી ગયા’તા. રામુ કાકા કુલીના માથે બેગો ચઢાવી ચાલતા થયા. નીલિમા થોડીવાર પ્લેટફોર્મ પર ઉદય પાસે ઊભી રહી. ગાડી ઉપડવાની વ્હિસલ વાગી ત્યાં સુધી બંને જણા નિરર્થક વાતો કરતા રહ્યાં. બંનેના મનમાં કોઈ ગડમથલ ચાલતી હતી. ગાર્ડની સીટી વાગતાં જ ઉદય ઝડપથી દોડીને કંપાર્ટમેન્ટમાં ચઢી ગયો. 

નીલિમાને ઉદયનું વર્તન વિચિત્ર લાગ્યું. તે ‘આવજો’ કહેવાની સૌજન્યતા દાખવ્યા સિવાય અણગઢ ગામડીયાની જેમ મૂર્ખામી દર્શાવી ચાલ્યો ગયો તેનું નીલિમાને માઠું લાગી ગયું હતું. તેણે એક નિસાસો નાખી ઉદાસ હદયે સ્ટેશનની બહાર નીકળવા પ્લેટફોર્મ પર પગલાં ભરવા માંડયાં.

[ ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Romance