Abid Khanusia

Thriller Drama

3.0  

Abid Khanusia

Thriller Drama

સફેદ રૂમાલ

સફેદ રૂમાલ

5 mins
699


અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં ભરચક મેદની વચ્ચેથી પસાર થતા અલ્તાફને પોતાની અટકથી સંબોધનાર કોઈ મહિલાના કર્ણમધુર આવજમાં બોલાયેલા શબ્દો “મિ.લાલીવાલા.!” સાંભળી તેણે આજુબાજુ નજર કરી પરંતુ બોલાવનાર કોઈ મહિલા જણાઈ નહિ. પોતાને ભ્રમ થયો હશે તેમ માની તે આગળ વધવા જતો હતો ત્યાંજ તેની સમક્ષ સોનાના હીરા જડીત આભૂષણો પહેરેલી એક જાજવલ્યમાન માનુનીનો ચહેરો ઉજાગર થયો. એક પળમાં અલ્તાફે તે માનુનીને ઓળખી લીધી અને બોલ્યો “ જયા વસાવડા તો નહી.?!!” જયાએ સંમતિ સૂચક મૃદુ હાસ્ય વેરી અલ્તાફનો હાથ પકડી લીધો. બંને જણા લગભગ ૩૫ વર્ષ પછી મળતા હતા. કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડી ચાલી ગયેલી યુવતી જયા વસાવડા આજે તેની સમક્ષ એક માલેતુંજાર ઘરની મહિલા તરીકે ઉભી હતી. ભીડમાં ભૂતકાળને વાગોળવાની અનુકૂળતા નહી રહે તેમ માની બંને જણા થોડુક ચાલી નજીકમાં રીલીફ રોડ પર આવેલી એક આધુનિક રેસ્ટોરન્ટમાં દાખલ થયા. હળવા નાસ્તાની વાનગીઓનો ઓર્ડર આપી જયાએ સસ્મિત ચહેરે અલ્તાફ સામે જોઈ અલ્તાફને સીધોજ પ્રશ્ન કર્યો “ અલ્તાફ, કેવી છે તારી જિંદગી ?”


 અલ્તાફે પોતાની જિંદગી વિષે જણાવતાં પહેલાં જયાને પૂછ્યું “ જયા, તમારે કેમ અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો હતો?” 

જયાએ અલ્તાફનો હાથ પોતાના હાથમાં લઇ કહ્યું.” ડોન્ટ બી ફોર્મલ, અલ્તાફ. મને “તમે” ની જગ્યાએ “તું” તરીકે સંબોધીશ તો મને વધારે ગમશે.”


 એક પળ પછી જયા બોલી, અલ્તાફ, મારા અભ્યાસ છુટી જવાના મૂળમાં તું હતો.” 

જયાનો આક્ષેપ સાંભળી અલ્તાફ ડઘાઈ ગયો. જયાના અભ્યાસમાં અડચણ રૂપ થયો હોવાનું અલ્તાફને કંઈ યાદ ન હતું. અલ્તાફના ચહેરાના હાવભાવ જોઈ જયા માર્મિક હસીને બોલી “ અલ્તાફ ડઘાઈ જવાની જરૂર નથી ! કેમકે મારા અભ્યાસમાં તેં જરૂર અંતરાય ઉભો કરેલ હતો પરંતુ તે બાબતથી તું તદ્દન અજાણ હતો માટે તારે અત્યારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી !.” 


જયાએ આગળ ચલાવ્યું, “ કોલેજમાં મોંઘી ગાડી લઇ ભણવા આવતા ખુબ ઓછા વિદ્યાર્થીઓ પૈકી એક તું પણ હતો. તારા સોનેરી ફ્રેમના મોઘાં ચશ્માં, ઉજળોવાન અને ફાંકડું અંગ્રેજી બોલવાની અદા પર હું વારી ગઈ અને તને મનોમન પ્રેમ કરી બેઠી પરંતું તું મને ભાવ આપતો ન હતો તેમ છતાં મેં એક તરફી પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું. મેં આપણી સાથે ભણતી તારા સમાજની છોકરી મુમતાજને મારા પ્રેમની વાત કરી તો તેણે જણાવ્યું કે તું તારી બચપણની દોસ્ત મેહઝબીન, કે જેને તું “તારા” કહીને બોલાવતો હતો, ને ખુબ ચાહે છે. એ હકીકત જાણવા છતાં હું તમે મનોમન ચાહતી રહી. આપણે કોલેજના આઇડેન્ટિટી કાર્ડ માટે કોલેજની સામે આવેલ જે સ્ટુડીઓમાં ફોટો ખેંચાવતા હતા ત્યાં જઈ મેં તારો એક પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો મેળવી લીધો. હું તારો ફોટો મારા પુસ્તકોમાં સંતાડી રાખતી હતી. એક દિવસે મારો મોટો ભાઈ તારો ફોટો જોઈ ગયો. તેણે ઘરમાં સૌને વાત કરી. ઘરમાં વાતાવરણ તંગ થયું. એક બ્રાહ્મણ યુવતીના એક મુસ્લિમ યુવાન સાથે તે જમાનામાં લગ્ન થવા અસંભવ હતા તેથી આગળ વાત વધે તે પહેલાં મારા લગ્ન કરાવી દેવાનો મારા માતા પિતાએ નિર્ણય લીધો. મુંબઈમાં ગારમેન્ટસ એક્સ્પોર્ટનો ધીકતો ધંધો કરતા પુરોહિત પરીવારમાં મારો સબંધ કરી તાત્કાલિક લગ્ન કરી દેવાયા. 


મારા લગ્નના થોડાક દિવસો આગાઉ કેટલાક અંગત મિત્રોને અને ખાસ કરીને તને મળવા હું છેલ્લીવાર કોલેજમાં આવી હતી. રિસેસ વખતે હું કલાસરૂમમાં તને મળવા આવી પરંતું તું હાજર ન હતો એટલે હું મારી યાદગીરી રૂપે મારા હાથે એક સફેદ રૂમાલમાં તને મન પસંદ મોગરાના ફૂલનું લાલ રંગના રેશમી દોરામાં, કલાત્મક ભરતકામ કર્યું હતું અને તે ઉપરાંત રૂમાલના એક ખૂણામાં તારા નામનો પ્રથમ અંગ્રેજી અક્ષર “એ” અને મારા નામનો પ્રથમ અંગ્રેજી અક્ષર “જે” શબ્દની રચના કરી તેના ઉપર તને પસંદ મોગરાના અત્તરનો ભરપુર છંટકાવ કરી કોઈ મને ત્યાં કોઈ જોઈ જાય તે પહેલાં તારા ચોપડામાં ગોઠવી હું ચાલી નીકળી હતી.” 


જયાએ આગળ કહ્યું, “અમારું લગ્ન જીવન ખુબ સુખી છે. મારા પતિ અશ્વિન ખુબ જ માયાળુ છે. મારે બાળકોમાં એક દિકરો અને એક દિકરી છે. જમાઈ ઓસ્ટ્રેલીયામાં સેટલ થયેલ હોવાથી દિકરી હાલ ત્યાં છે. મારો દિકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને અમારો ધંધો સંભાળે છે. દિકરીના સાસરા પક્ષે એક પ્રસંગમાં અમે હાજરી આપવા મુંબઈથી અમદાવાદ આવ્યા છીએ. મારા પતિ અને પુત્ર એક પાર્ટીને મળવા આશ્રમ રોડ બાજુ ગયા છે. હું જુના અમદાવાદનો નજારો માણવા અહીં આવી તો તારો સુખદ ભેટો થઇ ગયો જેનો મને ખુબ આનંદ છે.” ટેબલ પર પડેલ ગ્લાસમાંથી પાણીનો એક ઘૂંટડો ભરી, જયા વસાવડાએ જાણે પોતાની કહાની પૂરી થઇ હોય તેમ માની અલ્તાફને ફરીથી પૂછયું “હવે બોલ અલ્તાફ, કેવી છે તારી જિંદગી ?” શું કરે છે તારી “તારા” આઈ મીન મેહઝબીન...?”


જવાબ આપતાં પહેલાં અલ્તાફ એક ક્ષણ અચકાયો. તેના ચહેરા પર થોડોક વિષાદ છવાયો પરંતુ હિંમત કરી અલ્તાફ બોલ્યો. “ જયા, કમનસીબે, અમારા અને મેહઝબીનના કુટુંબ વચ્ચે વેપારને લગતા વિવાદના કારણે મારા અને મેહઝબીનના લગ્ન થઇ શકયા ન હતા. મારા લગ્ન અન્ય કુટુંબની યુવતી નિલોફર સાથે થયા છે. મારે બે દીકરીઓ અને એક દીકરો છે. અમારું જીવન ખુબ સુખી છે. મેહઝબીનના લગ્ન પણ ખુબ સમૃદ્ધ કુટુંબમાં થયા હતા. તે પણ આર્થિક રીતે ખુબ સુખી હતી પરંતું તેની પ્રથમ પ્રસુતિ વખતે કોમ્પ્લીકેશન્સ થવાથી તે એક દીકરીને જન્મ આપી મૃત્યુ પામી હતી. મેહઝબીનની દીકરીનું મારા દીકરા સાથે લગ્ન કરાવી મે મેહઝબીનના પ્રેમનું ઋણ અદા કર્યું છે.”


અલ્તાફે આગળ ચલાવ્યું, “ જયા સફેદ રુમાલની ભેટનું રહસ્ય આજ સુધી મારા માટે એક વણઉકલ્યો કોયડો હતો. જે કોયડો આજે ઉકેલી તેં મારા પર ખુબ મોટો ઉપકાર કર્યો છે. લાખ કોશિશો કરવા છતાં મારા ચોપડામાં કોણ આ ભેટ મૂકી ગયું છે તે હું સમજી શકયો ન હતો. કલાત્મક ભરતકામથી મારા નામના પ્રથમ અંગ્રેજી અક્ષર “એ” નો ભેદ તો હું ઉકેલી શકયો હતો પરંતું અંગ્રેજી અક્ષર “જે” શબ્દ કોની પ્રતિકૃતિ છે તે ઉકેલવામાં નિષ્ફળ ગયો હતો. આપણા સાથે તેમજ અન્ય વર્ગોમાં ભણતી, જયશ્રી, જશોદા, જક્ષણી, જયવંતી, જસ્મીન, જેસીકા વિગેરે નામો પર મેં ખુબ વિચાર કર્યો હતો. તારા જવા પછી પણ તે સૌ યુવતીઓ મારા સહઅભ્યાસી હતા પરંતું કદી કોઈએ મારા તરફ પ્રેમની કોઈ લાગણી દર્શાવી ન હતી તેથી તે પૈકી કોઈની આ ભેટ નથી એટલું હું કળી શકયો હતો. તેં અભ્યાસ છોડી દીધો હતો અને મેં કદિ તારા તરફ એ દ્રષ્ટી એ જોયું ન હતું અને તેં કદિ મને તે બાબતે અણસાર પણ આપ્યો ન હતો એટલે મારું ધ્યાન તારા તરફ ન ગયું. હું મેહઝબીનના પ્રેમમાં એટલો ગળાડૂબ હતો કે મેહઝબીન સિવાય મેં કોઈના સપના જોયા ન હતા પરિણામે મારા માટે તે “સફેદ રૂમાલ” હમેશાં રહસ્યમય રહ્યો. મેં તેને કોઈકના પ્રેમની યાદગીરી રૂપે હજુય સંગ્રહી રાખ્યો છે. સમયાંતરે હું જાતે તે રૂમાલ ધોવું છું. મારી પત્ની નિલોફરે તેને મેહઝબીનની યાદગીરી સમજી તે બાબતે મને આજદિન સુધી કોઈ પ્રશ્ન કર્યો નથી અને મેં પણ તે બાબતે કોઈ ચોખવટ કરવાનું ઉચિત માન્યું નથી. જયા... ખરેખર તો હું તારો અપરાધી છું !. તારા પ્રેમની પ્રતિકૃતિ એવા સફેદ રૂમાલને જોઇને પણ હું મારા હદયમાં તારા પ્રેમનો પડઘો પાડી ન શકયો તેનો મને ખેદ છે !. શક્ય હોય તો મને માફ કરી દેજે. હવે તો એ સફેદ રૂમાલ ઘસાઇને જીર્ણ થઇ ગયો છે પરંતું તેમાંનું ભરતકામ હજીય અકબંધ છે.”


“અલ્તાફ તેં તે રૂમાલને એક અજાણી યાદગીરી રૂપે હજુ સુધી સાચવી રાખી મારા પ્રેમને જીવંત રાખ્યો છે જે માટે તારો આભાર.“ બોલી જયા વસાવડા પુરોહિતે તેના હાથ અલ્તાફના હાથ પર મુકયો. 


અલ્તાફને જયાના હાથની હૂંફે તેના તેની તરફના અસીમ પ્રેમનો શક્ષાતકાર કરાવ્યો. અલ્તાફે પોતાની આંખો મીંચી મનમાં “સફેદ રૂમાલ”ને પોતાના માનસ પટલ પર લાવી એક ઊંડો શ્વાસ ખેંચી તેમાંથી ઉભરાતા જયાના પ્રેમને માણી જયાના પ્રેમનો પ્રતિઘોષ પાડ્યો.     


Rate this content
Log in

Similar gujarati story from Thriller