Amrut Patel 'svyambhu'

Romance Tragedy

4.2  

Amrut Patel 'svyambhu'

Romance Tragedy

સફેદ જૂઠ - ૧

સફેદ જૂઠ - ૧

4 mins
577


કેસ ફાઈલ લઈ ઉતાવળે પગલે આકાશ ઓફિસની બહાર નીકળ્યો. ફૂટપાથ પસાર કરી જેવો આગળ વધ્યો ત્યાં- સામા છેડે ફૂટપાથ ઉપરથી પસાર થતી એક યુવતી ઉપર તેની નજર પડી.

 રોડ ક્રોસ કરતા તે અટક્યો. યુવતીની નજર પણ તેના ઉપર જ હતી. આકાશ કાંઈ સમજે તે પહેલા રોડ ઉપરથી પસાર થતા વાહનોએ બંને વચ્ચે અંતરાય ઊભો કર્યો.

 આકાશને મનમાં સંશય થયો. તે અહીં ક્યાંથી ? તે ના હોય તો ? અજાણ્યા શહેરના જાહેર માર્ગ ઉપર પરાઈ સ્ત્રી તરફ આમ..

 તે આગળ વિચારે તે પહેલા રસ્તો ક્રોસ કરી પેલી યુવતી જ આકાશની સામે આવી ઊભી રહી !

 વરસો પછી પણ બંનેએ એકબીજાને ઓળખી લીઘા.

આકાશે પ્રશ્ન કર્યો;' અરે દિલુશા તું.. ?'

' મારે પણ આજ જાણવું છે કે તું અહીં ક્યાંથી ?' યુવતીની આંખની કિનારી ભીની બની. વરસો પછી આમ અચાનક જ ભેટો થશે તેવી કલ્પના પણ નહોતી. તે ઉતાવળમાં હતી તેમ છતાં આકાશને જોતા શાંત થઈ. વરસો પછી મળેલા આપ્તજનનો આનંદ બંનેના ચહેરા ઉપર ઊભરાતો હતો.

 બંને નજીકનાં કાફે સેન્ટરમાં બેઠા. આકાશે વાતની શરૂઆત કરી.

' હમણાં થોડા દિવસ પહેલા જ અહીં ક્રાઈમ બ્રાન્ચની હેડ ઓફિસે પોસ્ટિંગ થયું છે. શહેરમાં પહેલીવાર જ આવું છું. પેલા સામેનાં બિલ્ડિંગમાં મારી ઓફિસ છે. આકાશે પાણીનો ઘૂંટડો ભર્યો. તેની નજર પાણીનો ઘૂંટડો ભરતી દિલુશા ઉપર ઠરી.

 આંખ ઊંડી ઉતરી ગઈ હતી. તેમજ આંખની આજુબાજુ કાળા કુંડાળા ઉપસી આવ્યા હતાં. ચહેરો નિસ્તેજ બની ગયો હતો. અને એટલ જ તો પહેલીવાર તેને જોતા ઓળખવામાં ભૂલ તો નથી કરતો ને તેવો તેને મનમાં સંશય ઊઠ્યો હતો. ક્યાં એક સમયની હૂર જેવી દિલુશા. હોઠ તો જાણે ગુલાબની પાંખડી જ જોઈ લ્યો. ખિલતો ભરાવદાર ચહેરો. પાણી પીવે તો ગળે પાણી દેખાય તેવી ગામમાં વાત થતી. અને ક્યાં આજની દિલુશા. સફેદ પૂણી જેવી. આસમાન જમીનનું અંતર હતું. સમયના વહેણમાં ફળદ્રુપ કાપનો કિનારો જાણે રેગિસ્તાન બની ગયો હતો.

 ' તું તો હજુ પણ અદ્દલ પહેલા જેવો જ લાગે છે.' દિલુશાની વાતે આકાશની વિચારધારા તૂટી.

 ' અને તું તો… ? આકાશના હોઠ સુધી શબ્દો આવી ગયા. તે બોલવા જતો હતો પણ તેણે હસવાનો પ્રયત્ન કરતા પાણીના ઘૂંટડા સાથે શબ્દોને પાછો ઊતારી ગયો. દિલુશાની પૂરી પરિસ્થિતિથી વાકેફ થયા વગર મૌન રહેવું તેને ઉચિત જણાયું.

ગામનાં રહીમ ચાચાનાં આંગણામાં પતંગિયા જેવી ઉછરતી કુદતી દિલુશા. ગામનાં નવયુવાનો તેની લાવણ્યભરી જવાની ઉપર ફીદા હતાં. તેને જોતા જ પોતાની બનાવવાનાં સ્વપ્નો સેવતા હતાં. આ બધામાં એક ભાગ્યશાળી યુવાન હતો તે… રાજન !

દિલુશા રાજનને દિલ દઈ બેઠી હતી. એક દિવસે રાજન - દિલુશાનાં પ્રેમનો વંટોળ ફૂંકાતો રહીમ ચાચાની ઘર તરફ વળ્યો. બંનેનો પ્રેમ પાંગરી કળીમાંથી પુષ્પ બનીને ખીલવાની તૈયારીમાં હતો ત્યાં- રહીમ ચાચાની કાને વાત પડી. તેમણે ઊંડો આઘાત અનુભવ્યો. મુસ્લિમ બિરાદરીમાં તેઓ મોભાનું સ્થાન ધરાવતા હતાં. આખી જ્ઞાતિમાં તેમની એક અલગ ઈજ્જત હતી. 

 રહીમ ચાચાને આ બની બનાવેલી ઈજ્જત પળવારમાં મિટ્ટીમાં મળી જતી લાગી. ઈજ્જતને ડાઘ લાગે તે પહેલા તેમણે એક ઉપાય શોધી કાઢયો. એક રાતે ગામમાં કોઈનેય ખબર ન પડે તે રીતે દૂરના શહેરમાં તેમનાં રિસ્તેદારને ત્યાં દિલુશને મૂકી આવ્યા. આમ દિલુશા ગામથી ગઈ તે ગઈ !

અને આજે વરસો પછી આકાશને અચાનક જ મળી ગઈ.

 આકાશે આશ્ચર્યથી પૂછ્યું, ' તું અહીં ક્યાંથી ?'

' અહીંથી થોડી જ દૂરમાં ગ્રીનપાર્ક ની ડાબી બાજુએ સહવાસ ફ્લેટ પાસે અમારી ચાલી છે. ચાલીમાં વચ્ચેની લેનમાં લાઈટના થાંભલા પાસે જ સરબતી રંગનું અમારું મકાન છે. મારો આદમી ને બે બાળકો સાથે રહું છું. દિલુશાને ગળે શોષ પડ્યો. તેણે પાણીનો ગ્લાસ ઊઠાવ્યો.

 ' પણ આટલા વરસો સુધી તને ગામની યાદ જ નહીં આવી ? આકાશ આશ્ચર્યથી જોઈ રહ્યો.

' યાદ તો ઘણી ઘણી આવતી રહી પણ આ અજાણ્યા શહેરમાં તે રાતે અબ્બાજાં મૂકી ગયા તે પછી ક્યારેય દેખાયા જ નહોતા. એક દિવસે ગામથી એવો સંદેશો મોકલ્યો કે ગામમાં ફરી આવવાનો કોઈ મકસદ જ ન રહયો.' છલકાઈ ઊઠેલી આંખને તેણે ચૂપચાપ લૂછી નાખતા આગળ બોલી;' આકાશ, મારે તારી સાથે જી ભરીને વાત કરવી છે… પણ.'

' પણ શું ?!'

' હું કાંઈ છૂપાવવા નથી માંગતી, મારો આદમી થોડો વહેમી છે. અત્યારે તે ઘેર નથી જો તને કોઈ વાંધો ના હોય તો આ થોડું કામ હું માર્કેટમાં આપી આપણે સાથે જ મારે ઘેર જઈ નિરાંતે વાતો કરીશું ?'

આકાશ મુંઝાતા બોલ્યો;' દિલુશા, અત્યારે મારે એક અગત્યની મિટીંગ છે તે પછી એક અગત્યનાં કેસ માટે બહારગામ જવું પડે તેમ છે એટલે જો તને કોઈ વાંધો નહીં હોય તો આવતા શનિવારે હું તારે ત્યાં જરૂરથી આવીશ.

 ' ભલે, તને જે સારું લાગે તે… પણ સવારે દશ વાગ્યા પછી જ આવજે કારણ હસન નવ વાગે ધંધે જાય છે. અને હા, ચોક્ક્સ આવજે હું તારી બેસબરીથી રાહ જોઈશ. બોલતા દિલુશાની આંખ ભરાઈ ગઈ. તે સાથે તે માર્કેટ રોડ તરફ ચાલી ગઈ.

 આકાશ તેને ક્યાંય સુધી જોઈ રહ્યો.

 (ક્રમશઃ)

-સ્વયંભૂ

-દિલુશા આકાશ સાથે જી ભરીને કઈ વાત કરવા માગતી હતી ?

- ગામથી ક્યો સંદેશો આવ્યો કે જેથી દિલુશાને ગામમાં ફરી જવાનો કોઈ મકસદ જ ન રહયો.

- દિલુશાથી અલગ થયા પછી રાજનનું શું થયું હશે ? 


Rate this content
Log in

Similar gujarati story from Romance