nayana Shah

Tragedy

4  

nayana Shah

Tragedy

સંવેદનાનું સરાેવર

સંવેદનાનું સરાેવર

6 mins
400


આભા વિચારતી હતી કે ભગવાને અમુક વ્યક્તિને માત્ર પૃથ્વી પર દુઃખી કરવા જ મોકલ્યા હોય છે. મારી જિંદગીનુ શું ! આજે પણ મારે આખી રાત તારા ગણીને જ વિતાવવાની છે ?

કહેવાય છે કે "નેકી કર, કુવે મેં ડાલ" પરંતુ નેકી કરનારની પોતાની જિંદગી નથી હોતી ! લોકો વખાણ કરે પરંતુ એ વ્યક્તિની લાગણીઓ વિષે કયારેય વિચારે છે ? સંતાનની ફરજ માબાપની ઈચ્છા પૂર્તિ માટે જ હોય છે ! માબાપને ખાતર બલિદાન આપનારની સમાજમાં વાહ વાહ થાય છે. માબાપ પણ માને છે કે તેઓ માનસન્માનને યોગ્ય છે. આભા વિચારતી હતી કે કોઈના વખાણ કરવા કેટલા સહેલા છે ! એને જિંદગીમાં કેટલી યાતનાઓ ભોગવી એ કયાં કોઈ જાણે છે !

જયારે જયારે એની બહેનપણીઓ મળે છે ત્યારે ત્યારે દરેકના મુખ પર સંતોષનું સ્મિત હોય અને સાથે સાથે એકાદ બે એના બાળકો પણ હોય. પણ પોતાની પાસે શું હતું ? એની ઉંમર પણ હવે તો પચાસ વર્ષની થઈ ગઈ હતી. આટલા મોટા ઘરમાં એ એકલી જ હતી. વાત કરનાર કે વાત સાંભળનાર પણ કયાં કોઈ હતું ! બહેનપણીઓ સાથે પણ સંપર્ક કયાં રહ્યો હતો ! વર્ષો પછી બધા જોડેનો સંપર્ક પણ ઓછો થઈ ગયો હતો.

એક સમય એવો હતો કે એનો ફોન સતતપણે રણકતો રહેતો હતો અને આજે એ નિરાશ વદને રાહ જોઈ રહી હતી કે કોઈ વાર તો ફોનની રિંગ સાંભળવા મળે. શરૂઆતમાં નોકરી છોડ્યા પછી ઘણા બધા એની સાથે વાત કરવા પ્રયત્ન કરતાં પણ એનો એક જ જવાબ, "હાલ મારી પાસે સમય નથી. આપણે પછી વાત કરીશું. " ત્યારબાદ એની પાસે ફોન કરવાનો સમય પણ રહેતો નહિ. ધીરે ધીરે એના ફોન આવતાં પણ લગભગ બંધ થઈ ગયા હતા. જયારે એ સ્કૂલમાં નોકરી કરતી હતી ત્યારે હમેશાં એને બાળકો વિંટળાયેલા જ રહેતાં. એને બાળકો અતિ પ્રિય હતાં. સવારની સ્કૂલ હતી તેથી સવારે સાત વાગે એ ઘેરથી નીકળી જતી બપોરે દોઢ વાગે ઘેર આવતી. એની મોટી બહેનને સરકારી નોકરી હતી. માબાપનું માનવું હતું કે સરકારી નોકરી હોય તો દિકરીને સારૂ ઘર અને વર મળે.

એવામાં જ એની મમ્મીની તબિયત બગડતી જતી હતી. આભા ઘેર આવે ત્યારે રસોઈ પણ તૈયાર ના હોય કારણ એની બહેન કહેતી કે હું તો ઓફિસની કેન્ટીનમાં જમી લઈશ.એના પપ્પા કહેતાં, "હું લારીમાંથી વડાપાંવ ખઈ લઈશ." આભા ખૂબ થાકી જતી હતી પરંતુ એની મમ્મી કહેતી, "બેટા, તને તકલીફ પડે છે એ હું જાણું છું પણ શું કરૂ ? તારા સિવાય કોઈ મારૂ કરે એવું નથી. તું જ મારો સહારો છું. તારી બહેન રાણકી તો સ્પષ્ટ ના કહી દે છે કે, "મારાથી કંઈ નહિ થાય હું ઓફિસના કામથી થાકી જઉં છું." આભા મમ્મીની આંખોમાં આંસુ જોઈ એ પોતે પણ રડી પડતી.

એવામાં જ રાણકીનું નક્કી થયું. પિતાને તો ખાનગી પેઢીમાં નોકરી હતી. ખાસ પગાર ન હતો. પણ એમને વિશ્વાસ હતો કે અત્યાર સુધી દિકરી કમાઈ છે એટલે એના લગ્નનો ખર્ચ તો એ કાઢશે. પરંતુ રાણકીએ તો કહી દીધું કે ,"માબાપની ફરજ છે કે બાળકોના લગ્ન માટે દર મહિને થોડા થોડા પૈસા જુદા રાખવા જોઈએ. મારે મારા ભવિષ્યનો તો વિચાર કરવો પડે ને ! હું તમને કશું ય આપવાની નથી."

એ રાત્રે એના પપ્પા પોક મૂકીને રડતાં હતાં. પત્નીને કહી રહ્યાં હતાં, "હવે મારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી હું આત્મહત્યા કરી લઈશ."રાણકી તો કંઈ ના બોલી. એને તો મમ્મી પપ્પા રડે કે આત્મહત્યા કરે એની સાથે એને કોઈ જાણે કે નિસ્બત જ ન હતી. એ તો એના રૂમમાં જતી રહી પણ આભા એનાં મમ્મી પપ્પાને રડતાં જોઈ એ પણ રડવા લાગી. આખરે એ બોલી, "મારી અત્યાર સુધી જે બચત છે એ બધી તમે લઈ લો. પણ ઈશ્વરને ખાતર તમે આવા વિચારો ના કરો." આભાએ એની બધી બચત બહેન ના લગ્નના ખર્ચ નિમિત્તે આપી દીધી. લગ્ન તો ધામધૂમથી પતી ગયા.

ત્યારબાદ અવારનવાર દિકરીના ફોન આવતાં કે એને સાસરીમાં નથી ફાવતું. વારંવાર એ પિયર આવ્યા કરે. જો કે એ દરમ્યાન એ બે જોડકાં દિકરાઓની મા બની ગઈ પણ એને કહી દીધું હું હવે સાસરે નથી જવાની. એ દરમ્યાન એની મમ્મીની તબિયત બગડતી જ ગઈ. ડોકટરો એ કહી દીધું કે કેન્સર છેલ્લા સ્ટેજમાં છે. થાય એટલી ચાકરી કરો. રાણકી તો ઘરમાં જાણે કે મહેમાન બનીને જ આવી હતી. પપ્પા પાસેની બચત પણ દવાઓમાં વપરાઈ ગઈ હતી. એની મમ્મીને વારંવાર દવાખાને લઈ જવી પડતી હતી. રજાઓ લેવાના કારણે એના પપ્પાને નોકરીમાંથી છૂટા કરી દીધા. જે થોડી ઘણી આવક આવતી હતી એ પણ બંધ થઈ ગઈ. એની મમ્મી કહેતી, "આભા, તું મારી પાસે બેસ. તું મને છોડીને કયાંય ના જઈશ." આભા સ્કૂલમાં રજાઓ લેતી જ રહી પરિણામ સ્વરૂપ એને પણ નોકરીમાંથી છૂટી કરી દીધી.

રાણકી એના બે છોકરાંઓને મૂકીને ઓફિસ જતી રહેતી. એ તો કહેતી, "મારા સાસરિયાં તો લાલચી, લોભી ને નાલાયક છે. આ એમનાં જ અંશ છે. મને એમના પ્રત્યે કોઈ જાતની લાગણી નથી. "

પરંતુ આભાને તો પહેલેથી જ બાળકો ગમતાં હતાં. તેથી મમ્મીની ચાકરી કરવાની સાથે સાથે બંને બાળકોને પણ એ પ્રેમથી ઉછેરવા લાગી. બંને બાળકો તો જાણે આભાને જ એમની મા સમજતાં હતાં. સમય જતાં એની મમ્મી મૃત્યુ પામ્યા. પપ્પાની નોકરી તો હતી જ નહીં. આભા એ નોકરી માટે ઘણા પ્રયત્ન કર્યા. પણ નોકરી ના મળી. પપ્પાને એક દુકાનમાં નામું લખવાનું કામ મળ્યું .પરંતુ હવે એમને ઉંમરને કારણે થાક લાગતો હતો. આભા બંને બાળકોને સાચવતી તેથી કોઈને પણ આભાના લગ્ન કરવા જોઈએ એવો વિચાર જ ના આવ્યો. વિચાર આવે તો પણ આભા વગર ઘર નું શું થાય ? એ વિચારે જ એના લગ્નનો વિચાર કરતાં નહિ.

બાળકો મોટા થતાં ગયા. આભાનો સમય બાળકો પાછળ વ્યતીત થઈ જતો. એના પપ્પા વારંવાર કહેતાં, "તને પ્રાપ્ત કરીને મારૂ જીવન ધન્ય બની ગયું છે. હવે તું જ મારો દીકરો છું"

સમાજમાં બધા કહેતાં, "દિકરી હોય તો આભા જેવી. કેટલાય જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે આભા જેવી દિકરી મળે. આભા છે તો આ ઘર ટકી ગયું છે"

જયારે એના પપ્પાની તબિયત લથડવા માંડી ત્યારે રાણકી એ કહી દીધું કે,"હું અમેરિકા આવતાં અઠવાડિયે બંને બાળકોને લઇ ને જઉં છું. અત્યાર સુધી હું તમારા ઘરમાં રહી અને આભા એ મારા બંને બાળકો ને મોટા કર્યા એના બદલામાં હું તમારી મિલકતમાં ભાગ લેવાની નથી. એ લખાણ મેં વકીલ પાસે તૈયાર કરાવી દીધું છે."

રાણકી જયારે જતી રહી ત્યારે આભાના પિતા એ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું, "આભા, હવે હું લાંબુ જીવીશ નહિ. તું મને છોડી ને કયાંય ના જતી. મારૂ આ દુનિયામાં હવે કોઇ નથી."

આભાએ પપ્પાનો હાથ પકડી લીધો એમાં ઉષ્મા હતી. બોલ્યા વગર જ જાણે કે વચન આપી દીધું.

થોડા સમયમાં પપ્પાનું મૃત્યુ થતાં આભા સાવ એકલીઅટૂલી થઈ ગઈ હતી. એતો ઠીક પણ એ વખતે એની ઉંમર પચાસ વર્ષની થઈ ગઈ હતી. બચત તો બધીજ બહેનના લગ્નમાં આપી દીધી હતી. હવે એને ગમે તે રીતે ઘર ચલાવવા કમાવવું પડે તેમ હતું. જો કે એ સ્કૂલમાં બાળકોને "વેસ્ટમાં થી બેસ્ટ" બનાવતાં શીખવાડતી હતી. એનામાં આવડત તો ઘણી બધી હતી. તૂટેલી ફુટેલી વસ્તુઓમાંથી ઉત્તમ કલાકૃતિઓ બનાવવા માંડી. જુના કપડાંમાંથી એપ્રન બનાવતી, પ્લાસ્ટિકની ચમચીઓમાંથી વોલપીસ બનાવતી. જુની ઓઢણીઓમાંથી પગલૂછણીયાં બનાવતી. એમાંથી એને અઢળક કમાણી થતી. હવે એનો સમય સરસ રીતે પસાર થતો હતો. પરંતુ પોતાનું કહેવાય એવું એનું કોઈ જ ન હતું.

રાત્રે એને ઉંઘ આવતી ન હતી. પૈસાની હવે તૂટ ન હતી. બચત પણ ઘણી થઈ ગઈ હતી. પરંતુ ભૂતકાળ એનો પીછો છોડતો ન હતો.રાણકી એની દુનિયામાં સુખી થઈ ગઈ. માબાપે એને એમનો સહારો બનાવી દીધી. એ રાણકી જેવી થઇ જ ના શકી. એ તો સંવેદનાથી ભરપૂર હતી. લાગણીઓમાં તણાતી રહી. શું જિંદગીમાં આટલું બધું સંવેદનશીલ હોવું જરૂરી છે ?

કવિ હર્ષેદેવી સરસ્વતીને પ્રાર્થના કરી હતી કે મારી બુદ્ધિ ઓછી કરો. દેવીએ એની ઈચ્છા પુરી કરી ત્યારબાદ એમને નળ દમયંતી કાવ્ય લખ્યું. આભાને થયું કે મેં પણ ઈશ્વર ને પ્રાર્થના કરી હોત કે મારી સંવેદનશીલતા ઓછી કરો. તો આજે પણ એ પતિ અને પોતાના બાળકો સાથે સુખી હોત. રાણકીના બંને બાળકોને પોતાના બાળકની જેમ ઉછેર્યા હતા. આજે એ બંને માસીની સંભાળ લેવા પણ નવરા નથી.

અરે, પોતે તો સંવેદનાનું સરોવર હતી. જયારે ગરમી પડે છે ત્યારે પાણીનું બાષ્પીભવન થઈ જાય છે. તો જયારે સ્વાર્થરૂપી ગરમી પડી તો પણ સંવેદનાનું સરોવર ના સુકાયું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy