સંવેદના
સંવેદના




" ધ નેક્સટ એવોર્ડ ઓફ 2019 ફોર ધ બેસ્ટ એક્ટર ગોઝ ટુ મિ.અમર . તાળીઓ નો ગડગડાટ, મીડિયા ની ફ્લેશ લાઇટને ચીરીને આ વર્ષ ના શ્રેષ્ઠ અભિનેતા નો ખિતાબ લેવા અમર સ્ટેજ ઉપર ગયો.
આ જ તો એનું સ્વપ્ન હતું પોતાની આગવી ઓળખ, પોતાનું શ્રેષ્ઠ અભિનેતા માં નામ.એની આંખોમાં ખુશી ના આંસુ આવી ગયાં.. પોતનો એવોર્ડ લીધા પછી માઈક હાથમાં લેતાં એ લગભગ રડી પડ્યો, એની આંખો સાથે એનો અવાજ પણ ભીનો થઈ ગયો.
આ દ્રશ્યએ કંઈ કેટલાય ને ભાવુક બનાવી દીધા..એટલે થોડી સ્વસ્થતા જાળવી અમર બોલ્યો, " સોરી ફ્રેન્ડઝ, આ આંસુ મને મળેલા આ એવોર્ડ ના નથી, પણ એ વિશ્વાસ ના છે જે એક વ્યક્તિનો મારા માટે હતો.. કહેવાય છે કે, કોઈ પણ સફળ પુરુષ પાછળ કોઈ સ્ત્રી નો હાથ હોય.. સાચું પણ મારી આ સફળતા પાછળ બે સ્ત્રીઓનો હાથ છે, એક બહુ જલદી જ મારી પત્ની બનવા જઈ રહેલ મીનલ.અને બીજી મારી મિત્ર કે શુભચિંતક.પણ મારી બદનસીબી કે એ મિત્રની મિત્રતા હું સમજી ના શક્યો..આજે એ જ્યાં હશે ત્યાં..અને મને સાંભળતા જ હશે એ વિશ્વાસથી હું જાહેરમાં કહી રહ્યો છું કે આ મારી મહેનત નહીં પણ તમારા વિશ્વાસનો એવોર્ડ છે.. થેન્ક યુ સો મચ . મીસ યુ ઓલ્વેઝ. કહી ભીની આંખે એ - સ્ટેજ પરથી સડસડાટ ઉતરી ગયો..
ન્યૂઝ, મીડિયા વાળા એનો ઈન્ટરવ્યુ લેવા પડાપડી કરતાં હતાં પણ એના ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો, એ મીનલ સાથે ત્યાંથી નીકળી ગયો.
ગાડી એની ઝડપથી જતી હતી એથી વધારે ઝડપથી બંનેના વિચારો જઈ રહ્યા હતા..કેમ અમર ખુશ નથી એ વાત જાણવા મીનલે જ મૌન તોડતા કહ્યું.. "' અમર, આટલો મોટો અચીવ મેળવ્યા બાદ પણ તું ખુશ કેમ નથી.. શું વાત છે ?'"
" મીનુ, જીવનમાં હંમેશા આપણે લોકો ને ઓળખવામાં ભૂલ કેમ કરીએ છીએ? શા માટે આપણે એ વ્યક્તિ ને જ દુઃખી કરીએ છે જેને જ આપણી ખૂબ કદર હોય?.. આ સંબંધોનું ચક્રવ્યુહ કેમ આટલું મૂંઝવણભર્યું હોય છે? જે આપણા નસીબમાં જ ન હોય એની સાથે જ કેમ સાચી લાગણીઓ બંધાય છે?"
અમર પોતાના વિષે વાત નથી જ કરતો એ સમજી ને જ મીનલ બોલી, " મતલબ હું તારા જીવનમાં મહત્વ નથી ધરાવતી? તો તેં શા મને સ્ટેજ ઉપર બોલાવી ? શા માટે મારો આભાર માન્યો તેં?"
મીનલના વાક્યમાં એક રોષ વ્યક્ત થતો હતો..
" ના એવું નથી, તું મહત્વ ધરાવે છે જ, કેમકે તારા લીધે જ એ વ્યક્તિ સાથે હું જોડાયો.."
(ગાડી સાઈડમાં પાર્ક કરી અમર બહાર આવી આકાશ માં તાકી રહ્યો...મીનલ પણ એની સાથે આવી ને ઊભી રહી)
" અમર, મને લાગ્યું કે તારો પ્રેમ સાચો છે જેથી મેં આપણા સંબંધને એક તક આપી, પણ આજનું તારું આ વર્તન મને મારા નિર્ણય પર ખોટી સાબિત કરે છે. તું મારી સાથે હોવા છતાં પણ મારી સાથે નથી"
"એવું નથી, હું તને ચાહું છું એમાં શંકા નથી પણ ખબર નહીં જાણે હું જે ઈચ્છતો હતો એ મેળવીને પણ કંઈક ગુમાવ્યું હોય એમ લાગે છે..મન ઉપર કોઈ ભાર લાગે છે. તું જ કહે કે શું કોઈ ને તકલીફ આપીને મેળવેલી ખુશી સુખ આપે?
શું હું સ્વાર્થી છું એ ભાવ મને સતત કોરી ખાય છે..
" શું વાત છે એ બોલ.."મીનલ હવે એને શાંતિ થી સાંભળવા ઈચ્છતી હતી..
બંને જણ સાઈડમાં આવેલી એક ઓટલી ઉપર ગોઠવાયા..'બોલ, શું વાત છે? તારી આટલી મોટી ખુશીમાં પણ તારી આંખનો ખૂણો ભીનો છે..' કહી એણે અમર નો હાથ પકડી હૂંફ આપી વાતને હળવી કરી.અમરે થોડી હળવાશ અનુભવી.
' મીનલ, જ્યારે આપણે છૂટા પડ્યા ત્યારે હું સાવ ભાંગી ગયો હતો. જિંદગી સાવ જ નિરસ અને આકરી લાગવા માંડી હતી. મારું પીવાનું અને સિગારેટ ખુબ જ વધી ગયા હતા.. કેટલીયે વખત તો એમ થયું કે મરી જાઉં,પણ મમ્મી પપ્પાનાં વિચારે એ પણ ન કરી શક્યો..એ સમયે બહું ફિલ્મો પણ ન હતી મારી પાસે. જાણે બધી બાજુ થી મારી જિંદગી એ મને હરાવવાનું નક્કી કર્યું હોય.
ડૂબી રહેલા માટે એક આશાનું કિરણ પણ જીવનદાન આપી જાય છે એ સાંભળ્યું હતું અને મને એ આશાનું કિરણ મળ્યું. એક એવી વ્યક્તિનો પ્રવેશ મારા જીવનમાં થયો જેણે મારી અંદરની બધી નકારાત્મકતાનો નાશ કર્યો.' પડી ગયા પછી હાર સ્વીકારી ને બેસી રહેવા કરતાં ફરી ઊભા થઇ ને દોડવાનું નામ જિંદગી.' એ વાત એણે મને સમજાવી. ધીમે ધીમે હું ફરી પહેલાં જેવો થવા લાગ્યો અને મને પહેલા કરતાં વધુ ઑફરો મળવા લાગી. મેં વ્યસન નો લગભગ ત્યાગ કરી દીધો..પણ, આ બધા માં હું એ વ્યક્તિને ભૂલી ગયો.
મીનુ, એમને વિશ્વાસ હતો કે હું સફળ થઈશ જ..અને એમના વિશ્વાસ ની આજે જીત થઈ.. મમ્મી પપ્પા અને તારા બાદ જો આ સ્વાર્થી દુનિયામાં કોઈ મારું સાચું શુભચિંતક હોય તો એ જ છે..
ક્યારેક અચાનક આવતા સંબંધો ઘણું બધું કહી અને શીખવાડી જાય છે, બસ એને સમજતાં વાર લાગે છે અને કદાચ સમજી પણ જઈએ ને તો સ્વીકારી નથી શકાતું. મારે પણ એવું જ થયું એણે મને ઘણું શીખવ્યું અને કદાચ હું સમજી પણ ગયો હતો બસ એ સ્વીકારવાની હિંમત ન હતી.
'મીનુ, મારામાં સ્નેહા જી એ જે હકારાત્મકતા ભરી એના લીધે જ હું અત્યારે અહીં છું..'
" તો કેમ તેં એમનો સાથ છોડ્યો? અપનાવી લેવી હતી એ વ્યક્તિ ને જેણે તને જીવતાં શીખવ્યું. હું ક્યાં ના પાડવાની હતી, ખુશ રહેવું હતું તારી સ્નેહા જોડે". (અમરે ગુસ્સામાં મીનલ તરફ જોયું ) એક સ્ત્રી સહજ ઈર્ષા ના સ્વભાવ થી મિનલ બોલી તો ખરી પણ મનથી અમર ને ખોવાનો ડર લાગ્યો એટલે એણે અમર ના ખભે માથું મૂકીને ફરી કહ્યું, ' સૉરી, પણ હવે તું એની વાત ના કરીશ.. આપણે અત્યારે સાથે છે તો આપણી જ વાત કર'...
થોડીવાર બંને શાંત રહ્યા પછી મીનલ ને આઈસ્ક્રીમ ખવડાવી એના ઘરે ડ્રોપ કરી. અમર આજે રોજ ની જેમ એકલો જ ઘરે આવ્યો હતો પણ છતાંય એ એકલો ન હતો કોઈ જૂની યાદો, વાતો કે અજાણી લાગણીઓ એને ઘેરી વળી હતી..
બૅડ ઉપર પડતાં જ વિચારો નું વાવાઝોડું જાણે એને ઘેરી વળ્યું, મીનલ આજે જે વાક્યો બોલી એ વાક્યો સ્નેહા મીનલ માટે હંમેશા કહેતી, " અમર, જેને પ્રેમ કરો છો એ મીનલ ને મનાવી લેજો, એને અપનાવી લેજો"..અને અમરે પણ એ જ કર્યું છતાં આજે કેમ સ્નેહા યાદ આવી ગઈ એ સમજાતું ન હતું..
********
સ્નેહા અને અમર ક્યારેય રુબરુ મળ્યા જ ન હતાં છતાં બે માંથી કોઈ ને મળવાની ઈચ્છા પણ થઈ નથી અને છતાં બંને ની લાગણી ઓ એક જ સરખી વહેતી હતી.. કંઈ પણ કહ્યા વિના ઘણું બધું સમજી જતાં હતાં.. બંનેમાંથી કોઈ એ પણ એકબીજાના અંગત જીવન વિશે ક્યારેય કંઈ પૂછ્યું ન હતું છતાં કયારેય એકબીજા ને એકલા પડવા નથી દીધા..
ધીમે ધીમે અમરના જીવનમાં ફરી ખુશીઓ પાછી આવી,એક જુસ્સા સાથે એણે પોતાની કાબેલિયત ને નવા મુકામ ઉપર પહોંચાડી,, હવે એ એક સેલિબ્રિટી હતો એની આસપાસ લોકો ના ટોળા રહેતા હતા, ધીમે ધીમે એ સ્નેહા સાથેનો સંપર્ક ઓછો કરવા લાગ્યો એટલે નહીં કે એ ખુબ મોટો માણસ બન્યો હતો પણ એટલે કે જે વ્યક્તિ ને એ રુબરુ જોઈ પણ ન શકવાનો હતો એને એની ખુશીઓ માટે એકલી મૂકવી જરુરી હતી.
આમ પણ હવે અમર ક્યારેક ઉદાસ થાય તો એમ વિચારી ને એનો રસ્તો કાઢી લેતો કે સ્નેહા આ સિચ્યુએશન માં શું કરે.. ધીમે ધીમે અમર ના જીવન માં ફરી બધું જ સરસ થવા લાગ્યું.
મીનલ,જે એનો પ્રેમ હતી એ પણ પાછી આવી ગઈ, ફિલ્મ ની ઑફરો પણ હવે ખુબ સરસ મળવા લાગી હતી , ઘરમાં પણ બધું ઠીક થઈ ગયું હતું..
આમને આમ એક વર્ષ પસાર થઈ ગયું. એકદિવસ અમર ને થયું આજે સ્નેહા સાથે વાત કરું, એણે એક વર્ષથી જે નામ, નંબર ક્યારેય ખોલ્યો ન હતો એ નંબર ઉપર મેસેજ કર્યો પણ એક જ ટીક આવી એટલે એ ડબલ ટીકની રાહ જોવા લાગ્યો.. શુટિંગ હતું એટલે એણે થોડીવાર રાહ જોયા પછી મોબાઇલ બંધ કર્યો પણ આટલા સમય પછી એ શું મેસેજ કરશે એ વિચારો બંધ ન થયા.
ફરી સમય એની ગતિ થી આગળ વધવા લાગ્યો પણ સ્નેહા નો કોઈ જ મેસેજ આવ્યો નહીં.
. ********
ફરી જીવનની એ રફતાર, ફરી એ જ નાટકીય દુનિયા ..અને આજે અમર ને એવોર્ડ મળ્યો તો કોઈ અંગત વ્યક્તિની કમી લાગવા માંડી. શું મીનલ એની એ અંગત વ્યક્તિ નથી? શું આ જ એનું સપનું ન'તુ? તો કેમ આજે હૃદય સાવ ખાલી છતાં કોઈ ભાર થી ભરપૂર લાગે છે.? કેમ આજે સ્નેહા ની ખુબ યાદ આવે છે? એણે કહ્યું હતું કે જ્યારે યાદ આવે બોલાવજે હું હાજર તારા માટે.. પણ એ ક્યાં ગાયબ થઈ ગઈ એ હવે અમર જાણતો નહોતો.. એણે આપેલું વચન શું એણે તોડી નાખ્યું? એ ભૂલી ગઈ મને? એમ અમરને લાગ્યું.. એટલે હવે એની લાગણીઓ ને મનમાં જ હંમેશા જીવંત રાખવી, ક્યારેય એનું નામ લઈને મીનલ ને દુઃખી નહીં કરવાનું એણે નક્કી કર્યું..આવા વિચારો સાથે અમર મોડી રાત સુધી જાગ્યો.
'ગુડ મોર્નિંગ, કેમ છે હવે તું?' મીનલ ના ટહુકા એ એની સ્વાદહીન રાત્રીના બદલામાં મીઠી સવાર પીરસી..
"તું સવાર સવારમાં?"
"કેમ ના આવી શકું, આ મારું ઘર નથી?"
'સૉરી, અને થેનક યુ'...
'અમર, સૉરી હું તને સમજી ન શકી.પણ એ વાતનુ દુઃખ છે મને અને એ ભૂલ સુધારવા જ મારી એક વાત માનીશ? આપણાં લગ્નમાં સ્નેહાજીને બોલાવીશું.'
'ના , એમનો કોઈ જ કૉનટેક નથી.છોડ એ વાત, એ મારી સંવેદના હતી..ક્યારેક અમુક સંબંધો ઘણું આપીને જાય પણ બદલામાં ફક્ત સારી યાદો જ રેલાવીને.
( મીનલ મનોમન સ્નેહાનો આભાર માનતી હતી, જો સમયસર હાર્ટ પ્રોબ્લેમથી મૃત્યુ પામી રહેલ સ્નેહાએ અમરને એક સાથી આપવા, મીનલને પોતાની કીડની ન આપી હોત તો અમર તો શું મીનલે દુનિયા જ છોડી દીધી હોત.. મીનલ બધું જાણતી હોવા છતાં તે અમરને કહી ન શકી કારણ એટલું જ કે મીનલ સ્નેહાને અંત સમયે આપેલ વચનથી બંધાયેલી હતી.)
મીનલ સાથેની જિંદગીમાં બહુ આગળ નીકળેલ અમરને જીવતાં શીખવનારી વ્યક્તિ કોઈ દૂતની જેમ નવજીવન આપી અદ્રશ્ય થઈ ગઈ. અલબત્ત એ હશે કે કેમ એ કોયડો અમર માટે મૂકીને.