સંસ્કાર
સંસ્કાર
“આજનું છાપું હજી આવ્યું નથી.”
“ના હમણાં જ એનો ફોન હતો, થોડી મોડી આવશે.”
“તો આજના સમાચાર કેમ જાણવા મળશે?”
“અરે હું સંભળાવી દઉં..”
"મારી લાડલી જેવા સમાચાર તને સંભળાવતા ન આવડે, અરે, એના જેવા સમાચાર કહેતા તો દૂરદર્શનની ન્યૂઝરીડરને ય ન આવડે"
“હમણા હમણાં રોજ મોડી આવે છે, મને તેની ચિંતા થાય છે”
“એમાં ચિંતા શું કરવાની? પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે અને નિત્ય એની સાથે જ હશે.”
“બન્ને સાથે હોય છે એટલે તો ચિંતા થાય છે. જુવાન હૈયા છે, મોડે સુધી સાથે રહે તે સારું ન કહેવાય.”
“આપણને આપણે આપેલા સંસ્કારમાં વિશ્વાસ હોવો જોઇએ, આપણે એને કોઇ રોકટોક કરી નથી. તેની જીંદગીના દરેક નિર્ણય તે જાતે જ લે છે અને નિત્ય ક્યાં પરાયો છે? મારા ખાસ મિત્ર આનંદનો એ પુત્ર છે. આનંદ અને શીલાએ ય તેને સારા સંસ્કાર આપેલા છે, આજના યુવાનો જેવી કોઇ અછકલાઇ તેનામા નથી."
“આ અંશ પણ આપણો જ અંશ છે ને એ અમેરિકા જઇને આપણને ભૂલી ગયો.”
“એ ભૂલ્યો નથી દર અઠવાડિયે એ અને એની પત્ની માર્ગી ફોન તો કરે છે.”
“પણ એણે હજુ પૈસા નથી મોકલ્યાં. એના ભણવા માટે આપણે લોન લીધી.. હવે નોકરી પર ચડી ગયો છે. હવે તો પૈસા મોકલવા જોઇએ ને?"
"જો જાનકી, એણે ત્રણેક મહીના પહેલા જ મને કહ્યું હતું કે તે થોડા સમય પછી પૈસા મોકલશે. હમણાં જ તેણે લગન કર્યાં છે. તેથી ઘર વસાવવાનું છે."
"તે અને માર્ગી બન્ને કમાય છે, લોનના હપ્તા પૂરતા મોકલે તો ય ઘણું. આપણે ક્યાં એના પૈસા પર જીવવું છે?"
એટલામાં ફોનની ઘંટડી વાગી અંશનો જ ફોન હતો, સ્કાઇપ્ પર જોડાવા માટે.
વિનયભાઇએ જાનકીબેનને કહ્યું, "પૈસાની કોઇ વાત હમણાં કરતી નહીં પછી જરુર લાગશે તો હું તેને ખરાબ ન લાગે તે રીતે કહી દઇશ."
સ્કાઇપ પર ખબર અંંતર પૂછ્યા માર્ગીએ ય ભાંગીતૂટી ગુજરાતીમાં વાત કરવાનો પ્રયત્ન કર્યો.
છેલ્લે અંશે કહ્યું, "માર્ગીએ તમારા ત્રણેય માટે ગિફ્ટ લીધી છે, તેનું કુરિયર કર્યું છે."
પૈસાની કોઇ વાત ન થઇ.
જાનકીબેને કહ્યું, "ગિફ્ટને શું કરવાની. જોયું પૈસાની કોઇ વાત ન કરી."
"કંઇ નહી, મારા હાથપગ હજુ હાલે છે."
"પણ રુચાના લગ્ન માટે તો પૈસા જોઇશે ને?આપણાં બધા પૈસા અંશના ભણતર અને બાપુજીની દવામાં ખર્ચાઇ ગયા. તમે સંસ્કાર સંસ્કાર કરતા હતા, જોયા આપણા સંસ્કાર?"
એટલામાં ફરી ફોનની રીંગ વાગી. અંશનો જ ફોન હતો તેણે ફોન પર કહ્યું, "પપ્પા, એક વાત કહેવાની રહી ગઇ. "મેં તમારા ખાતામાં હમણાં અઢી લાખ જમા કરાવ્યા છે, હવે અહીં બધુ સેટ થઇ ગયું છે, દર મહીને પૈસા જમા કરાવીશ."
ફોન સ્પીકર પર હતો જાનકીબેને ય તે સાંભળ્યું તેમની આંખમાં આંસું આવી ગયા.
બન્નેના ચહેરા મલકી ઊઠ્યા.
મોડી રાતે રુચા આવી બન્ને જાગતા જ હતા. વિનયભાઇએ કહ્યું, "બેટા તારી સાથે થોડી વાત કરવી છે."
"પપ્પા, તમે આટલા ગંભીર કેમ થઇ ગયા?"
"જો રુચા, તારી મમ્મીને લાગે છે કે તું કંઇક એમનાથી છૂપાવે છે. નિત્ય અને તારા સંબંધ વિશે એ ચિંતિત છે".
"પપ્પા, બાળપણથી અમે સાથે મોટા થયા એક જ કોલેજમાં છીએ વળી એને ય આ પ્રોજેક્ટ જ બનાવવાનો છે. તેથી હમણાં મળવાનું વધુ થાય છે, પણ અમારી વચ્ચે તમે ધારો છો એવો કોઇ સબંધ નથી, નિત્ય અને હું માત્ર મિત્ર જ છીએ."
"તારી મમ્મી ખોટી ચિંતા કરતી હતી."
"મમ્મીની વાત સાચી છે, હું અંગદને ચાહું છું, તે અમારી કોલેજમાં ભણે છે, તે મને પ્રેમ કરે છે કે નહીં તે વિશે હું ચોક્કસ નથી, તેથી તમને હમણાં જણાવ્યું નહોતું."
જાનકીબેન સૂઇ ગયા હતા તે ઊઠીને આવ્યા.
તેમણે આ વાત જાણી. રુચાએ કહ્યું, "મમ્મી, તું નિશ્ચિંત રહેજે. હું જ્યાં પણ લગ્ન કરીશ, તમારી બંનેની સહમતિથી જ કરીશ".
જાનકીબેન બોલ્યા, "બેટા અમને તારા પર ભરોસો છે".
વિનયભાઇ બોલ્યા,"અમને અમારા સંસ્કાર પર ભરોસો છે."