Abid Khanusia

Romance

3  

Abid Khanusia

Romance

સંશય

સંશય

14 mins
479


મુંબઈની મીઠીબાઈ કોલેજ હર્ષના રહેઠાણથી દૂર હોવા છતાં તે કોલેજનું કેમ્પસ, શાંત વાતાવરણ અને ખાસ કરીને અધ્યતન પુસ્તકાલયના કારણે તેણે ભણવા માટે ત્યાં પ્રવેશ મેળવ્યો હતો. આ કોલેજમાં તેને કોઈ ખાસ મિત્રો ન હતા. જયારે પણ સમય મળે ત્યારે કોલેજની લાયબ્રેરીમાં બેસી સાહિત્ય ખાસ કરીને અંગ્રેજી સાહિત્યના પુસ્તકો તે વાંચતો રહેતો. 


બે વર્ષ પહેલાં આજ લાયબ્રેરીમાં હર્ષની અને પર્ણાની પ્રથમ મુલાકાત થઈ હતી. હર્ષના હાથમાં એક મશહૂર ગુજરાતી નાટયકારનું એકાંકી પુસ્તક જોઈ પર્ણાએ ખચકાતાં ખચકાતાં પુછયું “તમારે આ પુસ્તકની જરૂરીયાત છે ?” હર્ષ બોલ્યો “ ના, આ પુસ્તક અંગ્રેજી વિભાગમાં મારી નજરે પડતાં તેને યોગ્ય સ્થાને મૂકવા માટે હું લાવ્યો છુ.” હર્ષના હાથમાં જે ગુજરાતી એકાંકીનું પુસ્તક હતું તે પર્ણા છેલ્લા થોડા દિવસથી શોધી રહી હતી જે તેને અનાયાસે મળી જવાથી તેને ખૂબ ખુશી થઈ. હર્ષ પાસેથી તે પુસ્તક લઈ તે વાંચનાલયમાં ચાલી ગઈ. હર્ષ પણ તેને જોઈતાં પુસ્તકો લઈ વાંચનાલયમાં પ્રવેશ્યો. આકસ્મિક રીતે જ હર્ષ અને પર્ણાની ખુરસી બાજુ બાજુમાં આવી. બંનેએ એક બીજા સામે પરીચયનું હાસ્ય રેલાવ્યું. 


પછીતો હર્ષ અને પર્ણાની મુલાકતો લગભગ નિયમિત રીતે પુસ્તકાલય અને વાંચનાલયમાં થતી રહી. પરીચય પણ વધ્યો. સાહિત્યના પુસ્તકોના વાંચનના એક સરખા શોખના કારણે બંને વચ્ચે મિત્રતા થઈ, સંપર્કો વધ્યા અને બંને એક બીજાને ક્યારે મનોમન ચાહતા થઈ ગયા તેનું પણ ભાન ન રહ્યું. વચ્ચે બે દિવસ સુધી હર્ષ વાંચનાલયમાં ન દેખાયો તેથી પર્ણા બેચેન થઈ ગઈ ત્યારે તેને ભાન થયું કે હર્ષ અને તેના વચ્ચે મિત્રતાથી કઈક વિશેષ છે. હર્ષ બે દિવસ પછી વાંચનાલયમાં તેની પ્રિય જગ્યાએ પહોંચ્યો ત્યારે પર્ણા તેની આતુરતાથી રાહ જોઈ રહી હતી. હર્ષને જોઈ તેના મુખારવિંદ પર આવેલી તાજગી અને તેના હદયમાં પર્ણાને જોવાથી થયેલી ટાઢકનો અહેસાસ એક મેકના ચહેરા પર સ્પષ્ટ વાર્તાતો હતો. આજે બંનેને વાંચનમાં રસ ન પડ્યો. દસ મિનિટમાં હર્ષ અકડાઈ ગયો. તેણે ધીરેથી પર્ણાને કહ્યું “ચાલો કોફી શોપ બાજુ જઈશું ?” પર્ણા તરત જ ઊભી થઈ ગઈ.   


કોફીનો ઓર્ડર અપાઈ ગયો. કોફી સર્વ થાય તે દરમ્યાન પર્ણા બોલી “હર્ષ કેમ બે દિવસ ન દેખાયા ? બહારગામ ગયા હતા..? “ તેના અવાજમાં ચિંતા મિશ્રિત આતુરતા હતી.

હર્ષ : “ના, મારી મમ્મીને રૂટિન ચેકઅપ માટે ફેમિલી ડોક્ટર પાસે લઈ જવાનું થયું હતું. પહેલા દિવસે કારાવેલા રિપોર્ટ બીજા દિવસે મળ્યા એટલે રિપોર્ટ્સ લઈ બીજા દિવસે ડોક્ટર પાસે અભિપ્રાય માટે જવાનું થયું માટે સતત બે દિવસ ન આવી શકાયું”

પર્ણા : “ રિપોર્ટ્સ નોર્મલ છે ને ? ચિંતાનું કોઈ કારણ તો નથી ને ? “ પર્ણાના અવાજમાં ચિંતા સ્પષ્ટ વર્તાતી હતી.

હર્ષ : “ એવરીથિંગ ઇઝ નોર્મલ, થેન્ક્સ “

પર્ણા : “ ગુડ”


કોફી પીવાતી ગઈ અને સાહિત્યની વાતો થતી રહી. છેલ્લે ઉઠતી વખતે પર્ણા બોલી “ હર્ષ, મને અભિનયનો ખૂબ શોખ છે. આ વર્ષે વાર્ષિકોસ્તવમાં મારે કોઈક અદ્વિતીય એકાંકી પ્રસ્તુત કરવું છે તો તમે મને થોડીક હેલ્પ કરશો ? “

હર્ષ : પર્ણા, મને અભિનય ફાવતો નથી અને ગુજરાતી નાટકો વિષે મારુ જ્ઞાન પણ ખૂબ અલ્પ છે માટે હું તમને મદદરૂપ થઈ શકીશ કે કેમ તે વિષે હું પોતે સ્પષ્ટ નથી. આમ છતાં મારી હેલ્પની તમારે જયારે જરૂર પડે ત્યારે કહેજો હું મારાથી થઈ શકશે તેટલી મદદ ચોકકસ કરીશ.” એ દિવસે બંને છૂટા પડ્યા. થોડાક ડગલાં ચાલ્યા પછી બંને જણાએ પાછા વળી જોયું ત્યાં બંનેની નજરો ટકરાઇ. નજરો શું ટકરાઇ બંનેના દિલમાં એક બીજા પ્રત્યેની ભાવનાઓ ઉજાગર થઈ ગઈ. બંને હસી પડ્યા અને એક બીજા સામે હાથ હલાવી પ્રેમનો પ્રતિઘોષ પાડ્યો.  


હર્ષ અને પર્ણા થોડાક દિવસોમાં ખૂબ નજીક આવી ગયા. હવે પુસ્તકાલયના બદલે મરીનડ્રાઈવનો દરિયા કિનારો તેમનું મિલન સ્થાન બની ગયું. દૂર દૂર સુધી દેખાતો અફાટ દરીયો અને ઉછળીને આવતા મોજાઓ તેમના દિલમાં ઘૂઘવતા પ્રેમનું પ્રતિક હતા. બંને જણા કલાકોના કલાકો એક બીજામાં ખોવાઈને બેસી રહેતાં અને એક બીજાના દિલોની ધડકનો સાંભળતા રહેતાં.  

એક દિવસે પર્ણાએ કહ્યું “ હર્ષ તને યાદ છે મેં આ વર્ષે વાર્ષિકોત્સવમાં એક અદ્વિતીય એકાંકી પ્રસ્તુત કરવાનો નિર્ધાર કરેલ હોવાનું તને જણાવ્યુ હતું ?

હર્ષ : “ હા, અને મેં તને તેમાં મદદ કરવાનું પણ વચન આપ્યું હતું. બોલ તારે મારી કોઈ મદદ જોઈએ છે ? “ 

પર્ણા: “ મદદની વાત તો પછી. હાલ તો મને કોઈ એવું ગુજરાતી એકાંકી મળતું નથી જે. અડધા કલાકમાં ભજવી શકાય. જેમાં પાત્રો ઓછા હોય પરંતુ બધા પ્રેમમાં એકમેકથી ગૂંથાએલા હોય. ગુજરાતીમાં નાટકો અને એકાંકી તો ઘણા અને ખૂબ સારા છે પણ પાત્રોની ભરમાર અને લાંબા છે. તારા ધ્યાનમાં કોઈ પ્રેમથી લથબથ નાટક હોય તો મને જણાવજે. હવે વાર્ષિકોત્સવમાં ફ્ક્ત બે માસ જેટલો સમય બાકી છે માટે અત્યારથી તૈયારી કરવી જ પડશે. “ 

હર્ષ : “ પર્ણા, ગુજરાતી નાટક જ હોવું જોઈએ તેવો તારો આગ્રહ છે કે કોઈ અન્ય ભાષાના નાટકો ચાલે ?” 

પર્ણા : “ નાટકની રજૂઆત ગુજરાતીમાં જ કરવી છે માટે ગુજરાતી હોય તો સારું. જો અન્ય ભાષામાં હશે તો આપણે તેનું ભાષાંતર કરવું પડે જેમાં સમય લાગે”

હર્ષ : “ પર્ણા અમારા અભ્યાસક્રમમાં આલ્ફ્રેડ લોર્ડ ટેનિસન નામના પ્રખ્યાત અંગ્રેજી કવિનું એપિક (મહાકાવ્ય) "એનોક આર્ડન" (Enoch Arden) છે. આ મહાકાવ્યમાં કવિએ પ્રણય ત્રિકોણનું ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. તે મહાકાવ્યની થીમ પ્રેમથી લથબથ છે. તેની વાર્તા ટૂંકમાં આ પ્રમાણે છે. તેમાં ત્રણ પાત્રો છે એની લી, ફિલિપ રે અને એનોક આર્ડન. ત્રણેય જણા બાળપણના મિત્રો છે બે પુરુષ મિત્રો ફિલિપ અને એનોક એની લીને ચાહે છે પરંતુ એનોક એની લી સાથે લગ્ન કરવામાં સફળ થાય છે. તેમને બે બાળકો પેદા થાય છે. એક વખતે એનોક દરીયો ખેડવા જાય છે પરંતુ તેનું જહાજ દરિયાઈ વાવજોડાનું ભોગ બને છે. એનોક એક નિર્જન ટાપુ પર પહોંચે છે. એનોકની ગેર હાજરીમાં ફિલિપ એની લીની ખૂબ મદદ કરે છે અને તેના બાળકોને પણ સાચવે છે. ઘણા વર્ષો સુધી એનોકના કોઈ સમાચાર મળતા નથી તેથી ફિલિપ તેને તેની સાથે લગ્ન કરી સંસાર માંડવાનો આગ્રહ કરે છે. એનોકના ગુમ થયાને ઘણા વર્ષો વીતી ગયેલ હોવાથી તે મૃત્યુ પામ્યો હશે તેવું માનવામાં આવે છે અને એની લીને કાયદેસર રીતે બીજુ લગ્ન કરવાની પરવાનગી મળે છે માટે ફિલિપ અને એની લી પરણી જાય છે. આ બાજુ ઘણા વર્ષો પછી જે નિર્જન ટાપુ પર એનોક ફસાયો હોય છે તેની પાસેથી એક નાનું જહાજ પસાર થાય છે જે એનોકને બચાવી તેને વતન પહોંચાડે છે. એનોક પોતાના ઘરે આવે છે ત્યારે તે ફિલિપ અને એની લીને પ્રેમ કરતાં જુએ છે. તેને ખબર પડેછે કે એની લી ફિલપીને પરણી ગઈ છે માટે તેમના સંસારમાં આગ ન લાગે અને તેઓ ખુશ રહે તે માટે તેમને જાણ કર્યા સિવાય તે પાછો દરિયા કિનારે ચાલ્યો જાય છે. બીજા દિવસે તે દરિયા કિનારે મૃતવસ્થામાં મળી આવે છે.”


પર્ણા : “ ફેંટાસ્ટીક ! ખૂબ કરૂણ અંજામ સાથેની પ્રણય વાર્તા છે. પણ હર્ષ આ તો સંગમ ફિલ્મની સ્ટોરીને મળતી આવતી સ્ટોરી છે.”

હર્ષ : “ હા પર્ણા, કહેવાય છે કે રાજકપૂર સાહેબે આ મહાકાવ્યથી પ્રેરણા લઈ સંગમ ફિલ્મનું નિર્માણ કર્યું હતું.“ 

પર્ણા : “ મને એનોક આર્ડન મહાકાવ્યની થીમ ગમી છે. હું પોતે તેના પરથી ગુજરાતીમાં એક એકાંકી લખીશ અને આપણે ભજવીશું “

હર્ષ : “ વોટ ડુ યુ મીન બાય આપણે ? “

પર્ણા : “ આપણે એટલે હું યાને એની, તું યાને ફિલિપ અને ત્રીજો કોઈ એનોક બનશે પરંતુ પાત્રોના નામ ભારતીય હશે અને પ્રેમની વાર્તા પણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ હશે. “

હર્ષ : “ ઓય.....! અભિનય મારા બસની વાત નથી. તું કોઈક બીજાને ફિલિપ બનાવજે નહિતર તારા નાટકનું ફારસ થઈ જશે”

પર્ણા : “ હર્ષ તું સમજ, હું એવું ઇંટિમેટ સીન લખવાની છુ જે સીન હું બીજા કોઈ સાથે નહીં ભજવી શકું. હું તારા સિવાય અન્ય સાથે હકીકતમાં કે નાટકમાં પ્રેમલાપ નહીં કરી શકું અને તને પણ હું બીજા કોઇના બાહુપાશમાં વીંટાળાએલો કદી સહન નહિ કરી શકું માટે મારી ભાવનાઓને સમજ અને મારી સાથે જોડાઈ જા. અભિનય તો આવડી જશે. હું તને શીખવાડીશ પણ ફિલિપ તરીકે મારે તું જ ખપશે” 


હર્ષ પર્ણાને નાખુશ કરવા ચાહતો ન હતો એટલે તેણે નાટકમાં કામ કરવાની સંમતિ આપી. ગુજરાતીમાં નાટકની પ્રણય ત્રિકોણ વાળી સ્ક્રીપ્ટ અને ડાયલોગ પર્ણાએ પોતે લખ્યા જે અંગ્રેજીના યુવાન પ્રોફેસર મૌલિન સરે થોડાક સુધારા વધારા સાથે મંજૂર કર્યા. પ્રિન્સિપાલ સાહેબે સ્ક્રીપ્ટ વાંચી વાર્ષિકોત્સવમાં આ નાટક ભજવવાની પર્ણાને મંજૂરી આપી અને તેનું દિગ્દર્શન કરવાની જવાબદારી પ્રોફેસર મૌલિનને સોંપી.     

  

ત્યારપછીનો સમય હર્ષ અને પર્ણા માટે ખૂબ વ્યસ્ત રહ્યો. પ્રણય ત્રિકોણનું ત્રીજુ પાત્ર ભજવવા પર્ણાએ સમીર નામના તેના સહાધ્યાયી પર પસંદગી ઉતારી જે તેણે ખુશીથી સ્વીકારી લીધી. નાટક ભજવવા માટેના રિહર્સલો શરૂ થયા. હર્ષ માટે અભિનયનું ક્ષેત્ર નવું હોવાથી તેને શરૂઆતમાં થોડીક મૂંઝવણ થઈ અને અડચણ પણ પડી પરંતુ ધીરે ધીરે તેને પણ ફાવટ આવી ગઈ. તેને પર્ણાનો સાથ ખૂબ ગમવા લાગ્યો. રિહર્સલ વખતે પર્ણાના મખમલી શરીરનો સ્પર્શ તેના હદયની ધડકનો વધારી દેતો. વાર્ષિકોત્સવનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ વ્યસ્તતા વધતી ગઈ. આ સમયગાળા દરમ્યાન હર્ષ અને પર્ણાનો પ્રેમ પરવાન ચઢ્યો. હવે બંને એક બીજા વિના રહી શકશે નહિ તેવું તેમને લાગવા માંડ્યુ. કોલેજમાં પણ આ પ્રેમીઓની વાતો થવા લાગી. બંને એક બીજાને દિલો જાનથી ચાહતા હોવાથી કોલેજમાં તેમના પ્રેમ વિષે થતી વાતોથી વિચલિત થવાને બદલે વાસ્તવિક હકીકત હસીને સ્વીકારી લેતા હતા. 


 હવે બે ગ્રાન્ડ રિહર્સલ બાકી હતા. નાટકનું દિગ્દર્શન સંભાળતા પ્રોફેસર મૌલિને પર્ણાને કહ્યું” પર્ણા છેલ્લા ઇંટિમેટ સિનમાં તારા ચહેરાના ભાવોમાં હજુ વધારે ભાવનાત્મકતા અને સંવેદનશીલતા ઉમેરવાની જરૂર છે જેથી તેમાં વાસ્તવિક્તા દેખાય.” 

પર્ણા “ ઓ.કે. સર હું તેવા ભાવો જરૂર પેદા કરી શકીશ. રેસ્ટ એસ્યોર્ડ “


જે દિવસે પ્રથમ ગ્રાન્ડ રિહર્સલ હતું તે દિવસે હર્ષને તેની મમ્મીને લઈ ફરીથી રૂટિન ચેકઅપ માટે જવાનું થયું એટલે તે મોડો આવશે તેવું પર્ણાને જણાવ્યુ. પર્ણાએ હર્ષની મજબૂરી સમજી તેને કામ પતાવી તરતજ આવી જવાની વિનંતી સાથે મોડા આવવાની છૂટ આપી. છેલ્લા ઇંટિમેટ સીનનું રિહર્સલ કરવાનો સમય થયો ત્યાં સુધી હર્ષ પહોંચી શક્યો નહીં અને આજે સમીર પણ હજુ સુધી આવ્યો ન હતો એટલે પર્ણાએ કઇંક વિચારી પ્રોફેસર મૌલિનને હર્ષની જગ્યાએ ઊભા રાખી પ્રોફેસર મૌલિન સાથે તે સીન ભજવવાનું નક્કી કર્યું. પ્રોફેસર મૌલિન થોડાક ખચકાટ સાથે ઊભા થયા. પર્ણાએ સંવાદો બોલી મનમાં પ્રોફેસર મૌલિનને હર્ષ ધારી તેમને પોતાના બાહુપાશમાં લઈ આંખો બંધ કરી અને તે સીન ભજવ્યું. તે આગળના સંવાદો બોલતી રહી ત્યારે તેનામાં એવી ભાવનાત્નકતા અને સંવેદનશીલતા પેદા થઈ જેથી તેની આંખોમથી આંસુ વહેવા લાગ્યા બરાબર તે જ સમયે હર્ષ કોલેજના થિયેટરમાં દાખલ થયો અને પર્ણા અને પ્રોફેસર મૌલિનને એક બીજામાં ઓતપ્રોત જોઈ છડી ઉઠ્યો. તે એકદમ ધૂવાપૂવા થઈ ગયો. તે સમજ્યો કે પર્ણા હવે કદાચ પ્રોફેસર મૌલિનને પ્રેમ કરે છે માટે તેણે તેમના જીવનમાંથી દૂર થઈ જવું જોઈએ તેમ વિચારી તે ત્યાંથી ચાલ્યો ગયો અને બીજા દિવસે તેણે નાટકમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.


જયારે પર્ણાને કોઈ પણ કારણ જણાવ્યા સિવાય નાટકમાંથી એકાએક ખસી જવાના હર્ષના નિર્ણયની જાણ થઈ ત્યારે તે હચમચી ગઈ. તેના માટે આ નાટક પોતાના જીવનું એક મહામૂલું સ્વપનું હતું. છેક છેલ્લી ઘડીએ હર્ષ નાટકમાંથી ખસી ગયો એટલે તેનું સ્વપ્નું ચકનાચૂર થઈ ગયું. તેના મગજમાં કેટલાએ સારા નરસા વિચારો આવીને પસાર થઈ ગયા. તેને હર્ષ પર ખૂબ ગુસ્સો ચઢ્યો. હર્ષ કોલેજમાં હાજર ન હોવાથી એકાએક હર્ષે આવો નિર્ણય શા માટે લીધો તે જાણવા માટે તેના ઘર તરફ જવા ઝડપથી તેનું એક્ટિવા સ્ટાર્ટ કર્યું. વિચારોના ધસમસતા પૂરના કારણે તેને ચક્કર આવવા લાગ્યા. તેની આંખે અંધારા આવી ગયા. તેનું એક્ટિવા કોલેજ કેમ્પસની બહાર નીકળે તે પહેલાં તે બેહોશ થઈ પડી ગઈ.  


વાર્ષિકોત્સવ સુધી હર્ષ કોલેજમાં ન આવ્યો. વાર્ષિકોત્સવના બીજા દિવસે રવિવાર હતો. હર્ષને પર્ણાની ખૂબ યાદ સતાવતી હતી. પર્ણા શા માટે બેવફા નીકળી તે વાત તેના મગજમાંથી હટતી ન હતી. તે ખૂબ વ્યાકુળ હોવાથી પોતાનો ગમ ભૂલવા માટે તે પોતાના પ્રિય સ્થળ નરીમાન પોઈન્ટ નજીક મરીન ડ્રાઈવના દરિયા કિનારે આવી ઊભો રહ્યો. સાંજ થવા આવી હતી. તેના હદમાં વેદનાનો સાગર ઘૂઘવતો હતો. દૂર ક્ષિતિજે ડૂબતા સુરજનો લાલ રંગ જાણે કોઈએ તેના હદયને ચીરી નાખ્યું હોય અને તેમાંથી લાલ રુધિર નીકળતું હોય તેવો ભાસતો હતો. તેની આંખોના ખૂણા ભીના થયા જે લૂછવા માટે તેણે રૂમાલ કાઢ્યો બરાબર તે વખતે તેના ખભા પર કોઇકે હળવેથી હાથ મૂક્યો. તે થોડીક પળો માટે તેના ખભા પર કોનો હાથ હશે તેની કલ્પના કરવા લાગ્યો. તેનાથી અટકળ ન થઈ શકી એટલે તેણે પાછળ જોયું. તે હાથ પ્રોફેસર મૌલિનનો હતો. પ્રોફેસર મૌલિનને જોઈ તેની આંખોમાં ગુસ્સો ડોકાયો. તેણે ઝાટકીને તેમનો હાથ પોતાના ખભા પરથી દૂર કરી દીધો. પ્રોફેસર મૌલિનને હર્ષ તરફથી આવા વયવહારની અપેક્ષા ન હતી તેમ છતાં તેમણે શક્ય તેટલા મૃદુ અવાજે હર્ષને પૂછ્યું

“હર્ષ શા માટે કોઈ કારણ દર્શાવ્યા વિના એકાએક તેં તારું નામ નાટકમાંથી પાછું ખેંચી લીધું હતું ? પર્ણા કેટલી નારાજ થઈ ગઈ હતી અને તે ......”

પ્રોફેસર મૌલિન તેનું વાક્ય પૂરું કરે તે પહેલાં હર્ષ ગુસ્સાથી બોલ્યો “આ બધુ તમે મને કેમ પુછો છો ? શું તમે નથી જાણતા આ બધુ કેમ થયું છે તે ? તેની આંખોમાં રોષ હતો. 

પ્રોફેસર મૌલિન “ના, તમારા બંને વચ્ચે શાની તકરાર છે તે મારી જાણકારીમાં નથી. તને શાનું મન દુખ થયું છે તેનાથી પર્ણા પણ અજાણ છે. શું......, થયું હતું, હર્ષ મને કહીશ ?”


એક પળના વિરામ બાદ હર્ષ બોલ્યો “સર પર્ણા તમને પ્રેમ કરે છે તેની મને જાણ ન હતી. હું સમજતો હતો કે પર્ણા ફક્ત મને અને મને જ પ્રેમ કરે છે. હું તેને મારી સંપત્તિ સમજી બેઠો હતો. મેં જયારે પ્રથમ ગ્રાન્ડ રિહર્સલના દિવસે તેને તમારી બાહોમાં પ્રેમનો એકરાર કરતી અને રડતી જોઈ ત્યારે મે તમારા જીવનમાંથી નીકળી જઇ તમારો માર્ગ મોકળો કરી આપવાનું નક્કી કરી નાટકમાંથી મારુ નામ પાછું ખેંચી લીધું હતું. “

પ્રોફેસર મૌલિન તમામ પરિસ્થિતી સમજી ગયા. તેમણે તે દિવસના પ્રસંગ અંગે આખી બાબતનો ખુલાસો કર્યો અને ત્યાર પછી જણાવ્યુ કે તારા એકાએક નાટકમાંથી ખસી જવાના કારણે પર્ણાને ખૂબ મોટો આઘાત લાગ્યો છે. તે ડિપ્રેશનમા આવી ગઈ છે. તેને ટાટા મેમોરિયલ હોસ્પીટલમાં દાખલ કરી છે અને સારવાર હેઠળ છે.


હર્ષને પોતાનાથી ઉતાવળે થયેલી ભૂલ અને વગર વિચાર્યે કરેલ નિર્ણય પર ખૂબ પછતાવો થયો. તે ત્યાંથી સીધો ટાટા મેમોરિયલ હોસ્પિટલે પહોંચ્યો. પર્ણા પથારી પર આંખો બંધ કરીને પડી હતી. તેની બાજુમાં તેની મમ્મી શૂન્ય મનષ્કે બેઠેલા હતા. તે હર્ષને ઓળખાતા ન હતા. હર્ષે પોતાની ઓળખાણ આપી. પર્ણાના મોઢે ઘણીવાર હર્ષનું નામ તેમણે સાંભળ્યુ હતું. તે પર્ણાની પથારી પર બેઠો. તેણે હળવેથી તેના માથે હાથ મૂક્યો. પર્ણાના શરીરમાં થોડોક સળવળાટ થયો પરંતુ તેણે આંખો ન ખોલી. હર્ષે હળવેથી તેનું નામ બોલી તેને જગાડવાની કોશિશ કરી. પર્ણા આંખ ખોલી તેની તરફ તાકી રહી. તે ભાવશૂન્ય હતી. તે તેને ઓળખી ન શકી. પર્ણાની મમ્મી પાસેથી પર્ણાની સારવાર કરતાં ડોકટરની વિગતો મેળવી હર્ષ તેમને મળવા ગયો. આધેડ વયના ડોકટર ખૂબ માયાળું હતા. તેમણે હર્ષ ને જણાવ્યુ કે વધુ પડતાં માનસિક દબાણના કારણે તેનું બ્લડ પ્રેશર વધી જવાથી તેના મગજની એક નસમાં બ્લડ ક્લોટીંગ થયું હતું અને તેના કારણે પર્ણા બેહોશ થઈ ગઈ હતી. સમયસરની સરવારના કારણે બ્લડ ક્લોટીંગ દૂર થઈ ગયું છે પરંતુ હવે અમારી ધ્યાને આવ્યું છે કે તેને સ્મૃતિ દોષ થયો છે એટલે કે હાલ તેના મગજમાંથી ભૂતકાળની સ્મૃતિઓ ભુસાઈ ગઈ છે સાથે સાથે તે ડિપ્રેશનની શિકાર બની છે. ડિપ્રેશનની સારવાર ચાલુ છે જેનું થોડાક દિવસોમાં પરીણામ મળી જશે પરંતુ તેની ભુસાઈ ગયેલી સ્મૃતિ પાછી આવવામાં કદાચ વાર લાગશે. 


હર્ષે પુછયું, “ડોકટર પર્ણાની સ્મૃતિ પાછી આવવામાં કેટલો સમય લાગી શકે ? “

ડોક્ટર “કહી શકાય નહીં. જો આવી જાય તો થોડાક દિવસોમાં આવી જાય નહિતર વર્ષો પણ લાગી શકે. પર્ણાને કયા કારણે આઘાત લાગ્યો છે તે જાણી શકાય તો વધારે સારી રીતે સારવાર થઈ શકે તેમ છે પરંતુ કમનસીબે પર્ણાના પેરેન્ટ્સને પર્ણાના આઘાતના કારણોની જાણકારી નથી.”

હર્ષ : “સર, હું પર્ણાના આઘાતનું કારણ જાણું છુ “ કહી તેણે ડોકટરને બધી જાણકારી આપી. 

ડોકટર : “આ સંજોગોમાં જો તમે સહકાર આપો તો કદાચ આપણે પર્ણાની સ્મૃતિ ઝડપથી પાછી લાવી શકીએ.” 


ડોક્ટરે હર્ષ સમક્ષ એક પ્લાન રજૂ કર્યો જે અનુસાર થોડાક દિવસ હર્ષ પર્ણાની સાથે જ રહી તેને કોલેજ જીવનની જૂની વાતો અને તેમના પ્રેમની વાતો યાદ કરાવે. તેઓ જ્યાં મળતા હતા તે સ્થળોની મુલાકાત કરાવે અને ત્યાર બાદ જે નાટક પર્ણાએ તૈયાર કર્યું હતું તે તેની સમક્ષ ભજવવામાં આવે તો ખૂબ ઝડપથી પર્ણાની સ્મૃતિ પાછી લાવી શકાય. 


હર્ષે આ બાબતે પર્ણાના માતા પિતા અને પ્રોફેસર મૌલિન સાથે ચર્ચા કરી આગળ વધવાનું નક્કી કર્યું. થોડાક દિવસોમાં હર્ષના સતત સાનિધ્યના કારણે પર્ણાની સારવારમાં હકારાત્મક પરીણામો મળવા લાગ્યા જેથી ડોકટરે પર્ણાના પેરેન્ટ્સને સમજાવી હર્ષને પર્ણા સાથે એકલા કોલેજમાં અને દરીયાકાંઠે ફરવા જવાની છૂટ મેળવી આપી. હર્ષ સૌ પ્રથમ પર્ણાને કોલેજ લાયબ્રેરી અને વાંચનાલય લઈ ગયો. પર્ણા યંત્રવત ફરતી હતી પણ હજુ કોઈને ઓળખતી નહતી. થોડાક દિવસ હર્ષ પર્ણાને નરીમાન પોઈન્ટના દરિયા કિનારાના તેમના મિલનસ્થળે લઈ ગયો. એક દિવસે તેઓ દરીયા કિનારે બેઠા હતા ત્યાં તેમની સાથે ભણતી પર્ણાની ખાસ બહેનપણી આશા તેમની પાસે આવીને બેઠી. દરિયાના મોજા ખૂબ ઊછળતાં હોવાથી આશા ત્યાંથી ઊભી થઈ હર્ષના ખભાનો ટેકો લઈ બીજી તરફ જવા ગઈ એટ્લે પર્ણાએ એકાએક આશાનો હાથ હર્ષના ખભા પરથી ઝાટકી નાખ્યો જે જોઈ હર્ષ એકદમ ખુશ થઈ ગયો. તેને લાગ્યું કે તે પર્ણાના હદયમાં તેના પ્રત્યેની લાગણી જગાડવામાં સફળ થયો છે. તેણે ત્યાંથીજ ડોક્ટરને મોબાઈલથી આ વાત જણાવી એટલે ડોકટરે કહ્યું. “હર્ષ, આ એકદમ પોઝીટીવ રિસ્પોન્સ છે. કીપ ઈટ અપ અને મને કાલે આવીને રૂબરૂ મળ આપણે હવે આગળની સ્ટ્રેટેજી નક્કી કરીશું.”


હર્ષ બીજા દિવસે ડોક્ટરને મળ્યો. તેમણે હવે પર્ણાએ લખેલું નાટક તેની સમક્ષ ભજવાવનું નક્કી કર્યું. હર્ષ, સમીર, આશા અને પ્રોફેસર મૌલિન આ કાર્યમાં જોતરાઈ ગયા. કોલેજના ઓડિટોરિયમના સ્ટેજ પર નાટકનો છેલ્લો સીન પર્ણાની હાજરીમાં રોજ બે ત્રણવાર ભજવાતો. ત્રીજા દિવસે જયારે આશા અને હર્ષ ઈંટીમેટ સીન ભજવી રહ્યા હતા ત્યારે પર્ણા એકાએક ઊભી થઈ દોડી આવી અને આશાને હર્ષથી જુદો કરી પાછી પોતાની જગ્યાએ બેસી ગઈ. આ દ્રશ્ય ફરી બે વાર ભજવાયું. બંને વાર પર્ણા તે રીતે જ વર્તી. હર્ષે ત્યાંજથી ડોક્ટરને ફોન કર્યો. ડોકટરે કહ્યું તમે ત્યાંજ રોકાઓ હું પાંચ મિનિટમાં ત્યાં પહોચું છું. 

ડોક્ટરે આવીને આશાને કહ્યું, “આશા તારે તારી બહેનપનીને નોર્મલ કરવા થોડોક આકરો અભિનય કરવો પડશે તો તું તેના માટે તૈયાર છે ? “ 

આશા બોલી “ સર, કેવો આકરો અભિનય ? પ્લીઝ મને સ્પષ્ટતા કરો.”

ડોક્ટર : “ આશા તારે ઈંટીમેટ સીનમાં જરા કસીને હર્ષને હગ કરવું પડશે. પર્ણા તને હર્ષથી છૂટો પાડવા પ્રયત્ન કરે તો પણ તારે હર્ષથી છૂટા ન પડવાનું. પ્લીઝ આશા, તારી બહેનપણીના જીવન માટે તું આટલો ભોગ નહિ આપી શકે ?”

આશા થોડીક વાર વિચારી બોલી “ ઓકે સર, ફોર માય સ્વીટ એન્ડ લવલી ફ્રેન્ડ’ઝ શેક આઈ વિલ ડુ ધેટ. “


ડોક્ટરે આશાનો આભાર માન્યો અને તેમણે પેલો સીન ભજવવા કહ્યું. પર્ણા ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. જયારે આશાએ હર્ષને હગ કર્યું એટલે પર્ણા ઊભી થઈ આશાને હર્ષથી ખેંચીને છૂટી પાડવા પ્રયન્ત કર્યો પરંતુ આશાએ છૂટા પડવાને બદલે વધારે જોરથી હર્ષને હગ કર્યું એટલે પર્ણા ખૂબ આવેશમાં આવી ગઈ અને આશાના બાહુપાશને એક ઝટકાથી છૂટા પાડી તેના ગાલ પર એક તમતમતો તમાચો મારી બોલી “ યુ... બીચ, હાવ ડેર યુ ટુ હગ માય હર્ષ ઇન માય પ્રેજન્સ" અને એકદમ આવેગથી હર્ષને વળગી પડી રડવા લાગી.“ 


બધાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. ડૉકટરે આશાના માથે હાથ મૂકી આભારની લાગણી વ્યક્ત કરી.  પર્ણા ખાસા લાંબા સમય સુધી હર્ષને વળગીને રડતી રહી. હર્ષ તેની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. ડોક્ટરે મોબાઈલ ફોનથી પર્ણાના પેરેન્ટ્સને પર્ણાની સ્મૃતિ પાછી આવી ગયાના સમાચાર આપ્યા. હીબકે ચઢેલી પર્ણા શાંત થઈ હર્ષના ખભા પર સૂઈ ગઈ. ડોકટરે તેના પલ્સ માપ્યા, પર્ણાની શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ હતી. તે દરમ્યાન પર્ણાના પેરેન્ટ્સ આવી ગયા. પર્ણાની મમ્મીએ પર્ણાને હર્ષના ખભા પરથી હળવેથી દૂર કરી એટલે તેણે પોતાની આંખો ખોલી અને તેની મમ્મી ને જોઈ “મમ્મી ...” કહી તેમને વળગી પડી. 


ડોક્ટરે પર્ણાના પેરેન્ટ્સને કહ્યું કે પર્ણા હવે તદ્દન નોર્મલ છે. તમે અહીથી જ તમારા ઘરે લઈ જઇ શકો છો. પર્ણાંના પિતાએ ડોકટરનો અને પર્ણાના મિત્રોનો આભાર માન્યો. તેમણે હળવેથી પર્ણાનો હાથ હર્ષના હાથમાં આપી તેમને આશીર્વાદ આપ્યા. હાજર સૌએ તાળીઓના ગડગડાટથી બંનેને વધાવી લીધા.


કોલેજ તરફથી પર્ણાએ લખેલ એકાંકી શહેરની કોલેજોના નાટ્ય મહોત્સવની હરીફાઈ માટે પસંદ કરવામાં આવ્યું. આ નાટકમાં પર્ણા, હર્ષ અને સમિરે ખૂબ જોરદાર અભિનય કર્યો. હરીફાઈમાં નાટક પ્રથમ નંબરે આવ્યું. પર્ણાની મહેનત લેખે લાગી. તેનું સ્વપ્નું પૂરું થયું અને મીઠીબાઈ કોલેજનું નામ રોશન થયું.


Rate this content
Log in

Similar gujarati story from Romance