STORYMIRROR

mariyam dhupli

Fantasy Thriller

3  

mariyam dhupli

Fantasy Thriller

સંશોધન

સંશોધન

4 mins
78

દિપક સફાળો જાગ્યો. આઠ વાગી ગયા હતા. આજનો દિવસ અત્યંત મહત્વનો હતો. આજે એણે પોતાનું સંશોધન યુનિવર્સીટીમા સબમિટ કરવાનું હતું. આખા વર્ષના પરિશ્રમ પછી આખરે મહેનત ફળવાની હતી. નવ વાગ્યે સમયસર યુનિવર્સીટી પહોંચી જવાનું હતું. એકજ કલાક હાથમાં હતો. અનુરાધા ક્યારની પથારી છોડી ચૂકી હતી. અનુરાધાએ એને જગાડ્યો પણ નહીં ? એ જાણતી તો હતી કે આજનો દિવસ એના માટે કેટલો મહત્વનો હતો ! દિપક મનોમન અકળાયો. પરંતુ ગઈ કાલની રાત્રી આંખો સામે આવતા કારણ કળી જવાયું.

પથારી છોડી દિપક સીધો બાથરૂમમાં પહોંચ્યો. રસોડામાંથી અનુરાધાનો નાસ્તો મધમધતો સુગઁધ ફેલાવી રહ્યો હતો. અનુરાધા ઓફિસ જવા તૈયાર પણ થઇ ચૂકી હતી અને નિરાંતે નાસ્તાનો આનંદ માણી રહી હતી. અનુરાધાની સ્ફૂર્તિ અને શારીરિક ક્ષમતાથી દીપકના મનમાં છુપી ઈર્ષ્યા જન્મી ઉઠી. દીપકનું તો આખું શરીર પીડામાં ખદબદી રહ્યું હતું. કમરનો દુખાવો, પગના સ્નાયુઓમાં અસહ્ય ખેંચ અને પેટમાં ઉપડી રહેલું દર્દ. એક ઊંડો નિસાસો ઉચ્છવાસમાં ભળ્યો અને દીપકે સ્નાન લેવાનું શરૂ કર્યું.

અનુરાધાએ થોડો વહેલો જગાડ્યો હોત તો ? પણ અનુરાધા તો એનાથી રિસાયેલી હતી. એ ક્યાંથી સમજી શકે આ પરિસ્થિતિ ? ગઈ કાલે મોડી રાત્રે પાર્ટીમાંથી બન્ને પરત થયા હતા. અનુરાધા ખુબજ રોમેન્ટિક મૂડમાં હતી. પથારી ઉપર જે રીતે અનુરાધાના હાથ પોતાના શરીર ઉપર ફરી રહ્યા હતા....અનુરાધાની ઈચ્છા સમજાઈ ગઈ હતી. છતાં જાતે એનો હાથ ધીમે રહી શરીર પરથી હટાવી એણે રીતસર ઊંઘવાનો ડોળ રચ્યો હતો. 

પોતાના મૂડ સ્વિન્ગસ દીપકને પરાકષ્ઠાએ પજવી રહ્યા હતા. અંતિમ બે દિવસથી કેવો ચીડચીડિયો એ બની ગયો હતો ! કશુંજ ગમતું ન હતું. લાગણીઓએ જાણે ક્રાંતિ પુકારી હતી. એને તો લડવું હતું. આખી દુનિયા જોડે. અનુરાધા જોડે પણ. વાતે વાતે એ ભાવવિભોર થઈ ઉઠતો. લડવા માટેના બહાના શોધતો. અનુરાધા જોડે વાત કરવાનું પણ મન થતું ન હતું. આખી દુનિયાથી છેડો કાપી એને થોડા દિવસો પોતાના અંગત ખૂણામાં વિતાવવા હતા. પણ એ એકાંત એને કોઈ આપવા તૈયાર જ ન હતું ? ન યુનિવર્સીટી, ન અનુરાધા. 

ઊંફાળા પાણીના સ્પર્શથી શરીરની પીડા થોડી ઓછી થઈ. હાડકા અને સ્નાયુઓ થોડા હળવા થયા. જાણે એક હળવું મસાજ શરીરને મળી રહ્યું. હાશ, કેવી રાહત ! એને આમજ શાવર નીચે આખો દિવસ રોકાઈ જવું હતું. પણ સમયની અનુમતિ ક્યાંથી મળે ? ઝડપથી સ્નાન પતાવી, કપડાં પહેરી એ કમને રસોડામાં પ્રવેશ્યો. નાસ્તો સામે હતો. પણ મોઢામાં જાણે કશું પણ મુકવાનું મન થઈ રહ્યું ન હતું. શરીર વિચિત્ર ભાવના પેદા કરી રહ્યું હતું. થોડા કોળિયા જબરદસ્તી ગળામાં ઉતારી એણે મેડિકલ બોક્સ ખોલ્યો. પેઈનકિલર કાઢી પાણી સાથે ગટગટાવી ગયો. મનને મૌન આશ્વાસન આપ્યું. એકાદ દિવસમાં આવી જશે. ત્યાં સુધી પેઈન કિલરનોજ સધિયારો.

સામે છેડેથી અનુરાધાની છુપી નજર ક્યારની દીપકને નિહાળી રહી હતી. આજે એ દરરોજ કરતા કંઈક વધુજ સોહામણો લાગી રહ્યો હતો. નાહીને અર્ધ ભીંજાયેલા એના વાળ, બોડી ટાઈટ ટીશર્ટમાંથી ઝાંખી રહેલી એની હૃષ્ટપૃષ્ટ છાતી અને સશક્ત સુડોળ ખભા. અનુરાધાનું મન બેકાબુ થયું. હજી દીપકને એક તક ન આપી શકાય ? એ અનાયાસે ઊભી થઈ દીપકની નજીક પહોંચી. દીપકના કાનમાં ગરમાગરમ ઉંફાળો શબ્દ રેડાયો.

" ગુડમોર્નિંગ "

અનુરાધાના માદક સ્વરથી દીપકનું મન વિચલિત થયું. એના માથામાં ફરી રહેલા અનુરાધાના હાથથી દીપકના શરીરમાં કંપારી છૂટી. થોડા મહિનાઓ પહેલાનું વાવાઝોડું હૈયાને ધ્રુજાવી રહ્યું.

પોતાના માટે પોતાનું કામ અને કારકિર્દી પૂજા સમાન હતા. અનુરાધા માટે પણ એની કારકિર્દી એની સાધના હતી. બન્ને માટે પ્રાયોરિટી સ્પષ્ટ હતી. બન્નેની કારકિર્દી અત્યંત પ્રોગ્રેસિવ મોડ પર હતી. અહીં કોઈ પણ પ્રકારના ત્યાગ, બલિદાન માટે કોઈ અવકાશ ન હતો. નવ મહિનાનો ગર્ભ, બાળકની સમય અને ઝીણવટભરી સંભાળ માંગનારી ભારેખમ જવાબદારી, મેટરનિટી લિવ, આ તબક્કે કોઈ પણ પ્રકારના સેક્રિફાઈસ માટે બન્ને માનસિક રીતે તૈયાર ન જ હતા. 

પિરિયડ મિસ થયા ત્યારે બન્ને કેવા સમસમી ગયા હતા. સંબંધમાં રીતસર વાવાઝોડું ફૂંકાયું હતું. એકબીજાની ઉપર દોષારોપણના પલટ વાર થયા હતા. હવે શું થશે ? શું કરીશું ? રિપોર્ટ થરથર હાથે વંચાઈ હતી. ફક્ત હોર્મોનિક ઈમ્બેલેન્સ હતું. બન્નેને જાણે નવું જીવન મળ્યું હતું. છતાં અગણિત દવાઓના લાંબા સેવન બાદ આખરે ચક્ર નિયમિત થયું હતું. 

વિચારથીજ થાક લાગી આવ્યો. જો નિયમિત સુરક્ષાના પગલાં ન લેવાય તો ? થોડી ક્ષણોની મજા માટે જીવ હત્યા ? આગળના વિચારથીજ એને ઉબકા જેવું આવ્યું. થોડા સમય પહેલા લીધેલી પેઈન કિલરનો સ્વાદ ઉબકા જોડે ભળી ગયો. 

" હું નીકળું છું. મોડું થાય છે. સાંજે મળીએ. "

અનુરાધાની હૂંફાળી ઈચ્છાઓ ઉપર ઠંડુ પાણી રેડી એ ફરી એક વાર પરિસ્થિતિમાંથી સમયસર છટકી ગયો. અનુરાધા છણકા જોડે ફરીથી પોતાના નાસ્તાની પ્લેટ નજીક આવી ગોઠવાઈ. હા , એ ફરી રિસાઈ ગઈ. 

યુનિવર્સીટી પહોંચી દીપકે સમયસર પોતાનું સંશોધન સબમિટ કર્યું. સંશોધનનું શીર્ષક દીપકના મનમાં જ્વાળામુખી સમું ફાટી મનોમંથનથી દઝાડી રહ્યું. 

' જો આ સંશોધન પુસ્તક એકવીસમી સદીમાં લખાયું હોત તો ?.....

તો ચોક્કસ આ પુસ્તકનું શીર્ષક વિરોધાભાષી હોત....

પણ આ તો એકત્રીસમી સદી હતી. હવે બધુજ બદલાઈ ચૂક્યું હતું. પ્રકૃત્તિના નવા નિયમે આખી સૃષ્ટિને વિપરીત સ્થિતિમાં મૂકી દીધી હતી. હવે માસિક સ્ત્રાવ અને ગર્ભધારણની જવાબદારી પુરુષે ઉપાડવાની હતી. તેથીજ તો.........'

અને ફાઈનલ સબમિશન જોડે દીપકની નજર પોતાના સંશોધન પુસ્તકના શીર્ષક ઉપર અંતિમ વાર ફરી વળી.

' શા માટે સ્ત્રીઓમાં સેક્સડ્રાઇવનું પ્રમાણ પુરુષો કરતા બમણું હોય છે ? '


Rate this content
Log in

Similar gujarati story from Fantasy