સંપર્ક
સંપર્ક


સુનિધિની દીકરી નિધિની સગાઈ હતી. મહેમાનોની અવરજવર ચાલુ હતી. રંગે ચંગે પ્રસંગ પતી ગયો. નિધિ અને નિશાંત તો ઘણા સમયથી મોબાઈલથી એકબીજાની નજીક હતા. વોટ્સએપમાં ચેટ કરવી, પિક મોકલવા,વિડિયો કોલિંગ કરવું. જાણે કે વર્ષોથી એકબીજાને ઓળખતા હતા !
સુનિધિ આખા દિવસમાં કામકાજ બાદ રાતે પરવારીને બેઠી. બેડરૂમમાં સુલય ઊંઘી ગયો હતો. સુલય સામે જોઇને સુનિધિ ભૂતકાળમાં સરી પડી!
"આજથી અઢાર વર્ષ પહેલાંની વાત. એ વખતે તો ટેલિફોન ચાલતા હતા. ત્યારે સેલફોન પણ નવા નવા જ આવ્યા હતા. સુનિધિ કૉલેજ કરતી હતી ને સુલય એને જોવા આવ્યો હતો. એ વખતે હજુ પણ છોકરો છોકરી એકબીજાને જુવે અને થોડી વાતચીત કરે એવું જ ચાલતું હતું. બંને એ દસ મિનિટ વાતચીત કરી બસ પતી ગયું. કોઈને મળ્યા હોય અને ફક્ત દસ મિનિટમાં પૂરા જીવનનો કેવી રીતે નિર્ણય કરવો એ ખૂબ મુશ્કેલ કામ હતું ! પણ એ વખતે પરિવારમાં વડવાઓ હોય એજ નિર્ણાયક તરીકેની ફરજ બજાવતા.
વડવાઓ ને સુલય ગમ્યો. બસ સગાઈ નક્કી થઈ ગઈ. હવે બંને ને વાતચીતનું ખૂબ મન થાય પણ કેવી રીતે કરવી?
ટેલિફોન પર પણ હા, હમ્ એવું કરવું પડે કેમ કે ફોન મોટેભાગે બહારના રૂમમાં હોય અને ત્યાં બધા બેઠા હોય એટલે વધારે વાત શક્ય ન બનતી. પછી એક જ સહારો રહેતો પત્ર લખવાનો ! એમાંજ બધું વિસ્તારપૂર્વક કહી શકાતું! ટેલિફોન પર વાત તો થાય પણ ચેહરો ન જોઈ શકાય. અવાજ સાંભળીને જ સંતોષ માનવો પડતો. વારેઘડીએ મળી પણ શકાતું. સુનિધિ તો સગાઈ પછી સીધી લગ્ન વખતે જ સુલયને જોઈ શકી. હાય! આતો કેવું કહેવાય." કેટલું બધું મન થતું હતું એમને જોવાનું. "
સુનિધિ વર્તમાનમાં પાછી ફરી. સવાલ એ થાય કે પહેલા ફક્ત ટેલિફોન હતા. ઓછી વાતચીત થતી. કોઈક વાર જ મળી શકાતું છતાંય લગ્નજીવન સુંદર રીતે ચાલતા. કોઈપણ જાતના ડખા વગર.
અત્યારે તો છોકરા છોકરી એકબીજાને પહેલા પણ મળે છે લગ્ન પહેલા પણ સાથે ફરતા હોય છે. પણ કેમ પહેલા ના લોકો જેવો સુમેળ બંને વચ્ચે ઓછો વર્તાય છે. કેમ વિચારોનો મનમેળ હોતો નથી? કેમ એકબીજાને સમજતા નથી? શા માટે છૂટાછેડા નું પ્રમાણ વધી રહ્યું છે? શું આ બધાનું કારણ મોબાઈલ ને ગણી શકાય?
શું એમ કહી શકાય કે આજના સ્માર્ટ ફોન કરતા ટેલિફોન સારા હતા? કે પછી એમ કહીએ કે એમના માનસ બદલાયા છે. પહેલાં કોઈ યુવક કે યુવતી ને અણગમતા પાત્ર સાથે નિભાવવું પડતું સમાજ ને કારણે કે માતાપિતાની બદનામી ન થાય એને કારણે! આજના યુવક યુવતી પરાણે કોઈ પણ વસ્તુ સહન કરવા તૈયાર નથી. દરેક પ્રૉબ્લેમ નો તડ ને ફડ ઉકેલ લાવવામાં જ માને છે! આને કારણે સમાજ ની ઉન્નતિ થાશે કે દુર્ગતિ? આને કારણે સમજ વ્યવસ્થા મજબૂત થશે કે પછી સાવ ભાંગી પડશે?