Abid Khanusia

Romance Inspirational

3  

Abid Khanusia

Romance Inspirational

સંજોગ

સંજોગ

15 mins
667


ગુજરાત રાજ્યની અમદાવાદ સ્થિત મશહૂર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. નિખિલ મહેતાને પોતાના વતનની પોતે જેમાં ભણ્યા હતા તે કોલેજના સંચાલક મંડળના સભ્યો, પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ વિગેરેનું પ્રતિનિધિમંડળ કોલેજની સુવર્ણ જયંતિની ઉજવણીમાં અધ્યક્ષ સ્થાને હાજર રહેવા માટેનું આમંત્રણ આપી રવાના થયા પછી ડો. નિખિલ મહેતાને કોલેજમાં ગુજારેલા દિવસોની યાદ આવી ગઈ. 


ઓલ્ડ એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી તેમણે શહેરની સ્થાનિક કોલેજમાં પ્રવેશ મેળવ્યો. શાળા જીવનમાં સાથે ભણતા વિધાર્થીઓ પૈકી તેના ગાઢ મિત્ર કૌશલે પણ તેમની સાથે આ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. કોલેજના શરૂઆતના દિવસોમાં નિખિલ અને કૌશલ સિવાય કોઈ મિત્ર કંપની ન હતી. પરંતુ મધ્ય સત્રની પરીક્ષામાં નિખિલ વર્ગમાં સૌ પ્રથમ આવ્યો ત્યારે તેના મિત્રોની યાદી લાંબી થઈ ગઈ. જેમાં યુવાનો અને યુવતીઓ પણ હતી. એક દિવસે તેમના વર્ગમાં ભણતી શાલિની શાહે નિખિલ પાસે, તેની બીમારીના કારણે ત્રણ દિવસ કોલેજમાં ન આવી શકવાથી છૂટી ગયેલા લેકચરની નોંધ લખવા માટે, તેની નોટબુક માગી. નિખિલે શાલિનીને પોતાની નોટબુક આપી અને સાથે સાથે એ પણ જણાવ્યુ કે તેના અક્ષરો વાંચી શકાય તેવા છે પરંતુ પ્રોફેસરોના લેકચર્સ ઉતાવળથી લખ્યાછે તેથી કદાચ કોઈ વાક્ય પૂરું ન લખી શકાયું હોય તો ત્યાં નિશાની કરી રાખજે જેથી હું તેની વિગતો પુરી કરી આપીશ. 


શાલિની બીજા દિવસે નિખિલને તેની નોટ બુક પરત આપતાં “થેંક્યું” કહ્યું. તેના જવાબમાં નિખિલે “મેન્શન નોટ “ કહ્યું સાથે સાથે એ પણ પૂછી લીધું કે લખવામાં અને શબ્દો ઉકેલવામાં કોઈ તકલીફ તો નથી પડી ને ? શાલિની ઇશારથી ના કહી ક્લાસમાં ચાલી ગઈ. થોડા દિવસ પછી બંનેનો કોલેજ કેન્ટીનમાં ભેટો થઈ ગયો અને સામસામે સ્મિતની આપલે થઈ. ધીમે ધીમે તેઓ મિત્રો થઈ ગયા. નિખિલ, કૌશલ અને શાલિની ભણવામાં સમાન રુચિ રાખતા હોવાથી તેમની મિત્રતા વધુ ગાઢ બની. પ્રથમ વર્ષની વાર્ષિક પરીક્ષામાં નિખિલ, કૌશલ અને શાલિની ઉચ્ચ ગુણો સાથે પ્રથમ વર્ગમાં પાસ થયા. 


કોલેજના બીજા વર્ષમાં તેમની દોસ્તી હતી તેના કરતાં પણ વધારે મજબૂત થઈ અને આ વર્ષે પણ તેમની ત્રિપુટીએ વાર્ષિક પરીક્ષામાં ફરીથી ડંકો વગાડી દીધો. કૌશલના પિતાજીની બદલી થવાથી કૌશલ બીજા શહેરમાં ભણવા ચાલ્યો ગયો. હવે નિખિલ અને શાલિની બે જ રહ્યા. થોડાક દિવસ તેમને કૌશલની જુદાઇ અકળાવતી રહી, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ કૌશલ ભૂલાતો ગયો અને તે બંને નજીક આવતા ગયા. હવે નિખિલ અને શાલિની મિત્રોથી આગળ વધી પ્રેમી થઈ ગયા હતા. બંનેને એક બીજા વિના ચાલતું ન હતું. કોલેજ સમય પછી પણ બંને અવાર નવાર એક બીજાને મળવા લાગ્યા. કોલેજ કેમ્પસની કમ્પાઉન્ડવોલને અડીને થોડેક દૂર ઉભેલુ ગુલમહોરનું વૃક્ષ તેમના પ્રેમનું મૂક શાક્ષી બની રહ્યું. તે વૃક્ષના થડ પર નિખિલે નાનકડા ચાકૂથી બંનેના નામો કોતરી તેના ફરતે દિલનું ચિત્ર દોરી પોતાના પ્રેમનો એકરાર કરી રાખ્યો હતો. 


શાલિનીને પિતા ન હતા. તેના જન્મ બાદ થોડાક વર્ષોમાં તેના પિતાનો ટૂંકી માંદગીમાં સ્વર્ગવાસ થઈ ગયો હતો. તેની માતા ઘરમાં “પેઈંગ ગેસ્ટ” તરીકે લોકોને જમાડતાં અને તેમનું ગુજરાન ચલાવતા હતા. નિખિલનું કુટુંબ પણ બહુ સુખી નહતું. તેના પિતા એક ખાનગી પેઢીમાં નામું લખતા હતા. નિખિલ પોતાના મા બાપનું એકનું એક સંતાન હતો. નિખિલ ભણવામાં હોશિયાર હોવાથી તે ભણીગણી કમાતો થશે એટલે સુખના દિવસો આવશે તે આશાએ તેઓ જીવી રહ્યા હતા. 


નિખિલ બી.એ.ની ફાઇનલ પરીક્ષામાં ઉચ્ચ પ્રથમ વર્ગમાં પાસ થયો હતો. તે શાળામાં પ્રથમ તો હતો જ સાથોસાથ યુનિવર્સિટીમાં તે દસમા ક્રમાંકે હતો. કોલેજે તેના સન્માન માટે સમારંભ યોજ્યો હતો જેમાં કોલેજના સંચાલક મંડળના સભ્યો ઉપરાંત શહેરના નામાંકિત વેપારીઓ, ડોક્ટરો, શિક્ષણવિદો હાજર રહ્યા હતા. સન્માન સમારંભમાં કોલેજના પ્રિન્સિપાલે નિખિલની હોશિયારીના વખાણ કરી જણાવ્યું કે જો નિખિલને આગળ ભણવા માટે નાણાકીય સહાય આપવામાં આવે તો તે સારો સાક્ષર બની શહેર અને દેશનું નામ રોશન કરી શકે તેમ છે. મંચસ્થ મહાનુભવો પૈકી હર્ષદરાય મહેતાએ કહ્યું કે નિખિલનો આગળ ભણવાનો તમામ ખર્ચો તે ઉઠાવવા તૈયાર છે. જો નિખિલ ઇચ્છશે તો તેઓ તેને વધુ અભ્યાસ અર્થે વિદેશ પણ મોકલવા તૈયાર છે. હાજર સૌએ હર્ષદરાય મેહતાની જાહેરાતને તાળીઓથી વધાવી લીધી. નિખિલના માતૃશ્રી અને શાલિનીને આ જાહેરાતથી આનંદ ન થયો.  


હર્ષદરાય મેહતાએ નિખિલને પરદેશ ભણવા જવા પ્રોત્સાહિત કર્યો. નિખિલે તેના મા બાપ અને શાલિની સાથે આ બાબતે ચર્ચા કરી. નિખિલની માતા પોતાના એકના એક દિકરાને વિદેશ મોકલવા તૈયાર ન હતાં. તેમણે કહ્યું “ બેટા, દેશમાં અડધો રોટલો ખાઈ ખુશ રહીશું પણ તને પરદેશ તો નહીં જ જવા દઉં.“ શાલિની તો નિખિલની પરદેશ જવાની વાત સાંભળી રડવા લાગી. તે તેનો પ્રિયતમ પોતાની આંખોથી દૂર થાય તેવું ઇચ્છતી ન હતી. નિખિલના પિતા આ અંગે નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવતા હતા. કોલેજના પ્રિન્સિપાલ, કોલેજના સંચાલક મંડળ અને હર્ષદરાય મહેતાના ખૂબ આગ્રહને વશ થઈ છેવટે સૌએ નિખિલને પરદેશ ભણવા જવાની મંજૂરી આપી. 


હર્ષદરાયે નિખિલનો પ્રવેશ ઈંગ્લેંડની ઓક્ષફર્ડ યુનિવર્સિટીમાં મેળવી આપ્યો. નિખિલનો વિદેશ જવાનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ શાલિની વધુ ને વધુ ઉદાસ રહેવા લાગી. નિખિલ તેને સાંત્વના આપતો પણ તેની ઉદાસી દૂર થતી ન હતી. એક દિવસે નિખિલ શાલિનીના ઘરે ગયો અને તેની માતાને મળી શાલિનીને સમજાવવા કહ્યું. તેણે કહ્યું કે જો શાલિની તેને સાચા અંત:કરણથી પરદેશ ભણવા જવાની મંજૂરી નહિ આપે તો તે આગળ ભણવાનું છોડી દેશે અને અહિંજ કોઈ નોકરી શોધી લેશે. શાલિની પોતાના મનના માણીગરની પ્રગતિ ઇચ્છતી ન હતી એવું ન હતું પરંતુ તે તેનાથી અળગો થાય તે કલ્પનાથી તે ભયભીત થઈ ઉઠતી હતી. તે માનતી હતી કે જે લોકો પરદેશ જાય છે તે વતનને ભૂલી જાય છે અને સમાજ તથા સગા સબંધીઓથી વિખૂટા પડી જાય છે. જો નિખિલ પણ પરદેશ જઇ તેને ભૂલી જશે તો તે તેના વિના જીવી નહીં શકે. નિખિલે તેને ન ભૂલી જવાનું અને પરદેશનો અભ્યાસ પૂર્ણ કરી વતન પરત આવવાનું અને તેની સાથે જ લગ્ન કરવાનું વચન આપ્યું.


નિખિલના વચનથી શાલિનીના હદય પરથી એક બોજો ઉતરી ગયો. તે નિખિલને વળગી પડી. બંને જણા એવા મદહોશ થઈ ગયા કે તે દિવસે બંને તમામ મર્યાદાઓ ઓળંગી એક બીજામાં સમાઈ ગયા. સતત બે વર્ષ સુધી નિખિલ વતન ન આવી શક્યો. તે જમાનમાં સંદેશા વ્યવહારના સાધનો ખૂબ અલ્પ હતા. તેણે ઈંગ્લેન્ડ ગયા પછી ત્રણ માસ પછી તેના ઘરે અને શાલિનીને પત્રો લખ્યા. તેના પિતા તરફથી તો પત્રનો જવાબ મળ્યો પરંતુ શાલિનીનો કોઈ જવાબ તેને ન મળ્યો. એક વખતે ચોમાસા દરમ્યાન આવેલ વાવાજોડામાં તેના ઘરની નજીક આવેલ વીજળીનો થાંભલો તેમના ઘર પર પડ્યો જેનાથી તેનું જૂનું મકાન ધરાશાયી થઈ ગયું જેમાં તેના માતા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયાના સમાચાર સાંભળી નિખિલ વતન પરત આવ્યો. માતા પિતાના કારજની ક્રિયાઓ પૂર્ણ કરી તે શાલિનીને મળવા ગયો તો તેને જાણવા મળ્યું કે તેના પરદેશ ગયા પછી ત્રણ જ મહિનામાં શાલિનીની માતાનું અવસાન થઈ ગયું હતું. તેની માતાના અવસાન પછી એક દિવસે રાત્રે શાલિની કોઈને કશું કહ્યા વિના શહેર છોડી ચાલી ગઈ હતી અને ત્યારથી તેની કોઈ ભાળ ન હતી. નિખલે શાલિની ગાઢ બહેનપણીને મળીને શાલિની વિષે જાણવા ચાહ્યું પરંતુ તે પણ પરણીને મુંબઈ ચાલી ગઈ હતી. નિખિલ નિરશ થઈ ફરી ઈંગ્લેન્ડ આવી ગયો અને અભ્યાસમાં પરોવાઈ ગયો. 

હવે તે ડો. નિખિલ મહેતા હતા. તેમણે અંગ્રેજી ભાષાના પ્રેમના કવિઓ કીટસ, શેલી અને બાયરનના કાવ્યો પર તુલનાત્મક અભ્યાસ કરી એક થીસિસ લખી ડોક્ટરેટની ઉપાધિ મેળવી હતી. તેમની પાસે તે સિવાય પણ અઢળક ડિગ્રીઓ અને વિવિધ દેશોની સાહિત્યની ફેલોશિપ પણ હતી. તેમને લંડનની એક કોલેજમાં ઊંચા પગારની નોકરી મળી ગઈ હતી. વતનમાં કોઈ ન હતું માટે વતન આવવાનું કોઈ આકર્ષણ ન હતું તેમ છતાં તેમને શાલિની માટે ખૂબ ફિકર થતી હતી. લંડનમાં દસ વર્ષ નોકરી પછી તેઓ અમરીકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાં પણ તેમણે દસ વર્ષ નોકરી કરી. તેમણે તેમના જીવનમાં ખૂબ અથોપાર્જન કર્યું હતું. તેમણે લખેલા પુસ્તકો દેશ વિદેશની કોલેજોના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા જે માટે તેમને દરવર્ષે સારી એવી રકમ રોયલ્ટી પેટે મળતી હતી. હવે તેમણે અમદાવાદમાં સ્થાયી થવાના ઈરાદા સાથે વતન પરત ફરવાનું નક્કી કર્યું. અમદાવાદ આવ્યા પછી તેમણે સાહિત્ય સેવા કરવાનું નક્કી કર્યું હતું. ગુજરાત રાજ્યની મશહૂર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું પદ  યોગ્ય ઉમેદવારના અભાવે છેલ્લા બે વર્ષથી ખાલી હતું જે માટે સરકારને વિરોધ પક્ષની ટીકાઓનો સામનો કરવો પડતો હતો તેથી ગુજરાત સરકારે તેમની નામના અને અનુભવને ધ્યાને લઈ યુનિવર્સિટીનું વાઇસ ચાન્સેલરના પદની ઓફર કર્યું જે તેમણે સ્વીકારી લીધી અને તેમાં પ્રવૃત્ત થઈ ગયા.   


પોતાની કોલેજના સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપવા આવેલા યુનિટમાં કોલેજની વાઇસ પ્રિન્સિપાલ પણ હતી. તેમને તે યુવતીનો નાક નકશો શાલિની જેવો લાગ્યો હતો પરંતુ તે વખતે તેમને તે યુવતીનો પરીચય મેળવવો યોગ્ય લાગ્યો ન હતો. તેમને બે દિવસ સુધી તે યુવતીની યાદ આવતી રહી તેથી તેમણે તેમના પર્સનલ આસિસ્ટન્ટને તેમના શહેરની કોલેજના સ્ટાફની વિગતો એકઠી કરી પોતાને પૂરી પાડવા જણાવ્યુ. તેણે બીજા દિવસે માહિતી નિખિલને આપી. વાઇસ પ્રિન્સિપાલનું નામ ડો. નિશા મહેતા લખાએલું હતું. તેના પિતાનું નામ લખાએલું ન હતું. કોલેજના સુવર્ણ જયંતિના કાર્યક્રમ વખતે ડો. નિશાનો વધુ પરીચય મેળવવાનું તેમણે નક્કી કર્યું.  


કોલેજનો સુવર્ણ જયંતિનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલવાનો હતો. ડો. નિખિલ મહેતાને ત્રીજા અને અંતિમ દિવસે કાર્યકર્મમાં ઉપસ્થિત રહેવાનુ હતું. તે પૂર્ણાહુતિ કાર્યક્રમના આધ્યક્ષ હતા. સવારના શેશનમાં તેમનું પ્રવચન હતું અને પ્રવચન બાદ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ અને તેમના પ્રશ્નોના જવાબ આપવાના હતા. બપોરે લંચબ્રેક અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાપન તેવું આયોજન હતું.  


તેમની કાર જ્યારે કોલેજ કેમ્પસમાં પ્રવેશી ત્યારે તેમણે આવકારવા કોલેજના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ દરવાજા પર હાજર હતા. તેમણે સસ્મિત તેમનું અભિવાદન સ્વીકાર્યું. ચા નાસ્તા પછી તેઓ કોલેજના ઓડિટોરિયમમાં પહોચ્યાં અને વિદ્યાર્થીઓ સમક્ષ “માનવતા નૈતિક અને સામાજિક મૂલ્યો” અંગે એક વિસ્તૃત પ્રવચન આપ્યું. ડો. નિખિલ મહેતાનું પ્રવચન સાંભળી સૌ વિદ્યાર્થીઓએ અભિભૂત થઈ ગયા. તેમના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થઈ વિદ્યાર્થીઓએ પ્રવચન પછી તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. ત્યાર પછી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ શરૂ થયો. વિવિધ વિદ્યાર્થીઓએ તરફથી પ્રશ્નો પૂછતા ગયા અને ડો. નિખિલ મહેતા જ્ઞાનવર્ધક ઉત્તરો આપતા ગયા. કાર્યક્રમ પૂર્ણ થવાની જાહેરાત વચ્ચે એક વિદ્યાર્થિનીએ કહ્યું “ સર, તમામ પ્રકારનો પ્રેમ મનુષના જીવનનું અવિભાજય અંગ હોવા છતાં પ્રેમી અને પ્રેમિકા વચ્ચે સમાજ શા કારણે અંતરાયો ઊભા કરે છે. શું ત્યાં માનવતાના સામાજિક મૂલ્યો મરી પરવારે છે ? “ ખૂબ વેધક પ્રશ્ન હતો એટલે ડો. નિખીલે કહ્યું “તેના ઘણા કારણો છે જેની છણાવટ કરવાનો અત્યારે સમય નથી પરંતુ આપણે ઘણી વખતે સમાજને ખોટી રીતે મૂલવતાં હોઈએ છીએ. સામાજિક વ્યવસ્થા કરતાં ઘણી વાર સંજોગો ખુદ એવા અંતરાયો ઊભા કરે છે કે ન ચાહવા છતાં પ્રેમીઓને જુદાઇ વેઠવી પડે છે. માટે પ્રેમીઓ માટે સામાજિક માનવ મૂલ્યો મારી પરવારે છે તેવું કહેવું ઉચિત નથી. “ થેંક્યું કહી તેમણે સ્ટેજ છોડયું. 


ડો. નિશા મહેતા તેમને કોલેજના ગેસ્ટ રૂમ તરફ દોરી ગઈ. તેમને રૂમમાં પહોચાડી નિશાએ કહ્યું, “સર હું આપના માટે લંચની વ્યવસ્થા કરું તે દરમ્યાન આપ આરામ ફરમાવો.“ કહી નિશા રૂમ છોડવા જતી હતી ત્યારે ડો. નિખિલ બોલ્યા “ મિસ નિશા, હું લંચ થોડીક વાર પછી લેવા ઈચ્છું છુ પરંતુ જો તમે ફ્રી હોવ તો હું કોલેજ કેમ્પસમાં એક લટાર મારવા ઈચ્છું છુ. ઓફકોર્સ જો તમે ફ્રી હોવ તો જ ...”

નિશા : “હું ફ્રી જ છુ સર, આપ કહો ત્યારે જઈશું.”

ડો. નિખિલ : “ મારી ઈચ્છા અત્યારેજ એક લટાર મારવાની છે પછી કદાચ સમય નહિ મળે.”

નિશા: “ઓકે સર, હું ગાડીની વ્યવસ્થા કરી લઉં “

ડો. નિખિલ : “ ના હું ચાલીને જવા ઈચ્છું છુ. “

નિશા : “સર, કેમ્પસ ખૂબ મોટું છે અને ચાલીને આખા કેમ્પસમાં ફરવામાં ખૂબ સમય લાગશે અને કદાચ આપને થાક પણ લાગે !”

ડો. નિખિલ :“બસ થોડુક ફરીને પાછા આવી જઈશું “ કહી તેમણે ચાલવા માડ્યું એટલે નિશા પણ તેમની સાથે જોડાઈ. બંને ચાલતાં ચાલતાં આર્ટ્સ કોલેજની પાછળની બાજુએ ગયા. તેમની આંખો કઈક શોધી રહી હોય તેવું નિશાને લાગ્યું પરંતુ તે ચૂચાપ તેમની સાથે ચાલતી રહી. કોલેજના પછવાડેની કમ્પાઉન્ડ વોલના એક ખૂણા પાસે જઇ તે થોભ્યા. ત્યાં એક ગુલમોહરનું ઝાડ હતું. તેમણે જ્યારે કોલેજ છોડી ત્યારે આ ગુલમોહર ખૂબ નાનો હતો. અત્યારે તે ખુબ મોટા વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયો હતો. પહેલાં ગુલ મહોર નીચે ધૂળ હતી જ્યારે અત્યારે ત્યાં લોન ઉગાડવામાં આવી હતી. બેસવા માટે એક બાંકડો પણ મૂકવામાં આવ્યો હતો. તેમણે ગુલમહોરના છાંયડામાં ઊભા રહી જાણે હવાને સૂંઘતા હોય તેમ એક ઊંડો શ્વાસ ખેંચી હવા તેમના ફેફસામાં ભરી અને થોડી વાર હવા ભરી રાખી ધીમેથી તેમણે શ્વાસ છોડ્યો. તેમણે ગુલમહોરની ટોચ તરફ નજર નાખી.


ગુલમહોર ફૂલોથી ખીલી ઉઠેલો હતો. તેના રતુંબડા ફૂલો તેની શોભામાં ઓર વધારો કરતાં હતા. તેઓ થોડાક આગળ વધ્યા અને તેના થડ પર હાથ ફેરવ્યો. તેમણે જ્યાં તેમનું અને શાલિનીનું નામ કોતર્યું હતું તે જગ્યા પર હવે ઝાડની છાલ ફરી વળી હતી તેમ છતાં ત્યાં કોઈક લખાણ લખાયું હશે તેવો અસ્પષ્ટ આકાર હજુ એ દેખાતો હતો. તેમણે તે જ્ગ્યા પર ધીરે ધીરે ત્રણ ચાર વાર હાથ ફેરવ્યો અને થોડીક વાર આંખો બંધ કરી ઊભા રહ્યા. તેમની સમક્ષ તેમનો યૌવનકાળ જીવંત થઈ ઉઠ્યો. તે થોડીક વાર માટે સમય અને સ્થળનું ભાન ભૂલી ગયા. શાલિનીની યાદ તાજી થવાના કારણે તેમની બંધ આંખોમાંથી એક પાતળી આસુની ધાર વહી નીકળી. તેમને એકાએક નિશાની હાજરીનો ખ્યાલ આવ્યો તેથી તેમણે રૂમાલથી તેમની આંખો સાફ કરી કોલેજ તરફ પરત વળ્યા.


નિશા ડો. નિખિલને ઉદ્દેશીને બોલી: “સર, હું જે દિવસે આ કોલેજમાં નોકરીમાં જોડાઈ તે દિવસે મારી મમ્મી મારી સાથે કોલેજમાં આવી હતી. મે મારી મમ્મીને તે દિવસે આ ગુલમોહર નીચે ગમગીન હાલતમાં બેઠેલી જોઈ હતી. તે પણ આ કોલેજમાં ભણતી હતી. “

ડો.નિખિલ નિશાની વાત સાંભળી એકદમ વિહવળ થઈ બોલ્યા,“ તારી મમ્મીનું નામ શાલિની છે ?”          

નિશા : “હા ”             

ડો. નિખિલ બોલ્યા “તારા પિતાનું નામ ?”

નિશા: “ નિખિલ મહેતા “

પોતાના નામ જેવુ નામ સાંભળી એક પળ વિચારી ડો. નિખિલ બોલ્યા “તારા પપ્પા શું કરે છે ?” 

નિશા: “મારા પપ્પા તો મારા જન્મ પહેલાં મારી મમ્મીને છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે તેવું મારી મમ્મી કહે છે. મે તેમને આજદિન સુધી જોયા નથી. મારી મમ્મી પાસે તેમનો ફોટો પણ નથી એટલે મે તેમને ફોટામાં પણ જોયા નથી.”

ડો. નિખિલ : ”નિશા મારે અત્યારે જ તારી મમ્મી ને મળવું છે અત્યારે જ. તું મને તારા ઘરે લઈ જા અબઘડી. તમે પોળમાં રહો છો ?” ડો. નિખિલના અવાજમાં અધિરતા હતી. 

નિશા એ કહ્યું “હા, અમારું મકાન પોળમાં આવેલું છે.”


ડો નિખીલે ત્યાંથી જ મોબાઈલ પર તેમના ડ્રાઇવરને તેમની ગાડી તરત જ કોલેજના દરવાજાએ લાવવા સૂચના આપી. દસ મિનિટમાં ડો. નિખિલ નિશા સાથે તેના ઘરે પહોંચી ગયા. તેમના ઘર આગળ સરકારી ગાડી આવેલી જોઈ શાલિનીબેન દરવાજામાં ડોકાયા. ગાડીમાંથી સૌ પહેલાં નિશા ઉતારી. ગાડીના બીજા દરવાજેથી ડો. નિખિલ ઉતર્યા અને ગાડીનો ચક્કર મારી નિશાના ઘરના દરવાજા સામે આવી ઘરમાં પ્રવેશ કર્યો. શાલિનીબેન ડો. નિખિલને પોતાની સમક્ષ ઉભેલા જોઈ સુન્ન રહી ગયા. 

“નિખિલ છેક આટલા વર્ષે ?” કહી શાલિનીબેન ડો. નિખિલને વળગીને રડવા માંડ્યા. તેમની આંખોમાંથી અશ્રુઓની ધાર વહી રહી હતી. તેમની છાતીમાંથી દબાએલું એક ડૂસકું નીકળી ગયું. ડો. નિખિલ પણ શાલિનીને બાળકની જેમ વળગી તેના પાલવને ભીજવતાં રહ્યા. પાસે ઊભેલી નિશા સમજી ગઈ કે ડો. નિખિલ મહેતા જ તેના પિતા છે. તેની આંખોમાંથી પણ આંસુઓનો વરસાદ વરસી પડ્યો. થોડાક સમય પછી ઘરના વાતાવરણમાં શાંતિ પ્રસરી. નિશાએ તેના માતા પિતાને પાણી આપ્યું. શાલિની બેન ફરિયાદી સ્વરે બોલ્યા, “નિખિલ તમે આટલા વર્ષે અમારી ખબર કાઢવા આવ્યા. અમારી પર આટલા વર્ષો સુધી શું શું વીત્યું છે અને અમે કેવી રીતે દિવસો પસાર કર્યા છે તે આમેજ જાણીએ છીએ.” 


શાલિની બેને રડતાં રડતાં પોતાનો ભૂતકાળ ખુલ્લો મૂક્યો. તે બોલ્યા. “નિખિલ, નિશા આપણી દીકરી છે. આપણી છેલ્લી મુલાકાતમાં આપણે જે મર્યાદા ઓળંગી હતી તેની તે નિશાની છે. તમે વિદેશ પહોચ્યાં પછી બે મહિને મને એહસાસ થયો કે હું સગર્ભા છુ. મે મારી મમ્મીને તે વાત જણાવી એટલે તેના પર જાણે પહાડ તૂટી પડ્યો હોય તેમ તે પરવશ થઈ ગઈ. સમાજની બીક અને એક કૂવારી દીકરીની કૂખમાં બાળકનું હોવું તેમના માટે ખૂબ ઘાતક નિવડ્યું. તેમણે મને ગર્ભપાત કરાવી લેવાની સલાહ આપી. પરંતુ મે એક આકરો નિર્ણય લીધો હતો. મે મારી કૂંખમાં પાગરી રહેલા તમારા અંશને જન્મ આપવાનો નિર્ધાર કરી લીધો હતો માટે તેમની સલાહ માનવાની ના પાડી દીધી. તે મારા આ નિર્ણયનો આઘાત જીરવી ના શકયા અને ટૂંકી માંદગીમાં ભગવાનની શરણમાં પહોચી ગયા. હું ફરીથી અનાથ થઈ ગઈ. 


આ શહેર છોડી અજાણી જગ્યાએ વસવાનો અને ત્યાં બાળકનો જન્મ આપવાનો નિર્ધાર કરી હું એક દિવસે ઘર છોડી નીકળી ગઈ. હું જયારે હરદ્વાર પહોંચી ત્યારે મારૂ શરીર તાવથી ધગધગતું હતું. હું બેહોશ થઈ ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું એક આશ્રમમાં હતી. એક વૃધ્ધ સ્વામીજી મારી પાસે ઊભા હતા. તે પોતે વૈધ હતા. તેમણે મારા ઊભરી રહેલા પેટને જોઈ પરિસ્થિતી સમજી લીધી હતી. તેમણે મને સામેથી કહી દીધું કે 'બાળકના જન્મ સુધી મને તેમના આશ્રમમાં રહેવાની છૂટ છે.' મને એક સાધ્વી બાઈની કુટીરમાં આશરો આપાયો. બાળકીના જન્મ પછી દવાખાને બાપનું નામ લખવા મને પૂછતાં મે તમારું નામ લખાવી દીધું. મે આપણા બંનેના નામનો સમન્વય કરી બાળકીનું નામ નિશા રાખ્યું. મને તમારા વચનમાં વિશ્વાસ હતો. તમે મને દગો નહીં જ કરો અને એક ને એક દિવસે તમે મને લઈ જશો તે વિશ્વાસે હું નિશાને ઉછેરતી રહી.


નિશા ત્રણ વર્ષની થઈ ત્યારે સ્વામીજી દેવલોક પામ્યા. સ્વામીજીના ઉત્તરાધિકારી તરીકે ગાદીપતિ થવા માટે તેમના શિષ્યો વચ્ચે જંગ જામ્યો. સિમલાના સ્વામીજીના એક આધેડ અનુયાયીએ શિષ્યો વચ્ચે સુલેહ કરાવવા પ્રયત્ન કરી જોયો પરંતુ તેમને સફળતા ન મળી. મને હવે આશ્રમમાં રહેવામાં મારી જાતનું જોખમ જણાયું. મને તે વખતે તમારી ખૂબ યાદ આવી અને તમારી ગેરહાજરી મને સતાવતી રહી. તેવામાં એક દિવસે મારા હાથમાં એક જૂનું ગુજરાતી સમાચાર પત્ર આવ્યું જેમાં તમારા માતા પિતાના બેસાણાની જાહેરાત મે વાંચી. તમે તેમની ધાર્મિક ક્રિયા કરવા સ્વદેશ આવ્યા હશો અને મારી શોધખોળ જરૂર કરી હશે તેવો મને વિશ્વાસ હતો પરંતુ મારા કોઈ સમાચાર મળ્યા નહિ હોય એટલે કદાચ મારા જીવવાની આશા છોડી દીધી હશે અને તમે તમારો નવો સંસાર વાસવી લીધો હશે તેમ માની મે વતનમાં પાછા ફરવાની જગ્યાએ ત્યાં જ સ્થાયી થવાના ઇરાદાથી સ્વામીજીના સિમલાવાળા અનુયાયીને મને કોઈ અભય આશ્રયસ્થાન શોધી આપવા વિનંતી કરી. તેઓ શિમલામાં એક અંગ્રેજી માધ્યમની શાળાનું સંચાલન કરતાં હતા. તેમણે મારી શૈક્ષણિક લાયકાત વિષે જાણકારી મેળવી અને નિશાની ભણવાની ઉમરને ધ્યાને લઈ મને તેમની સાથે સિમલા લઈ ગયા. ત્યાં તેમણે મને તેમની શાળામાં નોકરી આપી. નિશા ત્યાં ઉછરતી અને ભણતી રહી. તેને આપણી જેમ અંગ્રેજી વિષય ભણવામાં ખૂબ રસ હતો અને માધ્યમિક શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં લીધું હોવાથી તેણે અંગ્રેજી વિષય સાથે માસ્ટર કર્યા પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ કર્યું છે. મે શરૂઆતથી નિશાને ગુજરાતી ભાષાનું જ્ઞાન આપ્યું હતું જેથી તે માતૃભાષાના જ્ઞાનથી વંચિત ન રહી જાય. 


નિશા એ ભણવાનું પૂરું કર્યું તેવામાં તેણે આપણાં શહેરની કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલના પદ માટેની ઓનલાઈન જાહેરાત વાંચી. તેણે તે પદની નોકરી માટે અરજી કરી. તેને ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ બોલાવી ત્યારે મારા હદયમાં આપણાં વતનનો પ્રેમ ઊભરી આવ્યો. અમોએ ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું. નિશા સીધી કોલેજમાં ઇન્ટરવ્યુ આપવા ગઈ. મે ઘરે આવી ઘર ખોલ્યું. તમે ઈંગ્લેંડથી મોકલેલો પત્ર ધૂળ ખાતો ઘરમાં પડ્યો હતો. મે પત્ર વાંચ્યો. પચીસ વર્ષ પહેલાની તારીખ હતી. તમે જે નંબર તેમાં જણાવ્યો હતો તે નંબર મે જોડ્યો. અને તમારા વિષે માહિતી માગી. સામેથી કહેવાયું કે હાલ તો નિખિલ મહેતા નામના કોઈ ગેસ્ટ આ હોસ્ટેલમાં રહેતા નથી. મે તેમને પચીસ વર્ષ પહેલાં તમે ત્યાં રહેતાં હતા અને મારે તેમનું અગત્યનું કામ છે તેવું જણાવી કોઈ માહિતી હોય તો પૂરી પાડવા આગ્રહભરી વિનંતી કરી. ત્રણ ચાર મિનિટની શોધ ખોળ પછી સામેથી જવાબ મળ્યો કે મિસ્ટર નિખિલ મહેતાએ દસ વર્ષ પહેલાં આ હોસ્ટેલ છોડી દીધી હતી અને તેઓ ત્યાંથી ક્યાં ગયા છે તેની કોઈ વિગતો મેનેજમેંટ પાસે નથી. 


નિશાને કોલેજના વાઇસ પ્રિન્સિપાલની જગા માટે પસંદ કરવામાં આવી હતી. અમે ઘર સરખું કરી અહી રહેવા લાગ્યા. બે દિવસ પછી હું હર્ષદરાય મહેતાના ઘરે તમારા સમાચાર મેળવવા ગઈ. હર્ષદરાયનું તો બે વર્ષ પહેલાં અવસાન થઈ ગયું છે. તેમના દીકરા પાસે તમારી કોઈ વિગતો ન હતી પણ તેણે કહ્યું કે ચાર પાંચ વર્ષ પહેલાં પપ્પા પાસેથી સંભાળ્યું હતું તે મુજબ નિખિલ મહેતા અમેરીકામાં હતા. મે હવે તમારી મુલાકાતની આશા છોડી દીધી હતી. 


જે દિવસે નિશા નોકરીમાં હાજર થવા ગઈ તે દિવસે હું પણ તેની સાથે કોલેજમાં ગઈ હતી. તે નોકરીમાં જોડાવવાની પ્રક્રિયામાં વ્યસ્ત હતી ત્યારે હું આપણાં પ્રિય સ્થળે જઇ પેલા ગુલમોહર નીચે બેસીને તમને યાદ કરી ખૂબ રડી હતી. હું ખૂબ ઉદાસ થઈ ગઈ હતી. આજ અચાનક તમને જોયા એટલે હું મારી જાતને કાબુમાં ન રાખી શકી. નિશા મમ્મીની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. તેમના જીવનમાં તેમણે પોતાના પ્રેમ ખાતર આપેલી કુરબાનીનો ઇતિહાસ સાંભળી તેને પોતાની માતા પર ખૂબ ગર્વ થાઓ. 


થોડીક ક્ષણો પછી શાલિનીબેન બોલ્યા, “નિખિલ તમારો સંસાર કેમ ચાલે છે ? તમારી પત્ની બાળકો વિગેરે કેમ છે ?“

નિખિલ મહેતા બોલ્યા “ મારી પત્નીનું નામ શાલિની છે અને દીકરીનું નામ નિશા છે. હું વચન ભંગ કરું તેવો માટીપગો નથી. મને આપણાં મિલનની આશા હતી. જીવનના કોઈક વળાંકે આપણી મુલાકાત થાય ત્યારે હું મારુ વચન નિભાવવામાં પાછી પાની કરું તેવા સંજોગો ઊભા ન થાય તે માટે મે આજ દિન સુધી લગ્ન કર્યા નથી. તેથી વધુ કહું તો તારા સિવાય મે કોઈની સાથે લગ્ન કરવાનો વિચાર સુધ્ધાં પણ કર્યો નથી.“ નિખિલ મહેતાએ પોતાની દીકરી નિશાને પોતાની પાસે ખેંચી વહાલ કર્યું.


કોલેજનો સુવર્ણ જયંતિ મહોત્સવ પૂરો કરી નિખિલ મહેતા શાલિની અને નિશાને લઈ મોડી રાત્રે અમદાવાદ તરફ પ્રયાણ કરી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Romance