Abid Khanusia

Drama Thriller

4  

Abid Khanusia

Drama Thriller

સંઘર્ષ

સંઘર્ષ

11 mins
584


તેનું નામ લૂબના હયાત હતું. તે નવસારીની અઢાર વર્ષની સુકોમળ કન્યા હતી. દેખાવે ખૂબસૂરત અને સ્વભાવે નાજુક પોયણી જેવી હતી.

એક જ ધર્મના હોવાના નાતે તેણે આદિલભાઈને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. આદિલભાઈ મુંબઈના રહેવાસી હતા. તે વખતે આદિલભાઈની ઉંમર ૫૬ વર્ષ હતી. બંનેની ઉંમરનો તફાવત જોઈ આદિલભાઈએ તેની રિકવેસ્ટ રિજેક્ટ કરી હતી. થોડા દિવસ પછી ફરીથી રિકવેસ્ટ મળતાં આદિલભાઈએ તે સ્વીકારી લીધી હતી. વળતી પળે જ તેનો મેસેજ આવ્યો હતો, “ હાય અંકલ !.. હું લૂબના હયાત છું. હું નવસારીની છું. તમે કેમ છો અંકલ ...?” આદિલભાઈએ જવાબ આપ્યો, “ મજામાં બેટા. “ પછી તો સમયાંતરે બંને વચ્ચે ખૂબ લાંબા વાર્તાલાપ થતા રહેતા હતા.

   લૂબના ખૂબ ભોળી અને નિખાલસ છોકરી હતી. હજુ તે મુગ્ધાવસ્થામાં હતી. કદાચ તેને સમજી શકે... તેવું ઘરમાં કોઈ નહીં હોય કે તેને કોઈ હમઉમ્ર મિત્ર નહીં હોય... એટલે તે આદિલભાઈ સાથે ફેસબુક મેસેંજર મારફતે ખૂબ ચેટિંગ કરતી રહેતી હતી. તે વખતે વોટ્સએપ આટલું પ્રચલિત ન હતું. આદિલભાઈ અને લૂબના વચ્ચે બાપ-દીકરી જેવો નાતો બંધાઈ ગયો હતો. 

લૂબના સાથેના વાર્તાલાપથી આદિલભાઈ જાણી શક્યા હતા કે તે ખૂબ ગરીબ ઘરની દીકરી હતી. તેના મા-બાપને સ્થાયી આવકના કોઈ સ્રોત ન હતા. તેને એક નાનો ભાઈ હતો... જે હજુ નવમા ધોરણમાં ભણતો હતો. લૂબના ધો-૧૨ પાસ કરી એરહોસ્ટેસનો કોર્સ કરી રહી હતી. મદીના ખાતે નોકરી કરતા તેમની જ્ઞાતીના એક છોકરા સાથે તેની સગાઈ થઈ ગઈ હતી. તે છોકરાનું નામ સુહેલ હતું.  

 જ્યારે લૂબનાને જાણ થઈ કે આદિલભાઈ અને તેમની પત્નીને મક્કા મદીના ઉમરા હજ કરવા જઈ રહ્યા છે... ત્યારે તેણે તેના કુટુંબ માટે દુઆ કરવા વિનંતી કરી હતી. તેણે સુહેલનું મદીનાનું સરનામું અને મોબાઈલ નંબર આદિલભાઈને મોકલ્યો હતો. જો શકય હોય તો સુહેલનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તે સુહેલને ખૂબ ચાહતી હતી. આદિલભાઈ જ્યારે મુંબઈના એરપોર્ટ પર હતા ત્યારે પણ લૂબનાનો ફોન આવ્યો હતો. તે ખૂબ ઉત્સાહિત હતી. તેણે આદિલભાઈને મદીનામાં સુહેલનો સંપર્ક કરવા ફરીથી વિનંતી કરી હતી. દસ દિવસ પછી મક્કાથી મદીના પહોંચી આદિલભાઈએ સુહેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. 

      મક્કા-મદીનાની પવિત્ર યાત્રા પૂરી કરી આદિલભાઈ પરત આવી લૂબનાને તબર્રુક (પ્રસાદ) પહોંચાડવા તેના ઘરનું સરનામું માગ્યું ત્યારે તે ફોન પર રડી પડી હતી. તેણે જણાવ્યું કે સુહેલ ભારત આવ્યો છે. તેની સાથેની સગાઈ ફોક કરી બીજી છોકરી સાથે શાદી કરી લીધી છે. એક મુગ્ધાના સપના રોળાઇ ગયા હતા. તે ખૂબ નિરાશ થઈ ગઈ હતી. આદિલભાઈએ લૂબનાને આશ્વાસન આપ્યું હતું અને અલ્લાહ પર ભરોસો રાખવા કહ્યું હતું.  

સુહેલ સાથેના બ્રેકઅપ પછી લૂબના ફેસબુક પર પ્રવૃત્ત રહેતી ન હતી. જ્યારે એરહોસ્ટેસના કોર્સમાં તે પાસ થઈ ત્યારે તેણે તે ખુશીના સમાચાર આદિલભાઈને આપ્યા હતા. ત્યાર બાદ એક વર્ષ સુધી તેના તરફથી કોઈ સમાચાર ન હતા. તેના જન્મદિવસે આદિલભાઈએ તેને શુભેચ્છાનો સંદેશો પાઠવ્યો હતો જેના જવાબમાં તેણે “ થેન્ક યુ અંકલ“ એટલો ટૂંકો જવાબ પાઠવ્યો હતો. બે વર્ષ પહેલાં જ્યારે આદિલભાઈએ તેને જન્મદિવસે “ વિશ “ કર્યું ત્યારે ખૂબ ઉત્સાહથી તેણે આદિલભાઈને ફોન કરીને લગભગ અડધો કલાક સુધી વાતચીત કરી હતી. તે દિવસે તે ચહેકતી બુલબુલ જેટલી ખુશ હતી. આજના શુષ્ક સંદેશાને વાંચી આદિલભાઈ સમજી ગયા હતા કે કદાચ તેની સગાઈ તૂટી જવાના કારણે લૂબના નિરાશ હતી. “ દુઃખનું ઓસડ દા’ડા “ ઉક્તિ મુજબ થોડા સમયમાં લૂબનાના જીવનમાં પણ સૌ સારાં વાના થઈ જશે... તેમ માની આદિલભાઈએ મન મનાવ્યું હતું. 

તેના જન્મદિવસ પછી લગભગ સાત મહિને લૂબનાનો એક ટૂંકો મેસેજ આદિલભાઈને મળ્યો હતો “ અંકલ મને એક એરલાઇન્સમાં એરહોસ્ટેસની નોકરી મળી ગઈ છે. મારી કામયાબી માટે દુઆ કરજો. “ આદિલભાઈએ તેને અભિનંદન પાઠવી શુભેછાઓ પાઠવી હતી. ત્યાર પછીના તેના જન્મદિવસે આદિલભાઈએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.... પરંતુ લૂબનાએ કોઈ જવાબ આપ્યો ન હતો. કદાચ તે વિદેશમાં હશે...અથવા તેમનો સંદેશો તેણે વાંચ્યો નહીં હોય તેવું આદિલભાઈએ વિચાર્યું હતું.

   સાત-આઠ માસ પછી એક રાત્રે આદિલભાઈ પર લૂબનાનો ફોન આવ્યો હતો. તે ફોન પર ખૂબ રડતી હતી. તેણે જણાવ્યું કે તેની સાથે વિદેશમાં પાયલોટ અને કો-પાયલોટે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે નોકરીના જોખમે પોતાની ઇજ્જત બચાવી હતી. તેણે તેની સાથે થયેલા દૂરવ્યવહાર અંગે ભારત સરકારના એવિએશન મંત્રાલયને ફરિયાદ કરી હતી. તેને ન્યાય મળ્યો ન હતો એટલે તેણે એરહોસ્ટેસની નોકરી છોડી દીધી હતી. ત્યારે ઘર ચલાવવા માટે તે સીવણ અને મહેંદીના ક્લાસ ચલાવતી હતી. તે ખૂબ દુઃખી હતી. તેનો ભાઈ હવે કોલેજમાં ભણતો હતો. અભ્યાસ પૂરો કરી તે કમાતો થશે એટલે તેમના જીવનમાં સુખનો સૂરજ ઊગશે તે આશાએ તે જીવન ગુજારી રહી હતી. તેણે તેનો મોબાઇલ નંબર પણ બદલી નાખ્યો હતો. લૂબનાના જીવનમાં ઘટેલા દુ:ખદ બનાવથી આદિલભાઈ પણ વિચલિત થઈ ગયા હતા. તેમણે એક બાપની જેમ લૂબનાને ધીરજ અને હિંમતથી કામ લેવાની શિખામણ આપી હતી. તેમને થયું કે લૂબનાને એરહોસ્ટેસની નોકરી ન મળી હોત તો સારું થાત...!!

વળી છ માસ પછી આદિલભાઈને લુબનાનો એક સંદેશો મળ્યો હતો..‌ “ અંકલ મારી સગાઈ થઈ ગઈ છે. છોકરો જર્મનીમાં રહે છે. હું તેને ઓળખતી નથી. તેમણે સામેથી સગાઈ માટે કહેણ મોકલ્યું છે. તેનું કુટુંબ ખૂબ સુખી છે. કદાચ નજીકના ભવિષ્યમાં અમારા લગ્ન થઈ જશે. હું તમને આમંત્રણ મોકલાવીશ.... તમે જરૂર મારા લગ્નમાં આવજો. “ લૂબનાનો સંદેશો વાંચી આદિલભાઈએ તેના સુખી લગ્ન જીવન માટે આલાહને દુઆ કરી હતી. તેમણે અને તેમની પત્નીએ લગ્નમાં હાજર રહેવાનું અને તેને ભેટ આપવા માટે સોનાનો દાગીનો લઈ જવાનું નક્કી કર્યું હતું. 

     કોઈ અગમ્ય કારણોસર લૂબનાનું આમંત્રણ આદિલભાઈને મળ્યું નહોતું. લૂબનાએ થોડા દિવસ બાદ તેના અને તેના પતિના લગ્નના ફોટા વોટ્સએપ પર શેર કર્યા હતા. ફોટામાં તે ખુશ દેખાતી હતી. તેનો પતિ દેખાવડો અને સશક્ત દેખાતો હતો. આદિલભાઈને તેમની જોડીને જોઈ ખૂબ આનંદ થયો હતો. તેમણે લૂબનાને તેના સુખી લગ્નજીવન માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. 

લગ્ન પછી છ માસના ગાળામાં લૂબનાનો એક સંદેશો આદિલભાઈને મળ્યો હતો “ અંકલ! મારો પતિ દારુડીયો, લંપટ અને શંકાશીલ સ્વભાવનો છે. કદાચ તેની સગાઈ તેમના ગોળમાં થતી નહીં હોય એટલે તેમણે સામેથી મારી સાથે સગાઈ માટે કહેણ મોકલ્યું હશે તેવું મારું અનુમાન છે...! તેને મારા ચારિત્ર્ય પર શંકા છે. હું એરહોસ્ટેસ હતી એટલે મારું ચારિત્ર્ય શિથિલ હશે તેવું તે માને છે. તે વાતને લઈ તે મારી સાથે મારઝૂડ કરે છે. મને માનસિક અને શારીરિક યાતનાઓ આપે છે. તે વિકૃત મગજનો છે. તે સળગતી સિગારેટ ચાંપી મારા શરીર પર ડામ દે છે. હું તેની સાથે પરણીને ફસાઈ ગઈ છું.” આ સંદેશો વાંચી આદિલભાઈની આંખો ભરાઈ આવી હતી. તેમણે એક લાંબો મેસેજ લખી પોસ્ટ કર્યો હતો. ગમે તેવા સંજોગોમાં પણ આત્યાચાર સામે લડત આપવા શિખામણ આપી હતી. તેમણે તેમના જીવનમાં જોયેલા અને અનુભવેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગો જણાવી ધીરજથી કામ લેવાથી અલ્લાહે દીકરીઓની કેવી મદદ કરી હતી અને તે દીકરીઓ પાછળથી કેવી સુખી થઈ હતી.... તેની વિગતો લખી હતી. તેમણે લૂબનાને પણ ધીરજ રાખી કુનેહથી કામ લેવા શિખામણ આપી હતી. તે વાતને આજે આઠ વર્ષ વીતી ગયા હતા. હાલ લૂબના વિશે આદિલભાઈ પાસે કોઈ જાણકારી ન હતી.   

આદિલભાઈ અને તેમની પત્ની નેધરલેંડથી ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે જોગાનુજોગ તેમને કનેકટિંગ ફ્લાઇટ પકડવા માટે જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર રોકવાનું થયું હતું. તેમની કનેકટિંગ ફ્લાઈટ માટે તેમને ચાર કલાક રાહ જોવાની હતી. તે એરપોર્ટ પર વેઇટ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક લૂબના હયાતની યાદ આવી ગઈ. એરપોર્ટના ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરી તેમણે પોતાનું ફેસબુક એકાઉન્ટ ખોલ્યું અને મેસેજીસ જોવામાં વ્યસ્ત થઈ ગયા. 

આદિલભાઈ મેસેજીસ જોવામાં વ્યસ્ત હતા ત્યારે “ અસ્સલામો અલયકુમ.....આદિલ અંકલ..!!!“ નો મીઠો અવાજ સાંભળી આદિલભાઈએ ચોંકીને ઊંચે જોયું. સામે લૂબના હયાત તેના પાંચ વર્ષના પુત્ર સાથે ઊભી હતી. તેની પાસે બે ટ્રાવેલ બેગ પણ હતી. આદિલભાઈ અને લૂબના જિંદગીમાં પહેલી વાર સદેહે મળતા હતા. તે સાડા પાંચ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી અને ખૂબ દેખાવડી હતી. તેનો આછો મેકઅપ કરેલો ચહેરો ચમકતો હતો. તેની પાણીદાર પણ ભાવનાશીલ આંખો તેની સુંદરતામાં વધારો કરતી હતી. તે લગભગ તેની ત્રીસીમાં હતી. આદિલભાઈ લૂબનાને જોઈ ભાવુક થઈ ગયા એટલે લૂબનાની આંખો પણ ભરાઈ આવી. તેના લાડકા પ્રિન્સે તેની મમ્મીને આંખો લૂછવા સુગંધિત ટીશ્યુ ધર્યો... જે લઈ લૂબનાએ પોતાનો ચહેરો સાફ કરી સ્વસ્થતા મેળવી લીધી. 

લૂબના બોલી, “ અંકલ.. વોટ અ સરપ્રાઈઝ ! આપની સાથે અહીં જર્મનીમાં મુલાકાત થશે તેવું મેં કદી સ્વપ્નામાં પણ વિચાર્યું ન હતું. લાગે છે અલ્લાહ મારા પર ખૂબ મહેરબાન છે !” 

આદિલભાઈ : “ લૂબના ... બેટા.. . તું ટેલિપથીમાં માને છે ? મને હજુ થોડી મિનિટો પહેલાં જ તું યાદ આવી હતી. ઘણા વર્ષોથી તારા કોઈ સમાચાર ન હતા. છેલ્લા સમાચાર મુજબ જર્મનીમાં હોવાનું તે મને જણાવ્યું હતું. આજે કનેકટિંગ ફ્લાઇટ માટે મારે અહીં ઉતરવાનું થયું એટલે તારી યાદ આવી ગઈ હતી.”  

લૂબના: અંકલ ટેલિપથી તો ખરી જ... સાથોસાથ ફેસબુક ટીમનો પણ આભાર. હું ઈન્ડિયાથી આવી રહી છું. ફ્લાઇટમાંથી ઉતરી મેં મારો મોબાઈલ ઓન કર્યો ત્યારે “ યોર ફેસબુક ફ્રેન્ડ આદિલ અંકલ ઇસ નિયરબાય " નો સંદેશો ફેસબુક ટીમે મને મોકલ્યો તે વાંચીને પહેલાં તો હું સ્તબ્ધ થઈ ગઈ. તમે અહીં ક્યાંથી હોવ તે હું સમજી ન શકી તેમ છતાં મેં તરત તમને વોટ્સએપ પર મેસેજ કરી જણાવ્યું “ અંકલ, મારી રાહ જો જો હું તમારા સુધી પહોંચી રહી છું....પરંતુ તમે તે મેસેજ વાંચ્યો ન હતો તેથી તમારા તરફથી કોઈ રિસ્પોન્સ ન આવ્યો. હું હાંફળી ફાંફળી તમને શોધતી શોધતી અહીં આવી પહોંચી છું..!!!”

લૂબના આજુબાજુ નજર કરી આગળ બોલી, “ આંટી સાથે નથી ?” આદિલભાઈ બોલ્યા “ છે ને... જો ત્યાં નમાજ અદા કરી રહી છે ..” નમાજ પૂરી કરી આદિલભાઈના પત્ની આવ્યા એટલે આદિલભાઈએ તેમની ઓળખાણ લૂબના સાથે કરાવી. તે લૂબનાની હકીકત જાણતા હતા. તેમણે લૂબનાને સીધો જ પ્રશ્ન કર્યો, “ બેટા .. તું સુખી તો છે ને ? તારા ઘરવાળો તને હવે સારી રીતે રાખે છે કે નહીં?” 

લૂબના હસીને બોલી, “ હા આંટી.... હવે તો સુખ જ સુખ છે ! લગ્ન પછી મે ખૂબ દુઃખ વેઠયું હતું. લગ્ન પછી બે વર્ષ સુધી તેણે મને ખૂબ હેરાન પરેશાન કરી હતી. ત્યારબાદ તેણે મને તલ્લાક આપી દીધી હતી.”

લૂબનાની વાત સાંભળી આદિલભાઈની પત્નીના મોંઢામાંથી ઉદગાર સારી પડ્યો “ હાય.. હાય.. તલ્લાક ... ! પછી શું થયું ?’ તેમના અવાજમાં અને ચહેરા પર દુઃખ મિશ્રિત આશ્ચર્ય ફેલાયેલું હતું. 

 લૂબનાએ તેના દીકરાના માથે હાથ મૂકી આગળ કહ્યું, “ મને તલ્લાક આપી ત્યારે ઝીયા મારા પેટમાં હતો. મારા સાસુ સસરા ખૂબ સારા છે. તેમણે મને મારા પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પ્રોત્સાહિત કરી. જર્મનીના કાયદા મુજબ મે અહીંની કોર્ટમાં ભરણપોષણ અને મિલકતમાં કાયદેસરનો હિસ્સો લેવા કેસ દાખલ કર્યો. ત્રણ વર્ષ સુધી મારો કેસ ચાલ્યો. નામદાર કોર્ટે મને વચગાળાનું ભરણપોષણ આપવા હુકમ કર્યો હતો. કેસ ચાલ્યો તે દરમ્યાન મેં અહીંના કાયદાનો અભ્યાસ કર્યો. મારા લોયર ખૂબ સારા અને અનુભવી હતા. તેમણે મને અભ્યાસમાં ખૂબ મદદ કરી હતી. મારા કેસનો ત્રણ વર્ષ બાદ ચુકાદો મારી તરફેણમાં આવ્યો હતો. મને મારા પતિની મિલકતમાંથી પચાસ ટકા હિસ્સો મળ્યો છે. 

મારો વકીલાતનો અભ્યાસ પૂરો થયા પછી હું મારા લોયર સાથે વકીલાતના વ્યવસાયમાં જોડાઈ છું. અહીં વસતા ભારતીયોને લીગલ એડવાઈસ આપું છું. મારી પ્રેક્ટિસ ખૂબ સરસ ચાલે છે. હું અત્યારે ખૂબ સુખી છું. મારા સાસુ સસરા તેમના દીકરાનો ત્યાગ કરી મારી સાથે રહે છે. મારો ભાઈ અમેરિકામાં સ્થાયી થયો છે. તેને સારી નોકરી છે. મારા અબ્બૂ બે વર્ષ પહેલાં ગુજરી ગયા છે. ભાઈએ અમ્મીના પી.આર. મેળવવા માટે ફાઇલ મૂકી છે પરંતુ તેની મંજૂરીમાં હજુ વાર લાગશે. તે દરમ્યાન મારી અમ્મીને વિઝિટર્સ વિઝા મળતાં મારા ભાઈ પાસે છ માસ રહેવા માટે અમેરીકા આવી હતી. તે ભારત પાછા ફરતી વખતે મને મળવા જર્મની આવી હતી. હું તેને મૂકવા ઈન્ડિયા ગઈ હતી. મારે તમને રૂબરૂ મળવું હતું એટલે મેં ઈન્ડિયામાં તમારો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. તમારો ફોન બંધ આવતો હતો. ઝીયાનું વેકેશન પૂરું થયું એટલે હું પાછી જર્મની આવી ગઈ છું. આપણું મળવાનું અલ્લાહે નિયત કર્યું હશે એટલે આપણે અહીં મળી ગયા. અલ્લાહ પણ ઉપર બેઠો બેઠો કેવી ચાલ ચાલે છે તેની આપણને કયાં ખબર પડે છે ? ખરેખર તેની ગત ન્યારી છે... !"

લૂબનાએ ઘણી વાર સુધી પોતાની સુખ-દુઃખની વાતો કરી પોતાનું હૃદય હળવું કર્યું. લૂબના તેમના માટે નાસ્તો અને કોફી લઈ આવી. ઘરે પહોંચવામાં થયેલ વિલંબ થવાના કારણે તેના ઘરેથી તેની સાસુના બે વાર ફોન આવી ગયા હતા. તેણે આદિલભાઈને અને તેમની પત્નીને જર્મની રોકાઈ જવા અને તેમના મહેમાન થવા ખૂબ આગ્રહ કર્યો પણ વિઝા ન હોવાના કારણે તે શક્ય ન હતું. ફ્લાઇટના બોર્ડિંગ પાસ મેળવી લેવાનો સંદેશો મોનીટર પર પ્રસારિત થયો ત્યાં સુધી લૂબના એરપોર્ટ પર રોકાઈ. 

છૂટા પડતી વખતે આદિલભાઈને પત્નીએ લૂબનાને કહ્યું,“ બેટા ..! કોઈ સારું પાત્ર જોઈ નિકાહ કરી લેજે. એકલા જીવન ગુજારવું અઘરું છે. “

લૂબના : આંટી, મને ઈન્ડિયામાં સુહેલ મળ્યો હતો. તેની પત્નીનું મૃત્યુ થઈ ગયું છે. મારી સાથે સગાઈ ફોક કરવા બદલ તેણે ખૂબ અફસોસ કર્યો હતો. માફ કરી દેવા આજીજી કરી હતી. તેણે તેની સાથે નિકાહ કરી લેવા મને પ્રપોઝ કર્યું હતું પરંતુ મેં તેને સ્પષ્ટ ના પાડી દીધી હતી.” 

 લૂબના આગળ બોલી,“ આંટી! મેં આટલી ટૂંકી જિંદગીમાં ખૂબ તડકી-છાંયડી જોઈ લીધી છે. લગ્ન જીવનએ “લાકડાના લાડવા જેવું છે” જે ખાઈ શકાતા નથી અને જો ખાઈ શકાય તો પચાવી શકાતા નથી માટે ફરીથી મારે જીવતરને ઝેર કરવું નથી ! હું હવે ઝિયા માટે જીવીશ....!!” લૂબનાના અવાજમાં રહેલું દર્દ આદિલભાઈ અને તેમના પત્નીને સમજાતું હતું. 

 તેણે સ્વસ્થતા પ્રાપ્ત કરી આદિલભાઈને કહ્યું “ અંકલ.. તમે મારા બાપ બરાબર છો. હું તમારી હુંફ અને શિખામણના કારણે વિકટ સ્થિતિમાં પણ સંઘર્ષ કરીને ટકી રહી છું... માટે હું અહીંથી તમારા અને આંટીના વિઝા સ્પોન્સર કરીશ અને ટિકિટ પણ મોકલી આપીશ. તમારે મારા મહેમાન થવું જ પડશે.” 

આદિલભાઈ અને તેમની પત્ની લૂબનાને સુખીજીવન માટે શુભકામનાઓ પાઠવી “ ખુદા હાફિઝ “ કહી તેનાથી છૂટા પડ્યા. તે દેખાયા ત્યાં સુધી લૂબના તેમની તરફ હાથ હલાવતી ઊભી રહી હતી. 

“અલ્લાહ પણ જીવનમાં લોકોને કેવા કેવા ખેલ ખેલવા મજબૂર કરે છે....!” તેવું વિચારતા વિચારતા આદિલભાઈ તેમની પત્ની સાથે એરક્રાફ્ટમાં દાખલ થયા.  

ઉપરના પ્રસંગ પછી બે વર્ષ બાદ લૂબનાનો એક સંદેશો આદિલભાઈને મળ્યો. તેણે લખ્યું હતું.. "અંકલ, મને અહી જર્મનીમાં એક હમદર્દ હમસફર મળી ગયો છે. તે મારા ઝિયાનો શિક્ષક છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. હું તેની સાથે નિકાહ કરી રહી છું...!! મારા સાસુ સસરાએ તેમાં સંમતિ આપી દીધી છે. હું તમારા વિઝા સ્પોન્સર કરી રહી છું. તમારી અને આંટીની ટિકિટ પણ મોકલાવી રહી છું. મારી અમ્મી પણ તમારી સાથે જર્મનીના પ્રવાસમાં જોડાશે. મારો ભાઈ અમેરિકાથી આવવાનો છે. હું તમારી હાજરી વિના નિકાહ નહીં કરું માટે તમારે મારા આ નિકાહમાં જરૂર આવવાનું છે. મારા પહેલા નિકાહમાં ખૂબ અંગત સગાઓ સિવાય બીજા કોઈને આમંત્રણ આપવાનું ન હતું એટલે હું મજબૂરીના કારણે તમને આમંત્રણ આપી શકી ન હતી પણ આ વખતે હું તમારી હાજરીમાં અને તમારી દુઆઓની સાથે જ નિકાહની રજા આપીશ... પ્લીઝ! તમારે અચૂક આવવાનું છે. ”  

આદિલભાઈ અને તેમની પત્નીનું શરીર વૃધ્ધાવસ્થાના કારણે એટલી લાંબી મુસાફરીની ઇજાજત આપતું ન હતું..... તેમ છતાં પોતે હ્રદયથી માનેલી દીકરીની ઈચ્છા પૂરી કરવા અને લૂબનાના સંઘર્ષના દિવસો પૂર્ણ થયેલા હોવાનું વિચારી તેમણે જર્મની જવાની તૈયારી શરૂ કરી દીધી...!!


Rate this content
Log in

Similar gujarati story from Drama