સ્નેહભીની યાદ
સ્નેહભીની યાદ
મધુરું મિલન હો કે પછી વસમો વિયોગ,
યાદો સદા ભીંજાય છે વરસાદમાં.
ધરતી ભૂતકાળમાં સરી પડી. આકાશ ખૂબ સરસ ગઝલ લખતો. ધરતી આકાશના એક એક શેર પર ફિદા હતી. બન્ને 'શબ્દ વાવેતર સાહિત્ય સમૂહ' દ્વારા એકબીજાથી પરિચિત થયાં હતાં. ધરતીએ ઘણી ગડમથલ બાદ આકાશને પૂછ્યું હતું,"આપ મને ગઝલ લખતાં શીખવશો ?" આકાશે પણ તરત જ હા પાડી હતી. ધરતીનાં આનંદનો પાર નહોતો રહ્યો.
આકાશ રોજ સાંજે ધરતીને ગઝલ શીખવતો. ધરતી પણ મન દઈને શીખતી. ગઝલ શીખતાં, શીખવાડતાં બન્ને હૈયાંની ક્ષિતિજ પર પ્રેમની ગઝલ લખી બેઠાં. એકમેકને દિલ દઈ બેઠાં.
"આકાશ, તું તારા ઘરે આપણા પ્રેમ વિશે જણાવી દે, અને હું મારા ઘરે." ધરતીની વાત સાંભળી આકાશ કાંઈક વિચારવા માંડ્યો. "આકાશ, બોલ ને. તું ચુપ કેમ થઈ ગયો ? આપણે લગ્ન કરી લઈએ. એક પળનો વિયોગ પણ મારાથી હવે સહન નથી થતો."
"ધરતી, આપણે કાલે જ લગ્ન કરી લેશું. લગ્ન કરી વડીલોના આશીર્વાદ લેશું."
આકાશની વાત સાંભળીને ધરતી શરમાઈ ગઈ, અને મધુર મિલનનાં સમણામાં ખોવાઈ ગઈ. ૧૧ જૂન, મોસમનો પહેલો વરસાદ, પરંતુ કાંઈક અલગ જ અંદાજમાં, રૌદ્ર રૂપમાં, સવારથી જ તોફાને ચડ્યો હતો.
"આકાશ, જીદ ના કર, આજે વરસાદનો મિજાજ ઠીક નથી. આપણે આજે લગ્ન નહીં કરીએ."
ધરતીએ સમજાવવાની કોશિશ કરી પરંતુ આકાશ પણ આજે અલગ મિજાજમાં હતો.
"ધરતી, હું આવું છું. લગ્ન તો આજે જ થશે. તું તૈયાર રહેજે."
"આકાશશશશશશ......." ધરતી એક લાંબી ચીસ પાડી બેહોશ થઈ ગઈ હતી. આકાશની સાથે જ ગઝલે પણ ધરતીનાં જીવનમાંથી કાયમ માટે વિદાય લીધી હતી. એ પછી ધરતી ક્યારેય ગઝલ નહોતી લખી શકી. ગઝલ લખવાનું સદંતર બંધ જ કરી નાખ્યું હતું. આકાશ જેટલો જ પ્રેમ ધરતીને શબ્દો સાથે પણ હતો તેથી નાની નાની વાર્તાઓ લખીને એ પોતાની લાગણીઓ શબ્દોમાં ઠાલવતી. આજની સ્પર્ધામાં પણ પોતાના જીવનની સ્નેહભીની યાદને ધરતીએ શબ્દો દ્વારા વાચા આપી વાર્તા પૂરી કરી.

