માવતર
માવતર
શેઠ ધનવંતરાય અને શેઠાણી ધનલક્ષ્મીનું એકમાત્ર સંતાન તેમની દીકરી ધનશ્રી. ખૂબ લાડકોડથી ઉછેરી, ભણાવી ગણાવી ઉંમરલાયક થતાં જ્ઞાતિનાં જ ખાનદાન પરિવારમાં લગ્ન નક્કી કર્યા. અખાત્રીજનું શુભ મુહૂર્ત નક્કી થયું.
લગ્નનાં શુભ પ્રસંગો મહેંદી, સંગીત સંધ્ચા, વિવાહ, સ્વાગત સમારંભ વગેરે માટે લોનાવાલાનો રિસોર્ટ બુક કર્યો. લગ્નનાં અઠવાડિયા પહેલા બધા હસતાં, ગાતાં સગાસંબંધીઓ સંગે સહર્ષ લોનાવાલા જવા રવાના થયાં. જે કારમાં ધનશ્રી હતી એ કારને ગોઝારો અકસ્માત થતાં ધનશ્રીનું કરૂણ અવસાન થયું.
શેઠ શેઠાણી આધાતમાં ગરકાવ થઈ ગયા. દુ:ખનું ઓસડ દહાડા, જેવી પ્રભુ ઈચ્છા એમ કહી એકબીજાને સાંત્વના આપતાં બંનેએ વિચાર્યુ કે ભગવાને આપણી પાસેથી એક દીકરી લઈ લીધી પણ ગામમાં, સમાજમાં, દેશમાં ઘણી દીકરીઓ છે જેમાંથી અમુકના માવતર નથી તો વળી અમુકના માવતર નિર્ધન છે. બંનેએ નક્કી કર્યુ, "આપણે આ સહુ દીકરીઓનાં માવતર બનશું."
અનેકાનેક અનાથ, નિર્ધન અને નિરાધાર દીકરીઓના લગ્નની જવાબદારી શેઠ શેઠાણીએ સ્વિકારી લીધી. તેઓ દરેક દીકરીમાં પોતાની દીકરી ધનશ્રીની છબી નિહાળતા. કેટલીય દીકરીઓના માવતર બની ઘરવખરીની જરૂરી ચીજો, કબાટ, વાસણો, દાગીના, કપડાલતા વગેરે સહ અંતરનાં આશિષ આપી કન્યાદાન કરી તેમની સાસરે વિદાય કરી માવતર ધર્મ નિભાવી પોતાનું જીવન સાર્થક કર્યુ અને ધનશ્રીને ખરી અંજલિ આપી.
