પ્રેરણાદાયી ભેટ
પ્રેરણાદાયી ભેટ
નાનકડો મોન્ટુ આજે પોતાનો જન્મદિવસ હોવાથી સવારથી જ ખૂબ ખુશખુશાલ હતો. સવારે વહેલો ઊઠી, નાહી ધોઈ, નવાં કપડાં પહેરી, સર્વ વડીલોને પગે લાગ્યો, પછી દાદા સાથે મંદિર દેવદર્શન ગયો. જન્મદિવસ નિમિત્તે સાંજે મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોન્ટુનો હરખ માતો ન હતો. મોન્ટુ દાદાજીને,"આપણે બધાને વળતરની ભેટમાં શું આપશું ?" દાદાજી મોન્ટુને, "બેટા, હમણાં નહીં કહું. તું જ જોજે સાંજે."
મોન્ટુ સાંજ થવાની જ રાહ જોતો હતો. સાંજ પડી. ધીમે ધીમે એક પછી એક મહેમાનો અને તેના મિત્રો આવવા મંડ્યાં. કેક કાપી. નાસ્તો કર્યો, રમતો રમ્યાં, અને ખૂબ ધમાલ મસ્તી કરી. બધાએ મોન્ટુને અવનવી ભેટ આપી. દાદાજી બધાને આપવા માટે કેટલાંય છોડ લાવ્યાં હતાં. દાદાજી મોન્ટુને," મોન્ટુ, દરેકને આમાંથી એક એક છોડ આપ બેટા." બધાં એકબીજા સામે જોવા મંડ્યાં.
દાદાજીએ બધાંને ઉદેશીને કહ્યું," આ છોડ બધા પોતપોતાનાં આંગણામાં વાવજો. સૌને તાજી હવા મળશે. પ્રાણવાયુની અછત નહીં સર્જાય. સૌનું સ્વાસ્થય નીરોગી રહેશે. આંગણાનું સૌંદર્ય ખીલશે. આ છોડમાંથી વૃક્ષ થશે, અને છાંયો મળશે. આપણા પર્યાવરણનું રક્ષણ થશે." સહુ સાંભળીને ખુશ થઈ ગયાં અને એકસાથે બોલી ઊઠયા."હા દાદાજી, અમે જરૂર વાવશું આ છોડ, અને હવે જ્યારે પણ અમારો જન્મદિવસ હશે અમે પણ સૌને ભેટમાં છોડ આપશું."આવી સરસ પ્રેરણા આપવા બદલ સૌએ દાદાજીનો ખૂબ આભાર માન્યો. મોન્ટુને પણ સૌને જન્મદિવસની આવી અનોખી, પ્રેરણાદાયી ભેટ આપીને ખૂબ આનંદ થયો.
