પૈસાનું ઝાડ
પૈસાનું ઝાડ
"માનસી, શું વાત છે ? આ વરસે ઉનાળાની રજાઓમાં તારે પીયર નથી જવું ? ઉનાળો પૂરો થવા આવ્યો તો પણ તું કાંઈ બોલી નથી. કાંઈ ખાસ કારણ ?" મનને પૂછયું.
"અરે, ના રે ના. કાંઈ કારણ નથી. અમદાવાદમાં ઉનાળામાં બહુ ગરમી હોય એટલે મેં જ નક્કી કર્યું કે આ વરસે ઉનાળાની રજાઓમાં પીયર નથી જવું." માનસીનો સાંભળીને મનનને નવાઈ લાગી.
સાંજે મનન અને માનસી બાલ્કનીમાં બેઠાં હતાં. નાનકડાં મોન્ટુને કૂંડામાં કશુંક કરતાં જોઈ બન્નેએ મોન્ટુને પૂછ્યું, "શું કરે છે બેટા ?"
"હું કુંડામાં સિક્કો વાવું છું. સિક્કામાંથી રૂપિયાનું ઝાડ ઉગશે એટલે નાનીનાં ઘરે જવાં મળશે." મોન્ટુનો જવાબ સાંભળી મનનને નવાઈ લાગી પણ માનસી થોડી ઝંખવાઇ ગઈ.
ગયાં વરસે ઉનાળમાં નાનીનાં ઘરે ગયાં હતાં ત્યારે મામીએ નાનીને કહ્યું હતું,"અહીં પેસાનું ઝાડ નથી ઉગતું. તમે વાર તહેવારે અને ઉનાળામાં રહેવા આવી જાઓ છો. અમને ઘણો ખર્ચ થાય છે. હવેથી ઉનાળાની રજાઓમાં અહીં ના આવશો."
મોન્ટુની વાત સાંભળી મનનને માનસીનું પિયર ન જવાનું કારણ સમજાઈ ગયું. માનસીની આંખો લૂછતાં મનને કહ્યું, "માનસી, મોન્ટુ આ વરસે આપણે ઉનાળાની રજાઓમાં કાશ્મીર ફરવાં જશું. ચાલો, તૈયારીઓ શરુ કરી દો."
મનનની વાત સાંભળીને માનસી અને મોન્ટુનો ચહેરો ખીલી ગયો.
